ETV Bharat / city

ગાંધીનગર મહાનગરપાલિકા તડજોડનું રાજકારણ, હવે 18 એપ્રિલે ચૂંટણી

author img

By

Published : Mar 28, 2021, 1:50 PM IST

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે રવિવારે જાહેરનામુ પ્રસિદ્ધ થયું છે. 11 વૉર્ડની 44 બેઠકોની ચૂંટણી માટે મતદાન 18 એપ્રિલ, 2021ને રવિવારે યોજાશે અને મતગણતરી 20 એપ્રિલ, 2021ને મંગળવારે થશે. જોકે ગાંધીનગર મનપાની ચૂંટણી પછી તોડજોડનું રાજકારણ જ રહ્યું છે.

Ahmedabad
Ahmedabad

  • ગાંધીનગર મનપાની ત્રીજી ચૂંટણી યોજાશે
  • 2011માં કોંગ્રેસને 18 અને ભાજપને 15 બેઠકો મળી હતી
  • 2016માં ભાજપ કોંગ્રેસ વચ્ચે ટાઈ પડી હતી

ગાંધીનગર: મહાનગરપાલિકાની 18 એપ્રિલે યોજાનારી ત્રીજી ચૂંટણી છે. 2010માં મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી, ત્યાર પછી 2011 અને 2016માં ચૂંટણી યોજાઈ હતી. આ બન્ને ચૂંટણીના પરિણામ ખૂબ જ રસપ્રદ અને કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમતીવાળા રહ્યાં નથી. બન્ને ચૂંટણીમાં ભારે તડજોડ થઈ, સત્તા પલટો થયો, સામાન્ય સભા પણ તોફાની બનતી હતી. ગાંધીનગરએ ગુજરાતનું પાટનગર હોવા છતાં તેમાં મહાનગરપાલિકાની ચૂંટણી રાજકીય રીતે તોફાની જ બની રહી છે.

ગુજરાત પર ભાજપનું રાજ, ગાંધીનગરમાં પક્ષપલટાનું રાજકારણ

ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સ્પષ્ટ બહુમતી સાથે ગુજરાત પર રાજ કરે છે, પણ બહુમતી સાથે ગાંધીનગર મહાનગરપાલિકા કબજે કરવી તેમના માટે અશક્ય બન્યું છે. દર વખતે કોંગ્રેસના જ કોર્પોરેટરોને તોડી લાવીને સત્તાના સુત્રો સંભાળ્યા છે. ભારત પર ભાજપનું શાસન છે. જ્યારે ભારતના પાટનગરમાં આમ આદમી પાર્ટીનું શાસન છે. તેવી જ રીતે ગુજરાતમાં પણ પાટનગર ગાંધીનગર ભાજપ માટે મુશ્કેલ છે. જોકે હવે 18 એપ્રિલની ચૂંટણીમાં ભાજપ સત્તાના સુત્રો સંભાળે તે માટે સખત મહેનત સાથે કમર કસી રહી છે.

કોંગ્રેસ
કોંગ્રેસ

કોંગ્રેસના મહેન્દ્રસિંહ રાણા 3 સભ્યોને લઈને ભાજપમાં આવ્યા અને મેયર બન્યા

2011માં ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી, ત્યારે 33 બેઠકોની ચૂંટણી થઈ અને તેમાં કોંગ્રેસને 18 બેઠકો મળી અને ભાજપને 15 બેઠક મળી હતી. શહેરના પ્રથમ મેયર કોંગ્રેસના મહેન્દ્રસિંહ રાણા બન્યા. જોકે 2.5 વર્ષની ટર્મ પુરી થાય તે પહેલા તેમણે બળવો કર્યો અને 3 સભ્યોને લઈને ભાજપમાં જોડાયા અને ગાંધીનગર મનપા પર ભાજપનો કબજો થયો હતો. જોકે ત્યારબાદ આ બળવો કાયદાકીય ગૂંચમાં ફસાયો હતો પણ ચૂકાદો મહેન્દ્રસિં રાણાની તરફેણમાં આવ્યો હતો. જે બાદ અઢી વર્ષ મહિલા મેયર માટે અનામત હતા. જેમાં 1 વર્ષ બાકી હોવાથી હંસાબા મેયર બન્યા હતા.

ભાજપ
ભાજપ

આ પણ વાંચો : ગાંધીનગર ચૂંટણી માટેની આખરી મતદાર યાદીમાં 2,82,380 મતદારો નોંધાયા

કોંગ્રેસના પ્રવીણ પટેલ ભાજપમાં આવ્યા અને મેયર બન્યા

2016માં ગાંધીનગર મનપાની બીજી ચૂંટણી યોજાઈ. 8 વાર્ડમાં 32 બેઠકો હતી. પરિણામ આવ્યાં તેમાં ભાજપને 16 બેઠક અને કોંગ્રેસને પણ 16 બેઠક મળી. એટલે કે ટાઈ પડી હતી પણ કોંગ્રેસના પ્રવીણ પટેલે કોંગ્રેસને છોડીને ભાજપમાં આવ્યા અને મેયર બન્યાં. આમ બીજી ચૂંટણીમાં પણ તડજોડનું રાજકારણ રમાયું, અને ભાજપે સત્તા કબજે કરી હતી. પછીના અઢી વર્ષ રીટા પટેલ મેયર બન્યાં હતા. 2016ની ચૂંટણી થઈ ત્યારે પાટીદાર અનામત આંદોલન ચાલતું હતું. ગાંધીનગર જિલ્લા પંચાયત કોંગ્રેસ પાસે હતી, તેવા સમયે પણ ચૂંટણીમાં ભાજપની 3 બેઠકોનો વધારો થયો હતો. જોકે હાલ ગાંધીનગર જિલ્લા પંચાયત પર ભાજપનું શાસન છે. સીમાંકન થયા પછી ગાંધીનગર મનપામાં 11 વૉર્ડ થયા અને કુલ 44 બેઠકોની ચૂંટણી યોજાઈ રહી છે.

રાજકીય વિશ્લેષતનું મંતવ્ય

અગ્રણી રાજકીય વિશ્લેષક દિલીપ ગોહિલે ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ગાંધીનગર સત્તાનું કેન્દ્ર રહ્યું છે. તે સત્તાના કેન્દ્રમાં જ પક્ષ પલટાનું રાજકારણ રમાયું છે. રાજ્યસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય કે મહાનગરપાલિકાની ચૂંટણી. પક્ષ પલટો પ્રજા સ્વીકારતી નથી અને કોંગ્રેસ છોડીને આવનારા સામે રોષ હોય તે સ્વભાવિક છે, પણ કોંગ્રેસ સામે પણ રોષ જોવાયો છે.

અગાઉની બન્ને ચૂંટણીમાં કોંગ્રેસીને મેયર બનાવવા પડ્યાં

કોંગ્રેસ નિરાધારની સ્થિતિમાં આવી ગઈ છે. અગાઉની બેઉ ચૂંટણીમાં કોંગ્રેસમાંથી આવનારને મેયર બનાવવા પડ્યાં છે અને સત્તા ભાજપે કબજે કરી, પણ હવે સ્થિતિ બદલાઈ છે. 6 મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામમાં ભાજપનો દબદબો રહ્યો છે. જેથી આ વખતે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ક્લીયર મેન્ડેટ મળી જશે.

આ પણ વાંચો : ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર

છ મનપાની ભેગી જ ગાંધીનગરની ચૂંટણી કરવી જોઈતી હતી

દિલીપભાઈએ વધુમાં કહ્યું હતું કે કોરોનાના કપરાકાળમાં ગાંધીનગર મનપાની ચૂંટણી થાય છે, સરકાર પાસે વિકલ્પ હતો કે તેઓ ગાંધીનગર મનપાની ચૂંટણી છ મનપાની જોડે જ કરી શક્યા હોત. પણ ન કરી, અને હવે કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, ત્યારે ચૂંટણી લઈને આવ્યા છે. ચૂંટણી આયોગની ટીકા થઈ રહી છે. ભાજપ ઈચ્છી રહી છે કે બધી ચૂંટણી એકસાથે થવી જોઈએ, તો આ વખતે એમ કેમ કેમ ન કર્યું? તે સવાલ ચર્ચામાં છે. કોંગ્રેસે પણ માંગ કરવી જોઈતી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.