ETV Bharat / city

ગુજરાતઃ નવા પ્રધાનોમાંથી 7 પ્રધાનો સામે ગુનો નોંધાયેલો છે અને 19 પ્રધાનો કરોડપતિઃ ADR

author img

By

Published : Sep 20, 2021, 6:36 PM IST

Updated : Sep 20, 2021, 7:33 PM IST

ગુજરાતમાં નવી સીએમ ભૂપેન્દ્ર પટેલ અને નવા 25 પ્રધાનોએ ચાર્જ લઈ લીધો છે, અને સરકારની કામગીરી ચાલુ પણ કરી દીધી છે. નવા પ્રધાનમંડળમાં કેટલા પ્રધાનો પર ક્રાઈમના ગુના નોંધાયા છે અને તેમના નામે તથા પરિવારના નામે કેટલી મિલકત નોંધાયેલી છે, તે વિષય પર એડીઆરનો સર્વે આવ્યો છે.

ગુજરાતઃ નવા પ્રધાનોમાંથી 7 પ્રધાનો સામે ગુનો નોંધાયેલો છે
ગુજરાતઃ નવા પ્રધાનોમાંથી 7 પ્રધાનો સામે ગુનો નોંધાયેલો છે

  • નવા પ્રધાનમંડળના 25 પ્રધાનો પર ADRનો રીપોર્ટ
  • 76 ટકા પ્રધાનો કરોડપતિ છે
  • 28 ટકા પ્રધાનો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે

અમદાવાદ: એસોસિએશન ફોર ડેમોક્રેટિક રીફોર્મ્સ (ADR)ના રીપોર્ટ અનુસાર કુલ 25 પ્રધાનોમાંથી 7(28 ટકા) પ્રધાનો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને તેમાંથી 19 (76 ટકા) પ્રધાનો કરોડપતિ છે. 2017માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી, ત્યારે આ ધારાસભ્યોએ સોંગદનામુ રજૂ કર્યું હતું, જે સોંગદનામાને આધારે નવા પ્રધાનમંડળના પ્રધાનોની વિગતો બહાર આવી છે.

ગુનો નોંધાયો હોય તેવા પ્રધાનો
કુલ 25 પ્રધાનમાંથી 7 પ્રધાનના નામે ગુનો નોંધાયેલો છે, ટકાવારીની રીતે જોઈએ 28 ટકા થવા જાય છે. તેમાંથી 3 પ્રધાનો પર ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયા છે.

ગુના નોંધાયેલ છે તે પ્રધાનોના નામ
(1) જામનગરના ધારાસભ્ય રાઘવજી પટેલ- એક કેસ નોંધાયેલો છે
(2) વડોદરાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી- એક કેસ નોંઘાયેલો છે
(3) ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણી- ચાર કેસ નોંધાયેલા છે
(4) સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવી- 3 કેસ અને 1 ગંભીર ગુનાનો કેસ નોંધાયેલો છે
(5) રાજકોટ પૂર્વના ધારાસભ્ય અરવિંદ રૈયાણી- એક કેસ નોંધાયેલો છે
(6) વલસાડના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી- એક કેસ અને 1 ગંભીર ગુનાનો કેસ નોંધાયેલો છે
(7) અમદાવાદના અસારવાના ધારાસભ્ય પરમાર પ્રદિપભાઈ- એક કેસ અને બે ગંભીર ગુનાના કેસ નોંધાયા છે.

કરોડપતિ પ્રધાનોને ઓળખો
નવા પ્રધાનમંડળના કુલ 25 માંથી 19 પ્રધાનો કરોડપતિ છે, જે કુલ સંખ્યાના 76 ટકા થવા જાય છે અને ઓન એવરેજ જોવા જઈએ તો દરેકની સરેરાશ 3.95 કરોડની કુલ મિલકત છે. તેમાં સૌથી વધુ મિલકત ધરાવતાં વિસનગરના ધારાસભ્ય અને હાલના આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન ઋષિકેશ પટેલ, તેમની પાસે સૌથી વધુ રૂપિયા 14.95 કરોડની કુલ સંપત્તિ છે. તેમજ સૌથી ઓછી સંપત્તિ ધરાવનાર મહેમદાવાદના ધારાસભ્ય અને હાલના ગ્રામ વિકાસ અને ગૃહનિર્માણ પ્રધાન અર્જુનસિંહ ચૌહાણ છે, તેમની પાસે 12,57,000ની મિલકત છે.

સૌથી વધુ દેવાદાર પ્રધાન
જવાબદારીની વાત કરીએ તો એટલે કે દેવા(લોન)માં કુલ 25 પ્રધાનોમાંથી 18 પ્રધાનોએ જવાબદારી જાહેર કરી છે, એટલે કે 18 ધારાસભ્યો લોન ભરે છે. તેમાં સૌથી વધુ જવાબદારી નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલની છે, તેમને રૂપિયા 3.13 કરોડ ચુકવવાના બાકી છે. તેની સાથે ઋષિકેશ પટેલ પાસે 14 કરોડની મિલકત છે, તેમને 2 કરોડની જવાબદારી ઉભી છે. તેવી જ રીતે જગદીશ પંચાલે 14 કરોડની સંપત્તિ બતાવી છે, પણ સામે 3 કરોડ કરતાં વધુની જવાબદારી પણ દર્શાવી છે.

ગુજરાતના નાંણાપ્રધાનની કેટલી સંપત્તિ?
ગુજરાતના નાંણાપ્રધાન બન્યા છે તે વલસાડ પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ કે જેમની કુલ સંપત્તિ 5 કરોડ 77 લાખ છે. અને તેમના માથે એકપણ રૂપિયાનું દેવું નથી. તેમની પોતાની આવક 71 લાખ રૂપિયા છે. તેઓ પોતે ખેતીવાડી ધરાવે છે. કનુભાઈને ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ પણ સોંપવામાં આવ્યા છે.


શિક્ષણમાં બહુ પાછળ છે પ્રધાનો
નવા 25 પ્રધાનોમાંથી 13 પ્રધાનો ધોરણ 8થી 12 પાસ છે, જ્યારે 11 પ્રધાનો ગ્રેજ્યુએટ છે. એક પ્રધાન પીએચડી ધરાવે છે. 1 પ્રધાન ધોરણ 4 પાસ છે. જૂનાગઢ કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ ધોરણ 4 પાસ છે, તેમને પશુપાલન અને ગૌસંવર્ધન પ્રધાન બનાવ્યા છે. તેમજ મહિસાગરના સંતરામપુરના ધારાસભ્ય કુબેરભાઈ ડિંડોર કે જેઓ પીએચડી થયા છે. ધોરણ 8 પાસ હર્ષ સંઘવી રાજ્યના ગૃહપ્રધાન બન્યા છે. તેમજ ધોરણ 8 પાસ અરવિંદ રૈયાણી વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ પ્રધાન બનાવાયા છે.

ક્રાઈમ કેસ હોય તો સરકારમાં જવાબદારી આપતાં વિચારવું જોઈએ

એડીઆરના સ્ટેટ કોઓર્ડિનેટર પંક્તિ જોગે ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે એડીઆર સોંગદનામાને આધારે જ વિશ્લેષણ કરતી હોય છે. અમારો હેતું એ છે કે રાજકીય ચૂંટણી પ્રક્રિયામાં સુધારો લાવવો. અને અમે રાજકીય પક્ષો અને ચૂંટણી પંચ સમક્ષ વારંવાર રજૂઆત કરીએ છે કે ગુનાહિત ઈતિહાસ ધરાવતાં હોય તેમને ઉમેદવાર બનાવતા પહેલા વિચારવું જોઈએ. અને સરકારમાં પણ જવાબદારી આપતાં પહેલા વિચારવું જોઈએ. રાજકીય પક્ષના કોઈ ધારાસભ્ય કે રાજકીય વ્યક્તિએ ગુનો કર્યો હોય તો ફાસ્ટટ્રેક કોર્ટમાં તેનો કેસ ચાલવો જોઈએ અને તેનો ઝડપથી ચૂકાદો આપવો જોઈએ. આવી અમે માંગ કરીએ છીએ.

Last Updated :Sep 20, 2021, 7:33 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.