ETV Bharat / bharat

તાપસી પન્નુ, અનુરાગ કશ્યપ અને વિકાસ બહલના ઘરે ઇન્કમટેક્સની રેડ

author img

By

Published : Mar 3, 2021, 8:09 PM IST

બોલીવૂડની જાણીતી અભિનેત્રી તાપસી પન્નુ સહિત ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ અને વિકાસ બહલ, મધુ મન્ટેનાના ઘેર ઇન્ક્મટેક્સ દ્વારા રેડ કરવામાં આવી છે. ઇન્કમટેક્સ અધિકારીઓ મધુ મન્ટેનાની ટેલેન્ટ મેનેજમેન્ટ કંપની ક્વાનની ઓફિસમાં પણ પહોંચી ગયાં છે.

બોલીવૂડ અભિનેત્રી તાપસી પન્નુ, અનુરાગ કશ્યપ અને વિકાસ બહલના ઘેર ઇન્કમટેક્સ દરોડા
બોલીવૂડ અભિનેત્રી તાપસી પન્નુ, અનુરાગ કશ્યપ અને વિકાસ બહલના ઘેર ઇન્કમટેક્સ દરોડા

  • બોલીવૂડ આવ્યું આઈટીની વરુણીમાં
  • અભિનેત્રી તાપસી પન્નુ સહિત જાણીતી હસ્તીઓ સકંજામાં
  • મહારાષ્ટ્રના પ્રધાને બદલાની કાર્યવાહી ગણાવી

મુંબઈઃ બોલીવૂડ અભિનેત્રી તાપસી પન્નુ સહિત ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ અને વિકાસ બહલ, મધુ મન્ટેનાના ઘેર ઇન્ક્મટેક્સના દરોડા પડ્યાંના સમાચાર સામે આવ્યાં છે. આ કાર્યવાહી મામલે જાણવા મળી રહ્યું છે કે આ દરોડા ફેન્ટમ ફિલ્મની ટેક્સ ચોરીના મામલાને લઇને કરવામાં આવી રહી છે. આયકર વિભાગના સૂત્રોના જણાવ્યાં પ્રમાણે ટેક્સ ચોરીના આ મામલામાં અનુરાગ કશ્યપ, તાપસી પન્નુ, વિકાસ બહલ તેમ જ અન્યોનો સમાવેશ થાય છે. એક જાણકારી પ્રમાણે મુંબઇ અને પૂણેમાં લગભગ 20થી 22 સ્થાનો પર આયકર વિભાગના અધિકારીઓ દ્વારા તલાશી લેવામાં આવી રહી છે. જેમાં તાપસી પન્નુ સહિત ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ અને વિકાસ બહલ, મધુ મન્ટેના અને અન્ય ત્રણ સંસ્થાઓની ઓફિસો શામેલ છે.

કંપની 2018માં થઈ હતી બંધ

2011માં અનુરાગ કશ્યપ, મધુ મન્ટેના, વિક્રમાદિત્ય મોટવાને અને વિકાસ બહલ દ્વારા ફેન્ટમ ફિલ્મ્સની સ્થાપના કરવામાં આવી હતી. જોકે ઓક્ટોબર 2018માં આ કંપનીને બંધ કરી દેવામાં આવી હતી.

મહારાષ્ટ્રના પ્રધાને આપી પ્રતિક્રિયા

કોંગ્રેસ નેતા અને રાજ્ય સરકારમાં કેબિનેટપ્રધાન અશોક ચવ્હાણે અનુરાગ કશ્યપ અને તાપસી પન્નુ સામે ઇન્કમટેક્સના દરોડાને મોદી સરકારની બદલાની ભાવનાભરી કાર્યવાહી બતાવી છે. તો શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પણ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે આશા છે કે આપણા દેશનો આયકરવિભાગ જલદી જ બંધવા ગુલામીની સ્થિતિમાંથી બહાર આવશે. એવી જ આશા ઇડી અને સીબીઆઈ માટે પણ છે.

આપને જણાવીએ કે અનુરાગ કશ્યપ કેન્દ્ર સરકારની નીતિઓના મોટા આલોચક રહ્યાં છે, જ્યારે તાપસી પન્નુએ નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોને સમર્થન આપ્યું હતું. આ મામલે કેન્દ્રીયપ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે કોઇપણ મામલાને રાજનીતિથી જોડીને જોવો ખોટું છે. તપાસ એજન્સીઓનું પોતાનું કામ છે અને તે પોતાનું કામ કરી રહી છે. આ મામલો કોર્ટમાં પણ જશે જ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.