ETV Bharat / city

1.10 લાખ પ્રેક્ષકો બેસવાની ક્ષમતા સાથે વિશ્વનું સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ગૌરવ મોટેરાને

author img

By

Published : Feb 22, 2021, 10:48 PM IST

આગામી 24 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ખાસ ઉપસ્થિતિમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આ સ્ટેડિયમનું વિધિવત ઉદ્ઘાટન કરશે. તો આવો જાણીએ મોટેરા સ્ટેડિયમની વિશેષતાઓ...

world's largest cricket stadium
world's largest cricket stadium

  • 24 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે મોટેરા સ્ટેડિયમનું વિધિવત ઉદ્ઘાટન
  • કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ રહેશે ઉપસ્થિત
  • ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચ સ્ટેડિયમના નવનિર્માણ બાદ પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ

અમદાવાદ : ક્રિકેટ વિશ્વનું સૌથી મોટું અમદાવાદના સાબરમતી ખાતે આવેલું, મોટેરા સ્ટેડિયમ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ માટે નવા શણગાર અને નવીનતમ સુવિધાઓ સાથે સજ્જ થયું છે. આગામી 24 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ખાસ ઉપસ્થિતિમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આ સ્ટેડિયમનું વિધિવત ઉદ્ઘાટન કરશે. ત્યારે સ્ટેડિયમ પર મોટાપાયે પોલીસ બંદોબસ્ત દેખાઈ રહ્યો છે. જ્યારે રાષ્ટ્રપતિના સ્વાગતના બેનર લાગી ચૂક્યા છે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમના ઉદ્ઘાટનથી દેશભરમાં ક્રિકેટપ્રેમીઓમાં ઉત્સાહનો માહોલ સર્જાશે.

હવે મેલબોર્ન નહીં, મોટેરા બન્યું છે વર્લ્ડ નંબર વન

અમદાવાદનું સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમ 63 એકર જમીનમાં પથરાયેલું છે, જેમા 1.10 લાખ લોકોની બેસવાની ક્ષમતા છે. વર્તમાનમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ મેલબોર્નનું છે. જેમાં એક સાથે 90,000 લોકો બેસી શકે છે. ગુજરાતમાં બનેલી વિશ્વની સૌથી મોટી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' બાદ હવે રાજ્ય ક્રિકેટમાં વિશ્વનાં સૌથી મોટા સ્ટેડિયમનો રેકોર્ડ બનાવવા જઈ રહ્યું છે. અંદાજિત રૂપિયા 800 કરોડનાં ખર્ચે નિર્માણ પામેલા આ સ્ટેડિયમની સુંદરતા બેનમૂન છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું 5 વર્ષમાં નિર્માણ કરનારી લાર્સન એન્ડ ટુર્બો (એલ એન્ડ ટી) કંપની દ્વારા આ સ્ટેડિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે.

1.10 લાખ પ્રેક્ષકો બેસવાની ક્ષમતા સાથે વિશ્વનું સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ગૌરવ મોટેરાને

વડાપ્રધાનનો ડ્રિમ પ્રોજેકટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમા આ સ્ટેડિયમના પરિસરમાં 76 કોર્પોરેટ બોક્ષ, ઓલિમ્પિક સાઈઝનો સ્વિમિંગ પુલ, ઇન્ડોર એકેડેમી, ખેલાડીઓ માટે ચાર ડ્રેસિંગ રૂમ્સ, ફૂડ કોર્ટ તથા GCA ક્લબ હાઉસ પણ તૈયાર કરાયું છે.

આધુનિક ટેકનિકનું સ્ટેડિયમ

સ્ટેડિયમમાં 06 લાલ અને 05 કાળી માટીની કુલ 11 પીચ તૈયાર કરાઈ છે. મુખ્ય અને પ્રેક્ટિસ પીચ માટે બન્ને પ્રકારની માટીનો ઉપયોગ કરાયો હોય એવું આ પ્રથમ સ્ટેડિયમ છે. વરસાદની સ્થિતિમાં માત્ર 30 મિનીટમાં જ પીચ સૂકાઈ જાય એવી વ્યવસ્થા છે. અત્યાધુનિક LED ફ્લડલાઈટસ વાતાવરણને ગરમ નહીં કરે અને ક્રિકેટર્સ સાથે પ્રેક્ષકોને પણ રાહત થશે. આ સ્ટેડિયમની એક નવીન વિશેષતા એ છે કે, 9 મીટરની ઊંચાઈનું 360 ડિગ્રી પોડિયમ કોનકોર્સ પ્રેક્ષકોની અવરજવરને તો સરળ બનાવે છે જ, આ સાથે કોઈ પણ સ્ટેન્ડમાંથી મેચ નિહાળનારાને એક સમાન વ્યૂ મળી રહે છે. હજારો ગાડીઓ અને મોપેડ પાર્ક કરી શકાય છે.

ખેલાડીઓને સુવિધા જ્યારે પ્રેક્ષકો માટે આકર્ષણ

જે કોર્પોરેટ બોક્ષ તૈયાર કરાયાં છે, તેમાં પ્રત્યેકની બેઠક ક્ષમતા 25ની છે. 150 ટનના એરકુલિંગ ટાવર્સ સ્ટેડિયમનો ક્લોઝ ઇન ભાગ સેન્ટ્રલી એરકન્ડિશન્ડ રાખશે. બન્ને ટીમના ખેલાડીઓની જરૂરિયાત મુજબ વિશાળ ડ્રેસિંગ રૂમ બનાવવામાં બનાવ્યાં છે. બન્ને ટીમ માટે અલગ અલગ અત્યાધુનિક જિમ બનાવાયા છે. ખેલાડીઓ અને VIP પ્રવેશ પાસે ખાસ લોન્જ બનાવવામાં આવી છે. ઓટોગ્રાફ ગેલેરીમા સ્ટેડિયમમાં અત્યાર સુધી રમાયેલ IPL અને વર્લ્ડ કપની મેચની ટીમના ખેલાડીઓના ઓટોગ્રાફવાળા બેટનું કલેક્શન આકર્ષણનું કેન્દ્ર છે. વિશ્વના નામાંકિત ક્રિકેટર્સની તસવીરો સાથેનું “હોલ ઓફ ફેમ” સ્ટેડિયમનું એક નજરાણું છે.

world's largest cricket stadium
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચ સ્ટેડિયમના નવનિર્માણ બાદ પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ

જૂના સ્ટેડિયમ કરતા , નવા સ્ટેડિયમની બેઠક ક્ષમતા ડબલ

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2016માં મોટેરા સ્ટેડિયમને તોડી પાડવામાં આવ્યું, ત્યારે મોટેરા સ્ટેડિયમની દર્શક ક્ષમતા 54,000 હતી. ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા નવું અને અત્યાધુનિક અને સંપૂર્ણ સુવિધાયુક્ત સ્ટેડિયમ બનાવવા માટે જાન્યુઆરી, 2018માં નવા સ્ટેડિયમનો પાયો નાખવામાં આવ્યો હતો. માત્ર બે વર્ષના ટૂંકા ગાળામાં તૈયાર થયેલું આ સ્ટેડિયમ ગુજરાતની યશકલગીમાં એક વધુ પીંછું બની રહ્યું છે.

વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં રમવા ખેલાડીઓ આતુર

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ક્રિકેટ જોવા પ્રેક્ષકો આતુર છે. ઓનલાઇન બુકિંગ ઉપરાંત સ્ટેડિયમ પર પણ પ્રેક્ષકો ટિકિટ ખરીદવા આવી રહ્યા છે. જ્યારે ક્રિકેટર્સ પણ આ આધુનિક સુવિધાથી સજ્જ ક્રિકેટ સ્ટેડિયમમાં રમવા આતુર છે. મૂળ ગુજરાતના બરોડાના અને હાલ ભારતીય ટીમના સભ્ય એવા હાર્દિકે પંડ્યાએ જણાવ્યું હતું કે, પ્રેક્ષકોથી ભરેલા સ્ટેડિયનો આવે માહોલ જોવો છે. તેના માટે અમે આતુર છીએ. ચેતેશ્વર પુજારાએ જણાવ્યું કે, મોટા સ્ટેડિયમમાં પ્રથમવાર રમવા તેમને ઉત્સુક છે. મયંક અગ્રવાલે જણાવ્યું હતું કે, મોટેરામાં સ્ટેડિયમની પ્રેક્ષક ગેલેરી અને સંપૂર્ણ સ્ટેડિયમ અદભુત છે. શુભમન ગિલે જિમના વખાણ કરતાં જણાવ્યું કે, આ વિશાળ જિમ છે. અહીંની સેવાઓ પણ સારી છે.

સ્ટેડિયમની વિશેષતા

વિશ્વના સૌથી મોટા આ ક્રિકેટ સ્ટેડિયમની બેઠક ક્ષમતા 1.10 લાખની છે. જોકે, આ વખતે કોરોના વાઈરસના સંક્રમણને કારણે બેઠક ક્ષમતાના 50 ટકા પ્રેક્ષકોથી જ સ્ટેડિયમ ભરવામાં આવશે. સ્ટેડિયમમાં કોઈપણ ખૂણેથી સંપૂર્ણ મેદાન જોઈ શકાય છે. સ્ટેડિયમમાં રમાનારી પ્રથમ બેચમાં ગુલાબી બોલનો ઉપયોગ થાય તેવી શક્યતાઓ છે. અહીં ઉલ્લેખનીય એ છે કે, એશિયન ક્રિકેટ કાઉન્સિલન આ અધ્યક્ષ તરીકે તાજેતરમાં જ ગૃહપ્રધાન અમિત શાહના પુત્ર જય શાહની વરણી કરવામાં આવી હતી.

24 ફેબ્રુઆરીએ મોટેરામાં પ્રથમ ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ

ભારતના પ્રવાસે આવેલી ઇંગ્લેન્ડની ટીમ એક મહિનો જેટલો સમય અમદાવાદમાં રોકાશે. કારણકે, તેઓ અહીં 02 ટેસ્ટ મેચ અને 05 ટ્વેન્ટી-ટ્વેન્ટી મેચ રમશે. મોટેરામાં પ્રથમ ઇન્ટરનેશનલ મેચ 24 ફેબ્રુઆરીએ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે યોજાનારી ટેસ્ટ મેચ હશે. આ સ્ટેડિયમ જ્યારે સંપૂર્ણ રીતે તૈયાર થઈ ચૂક્યું છે. ત્યારે તેના ઉદ્ઘાટન પ્રસંગે 23 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને દેશના ગૃહપ્રધાન અમિત શાહ ખાસ ઉપસ્થિત રહે તેવી સંભાવનાઓ રહેલી છે. ઇન્ટરનેશનલ મેચ પહેલાં 23 ફેબ્રુઆરીના રોજ સ્ટેડિયમનું અનાવરણ સમારોહ યોજાશે. વડાપ્રધાન મોદી વર્ચુઅલી ઉપસ્થિત રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.