ETV Bharat / bharat

ભારતે છેલ્લી ઘડીએ ‘કાવકાઝ 20’માંથી ખસી જવાનો લીધો નિર્ણય, ચીન અને પાકિસ્તાન ભાગ લઇ રહ્યાં છે

author img

By

Published : Aug 31, 2020, 3:33 PM IST

india-pulls-out-from-kavaz-20-where-china-pak-will-also-take-part
ભારતે છેલ્લી ઘડીએ ‘કેવકાઝ 20’માંથી ખસી જવાનો લીધેલો નિર્ણય, ચીન અને પાકિસ્તાન ભાગ લઇ રહ્યાં છે

ભારતે રશિયન લશ્કરના યજમાનપદે યોજાઇ રહેલી લશ્કરની ત્રણેય પાંખોની કવાયત (જેમાં પાકિસ્તાન અને ચીન પણ ભાગ લઇ રહ્યા છે) ‘કેવકાઝ 20’ (કોકેશસ-20)માં ભાગ ન લેવાનો નિર્ણય કરતાં ગત મે મહિનાથી પૂર્વીય લડાખ અને ઉત્તર સિક્કિમની સરહદ પર ભારત અને ચીનનાં લશ્કરી દળો વચ્ચે વધેલી તંગદિલીનો ઉકેલ આવવાની આશા પર નિરાશાનાં વાદળ છવાઇ ગયાં છે.

નવી દિલ્હી : આગામી 15મી સપ્ટેમ્બરથી 27મી સપ્ટેમ્બર સુધી રશિયાના અસ્ટ્રાખાન પ્રાંતમાં યોજાનારી ‘કેવકાઝ 20’ લશ્કરી કવાયતમાં ભારતીય સૈનિકો ચીન અને પાકિસ્તાનના સૈનિકો સાથે હાથ મીલાવીને આતંકવાદી હુમલા સામે લડત આપવાની મોક ડ્રિલ સહિતની અન્ય ઘણી વોર ગેમ્સમાં ભાગ લેવાના હતા.

આ અહેવાલનું સમર્થન કરતાં લશ્કરના એક સિનિયર સ્રોતે ઇટીવી ભારતને નામ ન જણાવવાની શરતે કહ્યું હતું કે, “ભારત તેના લશ્કરી જવાનોને ‘કેવકાઝ 20’માં નહીં મોકલે. આ નિર્ણય પાછળ ચીનનો મુદ્દો તથા કોવિડ-19 મહામારી જવાબદાર છે.”

ભારતના આ નિર્ણયથી એશિયાના બે મહત્વના દેશો વચ્ચે સમાધાન કરાવવાના રશિયાના પ્રયાસો આડે અવરોધ ઊભો થયો છે. કારણ કે, તેમની સંયુક્ત ભાગીદારીથી રશિયાની ભૌગોલિક-રાજકીય વ્યૂહરચનાની ક્ષમતાનો પરિચય મળ્યો હોત અને સાથે જ, ખાસ કરીને, સુલેહ કરાવવામાં અમેરિકાને સાંપડેલી નિષ્ફળતાની પૃષ્ઠભૂમિમાં રશિયાનું કદ ઘણું વધી ગયું હોત.

નજીકના ભૂતકાળમાં જ ભારત અને ચીને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થીની ઓફરનો ઇનકાર કરી દીધો હતો.

ભારત ‘કેવકાઝ 20’માં જોડાયું હોત, તો ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચીન-વિરોધી જૂથબંધી કરવાની અને ‘ક્વોડ’ને આકાર આપવાની વ્યૂહરચનામાં શિથિલતા આવી ગઇ હોત.

બીજી તરફ, ભારતે શનિવારે લીધેલો નિર્ણય ‘ક્વોડ’ માટે ભારે પ્રોત્સાહિત પગલું છે, જેનું એક દ્રષ્ટાંત ભારતીય નૌકા દળ દ્વારા આયોજિત “મલબાર કવાયત”માં જોવા મળશે. આ કવાયત આગામી થોડા મહિનાઓમાં યોજાય તેવી શક્યતા છે. ભારત, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા ‘મલબાર કવાયત’માં ભાગ લઇ રહ્યા છે, ત્યારે જાપાનને આમંત્રણ પાઠવવા અંગે નવી દિલ્હીમાં મંત્રણા ચાલી રહી છે.

ભારત અને ચીન વિશાળ લશ્કરી ગતિવિધિના પ્રયાસમાં જોતરાયેલા છે અને આશરે 1,00,000નું સૈન્યદળ લશ્કરી સાધન-સરંજામ અને હવાઇ દળનાં ઉપકરણો સાથે તૈનાત છે અને લાઇન ઓફ કન્ટ્રોલ (એલએસી) અને સરહદના અંતરિયાળ વિસ્તારોમાં સામસામે ગોઠવાઇ ગયાં છે.

અત્યાર સુધી આ તંગદિલીભરી સ્થિતિનો ઉકેલ લાવવા માટે બંને દેશો વચ્ચે વાટાઘાટના તમામ પ્રયાસો નિષ્ફળ નીવડ્યા છે અને કમાન્ડર સ્તરની મંત્રણા આગામી થોડા જ દિવસોમાં યોજાય, તેવી અપેક્ષા છે.

ભારતમાંથી ડોગરા રેજિમેન્ટના આશરે 180 સૈનિકો ઉપરાંત આર્મી, આઇએએફ અને નૌકા દળના નીરિક્ષકો ‘કેવકાઝ 20’માં જવા માટે સજ્જ થઇ રહ્યા હતા.

જોકે, માત્ર 13,000 જેટલું સૈન્ય દળ ભાગ લઇ રહ્યું હોવાથી ‘કેવકાઝ 20’ એક સાધારણ કવાયત બની રહે, તેવી શક્યતા છે. ગયા વર્ષે ‘ત્સેન્ટ્ર-2019’માં આશરે 1,28,000 સૈન્ય દળે 20,000 નંગ લશ્કરી ઉપકરણો, 600 એરક્રાફ્ટ અને 15 જહાજો સાથે ભાગ લીધો હતો.

રશિયા દર ચાર વર્ષે ચાર મહત્વની લશ્કરી કવાયત યોજે છે – જે દર વર્ષે તેના લશ્કરી જિલ્લાઓમાં ક્રમાનુસાર યોજાય છે – વોસ્ટોક (પૂર્વ), ઝેપાડ (પશ્ચિમ), ત્સેન્ટ્ર (મધ્ય), અને કેવકાઝ (દક્ષિણ). આમ, છેલ્લી કેવકાઝ કવાયત 2016 અને તે પહેલાં 2012માં યોજાઇ હતી.

- સંજીવ કુમાર બરૂઆ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.