અમદાવાદ : અમદાવાદમાં દિવસે ને દિવસે ગુનાહો વધતા જતા જોવા મળે છે. ત્યારે 10 મેના રોજ અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં આવેલ કબ્રસ્તાન નજીક રહેતા લોકોને અલતાફ વાસી નામના વ્યક્તિએ તેના ભત્રીજાઓ સાથે જઈને ત્યાંના લોકોને ધમકાવે છે તથા ઘરમાં જઈને તોડફોડ કરે છે અને આ સમગ્ર બાબત સીસીટીવીમાં કેદ થઈ જાય છે.
હિસ્ટ્રીશિટર ગુનેગાર : આ અલતાફ વાસી પર અત્યારસુધીમાં સતર ગુના દાખલ છે અને હાલમાં તે એક હત્યાના કેસમાં જે 2017 માં તેના પર દાખલ થયો હતો તેના જામીન પર હાલમાં બહાર છે. જ્યારથી ક્રાઇમ બ્રાન્ચને આ આરોપીને ધરપકડ કરવાની પરવાનગી મળી હતી ત્યારથી જ તે અંડર ગ્રાઉન્ડ હતો.
સુરતથી દબોચી લીધો : ત્યારે મંગળવાર પંદર મેના રોજ ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે અલતાફ વાસી ગુજરાત છોડીને મુંબઈ જઈ રહ્યો છે ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે સુરતમાં તેની ધરપકડ કરી લીધી હતી.
અલગ અલગ લોકો દ્વારા ફરિયાદો : કુલ ત્રણ ફરિયાદ અલગ અલગ લોકો દ્વારા કરવામાં આવી હતી. જેમાં એક ફરિયાદ મોબાઈલ સ્નેચિંગ અને ધાક ધમકી હતી ત્યારે બીજી માર મારવાની હતી અને ત્રીજી હથિયારો સાથે આજુબાજુના લોકોને ધમકાવવામાં આવ્યા તેવી રીતે ત્રણ ફરિયાદ કરવામાં આવી છે.
કોર્પોરેટરને રજૂઆતો કરવામાં આવી હતી : વિસ્તારના લોકોએ વિસ્તારના કોર્પોરેટરને ફરિયાદ કરી હતી અને કોર્પોરેટર દ્વારા આ સમગ્ર મામલો સામે આવ્યો છે પરંતુ આ ત્રણ ફરિયાદીમાં કોર્પોરેટર ફરિયાદ કરતા જોવા મળ્યા નથી. આ સમગ્ર ઘટના બનવા માટેનું કારણ એવું મળ્યું છે કે વિસ્તારમાં તેનું વર્ચસ્વ વધે અને જે જગ્યા પર આ ઘટના બની છે તે જગ્યા ખાલી કરવાની તેને સોપારી આપવામાં આવી હતી.