ETV Bharat / bharat

Explainer: કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વચ્ચે નિપાહ વાયરસથી ફફડાટ, જાણો લક્ષણો અને સાવધાનીઓ

author img

By

Published : Sep 8, 2021, 6:40 PM IST

કેરળમાં નિપાહ વારયરસથી એક 12 વર્ષના બાળકનું મોત થઈ ગયું છે. આ ત્યારે થઈ રહ્યું છે જ્યારે વર્તમાન સમયમાં લગભગ 60થી 70 ટકા કોરોનાના કેસ કેરળથી જ સામે આવી રહ્યા છે. આખરે શું છે આ નિપાહ વાયરસ અને આણે સ્વાસ્થ્ય વિભાગમાં કેમ હાહાકાર મચાવ્યો છે? આના લક્ષણથી લઇને સાવધાનીઓ સુધીની માહિતી મેળવવી જરૂરી છે, કેમકે આની ના કોઈ દવા છે અને ના વેક્સિન. જાણવા માટે વાંચો ઈટીવી ભારત એક્સપ્લેનર.

નિપાહ વાયરસ ઝડપથી ફેલાતો વાયરસ છે જે માણસો અને પ્રાણીઓમાં ગંભીર બીમારીને જન્મ આપે છે
નિપાહ વાયરસ ઝડપથી ફેલાતો વાયરસ છે જે માણસો અને પ્રાણીઓમાં ગંભીર બીમારીને જન્મ આપે છે

  • કોરોના હજુ ખત્મ નથી થયો ત્યાં હવે નિપાહ વાયરસનો ખોફ
  • કેરળમાં 12 વર્ષના બાળકના મોત બાદથી ફફડાટ
  • કોરોના અને નિપાહના લક્ષણો તેમજ બચાવ લગભગ એકસમાન
  • નિપાહ વાયરસથી બચવા સાવધાની એ જ શ્રેષ્ઠ ઉપાય

હૈદરાબાદ: કોરોના સંક્રમણની ત્રીજી લહેરના ડરની વચ્ચે વધુ એક વાયરસે ખતરાની ઘંટડી વગાડી છે. કેરળમાં નિપાહ વાયરસથી 12 વર્ષના બાળકના મોત બાદ રાજ્યના સ્વાસ્થ્ય વિભાગમાં હડકંપ મચી ગયો છે. આખરે શું છે આ નિપાહ વાયરસ? કોરોનાકાળમાં કેમ આને મોટો ખતરો માનવામાં આવી રહ્યો છે? પહેલીવાર ક્યાં મળ્યો હતો અને આ વાયરસના લક્ષણો શું છે? નિપાહ વાયરસથી જોડાયેલા જવાબ તમને મળશે ઈટીવી ભારત એક્સપ્લેનરમાં.

કેરળમાં જોવા મળેલા નિપાહ વાયરસની અપડેટ

ગત રવિવારના કોઝીકોડમાં એક 12 વર્ષના બાળકનું મોત થઈ ગયું, જેમાં નિપાહ વાયરસના સંક્રમણની પુષ્ટિ થઈ હતી. બાળકના સંપર્કમાં આવેલા જે 8 લોકોને હાઈ રિસ્ક પર માનવામાં આવતા હતા તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ તમામ લોકો મૃત બાળકના પરિવાર અને સારવારમાં સામેલ સ્વાસ્થ્ય કર્મચારીઓ હતા. બાળકના સંપર્કમાં આવનારા તમામ લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. કૉન્ટેક્ટ ટ્રેસિંગ દરમિયાન જોવા મળ્યું કે, કુલ 251 લોકો બાળકના સંપર્કમાં આવ્યા હતા, જેમાંથી 129 સ્વાસ્થ્ય કર્મચારીઓ હતા. જેમનામાં લક્ષણો જોવા મળ્યા તેમની હાલત અત્યારે સ્થિર છે. રાજ્યની સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું કે, આ રાહતની વાત છે.

નિપાહથી સાવધાની
નિપાહથી સાવધાની

સૌથી પહેલાં ક્યાં મળ્યો હતો આ વાયરસ?

નિપાહ વાયરસ એટલે કે NiV સૌથી પહેલા વર્ષ 1998માં મલેશિયામાં મળ્યો હતો. અહીં જે કામપુંગ સુંગાઈ નિપાહથી આ વાયરસ મળ્યો હતો ત્યાંથી આ વાયરસનું નામ નિપાહ રાખવામાં આવ્યું. તે સમયે ડુક્કરમાં આ વાયરસ જોવા મળતો હતો, પરંતુ જેમ જેમ આના કેસો સામે આવી રહ્યા છે મૂંઝવણ વધતી જઈ રહી છે.

કેવી રીતે ફેલાય છે નિપાહ વાયરસ?

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પ્રમાણે નિપાહ વાયરસ ઝડપથી ફેલાતો વાયરસ છે જે માણસો અને પ્રાણીઓમાં ગંભીર બીમારીને જન્મ આપી શકે છે. મલેશિયામાં ભલે આ ડુક્કરમાં જોવા મળ્યો હોય, પરંતુ ત્યારબાદ આ વાયરસ જ્યાં પણ મળ્યો તે કોના દ્વારા ફેલાઈ રહ્યો છે, તેનું માધ્યમ શું છે તે જાણવા નથી મળ્યું. વર્ષ 2004માં બાંગ્લાદેશમાં કેટલાક લોકો આ વાયરસની ઝપેટમાં આવ્યા. જાણવા મળ્યું કે આ લોકોએ ખજૂરના વૃક્ષથી નીકળતો પદાર્થ પીધો હતો. તપાસમાં સામે આવ્યું કે, વાયરસને ખજૂર સુધી એક ખાસ પ્રકારના ચામાચીડિયા લઈ ગયા હતા, જેમને ફ્રૂટ બેટ એટલે કે ફળો ખાનારા ચામાચીડિયા કહેવામાં આવે છે. આ પહેલા વર્ષ 2001માં પશ્ચિમ બંગાળના સિલિગુડી અને નાદિયા જિલ્લામાં પણ આના દર્દીઓની પુષ્ટિ થઈ હતી. સિલિગુડીમાં 45 અને નાદિયામાં 5 લોકાના મોત થયા હતા. કુલ મળીને ભારતમાં અત્યાર સુધી આ વાયરસથી 68 લોકોના મોત ગત 20 વર્ષોમાં થઈ ચૂક્યા છે.

કેમ ડરાવી રહ્યો છે નિપાહ?

ઉલ્લેખનીય છે કે નિપાહ વાયરસથી થનારા સંક્રમણનો હજુ સુધી કોઈ ઇલાજ નથી. આ ઉપરાંત એક માણસથી બીજા માણસમાં સંક્રમિત થવાની વાત આને વધારે ખતરનાક બનાવે છે. કેરળમાં નિપાહ વાયરસ નવો નથી અને ના આ વાયરસથી પહેલાં મોત થયું છે. વર્ષ 2018માં પણ નિપાહ વાયરસના સંક્રમણની પુષ્ટિ થઈ હતી, ત્યારે રાજ્યમાં આ વાયરસે 17 લોકોનો ભોગ લીધો હતો. 2017માં આવેલા આ કેસો બાદ કેરળની સાથે આખા દેશમાં ડરનો માહોલ હતો. આ વખતે પણ 12 વર્ષના બાળકના મોત બાદ નિપાહ વાયરસ ડરાવી રહ્યો છે. વર્ષ 2019માં પણ નિપાહ વાયરસનો મામલો કોચીથી સામે આવ્યો હતો. વર્ષ 1998-99માં જ્યારે આ બીમારી પહેલીવાર મલેશિયામાં ફેલાઈ હતી ત્યારે આ વાયરસની ઝપેટમાં 265 લોકો આવ્યા હતા. હૉસ્પિટલમાં ભરતી થયેલા આમાંથી લગભગ 40 ટકા દર્દીઓના મોત થયા હતા. દવા અને વેક્સિન ના હોવાના કારણે મૃત્યુદર વધારે છે.

નિપાહ વાયરસના લક્ષણ
નિપાહ વાયરસના લક્ષણ

નિપાહ વાયરસના લક્ષણો

નિષ્ણાતો પ્રમાણે નિપાહ વાયરસથી સંક્રમિત વ્યક્તિને તીવ્ર તાવ, માથું દુ:ખવું, પેટમાં દુ:ખાવો, થાક, ઉલટી, ઝાડા, શ્વાસ લેવામાં તકલીફ, સાંધામાં દુ:ખાવો અને સ્નાયૂઓમાં દુ:ખાવો, ગંભીર નબળાઈથી લઇને બેભાન થવું અને મગજના તાવ સુધીના લક્ષણો જોવા મળે છે. ત્યાં સુધી કે આ વાયરસથી કોમામાં પહોંચવા સુધીની સ્થિતિ પેદા કરી શકે છે. માણસોમાં NiV ઇન્ફેક્શનથી શ્વાસ લેવાથી જોડાયેલી ગંભીર બીમારી થઈ શકે છે અથવા પછી જીવલેણ ઇન્સેફ્લાઇટિસ પણ પોતાની ઝપેટમાં લઈ શકે છે. સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) પ્રમાણે નિપાહ વાયરસનું ઇન્ફેક્શન એન્સેફ્લાઇટિસથી જોડાયેલું છે, જેમાં મગજને નુકસાન થાય છે. 5થી 14 દિવસ સુધી આની ઝપેટમાં આવ્યા બાદ આ વાયરસ 3થી 14 દિવસ તીવ્ર તાવ અને માથું દુ:ખવાનું કારણ બની શકે છે. આ લક્ષણ 24-48 કલાકમાં દર્દીને કોમામાં પહોંચાડી શકે છે. ઇન્ફેક્શનના શરૂઆતના સમયમાં શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે, જ્યારે અડધા દર્દીઓમાં ન્યૂરોલોજિકલ મુશ્કેલીઓ પણ થાય છે.

સાવધાની જ બચાવ છે

નિષ્ણાતો પ્રમાણે નિપાહ વાયરસની ના કોઈ દવા છે અને ના કોઈ વેક્સિન. આવામાં સાવધાની જ બચાવ છે. આ કારણે આસપાસ જો ચામાચીડિયા અને ડુક્કર હોય તો સાવધાની રાખવાની જરૂર છે. ફળોને ખાતા પહેલાં સારી રીતે ધોવો. જો તેના પર પક્ષી અથવા પ્રાણીના ખાવાના નિશાન છે તો આવા ફળો ના ખાઓ. તાડી અને ખજૂરના ઝાડ પર મૂકવામાં આવેલા ખુલ્લા વાસણોથી અંતર રાખો. બીમાર વ્યક્તિના સંપર્કમાં આવો ત્યારે હાથને સારી રીતે ધોઈ લો, ડબલ માસ્કનો ઉપયોગ કરો અને સામાજિક અંતરના નિયમોનું પાલન કરો. હળવા લક્ષણોના કિસ્સામાં તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો.

કોરોના, નિપાહ અને મૂંઝવણ

અત્યાર સુધી જ્યાં પણ નિપાહ વાયરસથી સંક્રમિત દર્દીઓ મળ્યા છે ત્યાં ડુક્કર અને ચામાચીડિયાની ઉપસ્થિતિ રહી છે. જો કે કેટલાક નિષ્ણાતો અન્ય પ્રાણીઓથી અંતર રાખવાની સલાહ આપે છે. મલેશિયા અને સિંગાપુરમાં આ ડુક્કરો દ્વારા ફેલાયો હોવાની જાણકારી મળી હતી, જ્યારે ભારત અને બાંગ્લાદેશમાં માણસથી માણસનો સંપર્ક થવા પર આની ઝપેટમાં આવવોનો ખતરો વધી રહ્યો છે, જે સૌથી ડરામણી વાત છે. કોરોના વાયરસની માફક જ આ વાયરસ પણ માણસથી માણસમાં ફેલાઈ શકે છે. બંને વાયરસના લક્ષણ પણ ઘણી હદ સુધી મળતા આવે છે. આવામાં કન્ફ્યૂજન થઈ શકે છે. જો કે લક્ષણની સાથે સાથે આના બચાવની રીતો પણ લગભગ એક જેવી છે, આ કારણે સાવધાની રાખવી સૌથી મોટો બચાવ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.