ETV Bharat / bharat

નખશિખ મૂલ્યનિષ્ઠ રાજકારણનીનું મૂર્તિમંત સ્વરૂપ એટલે 'મોરારજી દેસાઈ'

author img

By

Published : Feb 29, 2020, 8:27 AM IST

Updated : Feb 29, 2020, 9:48 AM IST

સ્વતંત્ર ભારતના ચોથા વડાપ્રધાન તરીકે આપણી યાદોમાં સિમિત થઈ ગયેલા મોરારજી દેસાઈના વ્યકિતત્વની ઉંચાઈને આંબી શકાય નહીં, પરંતુ એ દિશામાં પ્રયત્ન જરૂર કરી શકાય. ભારતના રાજકીય ઈતિહાસમાં નખશિખ મૂલ્યનિષ્ઠ કેટલાક આંગળીના વેઢે ગણી શકાય એવા રાજકારણીઓમાં મોરારજી દેસાઈનું નામ મોખરે આવે. 16 વર્ષની ઉંમરમાં પિતાની છત્રછાયા ગુમાવનાર ગુજરાતના વલસાડની ધરતીનો એ છોકરો આપબળે ભણ્યો અને ડેપ્યુટી ક્લેક્ટર બન્યો. 1930માં રાજીનામું આપ્યા બાદ તે અસહકરાર ચળવળમાં જોડાયા. તેની સાથે તેમની રાજકીય સફરની શરૂઆત થઈ. આમ, મોરારજીની ભારતના વડાપ્રધાન બનવા સુધીની સફર માત્ર સંઘર્ષ કથા જ નથી, પરંતુ પ્રત્યેક વ્યકિત માટે પ્રેરણાકથા પણ છે. મોરારજી દેસાઈનો જન્મ ક્યારે થયો, કયા પરિવારમાં થયો તેની માહિતી એક ક્લિક પર મળી જશે, પરંતુ આજે તેમની જન્મજયંતીએ અમે આપને એવા પ્રસંગોની વાત કરવા ઈચ્છીએ જે આ મહાન વ્યક્તિત્વના આચાર, વિચાર અને વ્યવહારની ઝલક આપે.

Morarji Desai
Morarji Desai

ન્યૂઝ ડેસ્કઃ દેશના સર્વપ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન એવા મોરારજી દેસાઈની જનતા સરકારનો અકાળે અંત આવ્યો ન હોત, તો ભારતનો ઇતિહાસ કંઈક જુદો હોત, એવું માનનારો એક મોટો વર્ગ છે. મોરારજીભાઈ કરતાં પણ આપણા માટે બીજી કમનસીબી એ છે કે તેમનો જન્મ ૨૯ ફેબ્રુઆરી, ૧૮૯૬ના રોજ થયેલો. ૨૯ ફેબ્રુઆરી એવી તારીખ છે, જે દર ચાર વર્ષે આવતી હોય છે, એટલે જન્મતિથિ નિમિત્તે તેમને યાદ કરવાની તક પણ દર ચાર વર્ષે મળતી હોય છે.

ગાંધીજીનાં વિચારોથી પ્રભાવિત મોરારજીભાઈએ સ્વમાનને કારણે ડેપ્યુટી ક્લેક્ટરની સરકારી નોકરી છોડીને આઝાદી આંદોલનમાં ઝંપલાવ્યું હતું. જો કે, આઝાદી આંદોલન હોય કે સ્વદેશી શાસન, તેમને જ્યારે પણ વહીવટતંત્રમાં કોઈ પણ જવાબદારી સોંપવામાં આવી, ત્યારે તેમણે પોતાનું હીર બતાવ્યું હતું. દેશમાં અનેક વહીવટી સુધારાનું શ્રેય તેમને જાય છે.

નહેરુ સરકારમાં પહેલી વખત નાણાપ્રધાન બનેલા દેસાઈ ત્યારબાદ અલગ અલગ સમયગાળા માટે ત્રણવાર નાણાપ્રધાન રહ્યા હતાં. તેમના માથે આજે પણ દસ બજેટ રજૂ કરવાનો રેકોર્ડ છે. નાણાં પ્રધાન તરીકે તેમણે 20 ટકા જેટલા અધધ ફુગાવાને દૂર કરી સોંઘવારીને સાકાર કરી બતાવી હતી. એમની કુનેહને કારણે જ ખાંડ-ચોખા વગેરેના ભાવ એટલા નીચે ગયા હતા કે લોકો રાશનની દુકાનમાંથી વસ્તુઓ લાવવાનું ભૂલી ગયા હતા.

મોરારજીભાઈ વડાપ્રધાન બન્યા તે પહેલાં નાણાં પ્રધાન હતા. તેઓ નાણાંકીય શિસ્તનો આગ્રહ રાખતા હતા. મોરારજીભાઈએ કાળાં નાણાં અને ભ્રષ્ટાચાર ઉપર લગામ કસવા તેમના શાસનકાળ દરમિયાન મોટા દરની ચલણી નોટો (રૂ. 1000, રૂ. 5000 અને રૂ. 10,000)ની ઉપર પ્રતિબંધ લાદ્યો હતો. સૌથી બજેટ રાજૂ કરવાનો રેકોર્ડ આજે પણ મોરારજીભાઈના નામે છે.

મોરારજી દેસાઈ સાથે સંકળાયેલા કેટલાક રસપ્રદ કિસ્સા

  1. મોરારજી દેસાઈ જ્યારે મુંબઈની વિનસન્ટ કોલેજમાં અભ્યાસ કરવા ગયા ત્યારે તેમને 10 રૂપિયા શિષ્યવૃતિ મળી. પરંતુ ઘરમાં માતાની મદદરૂપ થવા માટે તેમણે સ્કોલરશિપની આખી રકમ ઘરે મોકલી આપી હતી.
  2. માત્ર 22 વર્ષની ઉંમરે તેઓ ડેપ્યુટી કલેક્ટર બન્યા પછી તેમણે 12 વર્ષ સરકારી નોકરી કરી હતી. આ દરમિયાન તેમણે અનુભવ્યુ કે, અંગ્રેજી અધિકારીઓ સારી રીતે વર્તતા ન હતા. જેથી તેણે આ સરકારી નોકરીને ઠોકર મારી દીધી હતી.
  3. ગાંધીજી સાથેની પહેલી મુલાકાતમાં જ તેમણે એવા પ્રશ્ન પુછ્યા કે જે એ સમય ગાંધીજીને ન પૂછી શકે. તેમણે પૂછેલા ત્રણ પ્રશ્નોમાંનો એક એક હતો કે, તમે જ્યારે ચાલો છો ત્યારે બે મહિલાઓના ખભાનો સહારો કેમ લો છો? એ વખતે ગાંધીજી તેમને જવાબ આપ્યો હતો. પરંતુ પાછળથી ગાંધીજીએ તેમના છાપામાં તેમની સામે આવો પ્રશ્ન થયો છે એવું જણાવી સ્વિકાર્યુ હતું કે, આવું કરવાથી યુવાનો પર ખોટી અસર પડી શકે છે.
  4. તેમણે નશાબંધી કાયદો અમલી બનાવ્યો, તેમણે અધિકારીઓને કહી દીધુ હતું કે, આ અમલવારીનું મોનિટરીંગ હું જાતે કરીશ. આ માટે તેઓ કેટલાક વિસ્તારોમાં વેશ બદલીને પણ ફરતા હતાં.
  5. હિન્દુ ધર્મમાં ચાલતી બહુપત્નીત્વની પ્રથા સામે પણ મોરારજી દેસાઈએ બાંયો ચઢાવી હતી. અને તેની પર રોક લગાવી હતી.
  6. મોરારજી દેસાઈ સૌથી પહેલા કોંગ્રેસના પ્રમુખ બન્યા હતાં. નહેરુ તેમનાથી ખુબ પ્રભાવિત હતા. જેથી નહેરુએ તેમને નાણાંપ્રધાન બનાવ્યા હતાં. નહેરુ અને શાસ્ત્રીના નિધન પછી ઈન્દિરા ગાંધીને વડાંપ્રધાન બનાવવા સામે તેમણે વાંધો ઉઠાવ્યો હતો.
  7. સુવર્ણ અંકુશ ધારા વખતે તેમનો ખૂબ જ વિરોધ થયો હતો. નજીકના લોકોએ તેમને સમજાવ્યા કે આ નિર્ણય લેવાથી તેમની રાજકીય કારકીર્દી પર અસર થઈ શકે છે. તેના જવાબમાં મોરારજી દેસાઈએ જણાવ્યુ હતું કે,'દેશનું હિત મોટુ છે મારી રાજકીય કારકીર્દી નહીં. આ સુવર્ણ ધારાના અમલથી મારી રાજકીય કારકીર્દી પર પૂર્ણવિરામ આવશે તો મને ગમશે દેશ ઉપરનું પૂર્ણવિરામ મને નહીં ચાલે'
  8. 1905માં ચાલેલી બંગ ભંગની ચળવળમાં તેમને એટલી બધી અસર થઈ કે, હું બીજુ કંઈ ન કરી શકુ તો શું કરુ? એટલે તેમણે તેમને પ્રિય ચ્હા પીવાનું છોડી દીધું.
  9. અનાવિલ સમાજમાં વાંકડા પ્રથા મશહૂર છે. આ પ્રથામાં છોકરો પરણાવવો હોય તો કન્યાનો બાપ ધન આપે. વાંકડાની કિંમત જેટલી ઊંચી એટલી ખાનદાની વધારે! આ પ્રથાના વિરોધમાં તેમણે નક્કી કર્યુ હતુ કે જે પરિવાર વાંકડો લેશે તે લગ્નમાં તેઓ નહીં જાય. પરંતુ તેમના સાળાના લગ્નમાં જ વાંકડો લેવાયો હોવાથી તેમણે સાળાના લગ્નમાં જવાનું પણ ટાળી દીધુ હતું.

આમ, પોતાના સિદ્વાંત માટે તેમણે ક્યારેય સમાધાન કર્યુ નહીં. રાજકીય, સામાજિક કે બીજા કોઈ પણ લાભ માટે તેમણે ક્યારેય ખોટો રસ્તો અપનાવ્યો નહી. અને નિષ્ઠા પૂર્વક સત્યને વળગી રહ્યા. આવા અનોખા વ્યકિત્વ એવા મોરારજી દેસાઈ ગુજરાતનું જ નહીં સમગ્ર ભારતનું ઉજળુ વ્યકિતત્વ છે.

Last Updated :Feb 29, 2020, 9:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.