ETV Bharat / bharat

લૉકડાઉનમાં ડાયાબિટિસ અને બ્લડ શુગરને કાબૂમાં કેવી રીતે રાખશો

author img

By

Published : Apr 11, 2020, 11:26 AM IST

COVID-19 રોગચાળાની અસર સૌને થઈ રહી છે ત્યારે લાખો લોકો ડાયાબિટિસથી પીડાય છે, તેમને પણ અસર થઈ રહી છે. ભારતમાં લગભગ 7 કરોડો લોકોને ડાયાબિટિસ છે. પાંચ વ્યક્તિનો પરિવાર સરેરાશ ગણીએ તો ભારતમાં 35 કરોડને સીધી કે આડકતરી રીતે ડાયાબિટિસની ચિંતા થતી હશે. બીજા પરિબળોની સાથે તણાવ અને ચિંતા પણ ડાયાબિટિસમાં વધારે પરેશાનીનું કારણ બને છે.

બ્લડ શુગર
Blood Sugar in Lockdown

ન્યૂઝડેસ્ક : કોરોના વાયરસના ચેપ લાગવાની બાબતમાં બહુ ફરક નથી અને બીજા લોકો અને ડાયાબિટિક લોકો સમાન સ્થિતિમાં છે. પરંતુ ચેપ લાગ્યા પછી ડાયાબિટિસ હોય ત્યારે કૉમ્પ્લિકેશન્સ વધી જાય છે. બીજા દેશોમાં આવું જોવા મળ્યું છે. ડાયાબિટિસ હોય ત્યારે કોરોનાના ચેપમાં કૉમ્પ્લિકેશન્સ વધી જવાની શક્યતા રહે છે અને ખાસ તો ડાયાબિટિસ હોય અને 60 વર્ષથી વધુની ઉંમર હોય ત્યારે સ્થિતિ વધારે કપરી બને છે.

ડાયાબિટિસ ધરાવતી વ્યક્તિને કોરોનાનો ચેપ લાગે ત્યારે તેની અસર બ્લડ શુગર પર થાય છે. ચેપ લાગ્યા પછી શરીર વાયરસનો સામનો કરવા માટે વધારે તીવ્રતાથી સક્રિય થાય છે અને તેના કારણે લોહીમાં શર્કરાનું પ્રમાણે ઊપર કે નીચે જઈ શકે છે.

આપણે જાણીએ છીએ કે ડાયાબિટિસ શરીરના દરેક અંગને સ્પર્શે છે. ડાયાબિટિસમાં કાળજી લેવામાં ના આવે તો આંખ, પગ, કિડની અને બીજા અંગોને અસર થઈ શકે છે. તેથી ડાયાબિટિક લોકોએ વધારે કાળજી લેવીજોઈએ અને બીજા કરતાં પણ COVID-19 સામે સાવચેતીના પગલાં વધારે ચૂસ્ત રીતે પાળવા જોઈએ.

લૉકડાઉનના કારણે ડાયાબિટિક વ્યક્તિ નિયમિત ચાલવાની કસરત માટે પણ જઈ ના શકે. તે જ રીતે ખાણીપીણીમાં પણ કાળજી રાખવી મુશ્કેલ બને, કેમ કે જે વસ્તુ ઉપલબ્ધ હોય તેનાથી ચલાવી લેવું પડે. ડાયાબિટિસ માટેની દવાઓ પણ નિયમિત લેવી પડે અને બીજી પણ કાળજી લેવાની હોય છે. દવાનો જથ્થો ઓછો થવા લાગે ત્યારે વ્યક્તિને ચિંતા પણ થાય. સાથે જ ચોક્કસ બ્રાન્ડની દવા સ્થાનિક દવાની દુકાનેથી મળશે કે કેમ તેની પણ ચિંતા થાય.

આવા સંજોગોમાં કેવી કાળજી લેવી?

પ્રથમ તો ઘરે જ રહેવાની સૂચનાનું સંપૂર્ણ પાલન કરો. તમારે કોઈને મળવાનું થાય ત્યારે છ ફૂટનું અંતર અનિવાર્ય રીતે રાખવું. કરિયાણું કે દૂધ સહિતની વસ્તુઓ માટે બને તો બહાર જવું જ નહિ અને અન્ય કોઈ દ્વારા મળી રહે તેવી વ્યવસ્થા કરવી.

ઘરમાં માત્ર ડાયાબિટિસ હોય તે વ્યક્તિ જ નહિ, કુટુંબના બધા જ સભ્યો વારંવાર હાથ ધોવાના અને બહાર ઓછું જવાના, સેનિટાઇઝર્સનો ઉપયોગ કરવાના નિયમો ખાસ પાળે.

નિયમિત રીતે જે દવાઓ લેતા હોય તે લેવાનું અવશ્ય ચાલુ રાખવું જોઈએ. સ્થિતિ બદલાઈ છે તેના કારણે તમારી રીતે ડોઝમાં કે સમયમાં કોઈ ફેરફાર કરશો નહિ. તમે બ્લડ પ્રેશરને કાબૂમાં રાખવાની દવા કે એસ્પિરિન વગેરે લેતા હો તો અગાઉની જેમ તેને નિયમિત લેતા રહો.

ત્રણથી ચાર અઠવાડિયા માટેની તમારી દવાનો સ્ટોક કરી રાખો, જેથી છેલ્લી ઘડીએ દોડભાગ ના કરવી પડે.

એકાદ અઠવાડિયાનો સ્ટોક બાકી હોય ત્યારે જ બીજી દવાઓ મગાવી લેવી, જેથી તે બાબતમાં કોઈ ચિંતા ના કરે. હાલના સમયે કદાચ તમે જે દવાઓ લેતા હતા તે બ્રાન્ડની જ દવા કદાચ ના પણ મળે. આ સંજોગોમાં નિયમિત જ્યાંથી દવા લેતા હો તેમને જ પૂછો કે વૈકલ્પિક વ્યવસ્થા કેવી રીતે થઈ શકે. સાથે જ તમારા ડૉક્ટરને ફોન કરીને પૂછી લો કે વૈકલ્પિક કઈ કઈ બ્રાન્ડની દવા લઈ શકાશે. બીજી કોઈ બ્રાન્ડની દવા લીધા પછીય તમારે નિયમિત રીતે દવા લેતા હો તે રીતે જ લેતા રહેવાની છે.

તમારી ખાણીપીણી પણ અગાઉની જેમ જ ચાલવી જોઈએ. ત્રણ વાર જમવું તેના બદલે વચ્ચે વચ્ચે ભોજન લેવાનો વિકલ્પ વધારે સારો છે. ગરમી વધી રહી છે તેથી વધારે પાણી પીવાનું રાખો અને કાળજી રાખો.

તમે ઘરે અગાઉ નિયમિત બ્લડ શુગર ચેક કરતા હતા તો હજી પણ કરવાનું ચાલુ રાખો. હાલમાં તમારો શારીરિક શ્રમ ઓછો થયો હશે તેથી તમારે વધી નિયમિત રીતે અને વધારે વાર પણ ચેક કરી લેવું જોઈએ.

સુગર લેવલ વધ્યું હોય તેના લક્ષણો દેખાય તો તે પણ ચેક કરવા, જેમ કે hyperglycaemia, જેમાં (ખાસ કરીને રાત્રે) વધારે યુરીન જવું પડે. વધારે તરસ લાગે કે માથું દુખે, થાક અને સુસ્તી લાગે તેવા ચિહ્નો હોય ત્યારે અગાઉ કરતાં કેટલો ફરક તે વિચારવું.

જોકે તમારે દવાખાને જવું જોઈએ નહિ. તમે રેગ્યુલર ડાયાબિટિક ચેક-અપ માટે જતા હતા કે બીજું કોઈ પેન્ડિંગ ઇન્વેસ્ટિગેશન હોય તે હાલમાં મૂલતવી રાખવું પડે. પરંતુ તે માટે તમે ડૉક્ટરને ફોન કરીને ચર્ચા કરી શકો છો. હાલમાં બહાર જવું સલામત નથી ત્યારે સામાન્ય બાબતમાં ડૉક્ટરને બતાવવા જવા ટાળવું. તેના બદલે ફોન પર વાતચીત કરી લેવી.

ઘરે રહીને પણ કસરત કરી શકાય છે. ચાલવા માટે બહાર જવાની જરૂર નથી, પણ ઘરમાં હરફર કરી શકાય છે. ઘરમાં જ દિવસ દરમિયાન ચારેક વારે 400થી 500 ડગલાં ચાલશો તો તે દોઢેક કિમી ચાલ્યા જેટલું જ થઈ જશે. આ ઉપરાંત બીજી હળવી કરસત ઘરમાં જ કરી શકાય છે. ઘરમાં એક જ જગ્યાએ લાંબો સમય બેઠા ના રહો. દર અડધો પોણો કલાકે ઊભા થઈને આમતેમ થોડી હરફર કરો. એ જ રીતે બેઠા હોય ત્યાં પણ તમારા હાથ અને પગને હલાવ્યા કરો, જેથી સ્નાયુઓ કડક ના થઈ જાય.

ઘરમાં રહીને કેરમ, લુડો, સાપસીડી સહિતની ઘણી ગેમ્સ બાળકો સાથે પણ રમી શકાય છે અને તે રીતે વ્યસ્ત રહીને રિલેક્સ થઈ શકાય છે. ઘરના લોકો સાથે સમય વીતાવવાની તક મળી છે ત્યારે જૂની વાતો, જૂની યાદો, સગાવહાલાઓને યાદ કરવા વગેરે મનમાં હળવાશ લાવી શકે છે.

બીજું કે સ્વજનોમાં કોઈને તબિયત ખરાબ લાગતી હોય કે લક્ષણો લાગતા હોય ત્યારે તેમને ઘરમાં પણ સૌથી અલગ અને દૂર રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.

યાદ રાખો કે ડાયાબિટિસ હોય તેના કારણે ચેપ લાગવાની શક્યતા બીજા જેટલી જ છે, તેથી વધારાની ચિંતા નથી, પરંતુ કાળજી લેવી અને સાવચેતી રાખવી હંમેશા ઉપયોગી થાય છે. ખાસ કરીને કોરોનાના કેર વચ્ચે સ્માર્ટ બનીને કાળજી લેવી તેમાં જ સમજદારી છે.

-ડૉ. જીવીએસ મૂર્તિ, ડિરેક્ટર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ, હૈદરાબાદ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.