ETV Bharat / city

સફેદ માખીના ઉપદ્રવ અને વાવાઝોડાની વિપરીત અસરની વચ્ચે વિશ્વ કોકોનટ દિવસની થઈ રહી છે ઉજવણી

author img

By

Published : Sep 2, 2021, 5:29 PM IST

સમગ્ર વિશ્વમાં ગુરુવારે વિશ્વ કોકોનેટ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. એશિયા પેસેફિક કોકોનેટ કોમ્યુનિટી દ્વારા દર વર્ષની 2જી સપ્ટેમ્બરના દિવસે વિશ્વ કોકોનટ દિવસની ઉજવણી કરવાની શરૂઆત થઈ હતી, ત્યારથી આજદિન સુધી વિશ્વ કોકોનટ દિવસની ઉજવણી થઈ રહી છે. ચોરવાડથી લઈને ઉના (લીલી નાઘેર) સુધીના દરિયાઇ વિસ્તારમાં કોકોનટની ખેતી અને તેનું ઉત્પાદન થઈ રહ્યું છે પરંતુ દિન-પ્રતિદિન કોકોનટની ખેતીને લઇને ખેડૂતો મુશ્કેલીભર્યા સમયમાંથી પસાર થઈ રહ્યા છે. પાછલા કેટલાક વર્ષોથી નાળિયેરના પાકમાં રોગ જીવાતના ઉપદ્રવની સાથે પાંચેક વર્ષથી દર વર્ષે વાવાઝોડાને કારણે પણ પાકને નુકસાન થઈ રહ્યું છે. જેને કારણે નાળિયેરની ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો ભારે મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે.

World Coconut Day
World Coconut Day

  • આજે સમગ્ર વિશ્વમાં નારિયેળ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે
  • નારિયેળીના પાકમાં આવેલી સફેદ માખી અને વાવાઝોડું ખેડૂતોને મુખ્ય સમસ્યા
  • રાજ્ય અને કેન્દ્ર સરકારે ચોરવાડ નજીક નારીયેળીનું પીઠું બનાવવાનું આપ્યું હતું વચન તે હજુ પણ દિવાસ્વપ્ન

જૂનાગઢ: આજે સમગ્ર વિશ્વ નારિયેળ દિવસ મનાવી રહ્યો છે. ગીરકાંઠાના ચોરવાડથી લઈને ઉના સુધીના વિસ્તાર (લીલી નાઘેર) માં છેલ્લા કેટલાય વર્ષોથી પારંપરિક રીતે નાળિયેરની ખેતી થતી જોવા મળી રહી છે. નાળિયેરની ખેતીને કલ્પવૃક્ષની ખેતી સમાન પણ માનવામાં આવે છે. નાળિયેરના પ્રત્યેક ભાગનો ઉપયોગ ખોરાકથી લઈને પીણુ તેમજ સૌંદર્ય પ્રસાધનથી લઈને સાફ સફાઈ કરવાના સાધનો બનાવવામાં ઉપયોગ થાય છે. નારીયેળીનું આખું ઝાડ તેના જીવનકાળ દરમિયાન પ્રત્યેક વ્યક્તિને ઉપયોગી થવાની સાથે રોજગારી પણ આપી રહી છે. તેથી તેને કલ્પવૃક્ષ તરીકે પણ માનવામાં આવે છે પરંતુ પાછલા પાંચેક વર્ષથી નાળિયેરની ખેતી કરતા ખેડૂતો ખૂબ પરેશાનીમાં જોવા મળી રહ્યા છે.

સફેદ માખીના ઉપદ્રવ અને વાવાઝોડાની વિપરીત અસરની વચ્ચે વિશ્વ કોકોનટ દિવસની થઈ રહી છે ઉજવણી

દર વર્ષે ગીરના કાંઠા વિસ્તારમાં આવી રહેલા વાવાઝોડા પણ નારિયેળીના પાકને કરી રહ્યા છે નુકસાન

પાછલા પાંચ વર્ષથી ગીર કાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાની સાથે નાળિયેરીમાં સફેદ માખીનો ઉપદ્રવ પણ જોવા મળી રહ્યો છે. નાળિયેરીમાં જોવા મળતી સફેદ માખી મુખ્યત્વે યુરોપના દેશોમાં જોવા મળતી હતી. જેનો ઉપદ્રવ હવે ગીરકાંઠાના વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. સફેદ માખીને નારીયેળીનું કેન્સર પણ કહેવામાં આવે છે. એક વખત સફેદ માખીનો ઉપદ્રવ થયા બાદ નારિયેળીને બચાવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે. આવા સમયે પાછલા પાંચેક વર્ષથી ગીરના દરિયાઇ વિસ્તારમાં સતત વાવાઝોડા પણ આવી રહ્યા છે. જેને કારણે પણ નાળિયેરીના પાકને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે.

સફેદ માખીના ઉપદ્રવ અને વાવાઝોડાની વિપરીત અસરથી ખેડૂતો પરેશાન
સફેદ માખીના ઉપદ્રવ અને વાવાઝોડાની વિપરીત અસરથી ખેડૂતો પરેશાન

આજે પણ સમગ્ર વિશ્વમાં 10 જેટલા નાળિયેરની વેરાઈટીની ખેતી થતી જોવા મળે છે

સમગ્ર વિશ્વમાં દસ જેટલી વેરાયટીના નાળિયેરની ખેતી આજે પણ થઈ રહી છે. સામાન્ય સંજોગોમાં પ્રત્યેક નારીયેળીનું ઝાડ પાંચ વર્ષે ઉત્પાદન આપવાની શરૂઆત કરે છે અને 50 વર્ષ સુધી તેનું ઉત્પાદન જોવા મળે છે. નાળિયેરીનો છોડ તેની જાતને લઈને 15 ફૂટથી લઈને 40 ફુટ સુધીની ઉંચાઇના પણ જોવા મળે છે. નાળિયેરીની ખેતી પ્રત્યેક દેશની આબોહવા અને જે તે જાતિના નાળિયેરની ખેતીને અનુરૂપ હોય તે પ્રકારે સમગ્ર વિશ્વમાં નાળિયેરની ખેતી આજે પણ થઈ રહી છે.

જૂનાગઢમાં વિશ્વ કોકોનટ દિવસની થઈ રહી છે ઉજવણી
જૂનાગઢમાં વિશ્વ કોકોનટ દિવસની થઈ રહી છે ઉજવણી

પાંચ વર્ષ પૂર્વે રાજ્ય અને કેન્દ્ર સરકારે ચોરવાડ નજીક નારિયેળનું પીઠું બનાવવાની જાહેરાત કરી હતી તે કરે પૂર્ણ

પાંચ વર્ષ પૂર્વે રાજ્ય અને કેન્દ્ર સરકારે ચોરવાડ નજીક નારિયેળ માટે રાજ્ય સ્તરનું પીઠું બનાવવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતને આજે પાંચ વર્ષ જેટલો સમય વિતી ગયો છે પરંતુ હજુ નાળિયેરની ખરીદ-વેચાણ માટેનું પીઠું બન્યું નથી. જેના કારણે પણ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ જથ્થાબંધ વેપારીઓ અને ઈજારો રાખનાર પ્રત્યેક વેપારી ખેડૂત પાસેથી નાળિયેરને આઠથી દસ રૂપિયાના ભાવે ખરીદવામાં આવે છે. જેને ખુલ્લી બજારમાં 40થી 50 રૂપિયા પ્રતિ નંગના ભાવે વહેંચીને ખૂબ મોટો નફો વેપારીઓ લઈ રહ્યા છે પરંતુ નાળિયેરની ખેતી કરતા ખેડૂતોને કોઈ આર્થિક ફાયદો થતો જોવા મળતો નથી. જેને કારણે પણ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમણ કાળમાં અત્યાર સુધીના ઇતિહાસમાં એક નંગ નાળિયેરની કિંમત 100 રૂપિયા સુધી પહોંચી ગઈ હતી, જેનો સીધો ફાયદો મોટા વેપારી અને છૂટક ફેરી કરતા લોકોને થયો હતો. આવી પરિસ્થિતિમાં નાળિયેરનું ઉત્પાદન કરતો ખેડૂત સારા આર્થિક વળતર નહીં મળવાને કારણે પણ ચિંતાગ્રસ્ત બની રહ્યો છે.

નાળિયેરીમાં જોવા મળતી સફેદ માખીનું નિરાકરણ વૈજ્ઞાનિક ઢબે રાજ્ય સરકાર કરાવે તેવી ખેડૂતોની માગ

વર્તમાન સમયમાં ચોરવાડથી લઈને ઉના સુધી (લીલી નાઘેર) ના દરિયાકાંઠા વિસ્તારોમાં મોટાભાગના ક્ષેત્રોમાં સફેદ માખીનો ઉપદ્રવ ખૂબ જોવા મળી રહ્યો છે. જેને કારણે નારિયેળીના ઉભા જ્યારે સુકાઈ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં ખેડૂતોએ રાજ્ય સરકાર સમક્ષ સફેદ માખીનો કોઈ કાયમી નિરાકરણ આવે તે માટેનું શોધ અને સંશોધન કરીને ખેડૂતોને મદદરૂપ બને તે માટે સરકાર સમક્ષ આશાની નજરે પણ જોઇ રહ્યું છે. વર્ષો પહેલા પારંપરિક મગફળીની ખેતી કરતો ખેડૂત ફળ પાક તરીકે નાળિયેરીની ખેતી તરફ વળ્યો છે પરંતુ જે પ્રકારે સફેદ માખી નાળિયેરીમાં ખૂબ મોટું નુકસાન કરાવી રહી છે. તેને લઈને ખેડૂત હવે ચિંતાતુર બનીને સરકાર તરફ આસ્થાની નજરે જોઈ રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.