ETV Bharat / city

શિક્ષક સજ્જતા કસોટી મુદ્દે શિક્ષણ અગ્ર સચિવ ડો. વિનોદ રાવ સાથે ખાસ વાતચીત

author img

By

Published : Aug 24, 2021, 4:58 PM IST

Updated : Aug 24, 2021, 5:14 PM IST

શિક્ષક સજ્જતા કસોટી મુદ્દે શિક્ષણ અગ્ર સચિવ ડો. વિનોદ રાવ સાથે ખાસ વાતચીત
શિક્ષક સજ્જતા કસોટી મુદ્દે શિક્ષણ અગ્ર સચિવ ડો. વિનોદ રાવ સાથે ખાસ વાતચીત

આજે મંગળવારથી રાજ્યભરમાં શિક્ષક સજ્જતા કસોટી શરૂ કરવામાં આવી છે. આ કસોટીને લઈને વિવિધ શિક્ષક સંઘો દ્વારા જુદા જુદા વલણ અપનાવવામાં આવી રહ્યા છે. ત્યારે આ કસોટીને લઈને શિક્ષકોના અને સામાન્ય લોકોના મનમાં ઉભા થયેલા વિવિધ પ્રશ્નોના જવાબો મેળવવા ETV Bharat દ્વારા શિક્ષણ અગ્ર સચિવ વિનોદ રાવ સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. જેમાં તેમણે શું કહ્યું, જાણવા માટે વાંચો આ અહેવાલ…

  • શિક્ષણ સજ્જતા કસોટી મરજીયાત રાખવામાં આવી છે
  • કોઈ શિક્ષક પરીક્ષા ન આપવા અન્ય પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
  • પરીક્ષાના પરિણામની અસર શિક્ષકોની કારકિર્દી પર નહિ પડે

ગાંધીનગર : સમગ્ર દેશમાં ફક્ત ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષક સજ્જતા કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે શિક્ષકોના બે અલગ અલગ સંઘ દ્વારા પરીક્ષા બાબતે જુદુ જુદુ વલણ આપનાવવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘ દ્વારા પરીક્ષાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્યારે પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પરીક્ષાને સમર્થન આપવામાં આવી રહ્યું છે. ત્યારે પરીક્ષાને લઇને શિક્ષકોના મનમાં પણ અનેક સવાલો ઉભા થયા છે આ સમગ્ર બાબતે ગુજરાત રાજ્યના શિક્ષણ અગ્ર સચિવ વિનોદ રાવ સાથે ETV Bharat દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી. જેમાં તેમણે પરીક્ષાના વિવિધ મુદ્દાઓને લઈને સ્પષ્ટતા કરી હતી.

શિક્ષક સજ્જતા કસોટી મુદ્દે શિક્ષણ અગ્ર સચિવ ડો. વિનોદ રાવ સાથે ખાસ વાતચીત

વીડિયો કોન્ફરન્સમાં બન્ને સંગઠન દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું

શિક્ષણ અગ્ર સચિવ વિનોદ રાવના જણાવ્યા પ્રમાણે, જ્યારે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું ત્યારે બન્ને સંગઠનોને સાથે રાખીને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કાર્યક્રમ અંગેની ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં બન્ને સંગઠનો દ્વારા સજ્જતા કસોટીને સમર્થન આપવામાં આવ્યું હતું, પરંતુ હવે વર્તમાન સમયમાં એક સંગઠન સજ્જતા કસોટીના વિરુદ્ધમાં છે અને બીજું સંગઠન પરીક્ષા આપી રહ્યું છે. ત્યારે આ તમામ વિરોધ વચ્ચે રાજ્યમાં કુલ 1.50 લાખ શિક્ષકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાંથી કુલ 1.25 લાખ શિક્ષકોએ પરીક્ષાના કોલ-લેટર ડાઉનલોડ કર્યા છે.

પરીક્ષાની અસર શિક્ષકોની કારકિર્દી પર નહિ પડે

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શિક્ષક સજ્જતા કસોટીના પરિણામની શિક્ષકોની કારકિર્દી પર કોઈ પણ પ્રકારની અસર થશે નહીં. જો પરીક્ષા નહીં આપી હોય તો પણ શિક્ષકોને ભવિષ્યમાં મળતા તમામ લાભો, પ્રમોશન તમામ યથાવત જ રહેશે. જેથી કોઈ પણ શિક્ષકે આફવાઓમાં આવવું નહીં.

પરીક્ષા આપનાર શિક્ષકોને આપવામાં આવશે મોમેન્ટો, પ્રમાણપત્ર

વિરોધ વચ્ચે રાજ્યમાં અનેક શિક્ષકો આજે શિક્ષક સજ્જતા કસોટી આપી રહ્યા છે. ત્યારે વિનોદ રાવે પરીક્ષા આપતા તમામ શિક્ષકોને સ્વેચ્છિક પરીક્ષા આપવા બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા અને સાથે જ તેમને આવનારા દિવસોમાં પરીક્ષા આપ્યા બદલનો એક ખાસ મોમેન્ટો અને પ્રમાણપત્ર પણ આપવાની જાહેરાત પણ આ ખાસ વાતચીત દરમિયાન કરી હતી.

પરીક્ષા મરજીયાત, ફરજીયાત નહિ

23 ઓગસ્ટના રોજ રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ પત્રકાર પરિષદ સંબોધીને જણાવ્યું હતું કે, શિક્ષક સજ્જતા કસોટી મરજિયાત છે, ફરજિયાત નથી. ત્યારે રાજ્યના શિક્ષણ અગ્ર સચિવ વિનોદ રાવે પણ સ્પષ્ટ કર્યું હતું કે, શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર રીતે પરિપત્ર બહાર પાડીને પરીક્ષા મરજીયાત હોવાની જાહેરાત કરવામાં આવી છે.

પરીક્ષાથી બાળકોને થશે ફાયદો
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવતી શિક્ષક સજ્જતા કસોટીનો સીધો ફાયદો વિદ્યાર્થીઓને થશે. જ્યારે છેલ્લા 20 વર્ષમાં ગુજરાત સરકારે સરકારી શાળાઓમાં નવા મકાનો, નવા ઓરડાઓની સાથે સાથે તમામ પ્રકારની નવી સુવિધાઓ તૈયાર કરી છે. ત્યારે હવે શિક્ષણ ક્ષેત્રે બાળકોને વધુ સારું જ્ઞાન મળી રહે અને શિક્ષણનું સ્તર સારું થાય, તેને ધ્યાનમાં લઈને જ કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિક્ષણ સજ્જતા કસોટીથી જે-તે વિષયના શિક્ષકોને જે-તે વિષયની જ સજ્જતા કસોટી આપવાની રહેશે. જેથી શિક્ષક થકી બાળકોને વધુ સારું શિક્ષણ પ્રાપ્ત થઈ શકે છે.

ગાંધીનગરથી પાર્થ જાનીનો વિશેષ અહેવાલ...

Last Updated :Aug 24, 2021, 5:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.