ETV Bharat / bharat

વિશેષ લેખઃ આપણું પેયજળ કેટલું શુદ્ધ છે?

author img

By

Published : Jan 14, 2020, 2:46 PM IST

ન્યુઝ ડેસ્ક :ભારતમાં આજે પીવાના પાણીની અછત અને તેની ગુણવત્તાનો મામલો સૌથી પરેશાની કરનારો બન્યો છે. ભારતમાં ગંગા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, યમુના અને નર્મદા જેવી બારેમાસ વહેતી નદીઓ છે, આમ છતાં દેશમાં પાણીની સમસ્યા વ્યાપક બની છે! એ પણ ચિંતાનું કારણ છે કે ભૂગર્ભ અને સપાટી પરના જળ સ્રોતો ઉદ્યોગોના કેમિકલ અને પ્લાસ્ટિક વેસ્ટના કારણે પ્રદૂષિત બન્યા છે. તેના કારણે પાણી કેટલું ચોખ્ખું હશે તેની કોઈ ખાતરી ના હોવાના કારણે લોકોએ ખરીદીને લેવું પડે છે. તેમ છતાં લોકો બીમાર પડી રહ્યા છે. બજારમાં ચારેબાજુ RO (રિવર્સ ઓસ્મોસીસ) પાણી વેચતા કેન્દ્રો ખુલી ગયા છે. નળના પાણીનો ઉપયોગ કરવાનું સલામત ના લાગતું હોવાથી, RO પાણીની બોટલો વેચવાનો મોટો વેપાર ઊભો થયો છે.

water
water

જોકે આવા કેન્દ્રો પણ સ્વચ્છતાના ધોરણોનું પાલન કરીને ચાલતા હોતા નથી. બોટલ્ડ વોટરના નામે ઘણા કેન્દ્રો દૂષિત કે નળનું પાણી જ પધરાવી દેતા હોય છે. આ સંદર્ભમાં હાલમાં જ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) દ્વારા ગેરકાયદે રીતે ઊભા થઈ ગયેલા પાણી વેચાણના કેન્દ્રો સામે રોષ વ્યક્ત કર્યો છે. ટ્રીટ કરવામાં આવતા કુલ પાણીના જથ્થામાંથી 60 ટકા પાછું આપવામાં નિષ્ફળ નીવડે તેવા RO પ્લાન્ટ્સ બંધ કરી દેવા માટે આદેશ અપાયો છે. આમ કરવામાં નિષ્ફળ જનારા અધિકારીઓનો પગાર જાન્યુઆરીથી કાપી નાખવા માટેની ચેતવણી કેન્દ્રના પર્યાવરણ અને વન મંત્રાલયે આપી હતી.


એવો પણ આદેશ અપાયો હતો કે જે વિસ્તારમાં એક લીટર પાણીમાં ટોટલ ડિઝોલ્વ્ડ સોલ્ટ (ટીડીએસ)નું પ્રમાણ 500 મિલિગ્રામ કરતા ઓછું હોય ત્યાં RO પર પ્રતિબંધ મૂકી દેવો. RO પ્લાન્ટ મેન્યુફેક્ચરર્સ ઍસોસિએશે આ હુકમ સામે મનાઈ હુકમ મેળવવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે ભલામણ કરી હતી કે કેન્દ્રના સંબંધિત વિભાગની પણ સલાહ લેવામાં આવે.
જોકે સ્થિતિ એવી થઈ છે કે RO પાણી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી શકાય તેમ નથી. ઘણા વિસ્તારોમાં નળનું પાણી અશુદ્ધ હોવાથી RO બોટલના પાણી સિવાય વિકલ્પ નથી. ઘણા વિસ્તારમાં નુકસાનકારક ફ્લૉરાઇડ / ઘાતુ પાણીમાં ભળેલા હોય છે, ત્યાં પણ પ્રતિબંધ મૂશ્કેલ છે.

દાખલા તરીકે પૂર્વ અને પશ્ચિમ ગોદાવરી બંને જિલ્લામાં ખાતર, જંતુનાશકો અને માછીમાર ઉછેર માટે તૈયાર થતા ખારા પાણીના તળાવોના પ્રદૂષણને કારણે જળસ્રોત દૂષિત થઈ ગયા છે. આ વિસ્તારનું પાણી RO ટેક્નોલૉજીથી શુદ્ધ કરવામાં ન આવે તો વાપરવા લાયક નથી.

નળના પાણી પર ભરોસાનો અભાવ


પાણીના બાટલામાં રહેલું પાણી જોઈને તે શુદ્ધ હશે તેની ખાતરી કરી શકાય તેમ હોતી નથી. આલ્કાઇન, એસિડ, હેવી મેટલ અંદર ભળેલા હોય તે નરી નજરે ના દેખાય. તેના માટે પદ્ધતિસર ચકાસણી કરવી પડે. તેથી સામાન્ય ગ્રાહક માટે બ્યૂરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) પ્રમાણે પાણી શુદ્ધ થયું છે કે કેમ તે જાણવું મુશ્કેલ હોય છે. સામાન્ય RO મશીનરીનું પાણી નજરે જોવાથી સરખું જ લાગે, પણ તેની ગુણવત્તા અને સ્વાદ જુદા હોય છે. ગ્રાહકોની આ અક્ષમતા ROનો વેપાર કરનારાને ફાયદો કરાવી રહી છે. સરકાર કરોડો રૂપિયા જળસ્રોતો પાછળ વાપરે છે, પણ સામાન્ય જનતાને લાભ થતો નથી, તેથી તેમણે RO પાણી આપતી ખાનગી કંપનીઓનો આશરો લેવો પડે છે.
ગામડું હોય કે શહેર નાગરિકોને સરકાર તરફથી પૂરું પડાતું પાણી પીણાલાયક હોતું નથી. તેથી લોકોએ જરૂરિયાત પૂરી કરવા માટે ખાનગી RO પાણી પર આધાર રાખવો પડે છે.

બંધો, તળાવો અને સરોવરોના પાણી બંધિયાર થવા લાગ્યા છે. સમયસર જાળવણી કરવાના પ્રયાસો થતા નથી અને તેના કારણે જળ પ્રદૂષિત થતા રહે છે. એ જ પાણી પછી ઘરે ઘરે નળથી પહોંચે છે. પાલિકાઓ દ્વારા જળ શુદ્ધિ માટેનું કામ થાય છે, તેમાં માત્ર ક્લોરિનેશન કરવામાં આવે છે. ઘણા શહેરોમાં 30-40 વર્ષો પહેલાં પાઇપલાઇનો નંખાઇ હતી, તે હવે સડવા લાગી છે. પાણીની પાઇપલાઇન સાથે ગટરલાઇનો પણ નાખેલી હોય છે, તેથી ભેળસેળ થઈ જવાથી પાણી પ્રદૂષિત થાય છે. બે કે ત્રણ દાયકે પાઇપલાઇનો બદલી નાખવી પડે, પણ સરકાર ભંડોળના અભાવે તેની પરવા કરતી નથી.

જર્મની, રશિયા કે અમેરિકામાં RO પર પ્રતિબંધ નથી, પણ તેના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવતું નથી. તેની સામે ભારતમાં RO પ્લાન્ટ્સ બેરોકટોક વધી રહ્યા છે અને તેનો ધંધો કરોડો રૂપિયાનો થઈ ગયો છે. દેશમાં ઠેર ઠેર ગેરકાયદે રીતે આવા પ્લાન્ટ્સ ઊભા થઈ ગયા છે. BISના ધોરણો પ્રમાણે RO પ્લાન્ટ ઊભો કરવા માટે 25થી 30 લાખ રૂપિયાનું રોકાણ થાય છે. 20 લીટરની એક બોટલનો ભાવ 30 રૂપિયા સુધીનો લેવો પડે. લોકો આટલી ઊંચી કિમત ચૂકવવા તૈયાર ના હોવાથી ગેરકાયદે રીતે 4થી 5 લાખ રૂપિયામાં RO પ્લાન્ટ તૈયાર કરી લેવામાં આવે છે. તેમાં પ્રોસેસ થતું પાણી અર્ધશુદ્ધ જ હોય છે અને તેમાં કોઈ મિનરલ્સ હોતા નથી. લોકો સસ્તામાં સારું પાણી ગયું તેમ માની લેતા હોય છે.

પાણીનો પ્લાન્ટ નાખવા માટે BIS રજિસ્ટ્રેશન ઉપરાંત પ્લાન્ટમાં લેબ બનાવવી, ફાર્માસિસ્ટ, માઇક્રોબાયોલૉજિસ્ટ અને ચાર કર્મચારી હાજર રાખવા વગેરે જરૂરી છે. એક્રેડિટેડ લેબોરેટરી પાસે દર ત્રણ મહિને ટેસ્ટિંગ કરાવવું પણ ફરજિયાત છે.
BIS ધોરણ પ્રમાણે સોલ્ટ અને મિનરલ્સ હોય ત્યાર પછી જ પાણીને બોટલમાં ભરી શકાય. બોટલ પર તારીખનું લેબલ લગાવવું પડે. મશીનના ફિલ્ટર્સ અને મેમ્બ્રેન્સ વારંવાર બદલવા જરૂરી છે. દર 10,000 લીટર પાણી શુદ્ધ કર્યા પછી નવા ફિલ્ટર્સ લગાવવા જરૂરી છે. વેપારીઓ આવી કોઈ કાળજી લીધા વિના પાણીની બોટલો ભરી દે છે અને જીએસટી ભર્યા વિના જ વેચાણ કરતા રહે છે.

વરસાદી પાણીનો સંગ્રહઃ એકમાત્ર ઉકેલ


ભૂગર્ભ જળના તળ ઊંડા ગયા હોવાથી તેનો ઉપયોગ કરવો યોગ્ય નથી એવું ઘણા અભ્યાસોમાં જોવા મળ્યું છે. સંગ્રહિત પાણીમાં આલ્કાઇન અને એસિડિક પદાર્થો ભળવાથી તે પણ દૂષિત થયા છે. તેના કારણે કુદરતી પાણીના જળાશયો અશુદ્ધ બની ગયા છે. આવી સ્થિતિમાં એક માત્ર ઉપાય વરસાદી પાણી છે. વરસાદી પાણીનો સંગ્રહ એક માત્ર ઉકેલ જણાય રહ્યો છે. વરસાદી પાણીને જમીનમાં ઉતારવામાં આવે તો આલ્કાઇન ઓછું થાય અને તેને સહેલાઇથી પ્રોસેસ કરીને પીવાલાયક બનાવી શકાય છે. ઘરો તથા સોસાયટીના બોરવેલને રિચાર્જ કરવા માટેની યોજનાને સરકાર સબસિડી આપે તે જરૂરી બન્યું છે. નળમાં આવતા પાણીમાં 300 મિલિગ્રામથી વધુ TDS હોય ત્યારે પાણીને ઉકાળીને પીવું હિતાવહ છે. નિષ્ણાતો ભલામણ કરે છે કે RO પ્લાન્ટ દ્વારા અપાતું જળ ISI સ્ટાન્ડર્ડ પ્રમાણેનું હોવું જોઈએ.

RO પ્લાન્ટની મંજૂરી અને નિયંત્રણ માટે વધારે કડક પગલાંની જરૂર છે. BISના ધોરણો પ્રમાણે જ પૂરતી જગ્યા, મશીનરી, લાયક સ્ટાફ હોય તો જ પ્લાન્ટ માટેની મંજૂરી આપવી જોઈએ. કચરાનો નિકાલ તળાવો, જળાશયોમાં થાય છે તે રોકવા માટે પંચાયત અને જળ વિભાગને સત્તા આપવી જોઈએ. તળાવો, કુવા, જળાશયો વગેરેના પાણીમાં કેટલું TDS અને pH લેવલ છે તેની દર મહિને ચકાસણી થવી જોઈએ.

જળસ્ત્રોતોમાં જોખમકારક તત્ત્વો તથા કેટલા રસાયણો ભળેલા છે તેની માહિતી સહેલાઈથી લોકોને મળે તેવું કરવું જોઈએ. પાણીમાં પારો, ફ્લૉરાઇડ કે આર્સેનિક પદાર્થો વધારે હોય ત્યારે તેના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. શુદ્ધ પાણીના નામે થતો વેપાર અટકાવવો જોઈએ અને પંચાયતો દ્વારા પૂરું પડાતું પાણી પણ BIS સ્ટાન્ડર્ડ્સ પ્રમાણેનું હોવું જોઈએ. પીવાના પાણીમાં TDSનું પ્રમાણ એક લિટરે 300થી 500 મિલિગ્રામ અને હાઇડ્રોજન pHનું લેવલ 7% હોવું જોઈએ. RO સિસ્ટમમાં પાણી શુદ્ધ કરવામાં આવે ત્યારે તેમાંથી અશુદ્ધિ સાથે મિનરલ્સ જતા રહે છે. TDS પણ 100 જેટલું જ રહી જતું હોય છે.

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ રુરલ ડેવલપમેન્ટના એક અભ્યાસમાં પણ આ વાત બહાર આવી હતી. દેશભરમાંથી એકઠા કરવામાં આવેલા નમૂનાઓની ચકાસણીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમનું લેવલ ઓછું જોવા મળ્યું હતું. શુદ્ધ કરેલું પાણી લાંબો સમય સ્ટોર કરાયું હોય તેના કારણે તેમાં બગાડ થયેલો પણ જોવા મળ્યો હતો.
અસ્વચ્છતા તથા ગંદા ટાંકા અને કેનના કારણે પણ પાણી અશુદ્ધ થાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ ઘણી વાર ચેતવણી આપી છે કે RO પ્લાન્ટમાં યોગ્ય પ્રોસેસ જાળવવામાં નહિ આવે તો તેના પાણીથી શરીરના જુદા જુદા અંગોને લાંબા ગાળે હાની થઈ શકે છે

Intro:Body:

blank for story


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.