ETV Bharat / bharat

Ayodhya flight : પ્રથમ એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ શરૂ, અયોધ્યાને બેંગલુરુ અને કોલકાતાથી જોડશે

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 17, 2024, 3:12 PM IST

Ayodhya flight
Ayodhya flight

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ અયોધ્યા અને બેંગલુરુ તથા અયોધ્યા અને કોલકાતા વચ્ચેની પ્રથમ એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટનું લોકાર્પણ કર્યું છે. આ તકે સિંધિયાએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યુપી વિકાસની નવી ઊંચાઈ આંબી રહ્યું છે.

નવી દિલ્હી : રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આડે જૂજ દિવસો બાકી છે. ત્યારે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ બુધવારે અયોધ્યા અને બેંગલુરુ તથા અયોધ્યા અને કોલકાતા વચ્ચેની પ્રથમ એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટનું લોકાર્પણ કર્યું હતું. લખનોઉ ખાતે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કોલકાતા અને અયોધ્યા વચ્ચેની પ્રથમ ફ્લાઇટ માટે બોર્ડિંગ પાસ મેળવ્યો હતો.

અયોધ્યાની એક્સપ્રેસ ફ્લાઈટ : આ તકે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશ વિકાસની નવી ઊંચાઈ પહોંચ્યું છે. જો આપણે ઉત્તર પ્રદેશની વસ્તી પર નજર કરીએ તો યુએસની લગભગ 70 ટકા વસ્તી ઉત્તર પ્રદેશમાં છે. યુરોપની અડધી વસ્તી ઉત્તર પ્રદેશમાં છે. અમે ગત નવેમ્બરમાં દિવાળીની ઉજવણી કરી હતી, પરંતુ બીજી દિવાળી 3 ડિસેમ્બરે હતી જ્યારે ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા. ઉપરાંત ભારત દેશ સહિત સમગ્ર વિશ્વ આગામી 22 જાન્યુઆરીના રોજ ત્રીજી દિવાળી ઉજવશે.

ઉત્તરપ્રદેશના વિકાસની હરણફાળ : ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉદ્ઘાટન કાર્યક્રમમાં સામેલ થતા જણાવ્યું હતું કે, નવા એરપોર્ટની સાથે રાજ્યમાં ચાર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પણ આવ્યા છે. છેલ્લા નવ વર્ષમાં ઉત્તર પ્રદેશમાં માત્ર નવા એરપોર્ટ જ નહીં પરંતુ 4 આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સાથે ઉત્તર પ્રદેશ એર કનેક્ટિવિટી ક્ષેત્રે મહત્વનું રાજ્ય બની ગયું છે.

અયોધ્યા ઈન્ટરનેશનલ એરપોર્ટ : યોગી આદિત્યનાથે વધુમાં કહ્યું કે, વડાપ્રધાન મોદીએ 30 ડિસેમ્બરના રોજ અયોધ્યામાં મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. અગાઉ શનિવારે એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે, અયોધ્યાના મહર્ષિ વાલ્મીકી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રૂટિન ફ્લાઈટ શરૂ થશે અને એરપોર્ટ પર ફ્લાઈટની સંખ્યામાં પણ વધારો થશે.

અત્યાધુનિક એરપોર્ટ : ટેમ્પલ સિટી અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 ડિસેમ્બરના રોજ અયોધ્યા રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યા બાદ મહર્ષિ વાલ્મિકી આંતરરાષ્ટ્રીય વિમાનમથકનું ઉદ્ઘાટન કર્યું હતું. ભારતીય એરપોર્ટ ઓથોરિટીએ ગત વર્ષે એપ્રિલમાં ઉત્તર પ્રદેશ સરકાર સાથે કરેલા MoU મુજબ અયોધ્યા એરપોર્ટના વિકાસની કામગીરી હાથ ધરી હતી. કુલ રુ.1450 કરોડથી વધુના ખર્ચે અત્યાધુનિક એરપોર્ટ વિકસાવવામાં આવ્યું છે.

ભગવાન રામનું પ્રતિબિંબ : એરપોર્ટનું ટર્મિનલ બિલ્ડિંગ 6,500 ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવે છે અને વાર્ષિક આશરે 10 લાખ મુસાફરોને સેવા આપવા માટે સજ્જ છે. ટર્મિનલ બિલ્ડિંગનો રવેશ અયોધ્યાના રામ મંદિરના સ્થાપત્યને દર્શાવે છે. ટર્મિનલ બિલ્ડીંગનો આંતરિક ભાગ ભગવાન રામના જીવનને દર્શાવતી સ્થાનિક કલા, ચિત્રો અને ભીંતચિત્રોથી શણગારવામાં આવ્યો છે.

  1. Indian Railway: અયોધ્યા જનારા યાત્રીઓ ખાસ ધ્યાન આપે, કચ્છથી ઉપડતી આ 2 એક્સપ્રેસ ટ્રેન આંશિક રીતે ડાયવર્ટ કરેલા રૂટથી દોડશે
  2. IndiGo on flight mode:'યાત્રી કૃપયા ક્ષમા કિજીયે' ઈન્ડિગોની વેબસાઈટ, એપ અને ગ્રાહક સેવા ચેનલ 'ફ્લાઈટ' મોડમાં
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.