છત્રપતિ સંભાજીનગર : મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં પોલીસે ચિલ્ડ્રન હોમના નામે બાળકો વેચતી સંસ્થાનો પર્દાફાશ કર્યો છે. આ સંદર્ભે પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી બે લોકોની ધરપકડ કરી છે. જવાહર નગર પોલીસ સ્ટેશનમાં બાળકને વેચનારી માતા, બાળકના મામા અમોલ મચ્છીન્દ્ર વહુલ, અનાથાશ્રમના ડિરેક્ટર દિલીપ શ્રીહરિ રાઉત અને તેની પત્ની સવિતા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. જેમાં દિલીપ રાઉત અને સવિતા બંનેને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આ મામલામાં પોલીસે બાળકની માતા અને મામાની પૂછપરછ કરી રહી છે.
પાંચ લાખમાં બાળકનું વેચાણ : જાણવા મળી રહ્યું છે કે દામિની ટુકડીની ટીમને માહિતી મળી હતી કે એક મહિલાએ આપેલું બાળક પાંચ લાખ રૂપિયામાં વેપારીને વેચવામાં આવી રહ્યું છે. જેના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ સવાલો એ પણ ઉઠી રહ્યા છે કે, મહિલાએ જન્મ આપ્યા બાદ આ બાળક સામાજિક સંસ્થાને કેમ આપ્યું? મહિલા બાળ કલ્યાણ સમિતિએ બાળકને ભારતીય સામાજિક કેન્દ્રમાં રાખવાનો નિર્ણય લીધો છે અને વધુ તપાસ જવાહર નગર પોલીસ કરી રહી છે.
બાલક આશ્રમનો મામલો : શિવશંકર કોલોની સ્થિત જીજામાતા બાલક આશ્રમમાં આ મામલો સામે આવ્યો છે. આ અંગે મહિલા ફરિયાદ નિવારણ કેન્દ્રને બાતમી મળી હતી કે અનાથશ્રમમાં બાળકનું વેચાણ કરવામાં આવતું હતું. આના પર મહિલા ફરિયાદ નિવારણ અને પોલીસની ટીમ અનાથશ્રમ પહોંચી અને તેનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન ત્યાંના એક રૂમમાં એક બાળક સૂતો જોવા મળ્યો હતો અને ચિલ્ડ્રન હોમના ડાયરેક્ટર દિલીપની પત્ની સવિતા બાળક પાસે બેઠી હતી.
બાલક આશ્રમ અનધિકૃત : તો બીજી તરફ, જ્યારે ટીમે પૂછપરછ કરી ત્યારે પેઠણ તાલુકાની મહિલા બબરૂલે દાવો કર્યો હતો કે, તેણે અને તેના ભાઈએ 14 જૂને બાળકને દત્તક લીધું હતું. પરંતુ તેની પાસે અઢી મહિનાનું બાળક કોનું છે તેનો કોઈ પુરાવો નહોતો. બીજી તરફ શહેરના વેપારીએ જણાવ્યું હતું કે, તે અને તેની પત્ની અહીં બાળકને દત્તક લેવા આવ્યા હતા. તેઓએ પોલીસને જણાવ્યું હતું કે, તેઓ આ માટે પાંચ લાખ રૂપિયા ચૂકવે છે. શિવશંકર કોલોનીમાં જીજામાતા બાલક આશ્રમ અનધિકૃત છે.
બાળકને સેવા કેન્દ્રને સોંપવામાં આવ્યું : બીજી તરફ સરકાર દ્વારા કોઈપણ બાળકને દત્તક લેવા અંગેના નિયમો જારી કરવામાં આવ્યા છે. આમાં, ઓનલાઈન નોંધણી પછી, સંબંધિત માતાપિતાની પૂછપરછ કર્યા પછી દત્તક લેવાની પ્રક્રિયા શરૂ થાય છે, પરંતુ તેના માટે પૈસાની આપ લે કરવામાં આવતી નથી. જેના કારણે આ સામાજિક સંસ્થા દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તે અનધિકૃત છે. આ સમગ્ર ઘટના બાદ મહિલા ફરિયાદ નિવારણ કેન્દ્રની બે મહિલા અધિકારીઓ આખો દિવસ બાળકની સંભાળ રાખતી હતી, જ્યારે સાંજે બાળ સમિતિના આદેશથી બાળકને ભારતીય સમાજ સેવા કેન્દ્રને સોંપવામાં આવ્યું હતું.