ETV Bharat / city

શ્રદ્ધાળુઓ માટે ખુલ્યા મંદિરના કપાટ

author img

By

Published : Jun 10, 2021, 8:08 PM IST

રાજ્યમાં કોરોનાના કેસ ઘટી રહ્યાં છે જેને ધ્યાનમાં રાખીને લોકોને અનેક છૂટછાટ આપવામાં આવી છે. આ છૂટછાટમાં ધાર્મિક સ્થળો પણ ખુલ્યા છે. જેના કારણે એક લાંબા સમય પછી હવે શ્રદ્ધાળુઓ તેમના આરાધ્ય દેવના દર્શન કરી શકશે.

શ્રદ્ધાળુઓ માટે ખુલ્યા મંદિરના કપાટ
શ્રદ્ધાળુઓ માટે ખુલ્યા મંદિરના કપાટ

  • ગુજરાતમાં ઘટી રહ્યાં છે કોરોના કેસ
  • 11 જૂનથી ખુલશે રાજ્યના મંદિર
  • કોરોના ગાઇડલાઇનનું કરવું પડશે પાલન

ન્યૂઝ ડેસ્ક: એક લાંબા સમયથી બંધ રહેલા મંદિરના દ્વાર હવે દર્શનાર્થીઓ માટે ખુલશે. બુધવારે મુખ્યપ્રધાનની કોરકમિટીની બેઠક યોજાઇ હતી જેમાં રાજ્યમાં ઘટતા કોરોના કેસને ધ્યાનમાં રાખીને અનેક નિયંત્રણ હળવા કરવામાં આવ્યાં. આ બેઠકમાં ધાર્મિક સ્થાનને લઇને પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો. રાજ્યના તમામ ધાર્મિક સ્થાન જાહેર જનતા માટે દર્શનાર્થે ખુલ્લા રખાશે, પરંતુ એક સમયે એક સાથે 50થી વધુ દર્શનાર્થીઓ એકત્રિત ન થાય તેમજ તેનું પાલન થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.

કોરોના ગાઇડલાઇન પ્રમાણે ખુલશે સોમનાથ મંદિર

રાજય સરકારની નવી ગાઇડલાઇન મુજબ 11 Juneથી સોમનાથ મંદિરમાં ભક્તો દર્શન કરી શકશે. મંદિર ટ્રસ્ટ દ્વારા કોવિડના નિયમોને અનુરૂપ સુચારૂ અમલવારી માટે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. સોમનાથ મંદિર સવારે 7:30 કલાકથી રાત્રિના 8 કલાક દરમિયાન દર્શન માટે ખૂલ્‍લુ રહેશે. દર્શન માટે ભાવિકોએ ઓનલાઇન અથવા ઓફલાઇન પાસ ફરજિયાતપણે લેવાનો રહેશે.

આ પણ વાંચો : 11 June થી ખૂલશે ભગવાનના દ્વારા - સોમનાથ મંદિરમાં ભક્તો કરી શકશે દર્શન

ભાવિકો કરી શકશે શામળાજીના દર્શન

અરવલ્લીમાં કોરોના સંક્રમણના કેસ વધતા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્વ શામળાજી મંદિર 11 એપ્રિલથી ભક્તો માટે બંધ રાખવાનો નિર્ણય વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો હતો. જો કે કોરોનાના સંક્રમણમાં ઘટાડો થતા અને સરકારની નવી ગાઇડ લાઇને ધ્યાનમાં રાખીને 11 જૂનથી સરકારી ગાઇડલાઇન મુજબ શામળાજી મંદિર દર્શાનાર્થીઓ માટે પુન: ખુલ્લુ મૂકવામાં આવશે.

કષ્ટભંજન દેવના પણ ખુલ્યા કપાટ

તો આ તરફ ભાવનગરનું પ્રખ્યાત સાળંગપુર મંદિરના દરવાજા પણ ભાવિકો માટે ખુલશે. સરકારની નવી ગાઈડ લાઇન મળતા સાળંગપુર મંદિર દર્શન માટે 11 જૂનથી રોજ ખુલશે. મંદિર પરિસરમાં સોશિયલ ડિસ્ટન્સ સહિત ગાઈડ લાઇનનું પાલન થશે. મંદિર સવાર, બપોર, સાંજની આરતીમાં ભાવિકોને પ્રવેશ નહીં. મંદિરમાં પૂજાવિધિ અને ધર્મશાળા પણ ખુલશે. ભક્તો માટે મંદિર ખુલતા આનંદની લાગણી છવાઈ છે. ભક્તો કષ્ટભંજન દેવ હનુમાજીના દર્શન કરી ધન્યતા અનુભવશે.

આ પણ વાંચો : મા જગદંબાના ભક્તો માટે ખુશીના સમાચાર, 12 જૂનથી મંદિર દર્શન માટે ખુલશે

12 જૂનથી અંબાજીના દર્શન કરી શકશે શ્રદ્ધાળુઓ

મા જગદંબાના ભક્તો માટે પણ સારા સમાચાર છે અંબાજી મંદિર યાત્રાળુઓ માટે આગામી 12 જૂનથી દર્શન માટે ખોલવામાં આવશે. ગત 13 એપ્રિલથી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું. હાલમાં જે રીતે કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેને લઈ સરકારના ગૃહવિભાગના હુકમ અન્વયે અંબાજી મંદિર 12 જૂનના શનિવારથી દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.