ગુજરાત કોંગ્રેસમાં જીગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલની કેમિસ્ટ્રી સફળ થશે ખરી..

author img

By

Published : Sep 28, 2021, 6:49 PM IST

Updated : Sep 28, 2021, 9:30 PM IST

હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણીની કેમિસ્ટ્રી સારી છે

2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વડગામના અપક્ષ ધારાસભ્ય તરીકે જીગ્નેશ મેવાણીએ જીત મેળવી હતી. તેમને કોંગ્રેસનું સમર્થન હતું. હાલ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ સાથે જીગ્નેશ મેવાણીની કેમિસ્ટ્રી કેવી રહેશે?

  • બન્ને આંદોલનના પ્રણેતા છે
  • બન્ને યુવા નેતા પાટીદાર અને દલિતનો ચહેરો
  • કોંગ્રેસના સિનિયર નેતાઓ સાથે કામ કરવું કઠિન છે

અમદાવાદ- પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા પછી તેમને કાર્યકારી પ્રમુખનું પદ અપાયું છે. પણ હાર્દિક હાલ કોંગ્રેસમાં કોરાણે મુકાયા હોય તેવી સ્થિતિ છે. હવે જીગ્નેશ મેવાણી કોંગ્રેસ સાથે સંકળાયા છે, તો મેવાણીનું સ્થાન કેવું રહેશે? હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી બન્ને મિત્રો છે. જીગ્નેશ મેવાણી જ્યારે કોંગ્રેસ સાથે સંકળાયા ત્યારે હાર્દિક પટેલ તેમની સાથે દિલ્હીમાં હતા અને તેઓ બે દિવસ અગાઉ દિલ્હી પહોંચી ગયા હતા. કોંગ્રેસના સિનિયર નેતાઓ સાથે મુલાકાત પણ કરી હતી.

આંદોલનમાંથી નેતા બન્યા

હાર્દિક પટેલ પાટીદાર અનામત આંદોલનથી પ્રખ્યાત થયા હતા, જ્યારે દલિત અન્યાય આંદોલનથી જીગ્નેશ મેવાણી જાણીતા થયા હતા. હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી બન્ને આંદોલનના જ પ્રણેતા છે અને તેમાંથી જ તેઓ નેતા બન્યા છે. હવે કોંગ્રેસ સાથે સંકળાયા છે. બન્નેની વિચારસરણી આંદોલનની છે અને બન્ને યુવા નેતા છે.

ગુજરાત કોંગ્રેસે હાર્દિક પટેલને કોરાણે મુક્યા છે

ગુજરાત કોંગ્રેસની વાત કરીએ તો પ્રદેશ કોંગ્રેસમાં સિનિયર નેતાઓનો દબદબો છે. હાર્દિક પટેલને કાર્યકારી પ્રમુખ બનાવ્યા પછી તેમને કોઈ ગણતું નથી. કોઈ કાર્યક્રમમાં તેમને આમંત્રણ સુધ્ધા અપાતું નથી. હાર્દિક પટેલ તેમની રીતે એકલા કાર્યકરો સાથે સંવાદ કરી રહ્યા છે અને ભાજપ સરકારની નીતિઓની નિષ્ફળતાઓને પ્રજા સમક્ષ લઈ જઈ રહ્યા છે. તેઓ પાટીદાર નેતા છે, જો કે, હાલ પાટીદાર સમાજમાં તેમની કોઈ સારી છાપ રહી નથી, એટલે કે પાટીદાર સમાજ પર સીધો કોઈ પ્રભાવ રહ્યો નથી. તેમના પર અનામત આંદોલન વખતના અનેક કેસો ચાલે છે, આથી પાર્ટી તેમને સીધી રીતે કોઈ જવાબદારી સોંપતી નથી અને કોંગ્રેસના સિનિયર નેતાઓ પણ તેમને અવગણી રહ્યા છે.

હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણીની કેમિસ્ટ્રી સારી છે
હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણીની કેમિસ્ટ્રી સારી છે

શું જીગ્નેશ મેવાણીની હાલત હાર્દિક જેવી થશે?

બીજી તરફ હવે દલિત અને યુવા ચહેરા તરીકે જીગ્નેશ મેવાણી કોંગ્રેસ સાથે સંકળાયા છે. તેમનો સાથ લઈને હાર્દિક પટેલ પ્રદેશ કોંગ્રેસમાં મોટા ફેરફાર કરે તો નવાઈ નહી? ભાજપે જેમ ગુજરાતમાં નવા મુખ્યપ્રધાન સહિત નવા પ્રધાનમંડળની રચના કરી તે તર્જ પર કોંગ્રેસ પણ ગુજરાત કોંગ્રેસની નવી જ રચના કરશે. નવા ચહેરાને પ્રદેશ કોંગ્રેસના સુકાની પદે લાવશે. તાજેતરમાં જ કોંગ્રેસ હાઈકમાન્ડે પંજાબમાં નવા જ દલિત નેતાના ચહેરાને મુખ્યપ્રધાન બનાવી દીધા અને બધાને આશ્ચર્યમાં નાંખી દીધા હતા, તેવી જ રીતે ગુજરાતમાં પણ નવા ચહેરાને સુકાની લવાય અને 2022ની ચૂંટણી લડાશે, તે પહેલા કોંગ્રેસ પુનઃજીવિત કરવા કયાવત હાથ ધરશે.

સફળતાનો આધાર ચૂંટણીના મુદ્દા પર રહેશે

રાજકીય તજજ્ઞ પાલા વરુ જણાવે છે કે, હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણીની કેમિસ્ટ્રી સારી છે, પર્સનલ લાઈફમાં બન્ને સારા મિત્રો છે. જ્ઞાતિવાદી સમીકરણ જોઈએ તો બન્ને કોંગ્રેસને ફાયદો કરાવી શકે છે. પાટીદારો અને દલિત સમાજના મતને તેઓ પરત લાવી શકે છે, પણ સફળતા કેટલી મળશે તે તો ચૂંટણી સમયના મુદ્દા પર આધારિત રહેશે. વડગામમાં અપક્ષ તરીકે જ્યારે મેવાણીએ ઉમેદવારી નોંધાવી ત્યારે કોંગ્રેસે સમર્થન જાહેર કર્યું હતું. એટલે આમ જોવા જઈએ તો મેવાણીને કોંગ્રેસનો ટેકો હતો, પણ મેવાણી કોંગ્રેસ સાથે સંકળાયા છે. પણ વાત આટલેથી અટકતી નથી. કેમ કે 2022ની ચૂંટણી આવે છે. હાઈકમાન્ડ યુવા ચહેરાને સુકાની પદ આપશે પણ સિનિયર નેતાઓને સાથ મળશે નહી, તાલમેળ જાળવવું ખૂબ કઠિન સાબિત થશે. મેવાણીના કોંગ્રેસમાં સંકળાવાથી કોંગ્રેસને સીધો ફાયદો થશે તેવું માનવાના કોઈ કારણ નથી.

આ પણ વાંચો- કોંગ્રેસમાં જોડાયા પહેલા જીજ્ઞેશ મેવાણી, કનૈયા કુમાર સહિતના નેતાઓએ ભગતસિંહને અર્પી શ્રદ્ધાંજલિ

આ પણ વાંચો- જીગ્નેશ મેવાણીના કોંગ્રેસમાં જોડાવાથી ફાયદો કે નુકસાન?

Last Updated :Sep 28, 2021, 9:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.