ETV Bharat / city

રાજકારણમાં મોરાલિટી ખૂબ ડાઉન થઈ ગઈ છે : પૂર્વ મુખ્યપ્રધાન સુરેશ મહેતા

author img

By

Published : Oct 16, 2021, 1:23 PM IST

ભારતીય જનસંઘ વખતના પાયાના કાર્યકર્તા અને જેઓ કચ્છની માંડવી બેઠક પરથી 5 વખત ધારાસભ્યપદે ચૂંટાયા તેમ જ અંદાજિત એક વર્ષ માટે ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા એવા સુરેશ મહેતા (Former CM Suresh Mehta) સાથે આજે ETV Bharatએ રૂ-બ-રૂ વાતચીત કરી હતી. ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન સુરેશ મહેતાએ (Former CM Suresh Mehta) ETV Bharatના બ્યૂરો ચીફ ભરત પંચાલ સાથે મોકળાશથી વાત કરીને બોલ્ડ જવાબો આપ્યા છે. તો આવો જોઈએ આ એક્સક્લૂઝિવ મુલાકાત

રાજ્યના પૂર્વ CM Suresh Mehta સાથે રૂબરૂ મુલાકાત
રાજ્યના પૂર્વ CM Suresh Mehta સાથે રૂબરૂ મુલાકાત

  • ગુજરાતના પર્વ મુખ્યપ્રધાન સુરેશ મહેતાની (Former CM Suresh Mehta) એક્સક્લૂઝિવ મુલાકાત
  • અત્યારની ભાજપ પાર્ટી સ્વાર્તી પાર્ટી બની ગઈ છેઃ સુરેશ મહેતા
  • ટૂંકી દ્રષ્ટી છોડો અને ભાવિ પેઢીનું વિચારોઃ સુરેશ મહેતા
  • ખજૂરાહો કાંડ શંકરસિંહએ (Shankar sinh Vaghela) ખોટુ કર્યું હતુંઃ સુરેશ મહેતા
  • અટલ બિહારી વાજપાયીના (Atal Bihari Vajpayee) કહેવાથી હું મુખ્યપ્રધાન બન્યો હતોઃ સુરેશ મહેતા

અમદાવાદઃ વર્ષ 1995માં ગુજરાતમાં ભાજપને ભવ્ય જીત મળી અને કેશુભાઈ પટેલ ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા હતા. તેના કારણે શંકરસિંહ વાઘેલા નારાજ થયા હતા. કેશુભાઈ પટેલની કામગીરીથી કેટલાક ધારાસભ્યોમાં અસંતોષ હતો. તેના પરિણામે શંકરસિંહ વાઘેલા પોતાના સમર્થક એવા 46 ધારાસભ્યોને લઈને મધ્યપ્રદેશના ખજૂરાહો ગયા હતા. આ ખજૂરાહો કાંડ પછી કેશુભાઈ અને શંકરસિંહ વચ્ચે સમાધાન થયું અને બંને જૂથમાં કોઈ એક જૂથના નહીં એવા સુરેશ મહેતાને (Former CM Suresh Mehta) મુખ્યપ્રધાન બનાવાયા હતા. તે વખતે અટલબિહારી વાજપેયીના કહેવાથી સુરેશ મહેતા 21 ઓકટોબર, 1995ના દિવસે ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા હતા. ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન સુરેશ મહેતા (Former CM Suresh Mehta) સાથે ETV Bharatએ વાતચીત કરી હતી. તે દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, અત્યારની ભાજપ પાર્ટી ખૂબ જ સ્વાર્થી બની ગઈ છે. અગાઉ જે ચૂંટણી લડાતી હતી. તે સ્થાનિક પ્રજાના પ્રશ્નો અને મુદ્દાઓને લઈને લડાતી હતી. શંકરસિંહ વાઘેલાએ જે ખજૂરાહો કાંડ કર્યો હતો. તેના સાક્ષી રહેલા સુરેશ મહેતા કહે છે કે, શંકરસિંહે ખોટુ પગલું ભર્યું હતું અને ગુજરાત પાસે વિકાસની ખૂબ મોટી તક રહેલી છે, પણ આજે વિકાસ થઈ રહ્યો છે કે, માત્ર વ્યક્તિલક્ષી વિકાસ થાય છે અને નૈતિકતા ખૂબ જ નીચલા સ્તરે જતી રહી છે. આ શબ્દો છે પૂર્વ મુખ્યપ્રધાન સુરેશ મહેતાના. આવો આપણે તેમની સાથે રૂ-બ-રૂ થઈએ.

રાજ્યના પૂર્વ CM Suresh Mehta સાથે રૂબરૂ મુલાકાત

પ્રશ્નઃ તમે ભારતીય જનસંઘના (Bhartiya Jan Sangh) પાયાના કાર્યકર્તા રહી ચૂક્યા છો તો જનસંઘ અને આજના ભાજપ વચ્ચે શું તફાવત છે?

જવાબઃ જનસંઘ સમર્પણથી કામ કરતું હતું અને આજે ભાજપ સ્વાર્થી બની ગયું છે. બંને વચ્ચેનું અંતર એટલું છે કે, ત્યાં ત્યાગ હતો અને અહીંયા ભોગવવાની વૃત્તિ છે.

પ્રશ્નઃ તમે વર્ષ 1975થી 1998 સુધી એમ 5 વખત કચ્છની માંડવી બેઠક પરથી ચૂંટાયા હતા. તો તે વખતની ચૂંટણી કયા મુદ્દા પર લડાતી હતી?

જવાબ: પ્રજાલક્ષી જ પ્રશ્નોને ઓળખીને પ્રજાને પડતી હાલાકીઓને સૌથી વધારે ઉજાગર કરવી. એ મુશ્કેલીઓનું નિવારણ લાવવું. એ પહેલી પ્રાથમિકતા હતી. ગુજરાતમાં તે વખતે કચ્છ છેવાડાનું હતું. કચ્છની લોકપરંપરા અને વારસાને ગુજરાતમાં ભેળવવાનું ખૂબ મુશ્કેલ હતું. તેની સાથે કચ્છના અનેક પ્રશ્નો પણ હતા. કચ્છમાં અન્ન, લાઈટ, પાણી જેવા પાયાના પ્રશ્નો હતા. પ્રજા ખૂબ પરેશાન હતી. આવી કચ્છવાસીઓની સમસ્યાઓને ઉપાડીને ઉજાગર કરવી. તે વખતે આંદોલન પણ થતા. તે વખતે આજના જેવા દેખાવો ન હતા. માત્ર ઔપચારિક સવારથી સાંજ સુધી ધરણા પર બેસવાનું અને અમારા દેખાવો અને ધરણાં હ્રદયના હતા. પ્રજાલક્ષી પ્રશ્નોનું નિવારણ લાવવાના કારણે પ્રજાએ મને ચૂંટ્યો હતો. કોઈ જ્ઞાતિવાદનો પાયો નહતો. કોઈ ધનીકપણુ નહતું. કોઈ બીજી પરિસ્થિતિ નહતી અને કોઈ અપપ્રચાર નહતો. અને મેરિટ્સના કારણે પ્રજા મારી સાથે રહી હતી અને છેલ્લે જ્યારે હું હાર્યો ત્યારે માત્ર 500 મતથી હાર્યો હતો.

પ્રશ્નઃ શંકરસિંહ વાઘેલાએ તે વખતે બળવો કર્યો હતો અને ખજૂરાહો કાંડ કર્યો હતો, તેના આપ સાક્ષી છો, તો તે વખતે તમે કોની સાથે હતા? અને તે વખતે કેવો માહોલ હતો?

જવાબ: હું કોઈની સાથે નહતો એટલે તો મને ટાઈટવોક રોકિંગ મળ્યું હતું. હું હતો મેરિટ્સ પર. બંને પક્ષે જ્યાંજ્યાં પોઝિટિવ વાત હતી કે, બંને પાછા પક્ષમાં હતા. કેશુભાઈનું ગૃપ અને શંકરસિંહનું ગૃપે કોઈ નવી પાર્ટી કરી ન હતી. પક્ષમાં જ બળવો હતો. એટલે આ બધાને સાચવવામાં સમય અને શક્તિનો વ્યય થયો. એ હું જાણું છું. અને એ પરિસ્થિતિમાં માહોલ ખરડાયેલો હતો. સમર્પણ ઓછુ થતું દેખાતું હતું. રાજકીય ગતિવિધી વધવા લાગી હતી. તેની પાછળ મારી દૃષ્ટિએ ઉભા કરાયેલા સંજોગો જવાબદાર હતા. તેમાં ન તો કેશુભાઈની માનસિકતા ખરાબ હતી, ન શંકરસિંહની ખરાબ હતી. સંજોગો એવા ઉભા થયા તેણે આવી પરિસ્થિતિ આણી દીધી હતી. શંકરસિંહ તો દરબાર છે, તેમણે ખજૂરાહો કર્યું તે તેમણે ખોટુ કર્યું હતું. ત્યારપછી પાર્ટીનું મોરલ ડાઉન થવાની શરૂઆત થઈ હતી. નહીં તો આવી પરિસ્થિતિ સંભવ બનત નહી.

પ્રશ્ન- તમે ગુજરાતના એક વર્ષ સુધી મુખ્યપ્રધાન રહી ચૂક્યા છો. તમારા વખતમાં ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ ફંડની સૌપ્રથમ વખત રચના થઈ અને ગુજરાતે વિકાસ કર્યો છે. તો જણાવો કે, ગુજરાત પાસે વિકાસની કેવી તક છે અને હાલ જે ગુજરાતના વિકાસ મોડલની વિશ્વસ્તરે ચર્ચા થઈ રહી છે, તે વિકાસ યોગ્ય દિશાનો છે કે કેમ?

જવાબ: ડેવલપમેન્ટ પોટેન્શિયલ (Development potential) જોવા જાવ તો અનેકવિધ એવા ક્ષેત્રો છે અને ડેવલપમેન્ટનું માપદંડ છે અર્થકારણ. વર્ષ 1990માં ઉદ્યોગ ખાતાનો હવાલો મળ્યો અને 1991માં ઉદારીકરણ સમયગાળો આવ્યો હતો. એટલે જે હરિફાઈમાં પહેલો ઉપડ્યો તે આગળ વધી જાય. તે વખતે હું ઉદ્યોગ પ્રધાન હતો. એટલે મેં તે વખતે ઉદ્યોગ નીતિ જ એવી ઘડી. તે વખતે ચીમનભાઈ પટેલની સરકાર હતી. તેમની આગેવાનીમાં ઉદ્યોગ નીતિ જ એવા પ્રકારની ઘડી કે, ગુજરાતનો વિકાસ એકદમ આગળ વધે. ઈન્સ્પેક્ટર લાઈસન્સ કવૉટારાજ જવાનું હતું. તે વખતે ઈન્ફ્રાસ્ટ્રકચર શબ્દ નવો હતો અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ નવો હતો. જ્યાં ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપ થાય ત્યાં વિકાસ ઝડપથી આગળ વધે. આ સિદ્ધાંત સર્વવ્યાપી બન્યો હતો, પણ ખ્યાલમાં તે વખતે આવ્યો હતો. ઉદારીકરણના સમયગાળામાં આ સિદ્ધાંતને ઉપાડીને તેના પર વધુ ધ્યાન આપવું. આ એક દૃષ્ટિબિંદુથી ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ ફંડની રચના પછી વિકાસ આગળ વધ્યો હતો. વૈશ્વિક ગુજરાતની થિયરી અપનાવાઈ, 10 વર્ષના વિઝન ડોક્યુમેન્ટ્સ આપ્યા છે. દાવોસ જઈને ત્યાં ભાષણો પણ આપ્યા છે. આવા બધા પ્રયત્નોને કારણે ગુજરાતની માળખાગત સુવિધાઓ વધી. ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપ થયું તે ગુજરાતના વિકાસનું મોટામાંમોટું યોગદાન રહ્યું છે. અને તે અમારા સમયમાં થયું.

પ્રશ્નઃ ગુજરાતના અત્યારના વિકાસ અંગે તમે શું કહેશો? અને તેન તમે કઈ રીતે મૂલવો છો?

જવાબઃ આજનો વિકાસ છે, તે વ્યક્તિને ડેવલપ કરવા માટે વિકાસને મોલ્ડ કરવામાં આવે છે. તમે મારા મિત્ર છો, મારે તમને ઉપાડવા છે, તમારો વિકાસ કરવા માટે હું મારી નીતિ જ એવી બનાવીશ. અને તમે ઉપડશો. તે વખતે રાજ્યના હિતને જોવાતું હતું. એવો કયો વિકાસ છે કે, જેનાથી આખુંય રાજ્ય ઉપર આવે. આવી પરિસ્થિતિમાં કુદરતી આફતોની વાત કરીએ તો મોરબી આખુ તારાજ થયું, ત્યારે બાબુભાઈ જસભાઈની સરકાર હતી, એ જમાનાની વાત કરું છું પણ આજે તમે જુઓ મોરબી કેવું ઉભું થઈ ગયું. ધરતીકંપ વખતે આખું કચ્છ તારાજ થયું, તે વખતે હું ઈન્ચાર્જ હતો. હજારો ગામડા ધ્વસ્ત થઈ ગયા હતા. આજે એ જ કચ્છ કયા જઈને ઉભું છે, આવી સ્થિતિને ધ્યાનમાં રાખીને વિકાસની યોજના બનાવવી જોઈએ. વિસ્તારની પોન્ટેન્શિયાલિટી જોવી જોઈએ અને તેનું ઈન્ફ્રાસ્ટ્રકચર ક્લસ્ટરવાઈઝ ડેવલપ કરવાથી વિકાસ થયો છે અને વિકાસમાં દ્રષ્ટિબિંદુ તમારી પાસે હોવું જોઈએ, તો ખરો વિકાસ કહેવાય.

પ્રશ્નઃ તમે ગુજરાતના નાણાપ્રધાન બન્યા ત્યારે ગુજરાત દેવાદાર હતું અને એક વર્ષમાં 21 વખત ઓવરડ્રાફ્ટ લેવો પડ્યો હતો, ત્યારે તમે શું જાદું કર્યું હતું કે, તમે જે પ્રથમ બજેટ રજૂ કર્યું તે સરભરથી પૂરાંતવાળું બજેટ રજૂ કર્યું હતું? કઈ રીતે આ શક્ય બન્યું હતું?

જવાબઃ પરિસ્થિતિ એ હતી કે, ગુજરાતનું અર્થતંત્ર સાવ ખલાસ થઈ ગયું હતું અને વર્ષમાં જ 21 વખત ઓવરડ્રાફ્ટને કારણે દેવાદાર બન્યું હતું અને પરિસ્થિતિ એવી બની કે તેના વ્યાજમાં જ ખલાસ થઈ ગયા હતા. રાજ્યમાં 10 જેટલી ટેક્સ્ટાઈલ મિલોના હજારો કામદારો હતા, મિલો બંધ પડી હતી, અને કામદારોને બેઠા પગાર ચુકવવો પડ્તો હતો. તે વખતે આજના દિવસોની જેમ GSTની આવકનો ફ્લો નહોતો કે તિજોરી ભરાઈ જાય, મારા માટે બહુ અઘરું હતું. તે વખતે લોકો પર ટેક્સ નાખીને પૈસા લેવા પડતા હતા. જેવી તિજોરી ખાલી થાય એટલે પ્રજા પર ટેક્સ નાખવાનો ટ્રેન્ડ હતો. તેવા સમયે રાજ્યની તિજોરી ખૂબ દેવાદાર બની ગઈ હતી. તેમાંથી બહાર નીકળવા માટે કરકસરની સ્વીચો દાબીને ટેક્સટાઈલ મિલો બંધ કરવાનો જ વિકલ્પ હતો. મેં આવીને પહેલા તો ઓવરડ્રાફ્ટ લેવાના જ બંધ કરી દીધા, જે થાય તે દેખા જાયેગા. ઓવરડ્રાફ્ટ ન લઈએ વ્યાજના પૈસા બચે, આવા તો 10 પગલા લીધા હતા. બંધ મિલોના કામદારોને VRS આપીને છૂટા કર્યા, બધું જ સલુકાઈથી જ કર્યું, તે વખતે તો બંધ મિલો ચાલુ કરોને તેવા સરઘસ નિકળતા હતા. તે વખતે કોઈની હિંમત નહોતી કે બંધ મિલો સાવ બંધ કરી દઈશું. એક્શન લઈને બતાવ્યું, કોઈ જ પ્રચારપ્રસાર કર્યા વગર અને કોઈ હલ્લાબોલ કર્યા વગર કર્યું. આવા કેટલાક પગલા લીધા ત્યાર પછી જે બજેટ રજૂ કરવાનું આવ્યું ત્યારે દેવામાં ડૂબેલા ગુજરાતમાં એક પણ રૂપિયાનો ટેક્સ નાંખ્યા વિના અને ઓવરડ્રાફ્ટ લીધા વિના સરભર કરીને બજેટ રજૂ કર્યું હતું.

પ્રશ્નઃ તાજેતરમાં ગુજરાતમાં ખૂબ મોટી રાજકીય હલચલ થઈ, ભાજપે મુખ્યપ્રધાન સહિત આખુંય પ્રધાનમંડળ બદલી કાઢ્યું છે, પાટીદાર મુખ્યપ્રધાન લાવીને મૂક્યા છે. આ અંગે તમે શું પ્રતિભાવ આપશો?

જવાબઃ સૌથી વધારે એક દ્રષ્ટ્રાંત સમજાવું તો તમે ખબર હશે કે, સરકારી કચેરીમાં દરોડા પડે અને સરકારી અધિકારીઓના ખાનામાંથી પૈસા નીકળે, એવું બન્યું હોય તો તે રૂપાણીની સરકારમાં બન્યું છે. પેલા નિગમ પર દરોડા પડે છે, સરકારી ઓફિસમાં અને ટોપના લોકો હોય છે. આ ટોપના લોકો પાસેથી ACBને પૈસા હાથ લાગે છે. આવું થાય તો બીજી મિનીટે સરકાર રાજીનામું આપે. આ મામલાઓને દબાવીને પ્રસિદ્ધિમાં ન આવવા દેવા, ગુના રજિસ્ટ્રર ન કરવા, આ કોઈ નાનીસુની ઘટના નથી. આ કરપ્ટ સરકારે નિર્ણય કર્યો કે અમે આ નિગમને બંધ કરીશું. આ બધુ આ સરકારમાં સંભવ થયું છે. શું થયું સાબરમતી જેલના સુરંગકાંડનું… જાણે છે આજે કોઈ? આ તો હું દ્રષ્ટાંત એટલા માટે આપું છું કે સ્થિતિ આ છે. અગાઉની સરકારો આવું થાય તો પ્રધાને રાજીનામુ આપવું પડે, આ મારી જવાબદારી છે. ટૂંકમાં મોરાલિટી ડાઉન થઈ ગઈ છે. આજનો જમાનો જૂઓ કે હું ટકી રહું છું કે નહી? ગમે તે થાય. એટલે મોરાલિટી ખૂબ જ નીચે આવી ગઈ છે. આમાં કંઈ કહેવા જેવું નથી.

પ્રશ્નઃ ETV Bharatના માધ્યમથી પ્રજાને શું સંદેશ આપવા માગો છો?

જવાબઃ ટૂંકી દ્રષ્ટી છોડવી જોઈએ. આવતી પેઢીનો વિચાર કરવો જોઈએ. નૈતિકતા રાખવી. આજે કેમ નથી ઉપડતું જેપી આંદોલન. તે સમયે તો ઈન્દિરા ગાંધીની ઘટના હતી, અને આખી સરકાર ઉથલી ગઈ હતી. બંધારણો સુધરી ગયા હતા. આજે કેમ નથી ઉપડતું, કારણ કે સોસાયટીની નૈતિકતા નીચલા સ્તરે પહોંચી ગઈ છે અને જ્યાં સુધી ડ્યૂટી બેઈઝ હ્યુમન સોસાયટી નહી બને તો ત્યાં સૌથી પહેલા તો પ્રજાએ તૈયાર થવું પડશે. પોતાની ભાવિ પેઢી માટે, પોતાની લોકશાહી માટે, અને દેશની આઝાદીને બચાવવા માટે, મહેરબાની કહીને કહું તો ચર્ચિલને સાચો પડવા ન દઈએ. ચર્ચિલનો કવૉટ આજે મને પણ ડંખે છે. આ સ્થિતિમાં મોરાલિટીને અપ કરો, સ્વતંત્ર રીતે નિર્ણય કરીએ, ખાતામાં બે હજાર જમા થાય એટલે જઈને ભાજપને મત આપી આવીએ, તો એ પરિસ્થિતિ વાજબી નથી.

આ પણ વાંચો- રૂબરૂ: કોરોના મહામારી, કર્મચારીઓને ભથ્થું, સામાજિક મુદ્દા સાથે ચૂંટણી પ્રચાર પ્રસાર થશે: સી.જે. ચાવડા

આ પણ વાંચો- BJP ચૂંટણી વખતે જ બિલાડીના ટોપની જેમ બહાર નથી નીકળતી: પૂર્વ મેયર

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.