ETV Bharat / bharat

તાલિબાન સાથે ચીનની વધી રહેલી 'દોસ્તી' વચ્ચે બાઇડેનનો જિનપિંગને કોલ, 90 મિનિટ કરી વાતચીત

author img

By

Published : Sep 10, 2021, 4:25 PM IST

આ વાતચીત અમેરિકા-ચીન સંબંધો માટે આગળના રસ્તાની ચર્ચા કરવા પર કેન્દ્રિત હતી
આ વાતચીત અમેરિકા-ચીન સંબંધો માટે આગળના રસ્તાની ચર્ચા કરવા પર કેન્દ્રિત હતી

અફઘાનિસ્તાનમાં બદલાતી સ્થિતિ વચ્ચે જ્યારે ચીન તાલિબાનની સાથે ઊભું છે, આવામાં આ વાતચીત મહત્વની થઈ જાય છે. આ સાથે જ ગુરૂવારના જિનપિંગ બ્રિક્સ સંમેલનમાં પણ સામેલ થયા હતા.

  • બાઇડેન અને જિનપિંગ વચ્ચે ફોન પર થઈ વાતચીત
  • અનેક મુદ્દાઓ પર 90 મિનિટ સુધી થઈ વાતચીત
  • અફઘાનિસ્તાન સંકટ વચ્ચે બંને દેશોની આ વાતચીત મહત્વપૂર્ણ

વૉશિંગ્ટન: અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેને ગુરૂવારના ચીનના પોતાના સમકક્ષ શી જિનપિંગ સાથે ફોન પર વાત કરી. બંને નેતાઓ વચ્ચે એવા સમયે વાત થઈ રહી છે જ્યારે અમેરિકન પક્ષમાં એ વાતને લઇને નિરાશા છે કે બાઇડેન સરકારના કાર્યકાળના શરૂઆતના દિવસોમાં બંને દેશોના ટોચના સલાહકારો વચ્ચે ઉચ્ચ સ્તરીય સંપર્કનું કોઇ પરિણામ નથી આવ્યું.

બંને દેશો વચ્ચે અનેક મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે

બાઇડેનના કાર્યભાર સંભાળ્યા બાદ બંને નેતાઓ વચ્ચે બીજીવાર વાત થઈ છે. અત્યારે બંને દેશોની વચ્ચે અસહમતિવાળા મુદ્દાઓની કોઇ કમી નથી, જેમાં ચીનથી થઈ રહેલું સાયબર સુરક્ષા ઉલ્લંઘન, બેઇજિંગ દ્વારા કોરોના વાયરસ મહામારીથી પહોંચી વળવાની રીતો અને વ્હાઇટ હાઉસ પ્રમાણે ચીનનો પ્રતિરોધક અને અયોગ્ય વેપાર સામેલ છે.

અમેરિકા-ચીન સંબંધોના ભવિષ્ય પર વાતચીત

કૉલ કરવા પાછળ બાઇડેનનો જે ઉદ્દેશ હતો એ આ મુદ્દાઓમાંથી કોઈ પર કેન્દ્રિત નહોતો. તેમ છતાં આ સંવાદ અમેરિકા-ચીન સંબંધો માટે આગળના રસ્તાની ચર્ચા કરવા પર કેન્દ્રિત હતો. બંને નેતાઓની વચ્ચે ફોન પર 90 મિનિટ વાત થઈ. વ્હાઇટ હાઉસે એક નિવેદનમાં કહ્યું કે, 'બંને નેતાઓ વચ્ચે એક બહોળી વ્યૂહાત્મક ચર્ચા થઈ જેમાં તેમણે એ ક્ષેત્રો પર વાત કરી જ્યાં અમારા હિત મળે છે અને એ ક્ષેત્રો પર જ્યાં અમારા હિત, મૂલ્ય અને દ્રષ્ટિકોણ ભિન્ન છે.'

કયા કયા મુદ્દે સાથે મળીને કામ કરશે?

ચીનની સરકારી ટીવીએ પોતાની વેબસાઇટ પર સમાચાર આપ્યા કે, બંને નેતાઓ વચ્ચે સ્પષ્ટ, ઊંડો, બહોળો વ્યૂહાત્મક સંવાદ થયો. તેણે આ વિશે વધારે વિગતો આપી નહીં. વ્હાઇટ હાઉસને આશા છે કે વધતા મતભેદો છતાં બંને પક્ષ જળવાયુ પરિવર્તન અને કોરિયન દ્વીપકલ્પ પર પરમાણુ સંકટને રોકવા સહિત સામાન્ય ચિંતાના મુદ્દાઓ પર સાથે મળીને કામ કરી શકે છે.

બાઇડેન સરકારની ચીન સાથેની અગાઉની વાતચીત નિષ્ફળ રહી છે

ચીને અમેરિકન દબાવનો વિરોધ કરતા કહ્યું કે, 'જ્યાં સુધી બાઇડેન ચીનના આંતરિક મુદ્દાઓની ટીકા બંધ નહીં કરે ત્યાં સુધી બેઇજિંગ વ્યાપક રીતે અસહયોગ ચાલું રાખી શકે છે.' બાઇડેનના લગભગ 8 મહિનાના કાર્યકાળમાં તેમણે અને તેમના સહયોગીઓએ અનેક ચિંતાજનક મુદ્દાઓ પર ચીન સાથે સંવાદનો પ્રયાસ કર્યો અને અન્ય મુદ્દાઓ માટે સામાન્ય આધાર શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે નિષ્ફળ વ્યૂહરચના સાબિત થઈ. બંને નેતાઓની વાતચીત પહેલા બાઇડેન સરકારના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, ચીનની સાથે પહેલાની વાતચીતથી વ્હાઇટ હાઉસ અસંતુષ્ટ છે અને એવી આશા છે કે બાઇડેન દ્વારા શી સાથે વાતચીત કરવી ફાયદાકારક સાબિત થઈ શકે છે.

ચીન પર કેટલાંક મુદ્દે દબાણ કરતું રહેશે અમેરિકા

વ્હાઈટ હાઉસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, બાઇડેને શીની સામે એ સ્પષ્ટ કરી દીધું છે કે માનવ અધિકારો, વેપાર તથા અન્ય ક્ષેત્રો પર જ્યાં તેને લાગે છે કે ચીન આંતરરાષ્ટ્રીય કાયદાઓથી બહાર જઈ રહ્યું છે ત્યાં ચીન પર દબાવ લાવવાની પોતાની સરકારની નીતિથી અલગ જવાનો તેમનો કોઈ ઇરાદો નથી. વ્હાઇટ હાઉસ તરફથી કહેવામાં આવ્યું હતું કે આ વાતચીત દરમિયાન બંને નેતાઓ વિવિધ મુદ્દાઓ પર ખુલ્લી અને સીધી વાતચીત કરવા સંમત થયા છે.

વધુ વાંચો: તાલિબાન સાથે સમજૂતી કરવા તલપાપડ થઈ રહ્યું છે ચીન, અફઘાનિસ્તાનમાં રોકાણ અંગે Joe Bidenએ આપી પ્રતિક્રિયા

વધુ વાંચો: PM મોદી 22 થી 27 સપ્ટેમ્બર દરમિયાન અમેરિકા પ્રવાસે જાય તેવી શક્યતા, જો બાઇડેન સાથે કરશે મુલાકાત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.