ETV Bharat / city

રાજ્યના શ્રમિકો માટે સારા સમાચાર, અન્નપૂર્ણા યોજના એક મહિનામાં ફરી શરૂ કરાશે

author img

By

Published : Sep 21, 2021, 4:51 PM IST

Labor and Employment Minister Brijesh Merja
Labor and Employment Minister Brijesh Merja

કોરોનાને પગલે લોકડાઉન બાદ શ્રમિક અન્નપૂર્ણા યોજના બંધ કરવામાં આવી હતી. હવે શ્રમિકો માટે સારા સમાચાર એ છે કે, અન્નપૂર્ણા યોજના એક મહિનાની અંદર શરૂ કરાશે. જેના માટે શ્રમ અને રોજગાર પ્રધાન બ્રિજેશ મેરજાએ અધિકારીઓની બેઠક બોલાવી ટૂંક સમયમાં આ યોજના શરૂ કરવા તાકીદ કરી છે.

  • બ્રિજેશ મેરજાએ બેઠક કરી અધિકારીઓને તાકીદ કરી
  • કોરોનામાં શ્રમિકો માટેની આ યોજના બંધ કરાઈ હતી
  • રૂપિયા 10 માં આપવામાં આવતું હતું ટિફિન

ગાંધીનગર: ગુજરાત સરકારે 18 જુલાઈ 2017 ના રોજ ગુજરાતના શ્રમિકો તેમજ તેમના પરિવાર માટે શ્રમિક અન્નપૂર્ણા યોજના શરૂ કરી હતી. કોરોના જેવા કપરાકાળમાં જ જેમને રોજગારીના ફાંફાં પડી ગયા હતા, તેવા શ્રમિકો માટે આ યોજના બંધ કરાઈ હતી પરંતુ નવા પ્રધાન એવા બ્રિજેશ મેરજાએ આ બાબતને ધ્યાનમાં રાખી ફરી આ યોજના શરૂ કરવા માટે ફરમાન આપ્યું છે. આ અંગે તેમને અધિકારીની બેઠક પણ બોલાવી હતી જેમાં તેમને આ નિર્ણય લીધો હતો.

રાજ્યના શ્રમિકો માટે સારા સમાચાર, અન્નપૂર્ણા યોજના એક મહિનામાં જ શરૂ કરાશે

શ્રમ ઉપરાંત રોજગાર પણ મહત્વનું, આગામી સમયમાં 1 લાખ લોકોને રોજગારી અપાશે

શ્રમ રોજગાર પ્રધાન બ્રિજેશ મેરજાએ કહ્યું કે, શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળની બેઠક અમે અધિકારીઓ સાથે રાખી હતી. તેમણે વધુમાં કહ્યું કે, શ્રમએ ભારે મહત્વનું કાર્ય છે અને શ્રમજીવીઓ ઉપરાંત રોજગાર પણ આપણા માટે એટલું જ જરૂરી છે. આ પહેલા જે અન્નપૂર્ણા યોજના હતી અને કોરોનામાં બંધ પડી હતી. આ યોજનાને જલદી જ શરૂ કરવા માટે અધિકારીઓને દિશા નિર્દેશ કર્યો છે. શ્રમની સાથે રોજગારી ક્ષેત્રે પણ કાર્ય કરાશે. જે અંગે વધુમાં વાત કરતા તેમણે કહ્યું કે, આગામી સમયમાં જલદી જ 1 લાખ લોકોને રોજગારીની તકો મળી રહે તેના માટેનું આયોજન કરવા જઈ રહ્યા છીએ.

અન્નપૂર્ણા યોજના અંતર્ગત 119 કાઉન્ટર ચાલતા હતા

કોરોના પહેલા આ યોજના ચાલતી હતી ત્યારે શ્રમિકો કે કામદારોને માત્ર 10 રૂપિયામાં ટિફિન ભરી આપવામાં આવતું હતું. જેમાં રોટલી, થેપલાં, શાક, અથાણું, ભાત કે ચટણી, લીલાં મરચાં સહિતનો ખોરાક આપવામાં આવતો હતો. શ્રમિકોને ત્યાંથી ટિફિન ભરી આપવામાં આવતું હતું. સવારે સાતથી અગિયાર વાગ્યા સુધી ભોજન વિતરણ થતું હતું. શરૂઆતમાં 84 કડિયાનાકા પર કાઉન્ટર 8 શહેરોમાં ચાલતા હતા. જેમાં વધારીને છેલ્લે 119 કાઉન્ટર કરવામાં આવ્યા હતા.

ટિફિનમાં વાનગીઓ આટલા પ્રમાણમાં અપાતી હતી

વાનગીનું નામજથ્થો
રોટલી/ થેપલા160 ગ્રામ, 6 નંગ
ભાત/ પુલાવ 200 ગ્રામ
મીક્ષ શાક250 ગ્રામ
અથાણું/ચટણી 20 ગ્રામ
તળેલા મરચા 2 નંગ
સુખડી (અઠવાડિયામાં એકવાર) 80 ગ્રામ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.