ETV Bharat / city

ગુજરાત હાઇકોર્ટનો સરકારને સવાલ - જો લેબોરેટરીઝ અને નવી મશીનરી ન નંખાઈ હોય તો ટેસ્ટિંગ કઈ રીતે વધ્યા ?

author img

By

Published : Apr 29, 2021, 8:35 AM IST

ગુજરાત હાઇકોર્ટે મંગળવારે કરેલી સુનવણી બાદ નવો ઓર્ડર પાસ કર્યો છે. જેમાં 108ની સેવા રાજ્ય સરકાર હસ્તક રાખવા અને AMC રાજ્ય સરકારના નિયમો મુજબ કામ કરી, તમામ લોકોને સારવાર આપે તેવો ઓર્ડર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સરકારે કોર્ટને આપેલી વિગતો ઉપર કોર્ટે સરકારને પ્રશ્ન કર્યો હતો કે, જો લેબોરેટરીઝ અને નવી મશીનરીઝ નાખવામાં ન આવી હોય તો ટેસ્ટિંગની સંખ્યા કઈ રીતે વધી તે સરકાર જણાવે. આ ઉપરાંત કોર્ટે સરકારને કહ્યું છે કે, ટેસ્ટિંગના પરિણામો કેટલા સમયમાં લોકોને મળશે તે પણ જણાવે.

ગુજરાત હાઇકોર્ટનો સરકારને સવાલ
ગુજરાત હાઇકોર્ટનો સરકારને સવાલ

  • ગુજરાત હાઈકોર્ટનો ગુજરાત સરકારને મહ્તવનો આદેશ
  • 108 એમ્બુલન્સ સેવા કોર્પોરેશનને આધીન હોઈ શકે નહીં
  • રાજ્ય સરકાર જે નિતી બનાવે તે પ્રમાણે 108 ઈમરજન્સીની કામગીરી થવી જોઈએ
  • હોસ્પિટલ્સની બહાર દર્દીઓ માટે કેટલા બેડ ઉપલબ્ધ છે, તેની માહિતી લોકો માટે ઉપલબ્ધ કરાવે સરકાર

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના સેક્રેટરી હાર્દિક બ્રહ્મભટ્ટે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, નામદાર હાઇકોર્ટે જે ઓર્ડર કર્યો છે, તેમાં 108 રાજ્ય સરકાર હસ્તક હોવાથી રાજ્યના નિયમો મુજબ તેની કામગીરી થવી જોઈએ. મનપાએ પણ રાજ્ય સરકારના નિયમો મુજબ 108ના દર્દીઓ સાથે અન્ય લોકોને પણ સારવાર આપવાની થાય છે. વધુમાં કોર્ટે ઓક્સિજન, રેમડેસીવીર જેવા વિષયો ઉપર પણ મહત્વપૂર્ણ આદેશ કર્યા છે.

આ પણ વાંચોઃ સરકારની કામગીરીથી હાઇકોર્ટ નારાજ, કહ્યું-બધુ કાગળ ઉપર જ છે

RT-PCR ટેસ્ટિંગને લઇ સરકારને ઓર્ડર

કોર્ટે સરકારને ઓર્ડરમાં જણાવ્યું છે કે, સુનવણી દરમિયાન સરકારે જેટલા પણ નવા RT-PCR ટેસ્ટિંગ મશીન નવા નાખવાની વાત કહી છે, તેની માહિતી સરકાર એફિડેવિટમાં રજુ કરે. અગાઉ સરકારે RT-PCR ટેસ્ટિંગ લેબોરેટરીઝ માટે, જે 26 યુનિવર્સિટીને રિકવેસ્ટ કરી હતી તેની પણ કોઈ માહિતી સરકારે આપી નથી.

ગુજરાત હાઇકોર્ટનો સરકારને સવાલ - જો લેબોરેટરીઝ અને નવી મશીનરી ન નંખાઈ હોય તો ટેસ્ટિંગ કઈ રીતે વધ્યા ?

ટેસ્ટિંગના પરિણામો કેટલા સમયમાં લોકો સુધી પહોંચશે તેનો કોઈ ઉલ્લેખ નહીં

નામદાર કોર્ટે સરકારને સવાલ કર્યો છે કે, એફિડેવિટમાં દૈનિક ધોરણે ટેસ્ટિંગની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે તેવું જણાવવામાં આવ્યું છે. પરંતુ પ્રયોગશાળાઓ વધારવામાં ન આવે ત્યારે આ સંખ્યા કેવી રીતે વધારવામાં આવી છે, તે અંગેનો ઉલ્લેખ સ્પષ્ટ કરવામાં આવ્યો નથી. સોગંધનામામાં ક્યાંય ઉલ્લેખ નથી થયો કે, RT-PCR પરીક્ષણનો અહેવાલ મેળવવા માટે કેટલો સમય લેવામાં આવે છે.

રાજ્ય સરકારે 108ને લઇ કોર્પોરેશનને કેમ નિર્દેશો જારી કર્યા નથી

108ની સેવાઓને લઇ કોર્ટનું સ્પષ્ટ વલણ ઓર્ડરમાં જોવા મળે છે. કોર્ટે ઓર્ડરમાં જણાવ્યું છે કે, અમે સમજવામાં નિષ્ફળ છીએ કે કેમ રાજ્ય સરકારે AMCને 108 સિવાય અન્ય વાહનોમાં આવતા દર્દીઓને સેવા આપવા આદેશ ન આપ્યો. ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ 1949ના અધ્યાય XXVIII માં જણાવ્યા મુજબ મનપા રાજ્યના નિયંત્રણ અને દેખરેખમાં રહેશે. તેમ છતાં કેમ નિર્દેશો જાહેર ન કરવામાં આવ્યા. કોર્ટે સરકારને પ્રશ્ન કર્યો હતો કે, જો 108ની સેવા અપૂરતી હોય અને સમયસર તે પહોંચી ન શકતી હોય તો કઈ રીતે ખાનગી વાહનોમાં આવતા લોકોને સારવાર માટે ના પાડી શકાય?

રીમડેસીવીરની સપ્લાયને લઇ કોર્ટનો ઓર્ડર

તમામ જરૂરિયાતમંદ લોકોને રીમડેસીવીર મળી રહે તે માટે રાજ્ય એક પોલિસી ઘડે જેથી ન માત્ર રાજ્ય, મનપા અને ડેઝીગ્નેટેડ હોસ્પિટલના દર્દીને મળે પણ તમામ લોકોને મળી શકે. કોર્ટે ઓર્ડરમાં જણાવ્યું છે કે, વિતરણ પારદર્શિતા સાથે એકસરખી રાજ્ય વ્યાપી નીતિ દ્વારા થવું જોઈએ, જેથી સુનિશ્ચિત થઈ શકે કે જરૂરતમંદ દર્દીઓ પણ તેનો લાભ લઇ શકે.

આ પણ વાંચોઃ રેમડેસીવીર કાંડ – હાઇકોર્ટે સી. આર. પાટીલ અને ફુડ એન્ડ ડ્રગ્સ કમિશનર એચ. જી. કોશિયાને નોટિસ ફટકારી

ઓક્સિજન સપ્લાયને લઇ કોર્ટનો આદેશ

તબીબી ઉપયોગ માટે ઓક્સિજનના ઉત્પાદન માટે રાજ્યએ ઝડપી અને અન્ય વિકલ્પો શોધવા પડશે. પીએસએ પ્લાન્ટ્સ જે કાર્યરત નથી તેને કાર્યરત કરવામાં આવે. આ ઉપરાંત નામદાર હાઇકોર્ટે સરકારને ચેઇન બ્રેક કરવા, હોસ્પિટલની બહાર ડેસ્ક બોર્ડ લગાવવા અને ફિઝિકલ સ્ટ્રક્ચર વધારવા માટે પણ સૂચનો આપ્યા છે. આ તમામ વિગતો સાથે સરકારે કોર્ટને આગામી સુનવણીમાં રજૂ થવું પડશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.