ETV Bharat / bharat

વરરાજાએ ધ્યાનમાં રાખવાની 5 જરૂરી ટિપ્સ

author img

By

Published : Dec 20, 2020, 10:51 PM IST

વરરાજાએ લગ્ન પહેલાં કેટલીક પ્રક્રિયાઓનું પાલન કરવું જોઇએ. આજે અહીં આપણે વરરાજાએ લગ્નના દિવસે શ્રેષ્ઠ દેખાવ ધારણ કરવા માટે જરૂરી હોય, તેવી કેટલીક ઉપયોગી ટિપ્સની ચર્ચા કરીશુ.

વરરાજાએ ધ્યાનમાં રાખવાની 5 જરૂરી ટિપ્સ
વરરાજાએ ધ્યાનમાં રાખવાની 5 જરૂરી ટિપ્સ

ન્યૂઝ ડેસ્કઃ લગ્નનો દિવસ એ વરરાજા અને નવવધૂ બંને માટે જીવન બદલી નાંખનારો દિવસ છે. ભારતમાં લગ્ન પ્રસંગની ભારે ધામધૂમથી ઊજવણી કરવામાં આવે છે. લગ્નની તારીખ નક્કી થાય, તેનાં સપ્તાહો અને મહિનાઓ પહેલાં જ ગ્રૂમિંગની પ્રક્રિયા શરૂ થઇ જતી હોય છે. મોટાભાગે આપણે નવવધૂના ગ્રૂમિંગ વિશે વાત કરતાં હોઇએ છીએ, ત્યારે વરરાજાએ પણ લગ્ન પહેલાં કેટલીક પ્રક્રિયાઓનું પાલન કરવું જોઇએ. આથી, આજે અહીં આપણે વરરાજાએ લગ્નના દિવસે શ્રેષ્ઠ દેખાવ ધારણ કરવા માટે જરૂરી હોય, તેવી કેટલીક ઉપયોગી ટિપ્સની ચર્ચા કરીશુઃ

ચહેરો નિયમિતપણે ધોવો

આ એક અત્યંત પાયાની ટિપ લાગશે, પણ તેનાથી ઘણો મોટો ફર્ક પડી શકે છે. અહીં ચહેરો ધોવાનું જણાવવા પાછળનો અર્થ આ ક્રિયાને રોજિંદી બનાવીને તેને વળગી રહેવાનો છે. જો તમે તમારી ત્વચાને અનુકૂળ હોય, તેવા ફેસવોશનો ઉપયોગ કરતા હોવ, તો લગ્નનાં થોડાં સપ્તાહો પહેલાં તે ફેસવોશથી રોજ તમારો ચહેરો ધોવાનું શરૂ કરી દો. આમ કરવાથી કચરો કે તેલ તમારી ત્વચાની અંદર ભરાશે નહીં અને તમારો ચહેરો ચમકી ઊઠશે.


પ્રવાહી લેતાં રહો

ત્વચાની કાળજી લેવાની બાબતમાં અઢળક પાણી પીવાનું કાર્ય ટોચ પર હોવું જોઇએ. તે તમારી ત્વચાને તરોતાજા કરે છે અને અંદરથી તેનો ઉપચાર કરે છે. રોજ આઠ ગ્લાસ પાણી પીવાનું શરૂ કરો. આ ઉપરાંત તમે પાણીનું ઊંચું પ્રમાણ ધરાવતાં શાકભાજી અને ફળોનું સેવન પણ કરી શકો છો. આમ કરવાથી તમારા શરીરમાં રહેલાં ઝેરી તત્વો બહાર નીકળી જશે અને તમે તંદુરસ્ત બનવાની સાથે સાથે તમારી ત્વચા પણ ચમકદાર બનશે.

વાળની સંભાળ

મારા વાળ, મૂછ અને દાઢીની નિયમિત ધોરણે કાળજી લેવાનું શરૂ કરી દો. કયા પ્રકારના હેરકટ કે કેવા આકારની દાઢી તમારા દેખાવને સૌથી વધુ નિખાર આપે છે, તે વિશે તમારા હજામ સાથે વાત કરો. જો હજામને તમારા હેરકટ કરવા કે દાઢી કરવી જરૂરી લાગતું હોય, તો લગ્નના ઘણા દિવસો પહેલાં તેમ કરવું, જેથી લગ્નનો સમય આવતાં સુધીમાં તે વ્યવસ્થિત થઇ જાય. જો તમારી છાતી ઉપર તેમજ પીઠ ઉપર ઘણા વાળ હોય અને તે વાળ કપડાંમાંથી નિકળીને બહાર ન ડોકાય, તેમ તમે ઇચ્છતા હોવ, તો તમે વેક્સિંગ કરવાનો વિકલ્પ પણ વિચારી શકો છો. છેલ્લે, આઇબ્રો પર ધ્યાન આપવાનું ચૂકી ન જતાં, કારણ કે, સમગ્ર દેખાવમાં આઇબ્રો ઘણી મહત્વની બની રહેતી હોય છે. આથી, તમને આઇબ્રો કરાવીને તમારી નવવધૂની બાજુમાં ઊભા રહેવું કદાચ પસંદ ન હોય, પણ બે આઇબ્રોની વચ્ચેના વાળ દૂર કરવા વિશે જરૂર વિચારી શકો છો.

મેનિક્યોર, પેડિક્યોર કરાવો

અત્યંત પ્રોફેશનલ મેનિક્યોર અને પેડિક્યોર કરાવવાનું ભૂલશો નહીં. સંગીત સેરેમની દરમિયાન, જ્યારે તમે મન મૂકીને ડાન્સ કરી રહ્યા હોવ, ત્યારે તમારા આડેધડ શેપમાં કપાયેલા હાથ-પગના અંગૂઠા અને આંગળીઓના નખ સૌની નજરે ચઢે અને તમે ક્ષોભજનક સ્થિતિમાં મૂકાઇ જાવ, તેવું તમે નહીં જ ઇચ્છો. આથી, લગ્નના પ્રસંગની પ્રથમ વિધિના થોડા દિવસો પહેલાં જ મેનિક્યોર અને પેડિક્યોર કરાવી લેવું, જેથી તમારો નવો લૂક લગ્નના સમય સુધીમાં સેટલ થઇ જાય.

દાંતની કાળજી લેવી

કાળજી રાખવાની બાબતમાં સૌથી છેલ્લા ક્રમે આવે છે, લગ્નના ફોટોગ્રાફ્સમાં તમે ફરકાવી રહેલા સ્મિત સાથે દેખાતા પીળા દાંત દૂર કરવાની. જો તમે કોફી પીતા હોવ અથવા તો ધૂમ્રપાન કરતા હોવ, તો તેના કારણે દાંત પીળા પડી જતા હોય છે, આથી, લગ્નના થોડાં સપ્તાહો અગાઉ તમારૂં ટીથ ક્લિનીંગ સેશન હાથ ધરાય, તે જરૂરી છે. આ રીતે તમે દાંતની પીળાશથી છૂટકારો મેળવી શકશો અને સાથે જ તમારા દાંત અત્યંત શ્વેત નહીં થઇ જાય.

Pro tips: હેર જેલને બદલે હેર સ્પ્રેનો ઉપયોગ કરવાનું રાખો. હેર જેલ કરતાં હેર સ્પ્રેથી વાળને વધુ સારો દેખાવ મળે છે. બીજું, તહેવારો કે પ્રસંગો વખતે હંમેશાં સુગંધનું ખાસ ધ્યાન રાખવું. આ માટે તમે તમારા રેગ્યુલર કોલનને વળગી રહી શકો છો અથવા તો નવું લઇ શકો છો. સુગંધ અત્યંત તીવ્ર ન હોય, મંદ અસર ધરાવનારી હોય, તેનું ધ્યાન રાખવું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.