ETV Bharat / city

કેન્દ્રીય બજેટમાં વાપીના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગકારોની આશા-અપેક્ષાઓ

author img

By

Published : Jan 29, 2021, 4:30 PM IST

Updated : Jan 29, 2021, 4:47 PM IST

1 ફેબ્રુઆરીએ નાણાં પ્રધાન બજેટ રજૂ કરશે, ત્યારે વાપીની જીવાદોરી ગણાતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગકારોને આ બજેટમાં ઘણી બધી આશાઓ અને અપેક્ષાઓ છે. જેને લઇને ETV BHARATની ટીમે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગકારો સાથે ચર્ચા કરી હતી. જેમાં તેમણે ડીઝલ-ટાયરના ભાવ ઘટવાની આશા વ્યક્ત કરી હતી.

ETV BHARAT
કેન્દ્રીય બજેટમાં વાપીના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગકારોની આશા અપેક્ષઓ

  • ડીઝલ-ટાયરના ભાવમાં ઘટાડો થવાની આશા
  • ડ્રાઈવરો માટે ટ્રેનિંગ સ્કૂલ શરૂ કરવાની માગ
  • વાર્ષિક ટોલ-ટેક્સ વસૂલી સમય બચાવવાની કરી માગ
    કેન્દ્રીય બજેટમાં વાપીના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગકારોની આશા અપેક્ષઓ

વલસાડ: વર્ષ 2021/22નું કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ થવાનું છે, ત્યારે ગત વર્ષના બજેટની સરખામણીએ આ વખતના બજેટમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ માટે કેવી રાહતો મળે તે અંગે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના અગ્રણીઓએ ETV BHARATના માધ્યમથી પોતાની અપેક્ષાઓ રજૂ કરી હતી.

ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને ધ્યાને રાખી ખાસ રાહત પેકેજની આશા

આ બજેટમાં વાપીના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગકારોને ખૂબ આશાઓ છે. આ અંગે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ ભરત ઠક્કરે જણાવ્યું હતું કે, હાલમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ મૃત:પાય અવસ્થામાં છે. ડીઝલના ભાવ, ટાયરના ભાવ આસમાને પહોંચ્યા છે. જેના કારણે ભાડાના ભાવમાં વધારો પણ કરી શકતા નથી. જેથી સરકાર પાસે આશા છે કે, આ બજેટમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને ધ્યાને રાખી ખાસ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવે.

એડવાન્સમાં વાર્ષિક ટોલ-ટેક્સ ભરવાની સુવિધા

આ ઉપરાંત ગત બજેટમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને ગતિ આપવા માટે દરેક રાજ્યમાં ટ્રક ડ્રાઈવરો માટે ટ્રેનિંગ સ્કૂલ ખોલવાની જાહેરાત કરી હતી, જે હજુ સુધી ફળીભૂત થઈ નથી. ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં હાલમાં 30 ટકા ડ્રાઈવરોની ઘટ વર્તાઈ રહી છે. આ સાથે જ ટોલ-ટેક્સ માટે ફાસ્ટેગ સિસ્ટમ અમલી બનાવી છે, પરંતુ તેમાં હજુ પણ વાહનોની કતારો લાગે છે. જેથી ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલા લોકોએ જે રીતે અન્ય ટેક્ષ વાર્ષિક ફી મુજબ વસુલ કરવામાં આવે, તેવી રીતે ટોલ-ટેક્સને પણ એડવાન્સ કરી વાર્ષિક કરવાની માગ કરી છે.

ઇ-વે બિલની સમય મર્યાદા વધારવા કરી માગ

આ અંગે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશનના સેક્રેટરીએ જણાવ્યું હતું કે, કોરોના કાળમાં જીવના જોખમે ટ્રાન્સપોર્ટ સેવા આપનારા ટ્રાન્સપોર્ટરો, ડ્રાઈવરો માટે સરકારે કોઈ જ સુવિધા આપી નથી. દિવસેને દિવસે ટ્રાન્સપોર્ટની અર્થવ્યવસ્થા ખોરવાઈ રહી છે. હાલમાં જે ઇ-વે બિલ અમલમાં આવ્યું છે, તેમાં પણ સરકારે સમય મર્યાદા ઘટાડી વધુ એક માર આપ્યો છે. જેથી ઇ-વે બિલની સમય મર્યાદા ઘટાડવાથી ટ્રાન્સપોર્ટરોને લાખોની પેનલ્ટી ભરવી પડી રહી છે. જે માટે તેમાં સમય મર્યાદા વધારવામાં આવે. આ સાથે જ TDSની સમસ્યામાં રાહત આપવામાં આવે.

દૈનિક 5,000થી વધુ ટ્રાન્સપોર્ટ વાહનોની અવર-જવર

ઉલ્લેખનીય છે કે, વાપી, સરીગામ, ઉમરગામ, દમણ, દાદરા નગર હવેલીમાં અંદાજે 10,000થી વધુ ઉદ્યોગો ધમધમે છે. જેમાં દૈનિક 5,000થી પણ વધુ ટ્રાન્સપોર્ટ વાહનોની અવર-જવર છે. આ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ આ પ્રકારના ઉદ્યોગો માટે જીવાદોરી સમાન છે, ત્યારે આ વખતના કેન્દ્રીય બજેટમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની ગાડી પાટા પર ચડી શકે તેવી જાહેરાતની આશા અપેક્ષાઓ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગકારોએ સેવી રહ્યા છે.

Last Updated : Jan 29, 2021, 4:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.