ETV Bharat / city

ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રિ આ વર્ષે નહીં યોજાય

author img

By

Published : Aug 16, 2021, 8:02 PM IST

કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં જનસલામતી અને વ્યાપક લોકહિતને ધ્યાને રાખીને ગાંધીનગર નવરાત્રિમાં ગરબા યોજવાને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રિ આ વર્ષે પણ નહીં યોજાય. ગુજરાતભરમાં લોકપ્રિય કલ્ચરલ ફોરમની નવરાત્રિ છે ત્યારે ગાંધીનગરના ખેલૈયાઓમાં તેને લઈને નિરાશા જોવા મળી શકે છે.

ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રિ આ વર્ષે નહીં યોજાય
ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રિ આ વર્ષે નહીં યોજાય

  • કોરોનાને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય
  • સંભવિત ત્રીજી લહેરે અને સલામતીને ધ્યાનમાં રાખી લીધો નિર્ણય
  • ગરબા નહીં થવાના નિર્ણયથી ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી શકે છે


    ગાંધીનગર : ગુજરાતભરમાં લોકપ્રિય એવી ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રિ આ વર્ષે પણ નહીં યોજાય. ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષ કૃષ્ણકાન્તભાઈ જહાએ આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇને ગાંધીનગર કલ્ચરલ ફોરમે નવરાત્રિ આ વર્ષે પણ નહીં યોજવાનો નિર્ણય કર્યો છે. જો કે ગત વર્ષ પણ નવરાત્રિ યોજાઇ નહોતી. ગુજરાતે કોરોનાની બીજી લહેરનો સામનો કર્યો છે. ત્રીજી લહેરની સંભાવનાઓને ધ્યાને લઇને સરકારે અને સમાજે સજ્જતા કેળવી છે, તેવા સંજોગોમાં સાર્વજનિક નવરાત્રિ મહોત્સવનું આયોજન બિલકુલ સલાહભર્યું નથી. એટલે વ્યાપક લોકહિતને ધ્યાનમાં રાખીને ગાંધીનગર કલ્ચરલ ફોરમે નવરાત્રિ મહોત્સવનું આયોજન નહીં કરવાનો નિર્ણય લીધો છે.


    કલ્ચરલ ફોરમે કહ્યું કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન કરવું નવરાત્રિમાં અશક્ય છે

    ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષ કૃષ્ણકાન્તભાઈ જહાએ વધુમાં જણાવ્યું હતું કે, મા આદ્યશક્તિની આરાધનાનું આ પર્વ ગુજરાતમાં આનંદઉલ્લાસ પૂર્વક યોજાય છે. નવરાત્રિના રાસ ગરબામાં ભારે જનમેદની ઉમટી પડે છે અને યુવક યુવતીઓ મન મૂકીને ગરબે રમતાં હોય છે. નવરાત્રિના રાસગરબા દરમિયાન કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન કરવું અશક્ય અને અસંભવ હોય છે. આવી પરિસ્થિતિમાં રાસગરબાનું સાર્વજનિક આયોજન નહીં કરવું જ જનઆરોગ્ય માટે હિતાવહ છે.



    નાગરિકો સ્વસ્થ રહે માટે અમે આ નિર્ણય લીધો

    તેમણે એમ પણ કહ્યું હતું કે, કોરોનાની બીજી લહેર દરમિયાન ગાંધીનગરે અનેક આગેવાનો અને સક્રિય નાગરિકો ગુમાવ્યાં છે. ઘણાં નાગરિકોનું કોરોનાને કારણે નિધન થયું છે. ગાંધીનગર કલ્ચરલ ફોરમ તમામ નાગરિકો અને તેમના પરિવારજનો પ્રતિ સંવેદના અનુભવે છે અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. ગાંધીનગરના નાગરિકો સ્વસ્થ રહે સલામત રહે એવી અભ્યર્થના સાથે ગાંધીનગર કલ્ચરલ ફોરમે આ નિર્ણય લીધો છે. અધ્યક્ષ કૃષ્ણકાન્ત જહાએ કહ્યું કે, કોરોનાની ત્રીજી લહેરને અટકાવીએ તો કોરોનાને કાયમી જાકારો આપી શકીએ, જેથી કરીને આગામી વર્ષે નવરાત્રિ મહોત્સવની ઉજવણી રંગેચંગે થઈ શકે.

    આ પણ વાંચોઃ રાજ્યમાં હજુ પણ ગરબાના આયોજનને લઈને અસમંજસ

આ પણ વાંચોઃ ગાંધીનગરમાં શરૂ કરાયો સિરો સર્વે, 3 દિવસમાં 1,800 લોકોના સેમ્પલ લેવાશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.