ETV Bharat / city

મ્યુકરમાઇકોસિસની અસરથી પીડાતા દર્દીઓને IFL સારવારથી મળશે સામાન્ય જીવન

author img

By

Published : Aug 10, 2021, 6:24 PM IST

Updated : Aug 11, 2021, 1:47 PM IST

મ્યુકરમાઈકોસિસ રિહેબિલિટેશન સોસાયટી ઓફ ઈન્ડિયા (Mucormycosis Rehabilitation Society of India) સંસ્થા દ્વારા મ્યુકરમાઈકોસિસની અસરોથી પીડાતા દર્દીઓ માટે IFL (Immediate Functional Loading ) સારવાર કરવામાં આવશે. જેના કારણે દર્દીઓ(Mucormycosis) ને રોજબરોજ પડતી મુશ્કેલીઓમાં છૂટકારો મળી શકશે. ઉલ્લેખનીય છે કે, મ્યુકરમાઈકોસિસથી જીવ ગુમાવનાર લોકોની સંખ્યામાં ગુજરાત 656 દર્દીઓના મૃત્યુ સાથે બીજા ક્રમે છે.

મ્યુકરમાઇકોસિસની અસરથી પીડાતા દર્દીઓને IFL સારવાર
મ્યુકરમાઇકોસિસની અસરથી પીડાતા દર્દીઓને IFL સારવાર

  • રાજ્યમાં મ્યુકરમાઈકોસિસ ઈન્ફેક્શનના 6731 કેસો નોંધાયા
  • ગુજરાત 656 દર્દીઓના મૃત્યુ સાથે દેશમાં બીજા ક્રમે
  • મ્યુકરમાઈકોસિસઓને મળશે મુશ્કેલીઓમાંથી છૂટકારો

અમદાવાદ : જીવલેણ મ્યુકરમાઈકોસિસ (Mucormycosis) કે જે બ્લેક ફંગસ (Black Fungus) તરીકે પણ ઓળખાય છે, તેને ગુજરાતમાં અનેક લોકોનું જીવન દુષ્કર બનાવી દીધું છે. જેમાં કોરોનાની બીજી લહેર પછી જોવા મળેલા આ ખતરનાક સંક્રમણના લીધે અનેક દર્દીઓએ જડબા, દાંત અને આંખો ગુમાવવાનો વારો આવ્યો છે. આવા દર્દીઓને આશાનું નવું કિરણ આપવા મ્યુકરમાઈકોસિસ રિહેબિલિટેશન સોસાયટી ઓફ ઈન્ડિયા ( Mucormycosis Rehabilitation Society of India ) નામની સંસ્થા ઈમિડિયેટ ફંક્શનલ લોડિંગ (Immediate Functional Loading) એટલે કે IFL તરીકે ઓળખાતી એક નવીનતમ સારવાર લઈને આવી છે. આ સારવારની મદદથી દર્દીઓને રોજબરોજ પડતી મુશ્કેલીઓમાં છૂટકારો મળશે અને તેઓ ફરીથી સામાન્ય જીવન જીવી શકશે.

મ્યુકરમાઇકોસિસના દર્દીઓને ગુમાવવા પડ્યા અંગો

આ સારવાર અંગે વધુ વિગતો આપતાં મ્યુકરમાઈકોસિસ રિહેબિલિટેશન સોસાયટી ઓફ ઈન્ડિયાના પ્રમુખ ડો. કિરણ પટેલે જણાવ્યું હતું કે, જે ર્દીઓએ મ્યુકરમાઇકોસિસના કારણે જડબા, દાંત અને આંખો જેવા મહત્વના અંગો ગુમાવવા પડ્યા છે, તેઓ દુઃખદાયક અને કંટાળાજનક જિંદગી જીવી રહ્યા છે, ત્યારે નવીનતમ ઈમિડિયેટ ફંક્શનલ લોડિંગ (IFL) સારવારની મદદથી દર્દી એક જ અઠવાડિયામાં સામાન્ય જીવન તરફ પાછો વળી શકે છે. તે આરામથી ભોજન ચાવી શકે છે અને બોલવામાં પણ કોઈ તકલીફ પડતી નથી. આ ઉપરાંત, તેના ચહેરાના દેખાવમાં પણ નોંધપાત્ર ફેરાફાર થાય છે અને વ્યક્તિ વધુ યુવાન લાગે છે.

IFL સારવારથી દર્દીઓને મળ્યું સામાન્ય જીવન

સર્જરી વિનાની આ સારવારમાં 4થી 5 દિવસનો સમય લાગે છે અને તેમાં હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડતી નથી. એક વખત કામચલાઉ સારવાર પૂરી થઈ જાય પછી દર્દીએ 3 મહિના બાદ ફરીથી ચેકઅપ કરાવવું પડે છે. જો દર્દીને મ્યુકરમાઈકોસિસનું કોઈ સંક્રમણ ન જણાય તો કાયમી નિરાકરણ લાવવામાં આવે છે. જેથી તે ફરીથી સામાન્ય જીવન જીવી શકે. થોડા મહિના પહેલા અચાનક જ મ્યુકરમાઈકોસિસના કેસો બહાર આવવા લાગ્યા હતા, તેના પહેલાં પણ અનેક દર્દીઓને આ IFL સારવાર પૂરી પાડવામાં આવી છે. કેન્સરના લગભગ 10 દર્દીઓની સર્જરી પછી જડબા કાઢી નાખવામાં આવ્યા હતા, તેમને આ બાદ સારવાર અપાઈ હતી અને હવે તેઓ સામાન્ય વ્યક્તિની જેમ જીવન જીવી રહ્યા છે. આ પૈકીનો એક કેસ પ્રતિષ્ઠિત અમેરિકન જર્નલ 'ધ જર્નલ ઓફ પ્રોસ્થેટિક ડેન્ટિસ્ટ'માં પણ પ્રસિદ્ધ થયો છે.

મ્યુકરમાઇકોસિસની અસરથી પીડાતા દર્દીઓને IFL સારવારથી મળશે સામાન્ય જીવન

પ્રોસ્થેસિસ દ્વારા મૂકાયા કોસ્મેટિક અંગો

મ્યુકરમાઈકોસિસ અગાઉ ઝાયગોમાઈકોસિસ તરીકે ઓળખાતો હતો, તે જ્વલ્લે જ જોવા મળતો એક ગંભીર ફૂગનો ચેપ છે, જે મ્યુકરમાઈસિટેસ તરીકે જાણીતા મોલ્ડ્સના લીધે થાય છે. મ્યુકરમાઈકોસિસ એવા લોકોને વધુ અસર કરે છે જેમને પહેલેથી કોઈ આરોગ્યને લગતી સમસ્યા છે અથવા દવાઓ લે છે. જેના લીધે વિષાણુઓ તથા બીમારી સામે લડવા માટે શરીરની ક્ષમતા ઘટી જાય છે. આ સારવાર હેઠળ ડોક્ટર્સ ઓબ્ટ્યુરેટરની મદદથી ફિક્સ્ડ ટૂથ અને બોન ફિક્સ્ચર અને ત્યારબાદ તેના પર પ્રોસ્થેસિસ ( Prosthesis ) મૂકીને આંખનો ડોળો, નાક, કાન જેવા કોસ્મેટિક અંગો મૂકવામાં આવે છે, તેવું ડો. કિરણ પટેલે જણાવ્યું હતું.

ગુજરાત 656 દર્દીઓના મૃત્યુ સાથે દેશમાં બીજા ક્રમે

મ્યુકરમાઈકોસિસ રિહેબિલિટેશન સોસાયટી ઓફ ઈન્ડિયાના પ્રમુખ જણાવ્યું હતું કે, તાજેતરના આંકડા મુજબ ગુજરાતમાં મ્યુકરમાઈકોસિસ ઈન્ફેક્શન ( Mucormycosis Infection)ના 6,731 કેસો નોંધાયા છે. આ ચેપથી જીવ ગુમાવનાર લોકોની સંખ્યાના મામલે ગુજરાત 656 દર્દીઓના મૃત્યુ સાથે બીજા ક્રમે છે. જે દર્દીઓએ આ ચેપના કારણે જડબા, દાંત અને આંખો જેવા મહત્વના અંગો ગુમાવવા પડ્યા છે, તેઓ દુઃખદાયક અને કંટાળાજનક જિંદગી જીવી રહ્યા છે.

IFL સારવારમાં 50,000થી 5 લાખ રૂપિયાનો ખર્ચ

મ્યુકરમાઈકોસિસ રિહેબિલિટેશન સોસાયટી ઓફ ઈન્ડિયાએ અમદાવાદમાં નોંધાયેલી સંસ્થા છે જે મ્યુકરમાઈકોસિસ ચેપ અંગે જાગૃતતા ફેલાવે છે, તેના અંગે પ્રવર્તતી ભ્રમણા દૂર કરે છે અને તંદુરસ્ત સમાજના નિર્માણ માટે સોલ્યુશન્સ પૂરા પાડે છે. IFL સારવારમાં 50,000થી 5 લાખ રૂપિયા સુધીનો ખર્ચ આવી શકે છે. આ ખર્ચને મેડિકલ ઈન્શ્યોરન્સ કવર હેઠળ આવરી લેવા માટે સંસ્થા સરકારને રજૂઆત કરવાની યોજના બનાવી રહી છે. આ પહેલથી કોવિડ-19 સારવાર પછી નાણાંકીય તંગીનો સામનો કરી રહેલા દર્દીઓને મોટી રાહત મળશે.

Last Updated : Aug 11, 2021, 1:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.