ETV Bharat / bharat

4 People Eyesight Loss : મધ્યપ્રદેશમાં શેમ્પૂના કારણે એક જ પરિવારના ચાર લોકોએ આંખોની રોશની ગુમાવી, જાણો સમગ્ર મામલો

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 8, 2023, 6:47 PM IST

4 People Eyesight Loss
4 People Eyesight Loss

મધ્યપ્રદેશના બુંદેલખંડના એક ગામમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક જ પરિવારના ચાર લોકોને આંખોની રોશની ગુમાવવાનો વારો આવ્યો છે. આ ઘટના એક ફેમસ કંપનીનું શેમ્પૂ લગાવ્યા બાદ બની હતી. ભોગ બનનાર તમામ લોકોની સારવાર સાગરની બુંદેલખંડ મેડિકલ કોલેજમાં ચાલી રહી છે. હાલ કોમ્યુનિટી સેન્ટરમાં પ્રાથમિક સારવાર બાદ આંખના ડોક્ટરને રીફર કરવામાં આવ્યા છે.

મધ્યપ્રદેશ : મધ્યપ્રદેશના સાગર જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં રેહલી વિકાસખંડના કાંસલ પિપરિયા ગામમાં એક પરિવારના ચાર લોકોએ આંખોની રોશની ગુમાવી દીધી છે. આ ઘટના પ્રખ્યાત ખાનગી કંપનીના શેમ્પૂ પ્રોડક્ટનો ઉપયોગ કર્યા બાદ બની હતી. પરિવારના બધા સભ્યોએ આ કંપનીના શેમ્પૂનો ઉપયોગ વાળ ધોવા માટે કર્યો હતો. તેઓએ રવિવારે ગામની એક દુકાનમાંથી આ શેમ્પૂ ખરીદ્યું હતું.

4 લોકોએ આંખ ગુમાવી : મળતી માહિતી મુજબ શેમ્પૂ લગાવ્યા બાદ થોડા સમય માટે પરિવારના લોકોને આંખોમાં બળતરા થઈ હતી. ત્યારબાદ ધીરે ધીરે દેખાતું બંધ થવા લાગ્યું હતું. પરિવારના સભ્યોને કંઈ સમજાયું નહી અને અન્ય લોકો પણ શેમ્પૂનો ઉપયોગ કરતા રહ્યા. જેમાં ચાર લોકોને આવી જ આંખની તકલીફ થઈ હતી. પહેલા આ લોકોએ વિચાર્યું કે તેઓ થોડા સમય પછી રાહત થઈ જશે પરંતુ બે દિવસ પછી પણ જ્યારે તેઓ આંખોથી જોઈ શક્યા નહી, ત્યારે તેઓ રેહલી સામુદાયિક આરોગ્ય કેન્દ્ર પહોંચ્યા હતા. જ્યાં તબીબોએ પ્રાથમિક સારવાર બાદ ચારેયને સાગરમાં બુંદેલખંડ મેડિકલ કોલેજને રીફર કર્યા હતા.

શું છે મામલો ? પીડિત પરિવારજનો અને રહલી સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર પાસેથી મળતી માહિતી અનુસાર રવિવારે લગભગ 12 વાગ્યે વિકાસખંડના કાંસલ પિપરિયા ગામમાં 60 વર્ષીય વતીબાઈ લોધી અને અન્ય 82 વર્ષીય મહિલા નત્થીબાઈ લોધીનું ઘરે નહાવા ગયા હતા. આ સિવાય આઠ વર્ષની બાળકી ઉમા અને છ વર્ષીય પ્રતાપ લોધીએ ઘર પાસેના હેન્ડપંપ પર નહાવા ગયા હતા. સ્નાન કર્યા પછી થોડીવાર બધાની આંખો બળવા લાગી અને આંસુ આવવા લાગ્યા હતા. મોડી સાંજ સુધીમાં આંખોમાં બળતરાની સાથે આંખોની રોશની પણ ઝાંખી થવા લાગી હતી.

સારવાર મળી પરંતુ મોડું થઈ ગયું : પરિવારના લોકોએ ગામમાંથી આંખના ટીપાં ખરીદ્યા અને આંખમાં નાખીને સૂઈ ગયા. પરંતુ સવારે પણ આ તકલીફ જેમની તેમ રહી હતી. પરિવારના સભ્યો મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. જેથી કામના કારણે તેઓ સોમવારે રેહલી કે સાગર ખાતે સારવાર માટે પહોંચી શક્યા ન હતા. મંગળવારે રેહલી સામુહિક આરોગ્ય કેન્દ્ર સારવાર માટે ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે પ્રાથમિક સારવાર બાદ ચારેયને બુંદેલખંડ મેડિકલ કોલેજમાં રીફર કર્યા હતા. હાલ તેઓ નેત્રરોગ વિભાગમાં સારવાર હેઠળ છે.

ડોક્ટરોનું શું કહેવું છે ? રહલી સામુહિક આરોગ્ય કેન્દ્રના ડો. ગજેન્દ્ર પ્રતાપસિંહે જણાવ્યું કે, કાંસલ પિપરિયા ગામમાંથી એક જ પરિવારના ચાર લોકો સારવાર માટે આવ્યા હતા. તેઓએ કહ્યું કે, આંખોથી જોવામાં તકલીફ થઈ રહી છે. દર્દીઓને પ્રાથમિક સારવાર આપી આંખના તબીબ પાસેથી સારવાર માટે સાગર ખાતે રીફર કરવામાં આવ્યા છે. આ લોકો સાથે રવિવારે આ ઘટના બની હતી. પરંતુ પીડિત એકાદ-બે દિવસમાં સારું થઈ જશે એવું વિચારીને ઘરે જ રહ્યા હતા. મંગળવાર સુધીમાં જ્યારે તેઓની દ્રષ્ટિ પાછી ન આવી ત્યારે રેહલી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે પહોંચ્યા હતા.

ડોક્ટરનું કહેવું છે કે, શેમ્પૂમાં અનેક પ્રકારના કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. કેમિકલની માત્રા વધવાથી કે ઘટવાથી આવી સમસ્યા સર્જાય છે. જેના કારણે આંખોની રોશની ઓછી થઈ ગઈ છે. હાલ તેમને નિષ્ણાત સારવાર માટે રીફર કરવામાં આવ્યા છે.

આંખના નિષ્ણાતનું શું કહેવું છે ? બુંદેલખંડ મેડિકલ કોલેજના નેત્રરોગ વિભાગના પ્રમુખ ડો. પ્રવીણ ખરેના જણાવ્યા અનુસાર આવા કેમિકલના કારણે આંખોમાં ખંજવાળ આવવાના કારણે પાપણમાં સોજો આવી જાય છે. તેથી આંખોની રોશની ઓછી થાય છે. તમામ દર્દીઓની સારવાર ચાલી રહી છે અને આશા છે કે બે-ચાર દિવસમાં બધાને દેખાવા લાગશે. હાલમાં તમામ દર્દીઓને એક સપ્તાહ સુધી તબીબોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

  1. MP Poor Heath System: મધ્યપ્રદેશની આરોગ્ય વ્યવસ્થાની ખુલી પોલ, આદિવાસી પરિવારને એમ્બ્યુલન્સ ન મળી, જાણો સમગ્ર મામલો
  2. World Radiography Day 2023: ભારત દેશમાં રેડિયોલોજિસ્ટની ઓછી સંખ્યા ચિંતાજનક બાબત છે !!!
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.