ETV Bharat / city

કેન્દ્રીય આરોગ્ય ટીમે ધન્વંતરી આરોગ્ય રથ અને સીએમ ડેશ બોર્ડ દ્વારા મોનિટરિંગની કરી પ્રશંસા

author img

By

Published : Nov 23, 2020, 12:32 PM IST

ગુજરાતમાં કોરોના સંક્રમણ નિયંત્રણ, સારવાર, માર્ગદર્શન અને ટ્રીટમેન્ટ પ્રોટોકોલના સર્વેલન્સ માટે આવેલી કેન્દ્રીય ટીમના ત્રણ સભ્યોએ અમદાવાદ, મહેસાણા અને વડોદરા શહેરની મુલાકાત લઈને સમીક્ષા કરી હતી. ત્યારબાદ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સાથે ગાંધીનગરમાં વિસ્તૃત બેઠક યોજી હતી.

કેન્દ્રીય આરોગ્ય ટીમે ધન્વંતરી આરોગ્ય રથ અને સીએમ ડેશ બોર્ડ દ્વારા મોનિટરિંગની કરી પ્રશંસા
કેન્દ્રીય આરોગ્ય ટીમે ધન્વંતરી આરોગ્ય રથ અને સીએમ ડેશ બોર્ડ દ્વારા મોનિટરિંગની કરી પ્રશંસા

  • CM ડેશબોર્ડ દ્વારા રિયલ ટાઇમ મોનિટરિંગ પદ્ધતિથી કેન્દ્રિય ટીમ પ્રભાવિત
  • બે દિવસ દરમિયાન અમદાવાદ, વડોદરા અને મહેસાણાની લીધી મુલાકાત
  • આશાવર્કર બહેનો આરોગ્યકર્મીઓ, નાગરિકો સાથે વાતચીત દ્વારા વિગતો મેળવી

અમદાવાદઃ નવી દિલ્હીની નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના ડાયરેક્ટર ડૉ.એસ.કે.સિંઘના નેતૃત્વમાં ટીમના એડિશનલ ડાયરેક્ટર ડૉ. સુધીરકુમાર જૈન અને રામમનોહર લોહિયા હોસ્પિટલના પલ્મોનોલોજિસ્ટ ડૉ. રજનીશ કૌશિકનો સમાવેશ થાય છે. કેન્દ્રિય આરોગ્ય ટીમે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સાથેની બેઠક પૂર્વે ટીમના સભ્યોએ અમદાવાદ, વડોદરા અને મહેસાણાની મુલાકાત લઈને આ ત્રણેય શહેરોમાં કોરોના દર્દીને આપવામાં આવતી સારવાર, સર્વેલન્સ, સંક્રમણ નિયંત્રણના આરોગ્યલક્ષી ઉપાયોની સર્વગ્રાહી તલસ્પર્શી વિગતો મેળવી હતી.

અન્ય રાજ્યોમાં ધન્વંતરી રથ મોડલ અપનાવી શકાય

ગુજરાતમાં ધન્વંતરી આરોગ્યરથનો પ્રયોગ અત્યંત સફળ રહ્યો છે, તેનાથી કેન્દ્રીય ટીમે સંતોષ દર્શાવી, અન્ય રાજ્યોમાં પણ ધન્વંતરી રથ મોડલ અપનાવી શકાય તેમ મુખ્ય પ્રધાન સાથેની ચર્ચામાં જણાવ્યું હતું. તેમણે ખાસ કરીને ગુજરાતમાં હોમ આઇસોલેશન, એરિયા સ્પેસિફિક સર્વેલન્સ અને પદ્ધતિસરના મોનિટરિંગની પણ પ્રશંસા કરી હતી.

હાઉસ ટુ હાઉસ સર્વેથી કોમ્યુનિટી ટ્રાન્સમિશન નિયંત્રણમાં

આરોગ્ય કર્મીઓ હાઉસ ટુ હાઉસ સર્વેને ધન્વંતરી રથ સાથે લિંક કરી, સમન્વય કરી, ખાસ કરીને હાઇરીસ્ક પોપ્યુલેશન, વડીલ-વયસ્કોને આઇડેંટીફાય કરાય છે. તેમજ તેઓની ઝડપી ટ્રેસિંગ અને સારવાર ફોલો અપ થાય છે, તેનાથી કોમ્યુનિટી ટ્રાન્સમિશન-સંક્રમણ વ્યાપકપણે નિયંત્રણમાં રહ્યું છે. તેનાથી કેન્દ્રિય આરોગ્યની ટીમે સંપૂર્ણ સંતોષ દર્શાવ્યો હતો. વિજય રૂપાણીએ પણ ટીમ સાથેની બેઠકમાં ગુજરાતમાં કોવિડ માટે નિયમિતપણે બેઠકો યોજીને રાજ્યમાં કોરોના સંક્રમણના નિયંત્રણ માટે હાથ ધરવામાં આવતી તમામ બાબતોની વિગતવાર ચર્ચા કરી હતી.

કોરોનામાંં યોગ-પ્રાણાયામથી ફાયદો

કેન્દ્રીય ટીમના વડા ડૉ. સિંઘે આશાવર્કર બહેનો, ફિમેલ હેલ્થ વર્કર્સ તેમજ લોકો-નાગરિકો સાથે સંવાદ-વાતચીત કરીને તેમણે જે પ્રતિભાવો મેળવ્યા તે પૂર્ણતઃ સંતોષજનક છે તેમ સ્પષ્ટપણે જણાવ્યું હતું. ડૉ. સિંઘે રાજ્યની હોસ્પિટલોમાં આવતા કોવિડ દર્દીઓની સ્થિતિનું સ્કેનિંગ કરી તેમની તબક્કાવારની સ્થિતિનું મોનિટરિંગ થાય તે દિશાના પ્રયાસોને આવકાર્ય ગણાવ્યા હતા. જે કોરોના દર્દીઓ સંક્રમણ મુક્ત થયા છે. તેમને પોસ્ટ કોવિડ સ્થિતિમાં યોગ-પ્રાણાયમ અને આયુષ પદ્ધતિથી લાભ-ફાયદો થયાના ગુજરાતમાં નોંધપાત્ર ઉદાહરણો છે તેનો પણ અન્ય રાજ્યોમાં પ્રસાર કરી શકાય છે, આ પ્રાચીન પદ્ધતિની આવશ્યકતા વ્યાપક બનાવાય તેમ તેમણે જણાવ્યું હતું.

મુખ્યપ્રધાન ડેશબોર્ડથી હોસ્પિટલમાં રિયલ ટાઈમ મોનિટરિંગ

ગુજરાતમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને આરોગ્ય સેતુ એપ, ઇતિહાસ ઍપ દ્વારા કોન્ટેક્ટ ટ્રેસિંગ, હોટસ્પોટ આઇડેન્ટીફીકેશન વગેરેમાં જે ગતિશીલ કામગીરી થઈ છે, તેની તેમણે સરાહના કરી હતી. મુખ્ય પ્રધાન, નાયબ મુખ્યપ્રધાન સાથે આ ટીમે સીએમ ડેશબોર્ડની મુલાકાત લઇને હોસ્પિટલોમાં રિયલ ટાઇમ મોનિટરિંગ, ટ્રીટમેન્ટ અને પેશન્ટ કેરની થઇ રહેલી ઓનલાઈન કામગીરીને નિહાળી પ્રભાવિત થયા હતા. ડેશબોર્ડના માધ્યમથી ટીમના સભ્યોએ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતની હોસ્પિટલના તબીબો, આરોગ્ય કર્મચારીઓ અને સારવાર લઈ રહેલા વ્યક્તિઓ સાથે સંવાદ કરીને માહિતી મેળવીને સંતોષ વ્યક્ત કર્યો હતો.

ડૉ. એસ.કે.સિંઘે ગુજરાત મોડલની કરી પ્રસંશા

ડૉ. એસ.કે.સિંઘે ગુજરાતમાં હબ એન્ડ સ્પોક મોડલ પર હોસ્પિટલોના દર્દીઓની સારવાર માટે એકબીજા સાથે જોડીને તેમજ ટર્શરી કેર સેન્ટરને પણ જોડીને જે પ્રયોગ થયો છે, તેની પ્રસંશા કરી હતી. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્ય સચિવ અનિલ મુકીમ, અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયા, આરોગ્ય અગ્રસચિવ ડૉ. જયંતી રવિ, મુખ્ય પ્રધાનના સચિવ અશ્વિની કુમાર અને કમિશ્નર જયપ્રકાશ શિવહરે જોડાયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.