Uttarkashi Tunnel Rescue 5th Day: જેક એન્ડ પુશ અર્થ ઑગર મશિનને પરિણામે રેસ્ક્યૂ ઓપરેશન સફળ રહેવાની સંભાવના વધી

Uttarkashi Tunnel Rescue 5th Day: જેક એન્ડ પુશ અર્થ ઑગર મશિનને પરિણામે રેસ્ક્યૂ ઓપરેશન સફળ રહેવાની સંભાવના વધી
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલક્યારા ટનલમાં ફસાયેલા મજૂરોનું રેસ્ક્યૂ ઓપરેશન યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. આજે આ રેસ્ક્યૂ ઓપરેશનનો પાંચમો દિવસ છે. હવે આ ઓપરેશનમાં જેક એન્ડ પુશ અર્થ ઑગર મશિનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. દિવાળીના દિવસથી 40 મજૂરો આ ટનલમાં ફસાયા છે.
ઉત્તરકાશી(ઉત્તરાખંડ): ઉત્તરાખંડ ચારધામ રોડ પરિયોજનાની સિલક્યારા ટનલમાં ફસાયેલા 40 મજૂરો માટે થોડી રાહતના સમાચાર સામે આવ્યા છે. પાંચમાં દિવસે ટનલમાં ફસાયેલા મજૂરોને બચાવા માટે ટનલની બહાર જેક એન્ડ પુશ અર્થ ઑગર મશિનનું ઈન્સ્ટોલેશન પૂર્ણ થઈ ગયું છે. આ હેવી મશિનોને હરક્યુલસ વિમાનો મારફતે ઉત્તરકાશી સુધી પહોંચાડવામાં આવ્યા હતા.
દિલ્હીથી મંગાવાયા જેક એન્ડ પુશ અર્થ ઑગર મશિનઃ અત્યાર સુધી ચાલેલા રેસ્ક્યૂ ઓપરેશનમાં સફળતા મળી નહતી. તેથી દિલ્હીથી સેના પાસેથી જેક એન્ડ પુશ અર્થ ઑગર મશિન મંગાવાયા છે. બુધવારે એરફોર્સના હરક્યુલસ વિમાનો દ્વારા ત્રણ ટ્રીપમાં જેક એન્ડ પુશ અર્થ ઑગર મશિન ચિન્યાલિસૌડ એરપોર્ટ પર લાવવામાં આવ્યા. ત્યારબાદ ચિન્યાલિસૌડથી સિલક્યારા સુધી ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો. આ ગ્રીન કોરિડોર દ્વારા હેવી મશિનરી ટનલ સુધી પહોંચાડવામાં આવી.
વડા પ્રધાનની રેસ્ક્યૂ ઓપરેશન પર નજરઃ સિલક્યારા ટનલ દુર્ઘટનામાં થઈ રહેલા રેસ્ક્યૂ ઓપરેશનને રાજ્ય સરકારની સાથે કેન્દ્ર સરકાર પણ સફળ બનાવવા પૂરતી મદદ કરી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સતત રેસ્ક્યૂ ઓપરેશના અપડેટ્સ લઈ રહ્યા છે. વડા પ્રધાન ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામી સાથે સતત સંપર્કમાં છે. મુખ્ય પ્રધાન ધામીએ આ રેસ્ક્યૂ ઓપરેશનમાં કોઈ કસર નહીં છોડવામાં આવે તેવું આશ્વાસન વડા પ્રધાનને આપ્યું છે.
મોડી રાત્રે આવ્યો હતો ભૂકંપઃ રેસ્ક્યૂ ઓપરેશન ચાલતું હતું તે દરમિયાન મોડી રાત્રે ભૂકંપ આવ્યો હતો. જેનાથી સૌ કોઈને એક જ ચિંતા હતી કે રેસ્ક્યૂ ઓપરેશનમાં વિધ્ન ન આવી જાય. જો કે ભૂકંપને લીધે રેસ્ક્યૂ ઓપરેશનમાં કોઈ વિલંબ થયો નહતો. ગુરુવાર સવારથી આ રેસ્ક્યૂ ઓપરેશન ખૂબ જ સઘન બનાવી દેવાયું છે. રેસ્ક્યૂ ટીમના જવાનો ખૂબજ સાવધાની અને સુરક્ષિત રીતે ટનલમાં ફસાયેલા 40 મજૂરોને બહાર કાઢવાના પ્રયત્નો કરી રહ્યા છે.
