રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલની સરકારમાં કોંગ્રેસમાંથી આવેલા ધારાસભ્યોની બોલબાલા

author img

By

Published : Sep 16, 2021, 7:17 PM IST

રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલની સરકારમાં કોંગ્રેસમાંથી આવેલા ધારાસભ્યોની બોલબાલા
રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલની સરકારમાં કોંગ્રેસમાંથી આવેલા ધારાસભ્યોની બોલબાલા ()

નવા મુખ્યપ્રધાનના નામની તમામ ધારણાઓ ખોટી પાડી મોદી-શાહની જોડીએ વધુ એકવાર નવે નાકે નવી દીવાળી કરતાં નવા જ નામને મુખ્યપ્રધાનની ખુરશી પર બિરાજમાન પણ કર્યું અને આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સરકારનું પ્રધાનમંડળ રચાવાનો દિવસ આવી ગયો. રાજ્યના ઇતિહાસમાં પહેલીવાર આ રીતે પુન:રચના સમયે પૂર્ણ તખ્તાપલટનો સિનારિયો સર્જાયો છે તે જોવા જેવું છે. આજે વાત કરવી છે આજના પ્રધાનમંડળમાં કેટલા 'બાગી કોંગ્રેસી'ઓ જે હવે ભાજપી છે તેઓને પ્રધાનપદ નવાજાયું છે તેની અને તેની દૂરોગામી અસર વિશે.

  • ભૂપેન્દ્ર પટેલની સરકારમાં 24 પ્રધાનોએ લીધા શપથ
  • ભાજપે પક્ષપલટો કરી આવનારા કોંગ્રેસીઓને ન્યાય આપ્યો
  • આજની સરકારમાં 3 પ્રધાનને કોંગ્રેસ છોડ્યાનો શિરપાવ મળ્યો

અમદાવાદઃ રાષ્ટ્રીય કોંગ્રેસનું તો શું થશે એ હાઈકમાન્ડ જાણે પણ ડચકાં ખાતી ગુજરાત કોંગ્રેસના આલાકમાને પરોક્ષપણે હરખાવાનો દિવસ તો ખરો. કેમ કે આજે રચાયેલા નવાનકોર પ્રધાનમંડળમાં 3 પ્રધાન પૂર્વકોંગ્રેસીઓ છે. રાઘવજી પટેલ, જીતુ ચૌધરી અને બ્રિજેશ મેરજા. કોંગ્રેસમાં જે કોઇ છે તે નેતા જ છે તેવી એક કહેતી પડી છે તે એટલા માટે પડી છે કે, બધાને સત્તાસ્થાને જ બેસવું હોય છે. જો કે, પ્રજા ક્યારે કોંગ્રેસને ફરી શાસનધૂરા સોંપશે તે નજીકના સમયમાં નક્કી નથી. બસ, આ જ વાત છે કે, સત્તાનો લાંબો વિરહ ન સહી શકતાં કોંગ્રેસીઓએ હાથનો સાથ છોડી ભાજપનો કેસરીયો ધારણ કરી લીધો હતો.

ભૂપેન્દ્ર પટેલની સરકારમાં 24 પ્રધાનોએ લીધા શપથ
ભૂપેન્દ્ર પટેલની સરકારમાં 24 પ્રધાનોએ લીધા શપથ

કોંગ્રેસની નબળાઈને ભાજપે બનાવી તાકાત

થોડી પશ્ચાદભૂ યાદ કરાવીએ કે 2017નું વર્ષ એટલે ભાજપનું કોંગ્રેસીકરણ થવાનું વર્ષ હતું. એક પછી એક મોટાં કોંગ્રેસી નેતાઓને સમજાઈ ગયું હતું કે, સત્તા જોઇતી હશે તો ભાજપ જ તારણહાર છે. એવામાં રાજ્યસભા ચૂંટણી આવી અને કોંગ્રેસમાંથી ધડાધડ રાજીનામાં પડવા લાગ્યા હતા. કોંગ્રેસ એ શાસનમાં હતી ત્યારે પણ નબળાઈ રહી હતી કે સતત સત્તાની સાઠમારીમાં રચ્યાંપચ્યાં રહેતાં અને એકબીજાનો ટાંટિયો ખેંચવાના અહેવાલો સામે આવતાં રહેતા. જૂથબંધીનો પાર નહીં ને હાથમાં સત્તાય નહીં, તેવામાં ભાજપે કોંગ્રેસીઓને આવકારવા દરવાજા ખુલ્લાં મૂકયા અને નાસભાગ મચી હતી. તમને યાદ હશે કે, પૂર્વ વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરાએ 16 ધારાસભ્યોના રાજીનામાં લીધા હતા, તેમાં મોટાભાગના કોંગ્રેસીઓ જ હતાં.

ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કેટલાં રાજીનામાં લીધાં ખબર છે? તેમણે અધ્યક્ષ પદ શોભાવ્યું ત્યાં સુધીમાં વોરાનો વિક્રમ તોડતાં 19 ધારાસભ્યોના રાજીનામાંનો સ્વીકાર કર્યો છે. એમના નામ આ રહ્યાં અને ચકાસો કે તેમાં કેટલાં કોંગ્રેસીઓ છે, જૂઓ..

  • કુંવરજી બાવળીયા
  • આશાબેન પટેલ
  • જવાહર ચાવડા
  • પરસોતમ સાબરીયા
  • વલ્લભભાઈ ધારવીયા
  • ભરતસિંહ ડાભી
  • હસમુખ પટેલ
  • રતનસિંહ રાઠોડ
  • પરબતભાઈ પટેલ
  • અલ્પેશ ઠાકોર
  • ધવલસિંહ ઝાલા
  • પ્રવીણભાઈ મારુ
  • પ્રદ્યુમનસિંહ જાડેજા
  • જેવી કાકડિયા
  • સોમાભાઈ કોળી પટેલ
  • મંગળભાઈ ગામીત
  • જીતુભાઈ ચૌધરી
  • અક્ષયકુમાર પટેલ
  • બ્રિજેશ મેરજા

ભૂપેન્દ્ર પટેલની નવી ટીમમાં કેટલા કોંગ્રેસીઓ

આ લિસ્ટમાંથી બ્રિજેશ મેરજા અને જીતુ ચૌધરીને અને રાઘવજી પટેલને આજની સરકારમાં પ્રધાનપદનો વાયદો પૂરો કરી દેવામાં આવ્યો છે. જ્યારે આજે વિદાય કરી દેવાયેલાં કુંવરજી બાવળીયા, જવાહર ચાવડા, જયેશ રાદડીયાને રૂપાણી સરકારમાં પ્રધાનપદ આપવામાં આવી ચૂક્યા છે. ત્યારે હાલની કોંગ્રેસમાં એક સંદેશ એવો પણ જઇ રહ્યો છે કે, ભાજપ લઇ જાય છે તો ગમે ત્યારે એકવાર તેનો વાયદો પૂરો તો કરે છે.

ભૂપેન્દ્ર પટેલની સરકારમાં 24 પ્રધાનોએ લીધા શપથ
ભૂપેન્દ્ર પટેલની સરકારમાં 24 પ્રધાનોએ લીધા શપથ

પાંચ વર્ષમાં ભાજપનું કોંગ્રેસીકરણ

સત્તાલાલસુ કોંગ્રેસના ધારાસભ્યોએ પાટલી બદલી ત્યારે અમિત ચાવડાએ ચૂંટણી કેમ્પેઇન કર્યું હતું કે, પ્રજા આવા લોકોને માફ નહીં કરે પણ એ બધાં જ આઠેઆઠ ધારાસભ્યો પેટાચૂંટણીમાં ચૂંટાઈ આવ્યાં હતા અને કોંગ્રેસને હજુ તેની કળ જાણે વળી નથી. તમે જૂઓ, હાર્ડકોર કોંગ્રેસી કહેવાતાં નેતાઓએ પણ સત્તા માટે થઈને ભાજપની વિચારધારાને અપનાવી છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 13 કોંગ્રેસીઓ ભાજપમાં જોડાયાં છે. ભાજપને 13 કોંગ્રેસીઓને સ્વીકારવા પડે તેવી સ્થિતિ હતી. ભાજપને કોઇપણ સંજોગોમાં રાજયસભાની બેઠક જીતવા માટે ધારાસભ્યોને પોતાની ફેવરમાં કરવાના જ હતાં અને તે કોઇપણ ભોગે કરી બતાવ્યું હતું.

ભાજપે કેમ કોંગ્રેસીઓને અપનાવવાની સ્ટ્રેટેજી ઘડી?

સૌને ખબર છે તેમ માધવસિંહ સોલંકીની 149 સીટ જીતવાનો વિક્રમ તોડવાનું ઝનૂન છે. સમયે તેના પર રાખ વળેલી દેખાય તો પણ પાટીલનું સોનાની થાળીવાળું નિવેદન યાદ રાખવા જેવું છે. ભાજપના મોવડીમંડળનું તે મોટું સ્વપ્ન છે જેને પાર પાડવા માટે પાટીલ મચી પડ્યાં છે. ત્યારે રાજ્યના તમામ પોકેટ્સમાં ભાજપના ઉમેદવાર જીતે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવું પડે. સૌરાષ્ટ્રમાં અને ઉત્તર ગુજરાતનો ગઢ સાચવવા માટે પણ કોંગ્રેસના વર્ચસ્વ અને પ્રભુત્વ ધરાવતા નેતાને ભાજપમાં સમાવવામાં આવ્યા હતા અને હજુ પણ કોંગ્રેસના બેત્રણ સક્ષમ નેતા છે તેના માટે ભાજપ લાલજાજમ બીછાવે તો નવાઈ નહીં.

ભાજપે પક્ષપલટુ ધારાસભ્યોને કોઇને કોઇ રીતે સાચવ્યાં

ગુજરાતની પ્રજા આમ તો પક્ષપલટુઓને સ્વીકારતી નથી. કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં આવ્યા ત્યારે એકસરખું કહ્યું હતું કે, હવે તેમના વિસ્તારના કામો ઝડપથી થશે. કુંવરજી બાવળીયા, જવાહર ચાવડા અને રાદડીયાને તે પ્રમાણે કામ કરવા પણ દેવાયાં, પ્રધાન પણ બનાવાયાં. એટલે પ્રજામાં તેનો ગુસ્સો થાળે પડતો ગયો. બીજીબાજુ ગુજરાત કોંગ્રસમાં અંદરોઅંદરનું રાજકારણ અને મોવડીમંડળની અસંમજસભરી નીતિથી તંગ આવીને પણ ભાજપના કમળની સુગંધ માણવા કેટલાક કોંગ્રેસીઓ માટે નિર્ણય લેવાનો થયો હોય એમ પણ બન્યું હોઇ શકે છે. કોંગ્રેસીઓએ એ પણ જોયું હતું કે, કેટલાક કોંગ્રેસીઓએ ભાજપમાં જોડાવા સરકાર સાથે સોદો કર્યો હતો તો રાતોરાત પ્રધાનપદ મળી ગયું હતું. તેવા પણ દાખલા સામે આવ્યાં હતાં.

આ છે દૂરોગામી અસર

ભાજપમાં ભળેલા બાકી રહી ગયેલા કોંગ્રેસીઓમાંથી પણ 3ને ભૂપેન્દ્ર પટેલની સરકારમાં સ્થાન આપવામાં આવ્યું છે. (જોકે રાઘવજી પહેલાં પણ પ્રધાનપદ માણી ચૂક્યાં છે.) એટલે કે રૂપાણી સરકાર અને પટેલની સરકાર એમ બન્ને વખતે પૂર્વ કોંગ્રેસીઓને સમાવાયાં છે, ત્યારે તેની દૂરોગામી અસર જાણવા આપણે બહુ રાહ નહીં જોવી પડે. 2022માં ગુજરાત વિધાનસભા ચૂંટણીઓની રણનીતિના ચોકઠાંમાં જે સોગઠીઓ મારવાની છે તેની શરૂઆત આ આખી ઘટનાક્રમ સાથે થઈ ગઇ છે તે સમજવામાં કોઇ રોકેટ સાયન્સ નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.