ETV Bharat / city

ડરાવી, લાલચ આપી લગ્ન કરી ધર્મ પરિવર્તન કરાવનારાઓને જ કાયદાથી ડરવાની જરૂર : એડવોકેટ જનરલ

author img

By

Published : Aug 17, 2021, 10:16 PM IST

Updated : Aug 17, 2021, 10:55 PM IST

રાજ્ય સરકારના ધર્મ સ્વતંત્રતા સુધારણા બિલને હાઇકોર્ટમાં સુનાવણી
રાજ્ય સરકારના ધર્મ સ્વતંત્રતા સુધારણા બિલને હાઇકોર્ટમાં સુનાવણી

ધર્મ સ્વતંત્રતા સુધારણા બિલને લઈને રાજ્ય સરકારને હાઇકોર્ટમાં પડકારતી અરજી દાખલ કરવામાં આવી હતી, આ મામલે આજે મંગળવારે કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ અંગે હાઈકોર્ટમાં અગાઉ કરવામાં આવેલી સુનાવણીમાં સરકારને જવાબ રજૂ કરવા માટેના આદેશ આપ્યા હતા. કોર્ટમાં સરકારે પોતાનો જવાબ રજૂ કર્યો હતો અને કોર્ટે પોતાનો ચુકાદો આગામી ગુરુવાર સુધી અનામત રાખ્યો છે.

  • લવ જેહાદ મામલે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી
  • રાજ્ય સરકાર અને અરજદારની કોર્ટમાં કરી રજૂઆત
  • આગામી ગુરૂવાર સુધી કોર્ટે ચુકાદો અનામત રાખ્યો

અમદાવાદ : રાજ્ય સરકારના ધર્મ સ્વતંત્રતા સુધારણા બિલને હાઇકોર્ટમાં પડકાર મળતાં આજે મંગળવારે કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અગાઉ પણ આ મુદ્દે સુનાવણી થઈ હતી કે, જેમાં હાઈકોર્ટે સરકારને જવાબ રજૂ કરવા માટેનો આદેશ આપ્યો હતો. સુનાવણી દરમિયાન સરકારે પોતાનો જવાબ રજૂ કરતાં કોર્ટે બન્ને પક્ષોની દલીલો સાંભળી હતી, જો કે કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. આવનારા ગુરુવારે નામદાર ગુજરાત હાઈકોર્ટે આ મુદ્દે ચુકાદો આપી શકે છે.

રાજ્ય સરકારના ધર્મ સ્વતંત્રતા સુધારણા બિલને હાઇકોર્ટમાં સુનાવણી

સુનાવણી દરમિયાન કોર્ટમાં શું કરી રજૂઆત ?

ગુજરાત હાઈકોર્ટમાં ધર્મ સ્વતંત્રતાના કાયદાની જોગવાઈઓ સામે સરકારે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, સુધારેલા કાયદામાં કેસની તપાસ નિશ્ચિત કરેલા પદથી નીચેના અધિકારી તપાસ કરી શકશે નહીં, કાયદાની જોગવાઈ મુજબ કેસની તપાસ DSP કક્ષાના અધિકારી કરતા હોય છે, એટલે આ મામલામાં ખોટું થાય એવી શક્યતાઓ જ નથી. કાયદામાં કોઈપણ વ્યક્તિનું શોષણ થાય તેમ નથી. તેમાં સુરક્ષાના તમામ ઉપાયોની જોગવાઈ કરવામાં આવી છે. વધુમાં એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ હાઈકોર્ટમાં જણાવ્યું હતું કે, ધર્માંતરણ માટે કરાયેલા લગ્ન એ લગ્ન નથી.

બન્ને પક્ષોની રજૂઆત સાંભળી હાઈકોર્ટનું અવલોકન

સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર અને અરજદારની રજૂઆતો સાંભળી ગુજરાત હાઈકોર્ટે અવલોકન કર્યું હતું કે, સુધારેલા કાયદામાં જે લખ્યું છે એનું સામાન્ય વાંચન કરતા પોલીસ અધિકારીઓ કાયદાનું અર્થઘટન કઈ રીતે કરશે એ બાબત ધ્યાનમાં લેવા જેવી છે. કાયદાનો દુરુપયોગ ન થાય એ પણ જરૂરી છે. વધુમાં સુનાવણી દરમિયાન અરજદારના વકીલની કોર્ટમાં રજૂઆત હતી કે, અમારી પાસે કાયદાનો દુરુપયોગ થયો હોય તેવી વિવિધ FIR થઈ હોય તેવી માહિતી છે.

પહેલા જેલ, પછી સાબિત કરો કે જબરદસ્તી લગ્ન થયા કે કેમ ?

ગત સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટમાં અરજદારના વકીલે રજૂઆત કરી હતી કે, નવા સુધારા કરાયેલા કાયદા મુજબ જે તે વ્યક્તિ માટે ધર્માંતરણ જબરદસ્તીથી કરવામાં આવ્યા છે અથવા તો છેતરપિંડી કે લાલચ વિના કરવામાં આવ્યા છે, તેવું સાબિત કરવું ખૂબ જ મુશ્કેલ બની જશે. કાયદા મુજબ પહેલા જેલ, પછી સાબિત કરો કે જબરદસ્તી લગ્ન થયા છે કે કેમ તેવી પરિસ્થિતિ સર્જાશે. જેની સામે ગુજરાત હાઈકોર્ટે સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો. જવાબમાં સરકારે કોર્ટને જણાવ્યું હતું કે, અરજદાર કાયદાનું અર્થઘટન જે રીતે કરી રહ્યા છે એ સાચું નથી.

Last Updated :Aug 17, 2021, 10:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.