ETV Bharat / city

કેન્સર હોસ્પિટલમાં સ્ટરનમ ટ્યુમરની જટીલ સર્જરી: તબીબોએ 6 કલાકની સર્જરી બાદ કચ્છના દર્દીને પીડામુક્ત કર્યા

author img

By

Published : Jul 14, 2020, 7:05 PM IST

સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી જી.સી.આર.આઈ હોસ્પિટલ ખાતે દરરોજ અનેક દર્દીઓના જટીલ ઓપરેશન કરવામાં આવે છે. પ્રવર્તમાન સ્થિતિમાં કોરોના વાઇરસને કારણે દર્દીના ઓપરેશન ડૉક્ટર્સ માટે વધુ જટીલ બની રહ્યા છે.

ETV BHARAT
કેન્સર હોસ્પિટલમાં સ્ટરનમ ટ્યુમરની જટીલ સર્જરી: તબીબોએ 6 કલાકની સર્જરી બાદ કચ્છના દર્દીને પીડામુક્ત કર્યા

અમદાવાદઃ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી જી.સી.આર.આઈ હોસ્પિટલ ખાતે દરરોજ અનેક દર્દીઓના જટીલ ઓપરેશન કરવામાં આવે છે. પ્રવર્તમાન સ્થિતિમાં કોરોના વાઇરસને કારણે દર્દીના ઓપરેશન ડૉક્ટર્સ માટે વધુ જટીલ બની રહ્યા છે.

આવા જ એક કિસ્સામાં કચ્છના 50 વર્ષીય દિલિપસિંહ પરમારની કેન્સર હોસ્પિટલમાં સ્ટરનમ ટ્યુમરની જટીલ સર્જરી કરવામાં આવી હતી. કેન્સર હોસ્પિટલના ડૉક્ટર્સની સતત 6 કલાકની મહેનતથી દિલિપસિંહની સર્જરી સફળતાપૂર્વક થઇ અને તેમને નવજીવન મળ્યુ છે. આ પ્રકારની સર્જરી મેડિકલ જગતમાં ખુબ જ ઓછી જોવા મળે છે.

કેન્સર હોસ્પિટલમાં સ્ટરનમ ટ્યુમરની જટીલ સર્જરી: તબીબોએ 6 કલાકની સર્જરી બાદ કચ્છના દર્દીને પીડામુક્ત કર્યા

કચ્છના દિલિપસિંહને ગત એક વર્ષથી છાતીના ભાગમાં અસહ્ય દુખાવો થઈ રહ્યો હતો. જે કારણોસર 12 જેટલી ખાનગી હોસ્પિટલમાં નિદાનની ઉમ્મીદ સેવીને સારવાર માટે તપાસ કરાવી, પરંતુ દરેક જગ્યાએથી નાઉમેદી જ હાથે વળગી. જેથી છેલ્લે અમદાવાદ સિવિલ સ્થિત કેન્સર હોસ્પિટલમાં સારવાર કરાવવાનો મક્કમ નિર્ધાર કરી હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા. કેન્સર હોસ્પિટલના તબીબો પર મુકેલો વિશ્વાસ પણ એળે ન ગયો. તબીબોના 6 કલાકના અથાગ પ્રયતન્નો બાદ એક વર્ષથી પીડાતા દિલિપસિંહને અંતે અસહ્ય પીડામાંથી મુક્તિ મળી છે.

દિલિપસિંહે આ અંગે કહ્યું કે, કેન્સર હોસ્પિટલના ડૉક્ટર્સ, પેરા-મેડિકલ સ્ટાફ અને અન્ય સ્ટાફ દ્વારા મારી યોગ્ય સારવાર કરવામાં આવી છે. હું હંમેશાં તેમનો ઋણી રહીશ. ખાનગી હોસ્પિટલમાં આ ઓપરેશન માટે 5 લાખ રૂપિયા ખર્ચ જણાવવામાં આવ્યો હતો, પરંતુ રાજ્ય સરકારની માં યોજનાને પરિણામે તદ્દન નિઃશુલ્કપણે મારૂં ઓપરેશન કરવામાં આવ્યું છે. જે માટે હું રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરૂં છું.

કેસની વિગતો જણાવતા જી.સી.આર.આઇ.ના સર્જીકલ ઓન્કોલોજી ડિપાર્ટમેન્ટના એસોસીએટ પ્રોફેસર ડૉ. મોહિત શર્મા કહે છે કે, દિલીપસિંહને સ્ટરનમ ટ્યુમર એટલે કે છાતીના ભાગમાં 30 ધન સેન્ટીમીટર જેટલી કેન્સરની ગાંઠ હતી. સ્ટરનમ એટલે છાતીના વચ્ચેના ભાગમાં આવેલું હાડકું, જ્યાં થયેલા ટ્યુમરને મેડિકલ ભાષામાં કોન્ડોસાર્કોમા તરીકે ઓળખવામાં આવે છે. આ હાડકું શરીરના હ્રદય અને ફેફસાંની વચ્ચેના ભાગમાં આવેલું હોવાના કારણે સર્જરી ખુબ જ જટીલ બની રહે છે. આ ઓપરેશનમાં ટ્યુમર નિકાળ્યા બાદ પુર્વવત કરવામાં સૌથી વધારે મુશ્કેલી પડે છે. જેના કારણે દર્દીને તકલીફ ન પડે તે માટે આ ઓપરેશનમાં ટાઈટેનિમ મેસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ટાઈટેનિમ મેસની વિશેષ વાત એ છે કે, તેનાથી દર્દીને ભારેપણું લાગતું નથી. હ્રદય અને ફેફસાંના ભાગને નુકસાન ન જાય એ રીતે રાખવામાં આવ્યું છે.

આમ કેન્સર હોસ્પિટલમાં ડૉ. મોહિત શર્માના માર્ગદર્શન હેઠળ કેન્સર સર્જન અને એનેસ્થેસિયોલોજિસ્ટ્સે સાથે મળીને અથાગ પ્રયત્ન દ્વારા અતિ જટિલ સર્જરીનું બીડુ ઝડપ્યુ છે. જેને આ ટીમે પડકારરૂપ આવકારી હકારાત્મક પરીણામમાં પરીણમ્યુ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.