ETV Bharat / city

સાબરમતી રિવરફ્રન્ટ પર રાજ્યપાલ અને CM રૂપાણીએ 'સ્વર્ણિમ વિજય મશાલ’નું કર્યું સ્વાગત

author img

By

Published : Aug 18, 2021, 2:12 PM IST

સાબરમતી રિવરફ્રન્ટ પર રાજ્યપાલ અને CM રૂપાણીએ 'સ્વર્ણિમ વિજય મશાલ’નું કર્યું સ્વાગત
સાબરમતી રિવરફ્રન્ટ પર રાજ્યપાલ અને CM રૂપાણીએ 'સ્વર્ણિમ વિજય મશાલ’નું કર્યું સ્વાગત

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વર્ષ 1971ના યુદ્ધના પૂર્વ સૈનિકો અને વિરાંગનાઓનું સન્માન કર્યું હતું. આ સાથે જ રાજ્યપાલ અને મુખ્યપ્રધાને સ્વર્ણિમ વિજય મશાલને પણ આવકારી હતી.

  • વર્ષ 1971 યુદ્ધના પૂર્વ સૈનિકો અને વિરાંગનાઓનું સન્માન
  • રાજ્યપાલ અને CM રૂપાણી સ્વર્ણિમ વિજય મશાલને આવકારી
  • આ વિજય મશાલ ભારત-પાકિસ્તાન યુદ્ધના શૂરવીરોના સમર્પણ અને બલિદાનનું પ્રતિક છેઃ CM

અમદાવાદઃ ભારત-પાકિસ્તાન વચ્ચે વર્ષ 1971માં થયેલા યુદ્ધના શૂરવીરોને સન્માનિત કરવા અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટમાં એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. અહીં રાજ્યપાલે જણાવ્યું હતું કે, વર્ષ 1971ના યુદ્ધમાં ભારતીય સેના જે શૌર્યભાવથી યુદ્ધ લડી હતી. તેનું સ્મરણ આજે પણ કરવામાં આવે છે.

આ પણ વાંચો- અરવલ્લી નેત્રમ રાજ્યમાં ત્રીજો ક્રમાંકે આવતા રાજ્ય પોલીસ વડા દ્વારા સન્માન

યુદ્ધમાં સેનાનું શૌર્ય અને સમર્પણભાવ અગત્યની ભૂમિકા ભજવે છેઃ રાજ્યપાલ

રાજ્યપાલે સંબોધનમાં જણાવ્યું હતું કે, યુદ્ધમાં માત્ર શસ્ત્રથી વિજય પ્રાપ્ત થતો નથી પણ સેનાનો શૌર્ય અને સમર્પણભાવ અગત્યની ભૂમિકા ભજવે છે. આ પ્રસંગે રાજ્યપાલે ભારતીય સેનાએ વિસ્તારવાદી તાકાતોને તાજેતરમાં આપેલા જવાબનો પણ ઉલ્લેખ કર્યો હતો. રાજ્યપાલે કહ્યું કે, ભારતીય પરંપરામાં વીર ભાવનો હંમેશા મહિમા ગાવામાં આવ્યો છે. વીરો જ વસુંધરાને ભોગવી શકે છે.

એરસ્ટ્રાઈક અને સર્જિકલ સ્ટ્રાઈકથી ભારત સામે કોઈ હવે આંખ ઉઠાવીને નહીં જુએઃ CM

સ્વર્ણિમ વિજ્ય મશાલને ગુજરાતની પાવન ભૂમિ પર સાબરમતીના તટે મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ આવકારતા કહ્યું હતું કે, આ વિજય મશાલ વર્ષ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધના શૂરવીરોના સમર્પણ અને બલિદાનનું પ્રતિક છે. ભારતીય સેનાની એર સ્ટ્રાઈક અને સર્જિકલ સ્ટ્રાઈકની ચર્ચા વિશ્વભરમાં થાય છે, જેના પગલે ભારત સામે કોઈ હવે આંખ ઉઠાવીને નહીં જુએ.

સાબરમતી રિવરફ્રન્ટ પર રાજ્યપાલ અને CM રૂપાણીએ 'સ્વર્ણિમ વિજય મશાલ’નું કર્યું સ્વાગત
સાબરમતી રિવરફ્રન્ટ પર રાજ્યપાલ અને CM રૂપાણીએ 'સ્વર્ણિમ વિજય મશાલ’નું કર્યું સ્વાગત

વિજય મશાલ દેશના શૂરવીરોને વીરતાની ગાથાનો નવસંચાર કરી રહી છેઃ CM રૂપાણી

મુખ્યપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 1971ના યુદ્ધમાં દેશના સૈનિકોની શોર્યગાથા આ મશાલ થકી યુવા પેઢીમાં જીવંત રહે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Narendra Modi) દ્વારા 16 ડિસેમ્બર 2020ના પવિત્ર દિવસે સમગ્ર દેશમાં ચારે દિશામાં ચાર વિજય મશાલનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે. આ વિજય મશાલ દેશના ખૂણે ખૂણે જઈને દેશના શૂરવીરોની વીરતાની ગાથા અને લોકોમાં દેશપ્રેમનો નવ સંચાર કરી રહી છે.

આ પણ વાંચો- અમદાવાદમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે ઉદ્યોગ સાહસિકોનું કરાયુ સન્માન

વર્ષ 1971ના યુદ્ધમાં ભુજની માતાઓ-બહેનોના બલિદાનને CMએ કર્યા યાદ

આ સાથે જ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વર્ષ 1971ના યુદ્ધમાં ભૂજની માતાઓ-બહેનોના બલિદાનનું સ્મરણ કર્યું હતું. આ સાથે જ મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, વર્ષ 1971ના યુદ્ધમાં જ્યારે દુશ્મન દેશે ભૂજના એરબેઝ પર હુમલો કરીને તેને નુકસાન પહોંચાડ્યું હતું ત્યારે ભૂજની માતાઓ-બહેનો, વીરાંગનાઓએ એક થઈને ખૂબ જ ટૂંકા ગાળામાં એરબેઝને પૂર્વવત્ કરીને વાયુ સેનાને યુદ્ધમાં મદદ કરવામાં આવી હતી.

વર્ષ 1971ના યુદ્ધમાં ભુજની માતાઓ-બહેનોના બલિદાનને CMએ કર્યા યાદ
વર્ષ 1971ના યુદ્ધમાં ભુજની માતાઓ-બહેનોના બલિદાનને CMએ કર્યા યાદ


સીમા સુરક્ષા અંગે પણ નાગરિકોને કરવામાં આવશે માહિતગારઃ CM

મુખ્યપ્રધાને વધુમાં કહ્યું હતું કે, યુવા પેઢીને દેશના શૂરવીરોના બલિદાનની અનુભૂતિ થશે અને તે થકી યુવા પેઢી દેશશક્તિની ભાવનાથી ઓતપ્રોત થશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 1971માં થયેલા યુદ્ધમાં ભારતના સશસ્ત્ર દળોએ મેળવેલો ઐતિહાસિક અને નિર્ણાયક વિજય જવાનોના બલિદાન અને શૌર્યનો પૂરાવો છે અને આપણા રાષ્ટ્રના નાગરિકો માટે પ્રેરણાસ્રોત છે. મુખ્યપ્રધાનએ આ પ્રસંગે નડાબેટ ખાતેના સીમાદર્શન કાર્યક્રમનો ઉલ્લેખ કર્યો હતો.

મુખ્યપ્રધાનના હસ્તે પૂર્વ સૈનિકો અને વિરાંગનાઓનું સન્માન કરાયું

મુખ્યપ્રધાને કહ્યું હતું કે, રાજ્યના નાગરિકો સીમાદર્શન કાર્યક્રમ થકી સીમા સુરક્ષા અંગેના વિવિધ પાસાઓથી માહિતગાર થાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા નડાબેટ ખાતે વ્યવ્સથાઓ ઉભી કરવામાં આવી છે. આજના આ પ્રસંગે 1971ના યુદ્ધમાં પોતાનું યોગદાન આપનારા પૂર્વ સૈનિકોનું અને વિરાંગનાઓનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. ભારત-પાકિસ્તાનના 1971ના યુદ્ધમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા અને પોતાના જીવને દેશ માટે હસ્તા મુખે બલિદાન કરનારા શહિદો માટે આર્મીના બેન્ડ દ્વારા સૂરાવલિ રેલાવવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.