ETV Bharat / bharat

વર્લ્ડ એન્કેફેલાઇટિસ ડે, 2021

author img

By

Published : Feb 24, 2021, 5:48 PM IST

એન્કેફેલાઇટિસ નામની મગજમાં સોજો આવી જવાથી થતી બિમારીથી પીડાતા લોકો માટે દર વર્ષે 22મી ફેબ્રુઆરીના દિવસને વર્લ્ડ એન્કેફેલાઇટિસ ડે તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસ ઊજવવાની શરૂઆત એન્કેફેલાઇટિસ સોસાયટી દ્વારા 2014માં શરૂ કરવામાં આવી હતી. જેનો ઉદ્દેશ આરોગ્યની સ્થિતિ વિશે જાગૃતિ ફેલાવવાનો છે.

વર્લ્ડ એન્કેફેલાઇટિસ ડે, 2021
વર્લ્ડ એન્કેફેલાઇટિસ ડે, 2021

એન્કેફેલાઇટિસ નામની મગજમાં સોજો આવી જવાથી થતી બિમારીથી પીડાતા લોકો માટે દર વર્ષે 22મી ફેબ્રુઆરીના દિવસને વર્લ્ડ એન્કેફેલાઇટિસ ડે તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસ ઊજવવાની શરૂઆત એન્કેફેલાઇટિસ સોસાયટી દ્વારા 2014માં શરૂ કરવામાં આવી હતી. જેનો ઉદ્દેશ આરોગ્યની સ્થિતિ વિશે જાગૃતિ ફેલાવવાનો છે. આ વર્ષે આ દિવસની થીમ છે - “લાઇટ્સ, કેમેરા, એક્શન”. એન્કેફેલાઇટિસ સોસાયટીના જણાવ્યા પ્રમાણે, દર વર્ષે 500,000 બાળકો તથા પુખ્ત વયની વ્યક્તિઓ આ બિમારીનો ભોગ બને છે અર્થાત્, પ્રત્યેક મિનિટે એક વ્યક્તિને આ બિમારી લાગુ પડે છે.

એન્કેફેલાઇટિસ બિમારી એટલે શું અને તેના પ્રકારો કયા-કયા છે?

એન્કેફેલાઇટિસએ મગજમાં આવતો સોજો છે, જે મુખ્યત્વે વાઇરલ ઇન્ફેક્શનના કારણે અથવા તો ઇમ્યૂન સિસ્ટમ (રોગપ્રતિકારક વ્યવસ્થા) ભૂલથી મગજના કોશ પર આક્રમણ કરે, તેના કારણે થતી બિમારી છે. મુખ્યત્વે વાઇરસના કારણે એન્કેફેલાઇટિસ થાય છે પરંતુ દુર્લભ કેસમાં બેક્ટેરિયા પણ તેના માટે જવાબદાર હોઇ શકે છે. એન્કેફેલાઇટિસને વિવિધ શ્રેણીમાં વર્ગીકૃત કરી શકાય છે. એન્કેફેલાઇટિસ સોસાયટી દ્વારા જણાવ્યા પ્રમાણે તેના કેટલાક પ્રકારો અહીં રજૂ કરવામાં આવ્યા છે. જ્યારે સંક્રમણ મગજ પર આક્રમણ કરે, ત્યારે તે ઇન્ફેક્શિયસ એન્કેફેલાઇટિસ તરીકે ઓળખાય છે. જેને નીચે પ્રમાણે વર્ગીકૃત કરી શકાય છે.

  • એમેબિક મેનિન્જોન્સેફેલાઇટિસ
  • ચિકનગુનિયા એન્કેફેલાઇટિસ
  • એન્ટરોવાઇરસ એન્કેફેલાઇટિસ
  • હર્પિસ સિમ્પલ વાઇરસ એન્કેફેલાઇટિસ
  • જાપાનિઝ એન્કેફેલાઇટિસ
  • મિસલ્સ ઇન્ફેક્શન એન્ડ એન્કેફેલાઇટિસ
  • રેબીઝ
  • ટિક-બોર્ન એન્કેફેલાઇટિસ (TBE)
  • વેસ્ટ નાઇલ એન્કેફેલાઇટિસ
  • ઝિકા વાઇરસ ઇન્ફેક્શન

જ્યારે શરીરની રોગપ્રતિકારક વ્યવસ્થા સ્વયં ભૂલથી મગજના કોશો પર આક્રમણ કરે, ત્યારે તે સ્થિતિ ઓટો-ઇમ્યૂન એન્કેફેલાઇટિસ તરીકે ઓળખાય છે. તેના પ્રકારો આ પ્રમાણે છેઃ

  • અક્યૂટ ડિસેમિનેટેડ એન્કેફેલોમિયેલાઇટિસ (ADEM)
  • અક્યુટ ડિસ્સેમિનેટેડ એન્કેફેલોમ્યેલાઇટિસ (ADEM) ઇન ચિલ્ડ્રન
  • હાશિમોટોઝ એન્કેફેલોપથી
  • Lgi1/Caspr2-એન્ટિબોડી એન્કેફેલાઇટિસ
  • લિમ્બિક એન્કેફેલાઇટિસ
  • નેડર એન્ટિબોડી એન્કેફેલાઇટિસ
  • રેસમ્યુસેન્સ એન્કેફેલાઇટિસ
  • અન્ય પ્રકારો નીચે મુજબ છેઃ
  • એન્કેફેલાઇટિસ લેથાર્જિકા
  • હ્યુમન ઇમ્યૂનોડેફિશઇઅન્સી વાઇરસ (HIV) એન્ડ ધી બ્રેઇન
  • સબઅક્યુટ સ્ક્લેરોઝિંગ પેનેન્કેફેલાઇટિસ (SSPE)

તેનાં લક્ષણો કયાં-કયાં છે?

સંક્રમિત એન્કેફેલાઇટિસમાં શરૂઆતમાં વ્યક્તિમાં તાવ આવવો, માથું દુખવું, વગેરે જેવાં ફ્લૂનાં લક્ષણો જોવા મળી શકે છે. જોકે, આ લક્ષણો વકરી શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (હૂ)ના મતાનુસાર, તેનાં લક્ષણોમાં ભારે તાવ આવવો, માથું દુખવવું, પ્રકાશ પ્રત્યે અત્યંત સંવેદનશીલ થઇ જવું, ગરદન અને પીઠ જકડાઇ જવી, ઊલટી થવી, મૂંઝવણ થવી અને ગંભીર કેસોમાં દર્દીને લકવો થઇ શકે છે કે તે કોમામાં જઇ શકે છે. એન્કેફએલાઇટિસ સોસાયટીના જણાવ્યા મુજબ, ઓટોઇમ્યૂન એન્કેફેલાઇટિસમાં એન્કેફેલાઇટિસ સંબંધિત એન્ટિબોડીના પ્રકારના આધારે લક્ષણોમાં વિભિન્નતા જોવા મળે છે, પરંતુ સામાન્ય લક્ષણો નીચે પ્રમાણેનાં હોઇ શકે છેઃ મૂંઝવણ, વ્યક્તિત્વ કે વર્તનમાં ફેરફાર થવો, સાઇકોસિસ, હલન-ચલનમાં સમસ્યા સર્જાવી, આંચકી આવવી, આભાસ થવો, સ્મૃતિભ્રંશ કે ઊંઘવામાં ખલેલ થવી.

નિદાન અને સારવાર

ન્યૂરોઇમેજિંગ (MRI કે CT સ્કેન), લમ્બર પંક્ચર, ઇલેક્ટ્રોએન્કેફેલોગ્રામ (EEG), બ્લડ ટેસ્ટ, વગેરે જેવા વિવિધ ટેસ્ટ થકી તેનું નિદાન કરી શકાય છે. એક વાર નિદાન થઇ ગયા બાદ દર્દીમાં જોવા મળતાં લક્ષણો તથા પ્રકારના આધારે તેની સારવાર કરવામાં આવે છે. એન્કેફેલાઇટિસની સારવાર કરવા પાછળનો મુખ્ય હેતુ લક્ષણોથી છૂટકારો મેળવવાનો છે. જો આ બિમારી વાઇરલ ઇન્ફેક્શનના કારણે લાગુ પડી હોય, તો એન્ટિવાઇરલ દવાઓ વડે દર્દીની સારવાર થઇ શકે છે, બેક્ટેરિયાથી થઇ હોય, તો એન્ટિબાયોટિક્સ આપવામાં આવે છે અને ઓટોઇમ્યૂન એન્કેફેલાઇટિસની સ્થિતિમાં ઇમ્યૂનોમોડ્યુલેટરી દવાઓ આપવામાં આવે છે. જો વ્યક્તિને સમયસર સારવાર ન મળે, તો સ્મૃતિભ્રંશ, વર્તણૂંકમાં ફેરફાર, એપિલેપ્સી વગેરે જેવી તકલીફો ઉદ્ભવી શકે છે. આથી, જો તમને ઉપર જણાવ્યા પૈકીનાં કોઇપણ લક્ષણો જણાય, તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જોઇએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.