ETV Bharat / bharat

World Radiography Day 2023: ભારત દેશમાં રેડિયોલોજિસ્ટની ઓછી સંખ્યા ચિંતાજનક બાબત છે !!!

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 8, 2023, 3:14 PM IST

8 નવેમ્બરને વર્લ્ડ રેડિયોગ્રાફી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતમાં 140 કરોડની વસ્તી સામે રેડિયોલોજિસ્ટની સંખ્યા બહુ ઓછી છે. આ ક્ષેત્રે હજુ ઘણું ખેડાણ કરવાનું બાકી છે. વાંચો મલ્લારેડ્ડી નારાયણ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલના સીનિયર કન્સલ્ટન્ટ ઈન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડૉ. થુમુ મહેશ કુમારના ખાસ રિપોર્ટ વિશે વિગતવાર

ભારત દેશમાં રેડિયોલોજિસ્ટની ઓછી સંખ્યા ચિંતાજનક બાબત છે !!!
ભારત દેશમાં રેડિયોલોજિસ્ટની ઓછી સંખ્યા ચિંતાજનક બાબત છે !!!

હૈદરાબાદઃ આજે રેડિયોલોજી મેડિકલ સાયન્સનો મહત્વપૂર્ણ હિસ્સો છે. 20મી સદીમાં આ ક્ષેત્રનો અપેક્ષિત વિકાસ થયો છે. ઉપરાંત કોમ્પ્યૂટર ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ(એઆઈ-AI)ને પરિણામે આ ક્ષેત્ર હરણફાળ ભરી રહ્યું છે. રેડિયોલોજી શબ્દથી આજે દરેક જણ પરિચિત છે કારણ કે અનેક પ્રકારના મેડિકલ ટ્રીટમેન્ટમાં તેની જરુર પડે છે. જેમાં ઓર્થોપેડિક્સ, કાર્ડિયોલોજી, ઓન્કોલોજી, રુમેટોલોજી, ગસ્ટ્રોએંટરોલોજી વગેરેનો સમાવેશ થાય છે. રેડિયોલોજીમાં કરવામાં આવતા ઈમેજિંગને પરિણામે રોગનું નિદાન અને સારવાર સરળ બની રહે છે. અંદાજિત 100 વર્ષનો ઈતિહાસ ધરાવતી રેડિયોલોજી એ મેડિકલ ટ્રીટમેન્ટની સૌથી નવી શાખાઓ પૈકી એક છે. વર્ષ 1895માં પ્રોફેસર વિલ્હેમ કોનાડ રોન્જન દ્વારા એક્સ રેની શોધથી રેડિયોલોજીની શરુઆત થઈ હતી. રોન્જને કરેલ એક્સ રેની શોધની ખબર જંગલમાં આગની જેમ સર્વત્ર ફેલાઈ ગઈ હતી.

કેટલાક વધુ અઠવાડિયાઓના અભ્યાસ અને સંશોધન બાદ રોન્જને શોધી કાઢ્યું કે એક્સ રે સરળતાથી માનવ શરીરના સ્નાયુઓમાંથી પસાર થઈ શકે છે જેનાથી શરીરમાં રહેલા ફોરેન પાર્ટિકલ્સને શોધી શકાય છે. એક્સ રે કિરણો જુદા જુદા કદની વસ્તુઓની ઈમેજ બનાવે છે. રોન્જનની પત્નીએ ફોટોગ્રાફિક પ્લેટ પર હાથ મુક્યો ત્યારે રોન્જને તેની પત્નીના હાથના હાડકા અને હાથ પર પહેરેલી અંગુઠીને જોઈ શક્યો. આ ઈમેજ તેની પત્નીના હાથના માંસની ધૂંધળી રુપરેખા વચ્ચે ઘેરાયેલ હતી. આ એકસ રે ઈમેજ માનવ શરીરના અંગનો પ્રથમ એક્સ રે ગણાય છે.

આ ચમત્કારી સંશોધનને જેટલી પ્રશંસા મળી તેટલો જ તેને ટીકાનો સામનો પણ કરવો પડ્યો હતો. તેનું મુખ્ય કારણ એ છે કે એક્સ રેની હાનિકારક અસરો વિશે પણ સંશોધન થઈ ચૂક્યું હતું. આ જોખમોને જોતા એક્સ રેનો વધુ પડતો ઉપયોગ ટાળવામાં આવ્યો અને રોગના નિદાન માટે તેનો ઉપયોગ મર્યાદિત કરવામાં આવ્યો. જેના પરિણામે એન્ડોસ્કોપી, મેમોગ્રાફી, રેડિયેશન ઓન્કોલોજી, એટમિક ટ્રીટમેન્ટ અને જુદા જુદા કૈથેટર આધારિત ઈન્ટરવેન્શન્સનો વિકાસ થયો. 20મી સદીના છેલ્લા ત્રણ દસકામાં અલ્ટ્રાસાઉન્ડ, કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી(સીટી-CT) અને મેગ્નેટિક રેઝોનન્સ ઈમેજિંગ (એમઆરઆઈ-MRI) જેવી અત્યાધુનિક ઈમેજિંગ પદ્ધતિઓનું આગમન થયું. આ આગમનને પરિણામે રેડિયોલોજીમાં આમૂલ પરિવર્તન આવ્યું. ભારતના મોટાભાગના હોસ્પિટલમાં આ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે.

રેડિયોલોજીના પ્રકારઃ રેડિયોલોજીના મુખ્ય બે પ્રકાર છે જેમાં મેડિકલ રેડિયોડાયાગ્નોસિસમાં બેઝિક બ્રોડ સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટી ઈન્ટરવેન્શનલ રેડિયોલોજીનો સમાવેશ થાય છે.

1. ડાયાગ્નોસ્ટિક રેડિયોલોજીઃ જેમાં દર્દીના રોગનું મૂળ કારણ શોધવા, સારવારની પ્રગતિનું નિરીક્ષણ કરવા અને અલગ અલગ તપાસ માટે શરીરના આંતરિક અંગોના ઈમેજિંગ માટે એક લાર્જ સ્પેક્ટ્રમનો ઉપયોગ થાય છે. જેમાં કેટલીક ઈમેજિંગ પ્રક્રિયાનો સમાવેશ થાય છે.

  • કોમ્પ્યૂટેડ ટોમોગ્રાફી સ્કેન (સીટી સ્કેન- CT Scan)
  • શરીરના આંતરિક અંગોની રીયલ ટાઈમ ઈમેજ માટે ફ્લોરોસ્કોપી
  • મેગ્નેટિક રેઝોનન્સ એન્જિયોગ્રાફી (એમઆરએ-MRA)
  • ન્યૂક્લિયર મેડિસિન
  • પોઝિટ્રોન એમિશન ટોમોગ્રાફી સ્કેન (પેટ સ્કેન-PET Scan)
  • સીટી સ્કેન સાથે પેટ સ્કેનનો ઉપયોગ ઘાતક ટ્રોમાને શોધવા માટે કરવામાં આવે છે.

2. ઈન્ટરવેન્શનલ રેડિયોલોજીઃ મેડિકલ રેડિયોડાયાગ્નોસિસમાં બેઝિક બ્રોડ સ્પેશિયાલિટી ડાયગ્નોસ્ટિક રેડિયોલોજીનો કોર્સ પૂરો કર્યા બાદ ઈન્ટરવેન્શનલ રેડિયોલોજીનો અભ્યાસ પણ કરી શકાય છે. આ એક સુપર સ્પેશિલાયલિટી બ્રાન્ચ છે. કૈથેટર, વાયર્સ અને નીડલ્સની મદદથી કરવામાં આવતી મેડિકલ ટ્રીટમેન્ટમાં જરુરી ઈમેજિંગ આ બ્રાન્ચ દ્વારા કરવામાં આવે છે. આ પ્રકારની રેડિયોલોજીમાં એક સ્પેશિયલ ડાઈ પર નાનકડા કીહોલની મદદથી ક્લીયર ઈમેજિંગ કરવામાં આવે છે. ઈન્ટરવેન્શનલ રેડિયોલોજીએ કેન્સરના દર્દીઓ માટે આશીર્વાદ સમાન છે. આ રેડિયોલોજીમાં ઈમેજિંગ માટે દર્દીને સામાન્ય બેભાન કરવામાં આવે છે. સૌથી વ્યાપક ઉપયોગમાં લેવાતી ઈન્ટરનવેન્શનલ રેડિયોલોજીની પ્રક્રિયાઓ નીચે મુજબ છે.

  • ધમનીઓના રોગોવાળા દર્દીઓ માટે એન્જિયોગ્રાફી/ એન્જિયો પ્લાસ્ટી અને સ્ટેંટ પ્લેસમેન્ટ
  • ટ્યુમરના દર્દીઓમાં લોહીને રોકવા માટે એમ્બોલિજેશન
  • ટયુમરને સળગાવવા માટે રેડિયોફ્રિકવન્સી એબ્લેશન, ક્રાયોએબ્લેશન અથવા માઈક્રોવેવ એબ્લેશન
  • વર્ટેબ્રલ કમ્પ્રેશન ફ્રેકચરના ઈલાજ માટે વર્ટેબ્રોપ્લાસ્ટી એને કાઈફોપ્લાસ્ટી
  • ફેફસા, ગર્ભાશય વગેરેના નિદાન માટે નીડલ બાયોપ્સી
  • બ્રેસ્ટ કેન્સર માટે બ્રેસ્ટ બાયોપ્સી
  • ગર્ભાશયમાં લોહીને રોકવા માટે ગર્ભાશય ધમની એમ્બોલિજેશન
  • ખોરાક ન લઈ શક્તા દર્દીઓ માટે વેનસ એક્સેસ કૈથેટર પ્લેસમેન્ટ વગેરે

કેવી રીતે રેડિયોલોજિસ્ટની સંખ્યા વધારવી? ભારત જેવા 140 કરોડની વસ્તી ધરાવતા દેશમાં 20,000 રેડિયોલોજિસ્ટ સેવા આપી રહ્યા છે. તેથી પ્રતિ 1,00,000 નાગરિકો માટે 1 રેડિયોલોજિસ્ટની સરેરાશ થાય જે ચિંતાજનક બાબત છે. જે વર્લ્ડ લેવલે થતી આરોગ્ય સેવાના માપદંડમાં ઘણું નીચે છે. ટેલીરેડિયોલોજી ઈમેજને રેડિયોલોજિસ્ટ સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. રેડિયોલોજિકલ તપાસ સચોટ નિદાન, રોગના જોખમો અને બિમારીઓનું પૂર્વાનુમાન લગાડવામાં મદદરુપ થાય છે. આ તપાસથી દર્દીના રોગ સંદર્ભે લેવાતા નિર્ણયો, પરિણામો, રેફરન્સીસ અને આરોગ્ય સંસાધનના વિતરણ પર પોઝિટિવ ઈફેક્ટ કરે છે. જો કે રેડિયોલોજી સર્વિસ સ્થાપવી રિસોર્સ ઈન્ટેન્સિવ છે. આપણા દેશની 60 ટકા વસ્તી ગામડામાં રહે છે તેમના સુધી આરોગ્યની દેખરેખ, ઉચ્ચ ગુણવત્તાવાળા નિદાન અને એક્સપર્ટ્સ ઓપીનિયન પણ માંડ માંડ પહોંચે છે.

દેશમાં રેડિયોલોજી સર્વિસીઝનું અસમાન વિતરણ છે અને મોટાભાગે ટ્રેઈન્ડ રેડિયોલોજિસ્ટ મુખ્યત્વે મોટા શહેરો અને નગરોમાં જોવા મળે છે. કુલ 140 કરોડની વસ્તી સામે બહુ ઓછા રેડિયોલોજિસ્ટ છે. તેથી જ લાંબા સમયથી ટેલીરેડિયોલોજીની માંગ વ્યાપક બની રહી છે. સમગ્ર દેશમાં ટેલીરેડિયોલોજીની સર્વિસથી રેડિયોલોજિસ્ટની કમીને થોડા ઘણા અંશે પૂરી કરી શકાય તેમ છે.

રેડિયોલોજિસ્ટની કમીને પૂરી કરવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ધરાવતી ટેલીરેડિયોલોજી દ્વારા મોબાઈલ ડિજિટલ ઈમેજિંગને સાંકળી શકાય છે. ઈન્ટરનેટ, હાઈ ટેકનોલોજી, ટેલીરેડિયોલોજી, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, મેડિકલ ઈમેજિંગ ઈન્ફોર્મેશન સાયન્સમાં વિકાસ અને મોબાઈલ ઈમેજિંગ ડિવાઈસથી દેશના અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્ય દેખરેખ અને નિદાનને સક્ષમ બનાવી શકાય છે.

ટેલીરેડિયોલોજીના કન્ક્લુઝનમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ બેઝ્ડ અલગોરિધમ અને મોબાઈલ ડિજિટલ ઈમેજિંગ યુનિટ્સને લીધે રેડિયોલોજિસ્ટની કમીને આંશિક રીતે પૂરી કરી શકાય છે. રોગોના ઝડપી નિદાન તેમજ સઘન આરોગ્ય સેવાઓ માટે મોટી સંખ્યામાં નાગરિકોનું સ્ક્રીનિંગ કાર્યક્રમને મજબૂત કરવો જરુરી છે. પ્રાથમિક આરોગ્ય દેખરેખ માટે ટેલીરેડિયોલોજી સર્વિસીઝને મોટા પાયે કાર્યાન્વિત કરવાની સાથે સાથે રેડિયોલોજિસ્ટ અને ટેકનિશિયન્સની કમીને દૂર કરવાની જરૂર છે.

  1. SC Issues Notice To Centre : મેડિકલ સર્જરીના જીવંત પ્રસારણ પર ચિંતા વ્યક્ત કરતી અરજી, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પાસેથી જવાબ માંગ્યો
  2. Lilavati Pharmacy Store : અમદાવાદમાં દેશનો પ્રથમ લીલાવતી ફાર્મસી સ્ટોર શરુ, ફાર્મસીમાં જ ડોક્ટર કન્સલ્ટ કરી શકશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.