ETV Bharat / city

GSSSB Head Clerk Paper Leak: રાજકારણ ગરમાયું, કૉંગ્રેસ અને આપે ભાજપ સરકારને ઘેરી

author img

By

Published : Dec 15, 2021, 11:08 PM IST

GSSSB હેડ ક્લાર્કની પરીક્ષા સરકાર માટે હવે ગળાનો ફાંસો બની ગઈ છે. આ વિવાદ હવે રાજકીય રંગ પકડી રહ્યો છે. 12 ડિસેમ્બરના રોજ GSSSB હેડ ક્લાર્કની પરીક્ષા યોજાઇ હતી. એક તરફ વિદ્યાર્થીઓનું કહેવું છે કે, આ પેપર લીક (GSSSB Head Clerk Paper Leak) થયું છે. તો બીજી તરફ આ મુદ્દે આજે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી સાથેની બેઠક બાદ ગુજરાત ગૌણ પસંદગી મંડળ (gujarat secondary service selection board)ના ચેરમેન અસિત વોરાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, હજી સુધી અમને કોઈ પણ પ્રકારની લેખિત ફરિયાદ પ્રાપ્ત થઈ નથી. આ વિવાદમાં કોંગ્રેસ અને આપ પણ જોડાઇ છે, ત્યારે એ જોવું રહ્યું કે આ વિવાદ કેટલો વકરે છે.

GSSSB Head Clerk Paper Leak: રાજકારણ ગરમાયું, કૉંગ્રેસ અને આપે ભાજપ સરકારને ઘેરી
GSSSB Head Clerk Paper Leak: રાજકારણ ગરમાયું, કૉંગ્રેસ અને આપે ભાજપ સરકારને ઘેરી

  • ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ઉચ્ચ અધિકારીઓ સાથે કરી બેઠક
  • કોંગ્રેસ અને આપે ગુજરાત સરકારને ઘેરી
  • GSSSB પેપર લીકની તપાસ માટે પોલીસની 16 ટીમો લાગી

અમદાવાદ: ગુજરાતમાં 12 ડિસેમ્બરના રોજ ગુજરાત ગૌણ પસંદગી મંડળ (gujarat secondary service selection board) દ્વારા હેડ કલાર્કની પરીક્ષા (GSSSB head clerk exam 2021)નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 88 હજારથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, પરંતુ પરીક્ષાની શરૂઆત પહેલાં જ પ્રશ્નપત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. પેપર પરીક્ષાના આગળના દિવસ સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના ઉંછા ગામના એક ફાર્મ હાઉસમાં લાખો રૂપિયામાં વેંચાયું હોવાનો આક્ષેપ થયો હતો. પેપર લીક (GSSSB Head Clerk Paper Leak)ની ઘટનાને લઇને પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. આ કેસમાં જે ફાર્મ હાઉસનો ઉલ્લેખ કરાયો તેના CCTV ઉપરાંત આસપાસ વિસ્તાર અને રસ્તા પરના તમામ CCTV ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે. હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર લીક થવા મામલે અત્યાર સુધી 7 શંકાસ્પદ લોકોની અટકાયત પણ કરવામાં આવી છે.

ગૃહપ્રધાનને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક

GSSSB હેડ ક્લાર્ક પરીક્ષાના પેપર લીકનો મુદ્દો હવે વકરી રહ્યો છે. હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયું હોવાના આક્ષેપ સાથે આદમી પાર્ટીના યુવા નેતા અને આંદોલનકારી યુવરાજ સિંહ જાડેજાએ ફરિયાદ કરી હતી. રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી (state home minister harsh sanghvi)એ ઉચ્ચ અધિકારીઓ સાથે પેપર લીક (Exam Paper Leak In Gujarat) મામલે બેઠકનું આયોજન કર્યું હતું. બેઠકમાં તમામ અધિકારીઓ જેમાં ગાંધીનગર એસપી, હિંમતનગર ગાંધીનગર રેન્જ આઇજી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતાં.

GSSSB પેપર લીક મામલે પોલીસની 16 ટીમો તપાસમાં લાગી

રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી સાથેની બેઠક બાદ ગુજરાત ગૌણ પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, હજી સુધી અમને કોઈ પણ પ્રકારની લેખિત ફરિયાદ પ્રાપ્ત થઈ નથી. અસિત વોરાના જણાવ્યા અનુસાર, આ આક્ષેપોને લઇને પોલીસની લગભગ 16 ટીમો તપાસ (GSSSB head clerk exam paper leak investigation)કરી રહી છે. ગાંધીનગર, ભાવનગર, સાબરકાંઠા, હિંમતનગર જેવા તમામ વિસ્તારોમાં અને અલગ-અલગ જિલ્લાઓમાં તપાસ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, અત્યાર સુધીમાં 7થી વધુ લોકોની શંકાને આધારે અટકાયત પણ કરવામાં આવી છે. સરકારને હજું પેપર લીક થયું છે કે નથી થયું તે બાબતે ખાતરી નથી તેમ છતાં પસંદગી સેવા મંડળ દ્વારા હેડ ક્લાર્કની પરીક્ષાની આન્સર કી (gsssb head clerk answer key 2021) લોક કરી દેવામાં આવી છે. અસિત વોરા દ્વારા આ સમગ્ર તપાસ પૂર્ણ થયા બાદ આન્સર કી જાહેર કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.

પેપર લીક મુદ્દે કોંગ્રેસ અને આપ પણ મેદાને ઉતરી

સાથે જ તેમણે કોઇપણ પુરાવાઓ સામે આવવા પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી પણ આપી છે. સાથે જ જો કોઇપણ પુરાવો નહીં મળે તો યુવા નેતા યુવરાજસિંહ જાડેજા સામે કાર્યવાહી થશે તેવું પણ ઇશારા-ઇશારામાં જણાવી દીધું છે. બીજી તરફ હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાના મુદ્દે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પણ મેદાનમાં આવી ગઈ છે. સોમવારે ગુજરાત ગૌણ પસંદગી મંડળને કરેલી ફરિયાદ બાદ પણ હજી સુધી કોઈ નક્કર નિર્ણય ન આવતા આજે વહેલી સવારે જ કર્મયોગી ભવન ખાતે આમ આદમી પાર્ટીની યુવા પાંખ વિરોધ (head clerk paper leak)કરવા પહોંચી હતી, જેમાં પોલીસ સાથે પણ સામાન્ય ઘર્ષણ થયું હતું અને આવેદનપત્ર આપવાની માંગ કરી હતી.

બેરોજગાર યુવાનોને ભાજપ સરકાર પરથી વિશ્વાસ ઊઠી ગયો છે - જગદીશ ઠાકોર

GSSSB પેપર લીક થવા મામલે કોંગ્રેસે પણ ભાજપ સરકારને ઘેરવાનું શરૂ કર્યું છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે ભાજપ સરકારને ટોણો મારતા કહ્યું હતું કે, મોડી રાત્રે મીડિયાના માધ્યમથી પેપર લીક થયું હોવાની માહિતી મળી હતી, ત્યારે પ્રશ્ન ઊભો થઈ રહ્યો હતો કે ક્યાંક સરકાર પેપર લીક અંગેની માહિતી આપનારને સાંજ સુધી જેલમાં તો નહીં નાંખી દેને! ગુજરાત કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું કે, આ પરક્ષાની 2 વર્ષ પહેલાની જાહેરાત હતી. અનેક વિદ્યાર્થીઓ પરીક્ષામાં જોડાયા હતા. જગદીશ ઠાકોરે જણાવ્યું કે, ગુજરાતના બેરોજગાર યુવાનોને ભાજપ સરકાર પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. ગમે એટલી મહેનત અને ઉધાર લઇને મહેનત કરીશ છતાં લાગવગવાળાને જ નોકરી મળશે તેવું ગુજરાતના બેરોજગાર યુવાનોને લાગી રહ્યું છે. આ કારણે 2014 પહેલા એક-એક પરીક્ષા માટે 25 લાખ જેટલી અરજીઓ સબમિટ થતી હતી, તે હવે 10 લાખે આવી ગઈ છે.

ગુજરાતમાં પેપર લીક થવાની ઘટનાઓ યથાવત

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પરીક્ષાના પેપર લીક થવાનો સિલસિલો લાંબા સમયથી ચાલી રહ્યો છે. જગદીશ ઠાકોરે પેપર લીક થવાની ઘટનાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ગુજરાતમાં 2014થી પેપર લીક થઈ રહ્યા છે. 2014માં GPSC ચીફ ઓફિસરનું પેપર થયું હતું લીક, 2015માં તલાટીનું પેપર થયું. 2016માં જિલ્લા પંચાયત દ્વારા લેવાયેલી તલાટીની પરીક્ષાનું પેપર થયું હતું, જે ગાંધીનગર, મોડાસા, સુરેન્દ્રનગર જિલ્લામાં ફૂટ્યું હતું. 2018માં તારીખ TAT શિક્ષક પેપર થયું હતું લીક. 2018માં મુખ્ય સેવિકા પેપર થયું હતું લીક થયું હતું. 2018માં નાયબ ચિટનિસનું પેપર થયું હતું લીક થયું હતું. 2018માં તારીખ LRD લોકરક્ષક દળનું પેપર થયું હતું લીક થયું હતું. 2019માં બિન સચિવાલય કારકુનની પરીક્ષાનું પેપર થયું લીક થયું હતું. તો હવે 2021માં હેડ ક્લાર્કનું પેપર થયું લીક થયું છે.

પરીક્ષા રદ્દ થશે?

સરકારી નોકરીની આશામાં પરીક્ષાઓની વર્ષોથી તૈયારીઓ કરતા યુવાનોને હવે વધુ એકવાર પરીક્ષા રદ થશે કે કેમ? તેનો ભય સતાવી રહ્યો છે. 2 વર્ષ પહેલાં પણ બિન સચિવાલય પરીક્ષા રદ કરવામાં આવી હતી. ત્યારે હવે ફરીથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી હેડ ક્લાર્કની પરીક્ષા પણ રદ થશે કે નહીં તે જોવું રહ્યું.

આ પણ વાંચો: Exam Paper Leak In Gujarat: ગૌણ સેવા હેડ ક્લાર્ક પેપર લીક મુદ્દે અસિત વોરા કરશે મહત્વની જાહેરાત

આ પણ વાંચો: Exam Paper Leak In Gujarat: RSSના લોકોને નોકરી અપાવવાનો પ્રયત્ન છે પેપર લીક, વિપક્ષના નેતા સુખરામ રાઠવાના BJP પર પ્રહાર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.