ETV Bharat / city

ગુજરાતનું બજેટ ઝવેરચંદ મેઘાણીનું નહીં પરંતુ ગૌતમ અદાણી માટેનું બજેટ : જિજ્ઞેશ મેવાણી

author img

By

Published : Mar 16, 2021, 6:07 PM IST

વિધાનસભા ગૃહમાં આજે બજેટ પર ખાસ ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા બજેટને લઈને અનેક ટીકા ટિપ્પણી કરાઈ હતી. આ સાથે જ અમુક મુદ્દાઓ અને અમુક યોજનાઓ રાજ્ય સરકારના ધ્યાને મૂકવામાં આવ્યાં હતાં. જે બાકી રહી ગયેલા કામકાજ છે તે રાજ્ય સરકાર ઝડપથી પૂર્ણ કરે તે બાબતે પણ કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભાગૃહમાં બજેટ મુદ્દે ચર્ચા કરી હતી.

ગુજરાતનું બજેટ ઝવેરચંદ મેઘાણીનું નહીં પરંતુ ગૌતમ અદાણી માટેનું બજેટ : જિજ્ઞેશ મેવાણી
ગુજરાતનું બજેટ ઝવેરચંદ મેઘાણીનું નહીં પરંતુ ગૌતમ અદાણી માટેનું બજેટ : જિજ્ઞેશ મેવાણી

  • બજેટ પર વિધાનસભાગૃહમાં ચર્ચા
  • કોંગ્રેસના ધારાસભ્યોએ બજેટ મુદ્દે કરી ટિપ્પણી
  • સરકારના ધ્યાને અનેક મુદ્દાઓ મૂકવામાં આવ્યાં
  • સૌની યોજનામાં 500 કરોડનો ભ્રષ્ટાચાર : પૂંજા વંશ
  • બજેટ ઝવેરચંદ મેઘાણીનું નહીં પણ ગૌતમ અદાણી માટેનું બજેટ

    ગાંધીનગર : વિધાનસભામાં ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશે સરકાર પર આક્ષેપ કર્યો હતો કે રાજ્ય સરકારે સૌની યોજનામાં 500 કરોડનો ભ્રષ્ટચાર કર્યો છે. જે બાબતે પ્રદીપસિંહ જાડેજાએ ગૃહમાં પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો. જેમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જાડેજાને ટેકો આપ્યો હતો. અધ્યક્ષ રાજેનદ્ર ત્રિવેદીએ પૂંજા વંશને ટકોર કરીને પેપર અને પુરાવા રજૂ કરજો તેવી સૂચના આપી હતી. ઉપરાંત પૂંજા વંશેે ગૃહમાં નિવેદન કર્યું હતું કે સરકાર દ્વારા અમુક IAS અધિકારીઓને સતત એક્સ્ટનશન આપવામાં આવે છે. સરકાર આવું ન કરે, જેમનો સમય પૂરો થયો છે તેમને જવા દે. યુવાઓને મોકો આપે તેવી માગ કરી હતી. જ્યારે સનદી અધિકારીઓ સરકારની હામાં હા અને નામાં ના કરે નહી, જનતાના રૂપિયાથી તેમનો પગાર થાય છે તેથી અધિકારીઓ જનતાના હિતમાં નિર્ણય કરે તેવો આક્ષેપ ગૃહમાં કર્યો હતો.

સૂઈગામ સહિત ભૌગોલિક વિસ્તાર મુજબ રકમ ફાળવણી કરવામાં આવે : ગેનીબેન ઠાકોર

બનાસકાંઠામાં નર્મદા કેનાલમાં જે તાલુકામાં ભાભર, વાવ,સૂઈગામ આવે છે અને નર્મદા કમાન્ડને બજેટ રકમ આપવામાં આવી છે. તેનો એરિયા પોતાના ગામ સુધી લંબાવવામાં આવે તેવી માગ ગેનીબેન ઠાકોરે કરી હતી. ખેડૂતોની નર્મદાના પાણીની માગ રહી છે. બ્રાન્ચ કેનાલ સૂઈગામથી કચ્છ સુધી કરવામાં આવે, ઉપરાંત માર્ગ મકાન વિભાગની બજેટની જોગવાઈમાં વાવ, ભાભર અને સૂઈગામ સહિત ભૌગોલિક વિસ્તાર મુજબ રકમ ફાળવણી કરવામાં આવે. સૂઈગામ, ભાભર અને વાવના ગ્રામ પચાયતના મકાનો જર્જરિત હાલતમાં છે તે પણ સમારકામ કરી યોગ્ય કરવામાં આવે. જ્યારે મહેસૂલ જમીન માપણીમાં 20,000 કરતાં વધુ અરજીઓ આવી છે. 10થી 15 ટકા ખેડૂતોને રેકોર્ડ શું છે તે ખબર છે બાકીના ખેડૂતોને કશી ખબર નથી. જેથી સ્થળ પર જે હોય તે રેકોર્ડ પર દશાવવામાં આવે તેવી માગ કરી હતી. બનાસકાંઠામાં 146 ગૌશાળા છે. કોરોનાના કારણે ગૌશાળાના સંચાલનમાં ભારે તકલીફ થઈ હતી, જેથી ગૌશાળાના બજેટમાં વધારો કરવામાં આવે અને રસ્તે રખડતા ઢોરના કારણે ખેડૂતોના પાકને નુકશાન થાય છે જેથી આવા ઢોરને પકડી પાડવા જોઈએ વગેરે રજૂઆતો ગેનીબેન તરફથી કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં ઓરડાઓની અછત વિશે સરકારના આંકડાઓમાં વિસંગતતા


રાજેન્દ્રસિંહ ઠાકોરે અરવલ્લીના પ્રશ્નો ઉઠાવ્યાં


કોંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરે ગૃહમાં નિવેદન આપ્યું હતું કે અરવલ્લી જિલ્લામાં ઘણા બધાં પ્રશ્નો છે .યોગ્ય રસ્તાઓ નથી, રોજગારી માટે મારા ગામના લોકોને નરોડા જવું પડે છે, અરવલ્લી જિલ્લામાં રમત ગમત માટે જમીન ફાળવણી કરવામાં આવે. બાગાયત યોજનાનો લાભ અમુક ખેડૂતને આપવામાં આવે છે. છેવાડાના ખેડૂતોને લાભ મળતો નથી, જેથી લાભ મળે તેવી માગ છે. સિવિલ હોસ્પિટલ માટે જમીન જોવામાં આવી પરતું હજુ સુધી બાંધકામ કરવામાં આવ્યું નથી. અમારા ગામના દર્દીને હિંમતનગર સિવિલ અથવા અમદાવાદ સિવિલ લઈ જવા પડે છે જેમાં કેટલીક વખત દર્દીઓ મોતના મુખમાં જતાં રહે છે. સાયન્સ કોલેજ આપવામાં આવે. અમારા જિલ્લામાં ઘણા ખરા ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત છે.


સરકારનું બજેટ ગૌતમ અદાણી માટે : જિજ્ઞેશ મેવાની


વિધાનસભા ગૃહમાં અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ બજેટ મુદ્દે ચર્ચામાં જણાવ્યું હતું કે બજેટ કોઇપણ રાજ્યની જનતાની આશા છે. આ બજેટમાં શિક્ષિત અને બેરોજગાર યુવાનો માટે રોજગારી નથી. બજેટમાં રોજગારીની વાત કરી નથી માત્ર હવામાં વાતો કરી છે. લોકડાઉનમાં ઘણા લોકો બેરોજગાર થયાં છે, હજુ સુધી રોજગાર મળ્યો નથી. મેં મારા વિસ્તારમાં કોરોના વખતે 75000 લોકોને મનરેગામાં કામ અપાવ્યું છે, મધ્યાહન ભોજન, પોલીસ સહિત શિક્ષક આઉટ સોર્સિંગથી કામ કરે છે. ફિક્સ પગારમાં કામ કરે છે. વિધાનસભા સફાઈ કર્મચારીઓને અને લિફ્ટમેનને લઘુતમ વેતન નથી ચૂકવાતું અને અગાઉ 3 વખત ગૃહમાં રજૂઆત કરી છે કે કોઈ સફાઈ કર્મચારીનેં ગટર સાફ કરવા ગટરમાં ન ઉતરવું પડે અને ગેસના કારણે તેનું મોત ન નીપજે તે માટે સરકારે આધુનિક સાધનો વસાવવા જોઈએ. જેથી ગટર સફાઈ કર્મચારીનું અવસાન ન થાય. ગુજરાતનું બજેટ ઝવેરચંદ મેઘાણીનું નહીં, પરંતુ ગૌતમ અદાણી માટેનું બજેટ હોય તેવું લાગે છે અને સરકાર કહે છે સૌનો સાથ સૌનો વિકાસ થયો છે.

આ પણ વાંચોઃ વિધાનસભામાં ટી-શર્ટ પહેરીને આવવા બદલ અધ્યક્ષે કોંગી ધારાસભ્યને હાંકી કાઢ્યા

ગુજરાતના દેવા કરતા બજેટની રકમ નાની : લલિત વસોયા



વિધાનસભા ગૃહમાં લલિત વસોયાએ જણાવ્યું હતું કે ગુજરાતના દેવા કરતા બજેટની રકમ નાની છે એટલે નાણાંપ્રધાનને અભિનંદન નથી આપતો. મારા વિસ્તારમાં 5 ડેમ આવ્યાં છે, બધા સિંચાઈ માટે ડેમ છે. જેમાં ભાદર એક ડેમની 24 હજાર હેકટરની પીયત આપી શકે તેવી ક્ષમતા છે, પરતું તંત્રની બેદરકારી કારણે 50 ટકા પાણી ખેડૂતોને મળતું નથી. સિંચાઈપ્રધાનને વિનંતિ કે આ ડેમ અને કેનાલની વ્યવસ્થા યોગ્ય નથી માટે લોકો સુધી પાણી પહોંચતું નથી. આ સિંચાઈ યોજનામાં પૂરતો ચાંપ નથી, માણસો બદલતાં રહે છે. જેથી ખેડૂતોને પાણી પૂરતા પ્રમાણમાં મળતું નથી. જેથી કાયમી ભરતી કરવામાં આવે. મારા વિસ્તારમાં આવેલી નદીમાંથી મોટાપાયે રેતી ચોરી થાય છે, 8 મહિનાથી રજૂઆત કરી હતી પરંતુ ફરિયાદની અસર ન થતા મેં અરજી કરી છે.નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે સખત પગલાં ભરવા જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.