ETV Bharat / city

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ સુધારા બિલ વિધાનસભામાં પાસ

author img

By

Published : Mar 31, 2021, 6:48 PM IST

Updated : Mar 31, 2021, 7:22 PM IST

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ સુધારા બિલ વિધાનસભામાં પસાર કરાયું હતું. શિક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે, રાજ્યની લઘુમતિ શૈક્ષણિક સંસ્થાઓમાં આચાર્ય-શિક્ષકની નિમણૂંક માટે TAT (Teachers' Aptitude Test)ની પરીક્ષા અનિવાર્ય છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ સુધારા વિધેયક વિધાનસભામાં પાસ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ સુધારા વિધેયક વિધાનસભામાં પાસ

  • લઘુમતિ શૈક્ષણિક સંસ્થામાં આચાર્ય-શિક્ષક માટે TAT અનિવાર્ય
  • શિક્ષણ સુધારા બિલ વિધાનસભામાં પાસ
  • હાઇકોર્ટના ચુકાદાને ધ્યાનમાં લેવાયો

ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ સુધારા બિલ વિધાનસભાગૃહમાં પાસ થયું હતુ. સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને ધ્યાનમાં રાખી શિક્ષણપ્રધાને જણાવ્યું હતુ કે, રાજ્યની લઘુમતિ શૈક્ષણિક સંસ્થાઓમાં આચાર્ય, શિક્ષકની નિમણૂંક માટે TAT(Teachers' Aptitude Test)ની પરીક્ષા અનિવાર્ય રહેશે. લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓમાં આચાર્ય અને શિક્ષકની નિમણૂંક માટે યોગ્ય લાયકાત અમલી બનાવવા અંગેના સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટના વખતો વખતના ચુકાદાને સુસંગત સુધારા આ બિલમાં સમાવેશ કરાયા છે એમ શિક્ષણપ્રધાને જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ રાજ્યમાં બંધ પડેલી સરકારી શાળાઓ ફરીથી શરૂ કરવા કોંગ્રેસના ધારાસભ્યની માગ

ગુણવત્તાયુકત આચાર્યો, શિક્ષકોની પસંદગી થઇ શકતી નથી

આ સંદર્ભમાં વધુ વિગતો આપતાં શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલ કેન્દ્રીયકૃત પદ્ધતિથી સરકારી અને અનુદાનિત ખાનગી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ઉમેદવારોની પસંદગી કરવાની પ્રક્રિયા અમલમાં છે. લઘુમતિ સંસ્થાઓ દ્વારા શિક્ષક તરીકેની પસંદગીની લાયકાત પૂરી કરવા માટે નિયત કરેલા TAT પરીક્ષાના મહત્વના ગુણાંકનને ધ્યાનમાં લીધા સિવાય આવી પસંદગી માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. આના પરિણામે રાજ્યની સરકારી તેમજ ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓમાં શિક્ષકની ગુણવત્તાની પસંદગી માટેના નિયત થયેલા ધોરણો જળવાતા નથી, TAT પરીક્ષાના પરિણામના આધારે પસંદગી પ્રક્રિયા લઘુમતિ સંસ્થાઓમાં થતી ન હોવાથી તટસ્થ રીતે ગુણવત્તાયુકત આચાર્યો, શિક્ષકોની પસંદગી થઇ શકતી નથી.

હાઇકોર્ટે પણ માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક સુધારા કરવા સૂચવેલું છે

સુપ્રીમ કોર્ટના આ અંગેના ચુકાદાને ટાંકતા શિક્ષણપ્રધાને જણાવ્યું હતું કે, અદાલતે સ્વયંસ્પષ્ટ કહ્યું છે કે શૈક્ષણિક સંસ્થા લઘુમતિ કે બહુમતી સંચાલિત છે તેને ધ્યાનમાં લીધા વિના રાષ્ટ્રીય હિતમાં શિક્ષણની ગુણવત્તા સાથે કોઇ સમાધાન કરવું જોઇએ નહીં. ગુજરાત હાઇકોર્ટે પણ 2013માં એક ચુકાદો આપીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ અધિનિયમ-1972ની કલમ-40 (ક)માં જરૂરી સુધારા કરવા સૂચવેલું છે.

આ પણ વાંચોઃ રાજ્યમાં સરકારી શાળાઓમાં ‘મિશન સ્કૂલ ઑફ એક્સલન્સ’ પ્રોજેક્ટ હાથ ધરાશે

કેન્દ્રીયકૃત પદ્ધતિથી પસંદગી કરવાની પ્રક્રિયા અમલી બની

અગાઉ લઘુમતી શાળાઓમાં સંચાલક મંડળની કમિટિ ઉમેદવારની શૈક્ષણિક લાયકાત નક્કી કરી TAT પરીક્ષાના ગુણાંકન ધ્યાને લીધા સિવાય ભરતી પ્રક્રિયા કરતી હતી. હવે આ સુધારા બિલ પસાર થવાના પરિણામે રાજ્યની સરકારી અને અનુદાનિત ખાનગી માધ્યમિક ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષક, આચાર્ય ઉમેદવારો માટે જે હાલ કેન્દ્રીયકૃત પદ્ધતિથી પસંદગી કરવાની પ્રક્રિયા અમલી બની છે તે જ પ્રક્રિયા લઘુમતિ સંસ્થાઓમાં પણ અમલી બનશે.

ઉત્તર બુનિયાદી શાળાને પણ માન્ય શાળા ગણવામાં આવશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ સુધારા બિલની અન્ય એક જોગવાઇ અંગે જણાવ્યું કે, હાલ માન્ય શાળાઓની વ્યાખ્યામાં ગુજરાત રાજ્યના શિક્ષણ નિયામક અથવા આ હેતુસર તેમણે અધિકૃત કરેલા અધિકારીએ માન્ય કરેલી માધ્યમિક અથવા ઉત્તર બુનિયાદી શાળાનો જ સમાવેશ થાય છે. આ સુધારા બિલ અન્વયે હવે આવી માન્ય શાળા એટલે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ અથવા કોઇ અન્ય વિભાગ અથવા આ અર્થે આવા વિભાગ દ્વારા અધિકૃત કરેલા અધિકારીએ માન્ય કરેલી કોઇ માધ્યમિક શાળા અથવા ઉત્તર બુનિયાદી શાળાને પણ માન્ય શાળા ગણવામાં આવશે.

લઘુમતીઓના શિક્ષણની હાલની ગુણવત્તા વધુ સારી બનશે

લઘુમતિ સંસ્થાઓમાં પણ ગુણવત્તાવાળા આચાર્યો અને શિક્ષકો પ્રાપ્ત થવાથી લઘુમતીઓના શિક્ષણની હાલની ગુણવત્તા વધુ સારી બનશે તેમજ આવી સંસ્થાઓના વિદ્યાર્થીઓની શક્તિ અને તક વધુ ખિલશે, ઉજ્જવળ બનશે. તેવું શિક્ષણપ્રધાને વિધાનસભામાં જણાવ્યું હતું.

Last Updated : Mar 31, 2021, 7:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.