ETV Bharat / city

26 જુલાઈ 2008 : એ ગોઝારો દિવસ, જ્યારે સતત 70 મિનીટ સુધી અમદાવાદ બોમ્બ ધડાકાઓના અવાજથી ગૂંજતુ રહ્યું

author img

By

Published : Jul 26, 2021, 12:31 AM IST

આજથી 13 વર્ષ પહેલા 26 જુલાઈ 2008ની સાંજે અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં સતત 70 મિનીટ સુધી બોમ્બ ધડાકાના અવાજો સંભળાયા હતા. બોમ્બ બ્લાસ્ટની આ ઘટનામાં કુલ 56 લોકો માર્યા ગયા હતા અને 200થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈસ્લામિક આતંકવાદી જૂથ 'ઈન્ડીયન મુજાહિદ્દીન' એ ફિલ્મી ઢબે આ હુમલાની જવાબદારી સ્વિકારી હતી. તે દિવસે ખરેખર થયું શું હતું, તે જાણવા વાંચો આ અહેવાલ…

13-years-of-2008-ahmedabad-bombings
13-years-of-2008-ahmedabad-bombings

  • 26 જુલાઈ 2008ની સાંજે અમદાવાદમાં શું થયું હતું ?
  • કારગીલ વિજય દિવસ અમદાવાદ માટે બન્યો કાળો દિવસ
  • 70 મિનીટમાં કુલ 21 બ્લાસ્ટ, 56 લોકોએ ગુમાવ્યા જીવ

ન્યૂઝ ડેસ્ક : 26 જુલાઈ 2008ના દિવસે લોકો કારગીલ વિજય દિવસ મનાવી રહ્યા હતા. જોકે, ગુજરાતના અને તેમાં પણ ખાસ કરીને અમદાવાદના લોકોએ તે સાંજે ખૂબ જ હચમચાવી નાંખે તેવો અનુભવ કર્યો હતો. તે દિવસે સાંજે અમદાવાદના વિવિધ સ્થળોએ તબક્કાવાર 16 બોમ્બ બ્લાસ્ટ થયા હતા. જેમાં 56 લોકો માર્યા ગયા હતા અને 200થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા.

પ્રથમ બ્લાસ્ટ 6:47 વાગ્યે, માત્ર 70 મિનીટમાં 16 બોમ્બ બ્લાસ્ટ

અમદાવાદમાં 26 જુલાઈ 2008ની સાંજે 6:47 કલાકે પ્રથમ બોમ્બ બ્લાસ્ટ થયો હતો. જ્યારબાદ સતત 70 મીનિટ સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં બોમ્બ બ્લાસ્ટ થયા હતા. વિવિધ વિસ્તારોમાં થયેલા આ બોમ્બ બ્લાસ્ટના કારણે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. આ બોમ્બ બ્લાસ્ટ માટે ભીડભાડવાળી જગ્યાઓ પસંદ કરવામાં આવી હતી.

ક્યા પ્રકારના બોમ્બ વપરાયા હતા ?

આ બોમ્બ બ્લાસ્ટ માટે ટિફીન બોમ્બનો ઉપયોગ થયો હતો. આ ટિફીન બોમ્બ સાયકલો પર રાખીને વિવિધ વિસ્તારો સુધી પહોંચાડવામાં આવ્યા હતા. આ જ રીતે બરાબર 73 દિવસ પહેલા 13 મે ના રોજ જયપુરમાં બોમ્બ બ્લાસ્ટ થયા હતા. માત્ર 15 મિનીટના ગાળામાં 7 વિસ્તારોમાં થયેલા 9 બોમ્બ બ્લાસ્ટમાં 63 લોકો માર્યા ગયા હતા અને 216થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

બોમ્બ બ્લાસ્ટમાં નુક્સાન પામેલી AMTS બસ
બોમ્બ બ્લાસ્ટમાં નુક્સાન પામેલી AMTS બસ

બોમ્બ બ્લાસ્ટના મુખ્ય ટાર્ગેટ

અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટ માટે આતંકીઓએ સાયકલ પર ટિફીન બોમ્બનો ઉપયોગ કર્યો હતો. આ બોમ્બ દ્વારા ખાસ કરીને અમદાવાદની AMTS બસ સુવિધાને ટાર્ગેટ કરવામાં આવી હતી. બોમ્બ બ્લાસ્ટમાં ઘણી બસ સંપૂર્ણ પણે નાશ પામી હતી. જ્યારે 2 બોમ્બ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ પ્લાન્ટ કરવામાં આવ્યા હતા.

જે હોસ્પિટલમાં ઈજાગ્રસ્તો સારવાર મેળવી રહ્યા હતા, ત્યાં પણ થયો હતો બોમ્બ બ્લાસ્ટ

શરૂઆતના બોમ્બ બ્લાસ્ટમાં ઈજા પામેલા લોકોને જે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી, ત્યાં જ અંદાજે 40 મિનીટ બાદ બોમ્બ બ્લાસ્ટ થયો હતો. જેના કારણે હોસ્પિટલના સ્ટાફ અને દર્દીઓમાં દોડભાગ મચી જવા પામી હતી. કેટલાક ઈજાગ્રસ્તોને અન્યત્ર સારવાર માટે પણ ખસેડવામાં આવ્યા હતા.

TV ચેનલ્સને 5 મિનીટ અગાઉ કરાઈ હતી જાણ

અમદાવાદમાં શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ શરૂ થયા તેની લગભગ 5 મિનીટ અગાઉ કેટલીક TV ચેનલોને એક ઈ-મેઈલ મળ્યો હતો. 14 પાનાનાં આ ઈ-મેઈલમાં ઈસ્લામિક આતંકવાદી સંગઠન 'ઈન્ડીયન મુજાહિદ્દીન'એ આ બોમ્બ બ્લાસ્ટ માટે જવાબદારી સ્વિકારી હતી. આ સિવાય અન્ય એક આતંકવાદી સંગઠન 'હરકત-ઉલ-જિહાદ-અલ-ઈસ્લામી' એ પણ બ્લાસ્ટ માટે જવાબદારી સ્વિકારી હતી.

સહાયની વણઝાર

અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ બાદ તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહ, કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણી, તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓ અમદાવાદ દોડી આવ્યા હતા. તમામે ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી. જ્યારબાદ તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહે મૃતકોના પરિવારજનોને 3.50 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય જાહેર કરી હતી. જ્યારબાદ તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ મૃતકોને 5 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય જાહેર કરી હતી.

કુલ 78 આરોપીઓ, 1100થી વધુ સાક્ષીઓ

અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસમાં વર્ષો સુધી ચાલેલી તપાસમાં પોલીસે કુલ 78 આરોપીઓને પકડી પાડ્યા હતા. આ સિવાય કોર્ટે સુનવણી દરમિયાન જુદા જુદા 1100થી વધુ સાક્ષીઓના નિવેદનોની તપાસ પણ કરી હતી. પકડાયેલા આરોપીઓમાં મુખ્યત્વે ઈન્ડીયન મુજાહિદ્દીન અને SIMI સાથે કનેક્શન ધરાવતા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.