ETV Bharat / bharat

વોટ્સએપ મેસેજ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ છે તો કેવી રીતે લીક થઈ જાય છે ચેટ?

author img

By

Published : Oct 30, 2021, 9:41 PM IST

જ્યારે તમે વોટ્સએપ પર ચેટ (WhatsApp Chat) કરો છો, ત્યારે એવું માનવામાં આવે છે કે વાતચીત ફક્ત 2 લોકો વચ્ચે થઈ રહી છે. કોઈ ત્રીજો પક્ષ કે મશીન તેને વાંચતું કે રેકોર્ડ કરતું નથી. વોટ્સએપ પોતે દાવો કરે છે કે, ચેટ્સ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ (End-to-end encrypted) છે અને કોઈ ત્રીજો પક્ષ તેમને અટકાવી શકતું નથી, તો આ વોટ્સએપ ચેટ્સ કેવી રીતે લીક થાય છે?

વોટ્સએપ મેસેજ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ છે તો કેવી રીતે લીક થઈ જાય છે ચેટ?
વોટ્સએપ મેસેજ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ છે તો કેવી રીતે લીક થઈ જાય છે ચેટ?

  • આર્યન અને અનન્યાની ચેટ જગજાહેર થયા બાદ ફરી પ્રાઇવેસીનો મુદ્દો ચર્ચામાં
  • વોટ્સએપ મેસેજ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ છતાં 2 વ્યક્તિઓ વચ્ચેની ચેટ થઈ જાય છે લીક
  • ગૂગલ ડ્રાઇવ અથવા આઈ ક્લાઉડ પર સેવ થાય છે ચેટનું બેકઅપ

હૈદરાબાદ: ક્રૂઝ ડ્રગ્સ કેસ (Drugs Case)માં આર્યન ખાન (Aryan Khan)ને જામીન મળી ગયા અને શનિવારે જેલમાંથી બહાર આવ્યો છે. હજુ આ કેસ આગળ ચાલું રહેશે. અત્યાર સુધીના ઘટનાક્રમમાં ડ્રગ્સ (Drugs), રેવ પાર્ટી, NCB તપાસ અને નવાબ મલિક (Nawab Malik)ના આરોપો પર ચર્ચા થઈ. આ દરમિયાન આર્યન ખાન અને અનન્યા પાંડે (Ananya Pandey) વચ્ચેની વોટ્સએપ ચેટને લઈને ઘણી ચર્ચા થઈ. સવાલ એ છે કે, 2 લોકો વચ્ચેની ચેટ કેવી રીતે લીક થઈ. આ અગાઉ 2020માં સુશાંત સિંહ (Sushant Singh Rajput)ની આત્મહત્યા પછી રિયા ચક્રવર્તીની વ્હોટ્સએપ ચેટે ઇન્ટરનેટ હચમચાવી દીધું હતું. જ્યારે ન્યૂઝ એન્કર અર્નબ ગોસ્વામી પર TRP કૌભાંડનો આરોપ લાગ્યો ત્યારે તેમનો 500 પેજનો વોટ્સએપ મેસેજ લીક થયો હતો. આ વાતચીત અર્નબ ગોસ્વામી અને બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલના ભૂતપૂર્વ CEO પાર્થો ગુપ્તા વચ્ચે થઈ હતી.

એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન શું છે?

વોટ્સએપ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનનો દાવો કરે છે. કંપનીનું કહેવું છે કે 2 વ્યક્તિઓ વચ્ચે શેર કરાયેલા મેસેજ, ફોટો, વિડીયો, વોઈસ મેસેજ, ડોક્યુમેન્ટ અને કોલને કોઈ ત્રીજો પક્ષ જોઈ કે સાંભળી શકતો નથી. તે કોઈપણ એપ્લિકેશન અથવા ઉપકરણથી રેકોર્ડ કરી શકાતું નથી. કંપની તેના 2 અબજ ગ્રાહકોને ક્રિપ્ટોગ્રાફિક પ્રોટોકોલ દ્વારા ગોપનીયતા પ્રદાન કરે છે. કંપનીના જણાવ્યા અનુસાર, જ્યારે તમે મેસેજમાં કંઈક ટાઈપ કરો છો, ત્યારે તે કોડમાં ફેરવાઈ જાય છે અને તે કોડ અન્ય યૂઝરના મોબાઈલમાં જતાની સાથે જ સ્ક્રિપ્ટ કે મેસેજમાં કન્વર્ટ થઈ જાય છે. તેથી, જો કોઈ ત્રીજો પક્ષ અથવા હેકર્સ, રેકોર્ડિંગ મશીનને કોડ મળી પણ જાય છે તો પણ મેસેજ વાંચી શકાતો નથી. વોટ્સએપ યુઝર્સના મેસેજને-લોગને સંગ્રહિત કરતું નથી. 30 દિવસ પછી તેના સર્વરમાંથી ડિલિવર થયેલા સંદેશાઓ કાઢી નાખવામાં આવે છે.

લીક થવાની શક્યતા, જાણો ક્યાં છે લૂપહોલ

નિષ્ણાતો પ્રમાણે, અત્યાર સુધી લીક થયેલી વોટ્સએપ ચેટ જોશો તો તમામ ઓરિજિનલ નથી, પરંતુ વાતચીતના સ્ક્રીનશોટ છે. આ સિવાય ફોટો કે વિડીયો લીક થયા, જેને યુઝરે વોટ્સએપથી મેળવ્યા બાદ અન્ય એપ ગૂગલ ડ્રાઇવ અથવા આઈ ક્લાઉડ પર સેવ કરી લીધા હતા. નિષ્ણાતોના મતે મેસેજના સ્ક્રીનશોટ ત્યારે જ બનાવી શકાય છે જ્યારે યુઝર તેનો મોબાઈલ ફોન અનલોક કર્યા પછી કોઈ થર્ડ પાર્ટીને આપે છે. જો કોઇએ મોબાઇલ ફોનની ક્લોનિંગ કરી દીધી છે, તો તે ઓરિજિનલ ફોનમાં વોટ્સએપની સામગ્રીનો ડેટા કૉપી કરી શકે છે.

ગૂગલ ડ્રાઇવ-આઈ ક્લાઉડ પર ચેટ્સનું બેકઅપ રહે છે

વોટ્સએપ ચેટ્સ એનક્રિપ્ટેડ હોય છે, પરંતુ ગૂગલ ડ્રાઇવ અથવા આઈ ક્લાઉડ પર થોડા દિવસો માટે ચેટ્સનું બેકઅપ રહે છે. જો બેકઅપ ડિલીટ ન થયો હોય તો ફોરેન્સિક સોફ્ટવેર વડે તેને પુનઃપ્રાપ્ત કરી શકાય છે. ઈઝરાયલી જાસૂસી સોફ્ટવેર પેગાસસથી પણ વોટ્સએપ ચેટ્સ એક્સેસ કરી શકાય છે. પરંતુ આ કંપની ફક્ત સરકારને તેની સુવિધાઓ પૂરી પાડે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પેગાસસ એક ક્લાયન્ટ પર નજર રાખવા માટે લગભગ એક લાખ યુએસ ડોલર ચાર્જ કરે છે. કોર્ટના આદેશ બાદ વોટ્સએપ કંપની ગૂગલ અને એપલની મદદથી સુરક્ષા એજન્સીઓને ચેટ બેકઅપ આપે છે. આ બેકઅપ ફોરેન્સિક લેબમાં ડીકોડ કરવામાં આવે છે.

આટલી બધી વોટ્સએપ ચેટ લીક કઈ રીતે થઈ?

વોટ્સએપથી ચેટ કરનારા સેલિબ્રિટીઝ હોય કે સામાન્ય લોકો, ક્યાંકને ક્યાંક તેમણે જ તેણે પોતાની પ્રાઇવેસીના નિયમને નજરઅંદાજ કર્યો, આ કારણે તેમની ચેટ્સ જગજાહેર થઈ ગઈ. જેવી રીતે રિયા ચક્રવર્તીના કેસમાં NCBએ ખુલાસો કર્યો હતો કે અભિનેત્રીની ચેટની વિગતો ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સીના એક કર્મચારીની મદદથી મેળવવામાં આવી હતી. આ સિવાય તપાસ એજન્સીએ તપાસ માટે પસંદ કરાયેલી દરેક સેલિબ્રિટીના ફોન કાયદેસર રીતે ચેક કર્યા હતા. TRP કૌભાંડ કેસમાં મુંબઈ પોલીસે પાર્થો ગુપ્તાના ફોનની તપાસ કરી હતી.

મેસેજ લીક થવાથી બચવું છે તો શું કરવું?

ગૂગલ ડ્રાઇવ પર વોટ્સએપ ચેટ્સનું બેકઅપ જાય છે. તમે ચેટ બેકઅપ સેટિંગ્સમાં જઈને તેને બંધ કરી શકો છો. આનાથી ફોન બદલવાના સમયે સમસ્યા આવશે. તમે જૂની ચેટ હિસ્ટ્રીમાંથી કંઇપણ મેળવી નહીં શકો. તમે તમારો ફોન કોઈપણ સ્થિતિમાં અનલોક કરીને શંકાસ્પદ વ્યક્તિના હાથમાં ન આપો.

આ પણ વાંચો: ઉત્તરાખંડમાં કોંગ્રેસ પર વરસ્યા શાહ, બોલ્યા- કોરોનામાં ના દેખાયા, ચૂંટણી આવતા જ સામે આવે છે

આ પણ વાંચો: 2024માં મુખ્ય પક્ષ તરીકે Congress સાથેની ગઠબંધન સરકાર કેન્દ્રમાં સત્તામાં આવશે: સંજય રાઉત ઉવાચ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.