ETV Bharat / city

ફોર્મ ભરવાના અંતિમ દિવસઃ વાપીમાં 38, ઉમરગામ નગરપાલિકામાં 52 અને તાલુકા પંચાયતમાં 49 ઉમેદવારોએ ભર્યાં ફોર્મ

author img

By

Published : Feb 13, 2021, 9:04 PM IST

વલસાડ જિલ્લામાં ઉમરગામ નગરપાલિકા, તાલુકા પંચાયત અને વાપી તાલુકા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે ઉમેદવારોનો રાફડો ફાટ્યો હતો. 13મી ફેબ્રુઆરીએ એક જ દિવસમાં રાષ્ટ્રીય પક્ષો-અપક્ષોના મળી કુલ 191 ઉમેદવારોએ ફોર્મ ભર્યાં હતાં.

ETV BHARAT
ઉમરગામમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ફોર્મ ભરાયાં

  • 5 દિવસમાં ઉમરગામ નગરપાલિકામાં 111 ફોર્મ ભરાયાં
  • ઉમરગામ તાલુકા પંચાયતમાં 122 ફોર્મ ભરાયાં
  • વાપી તાલુકા પંચાયતમાં 69 ફોર્મ ભરાયાં

વલસાડ: ઉમરગામ નગરપાલિકા અને તાલુકા પંચાયત તેમજ વાપી તાલુકા પંચાયતની ચૂંટણી માટે 13 ફેબ્રુઆરી ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો. આ અંતિમ દિવસે ઉમરગામ નગરપાલિકામાં 52, ઉમરગામ તાલુકા પંચાયતમાં 49 અને વાપી તાલુકા પંચાયતમાં 38 ઉમેદવારોએ ફોર્મ ભર્યાં હતાં.

જિલ્લા પંચાયતની 38 બેઠક માટે 153 ઉમેદવારોએ ફોર્મ ભર્યાં

વલસાડ જિલ્લામાં જિલ્લા પંચાયતની 38 બેઠક, 6 તાલુકા પંચાયતની 158 બેઠક તેમજ ઉમરગામ નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠક માટે 28 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીને લઈને 8થી 13 ફેબ્રુઆરી દરમિયાન ઉમેદવારી ફોર્મ ભરવાનું હતું, ત્યારે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસ સુધીમાં જિલ્લા પંચાયતની 38 બેઠક માટે 153 ઉમેદવારોએ ફોર્મ ભર્યાં છે.

ઉમરગામ નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં નોંધાઇ સૌથી વધુ ઉમેદવારી

આ જ રીતે ઉમરગામ તાલુકા પંચાયતની 30 બેઠક માટે 122 ઉમેદવારોએ, ઉમરગામ નગરપાલિકાની 28 બેઠક માટે 111 ઉમેદવારોએ, જ્યારે વાપી તાલુકા પંચાયતની 20 બેઠક માટે 69 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. સૌથી વધુ ઉમેદવારોની નોંધણી ઉમરગામ નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં નોંધાઇ છે.

ઉમરગામમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ફોર્મ ભરાયાં

BSP, BTP, AAP અને અપક્ષ ઉમેદવારોએ પણ ઉમેદવારી નોંધાવી

તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે મુખ્ય પક્ષો ભાજપ, કોંગ્રેસ ઉપરાંત, બહુજન સમાજ પાર્ટી, BTP, AAP અને અપક્ષ ઉમેદવારોએ પણ ઉમેદવારી નોંધાવી છે, ત્યારે 16 ફેબ્રુઆરી ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો દિવસ છે. જે બાદ જ ચૂંટણી જંગ કોની કોની વચ્ચે ખેલાશે તે ચિત્ર સ્પષ્ટ થશે.

ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે 191 ફોર્મ ભરાયાં

ઉલ્લેખનીય છે કે, વાપી નગરપાલિકામાં ઉમેદવારી ફોર્મના અંતિમ દિવસે 38, ઉમરગામ નગરપાલિકામાં 52, ઉમરગામ તાલુકા પંચાયતમાં 49 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યાં હતાં. આ ચૂંટણી જંગમાં સૌથી વધુ રસાકસી ઉમરગામ નગરપાલિકામાં રહેવાની છે.

ઉમરગામ વોર્ડ નંબર 6માં સૌથી વધુ 22 ફોર્મ ભરાયાં

ઉમરગામ નગરપાલિકામાં 7 વોર્ડના 28 સભ્યો માટે કુલ 111 ફોર્મ ભરાયાં છે. જેમાં વોર્ડ નંબર 6માં સૌથી વધુ 22 ફોર્મ ભરાયાં છે. વોર્ડ નંબર 4માં 20 ફોર્મ અને ગત ટર્મના પ્રમુખ રામશબદ સિંઘના વોર્ડ નંબર 3માં 15 ઉમેદવારોએ ફોર્મ ભર્યાં છે. મોટી સંખ્યામાં ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ આ વખતની નગરપાલિકાની ચૂંટણી જીતવી ભાજપ-કોંગ્રેસ માટે કપરા ચઢાણ છે, ત્યારે બન્ને પક્ષો જીત મેળવવા કેવી રાજનીતિના ખેલ ખેલે છે તેના પર મતદારો મદાર રાખીને બેઠા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.