ETV Bharat / bharat

કોવિડ-19 વ્યવસ્થાપન – પડોશી દેશોમાંથી આરોગ્યની વ્યવસ્થાનો બોધપાઠ

author img

By

Published : Aug 20, 2020, 9:01 AM IST

ETV BHARAT
કોવિડ-19 વ્યવસ્થાપન – પડોશી દેશોમાંથી આરોગ્યની વ્યવસ્થાનો બોધપાઠ

બહુ ઝડપથી કોવિડ-19 વૈશ્વિક રોગચાળો ફેલાયો તેના કારણે દરેક દેશના આરોગ્ય તંત્ર પર બોજ આવ્યો અને તેની વ્યવસ્થાની કસોટી થઈ ગઈ. દરેક દેશે પોતપોતાની રીતે કોરોના વાઇરસનો ચેપ ફેલાતો અટકાવવા માટે રાષ્ટ્રીય સ્તરે કોઈને કોઈ પ્રયાસો કર્યા. તેમાં આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક ફ્લાઇટ્સને રોકવી કે મર્યાદિત કરવી, શૈક્ષણિક સંસ્થાઓને બંધ કરી દેવી, જાહેરમાં ભીડ એકઠી થવા પર પ્રતિબંધ, ક્વૉરેન્ટાઇનના નિયમો, વારંવાર હાથ ધોવા અને માસ્ક પહેરવા માટેનો વારંવાર પ્રચાર વગેરે પગલાંનો સમાવેશ થાય છે.

ન્યૂઝ ડેસ્કઃ બહુ ઝડપથી કોવિડ-19 વૈશ્વિક રોગચાળો ફેલાયો તેના કારણે દરેક દેશના આરોગ્ય તંત્ર પર બોજ આવ્યો અને તેની વ્યવસ્થાની કસોટી થઈ ગઈ. દરેક દેશે પોતપોતાની રીતે કોરોના વાઇરસનો ચેપ ફેલાતો અટકાવવા માટે રાષ્ટ્રીય સ્તરે કોઈને કોઈ પ્રયાસો કર્યા. તેમાં આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક ફ્લાઇટ્સને રોકવી કે મર્યાદિત કરવી, શૈક્ષણિક સંસ્થાઓને બંધ કરી દેવી, જાહેરમાં ભીડ એકઠી થવા પર પ્રતિબંધ, ક્વૉરેન્ટાઇનના નિયમો, વારંવાર હાથ ધોવા અને માસ્ક પહેરવા માટેનો વારંવાર પ્રચાર વગેરે પગલાંનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત દરેક દેશે કોવિડ-19ના જોખમનો સામનો કરવા માટે પોતાની રીતે કોઈને કોઈ અલગ પ્રયાસો જુદા જુદા સમયે કર્યા છે અને અથવા પ્રયાસો ચાલી રહ્યા છે. તેના કારણે ચેપના ફેલાવો વધવાનો દર, ચેપ ઘટવાની શરૂઆતનો તબક્કો (કર્વ) અને સામાજિક તથા આર્થિક નુકસાની અને અસરો અલગ અલગ દેખાયા. દરેક દેશના આંકડાં જાહેર કરવાના જુદા જુદા ધોરણો છે, આરોગ્ય સુવિધાની ક્ષમતાઓ જુદી જુદી છે અને ટેસ્ટિંગ તથા ટ્રેસિંગ માટેના અભિગમ નોખા નોખા છે, તેથી બધા દેશોની સ્થિતિ વચ્ચે સરખામણી કરતી વખતે કાળજી રાખવી જરૂરી છે.

ચેપને અટકાવવા માટે તથા લોકોના જીવ બચાવવા માટે ટૂંકા અને લાંબા ગાળાના કેટલાક ચોક્કસ અને લક્ષ્ય આધારિત પગલાં લેવા માટે WHO તરફથી છ વ્યૂહાત્મક પગલાં જણાવાયા છે. 1) આરોગ્ય કર્મચારીગણનો વ્યાપ વધારવો, તેની તાલીમ અને કામે લગાવવા. 2) સામુદાયિક ધોરણે દરેક શંકાસ્પદ કેસ શોધી કાઢવા માટેની સિસ્ટમ અમલમાં મૂકવી. 3) ટેસ્ટિંગની ક્ષમતા વધારવી અને સૌને ઉપલબ્ધ થાય તેમ કરવું. 4) દર્દીઓને અલગ તારવીને તેની સારવાર માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરવી 5) દર્દીના સંપર્કમાં આવેલાને ક્વૉરેન્ટાઇન કરવાની સ્પષ્ટ પ્રોસેસ અને કમ્યુનિકેશન, 6) મોત ઘટાડવા માટે આવશ્યક આરોગ્ય સુવિધાઓ જાળવી રાખવી.

દક્ષિણ અને અગ્નિ એશિયાના ઘણા દેશોમાં કોવિડ-19ના ફેલાવાને કાબૂમાં રાખી શકાયો છે, પરંતુ કેટલાક દેશોએ લીધેલા પગલાંમાંથી ભારતે શીખવા જેવું છે. ત્રણ દેશોએ WHOની ભલામણોનો જે રીતે અમલ કર્યો છે, તેમાંથી ભારતના રાજ્યોએ કોવીડ-19 માટે શીખવા જેવું છે.

નગરરાષ્ટ્ર સિંગાપોર પાસેથી શહેરી વિસ્તારમાં રોગચાળાને કેવી રીતે મર્યાદિત કરવો તેનું ઉત્તમ ઉદાહરણ મળે છે. સિંગાપોરમાં બહુ પ્રારંભમાં ફેબ્રુઆરીની શરૂઆતમાં કોવિડ-19નો કેસ આવ્યો હતો. મે-જૂનમાં નોંધાયેલા કેસીઝની બાબતમાં તેનું સ્થાન ટોચમાં હતું. જોકે આ લેખ તૈયાર કરતી વખતે સિંગાપોરના કેસની સંખ્યા 55,580 થયેલી હતી, જેમાંથી 51,049 સાજા થઈ ગયા હતા અને 27 મૃત્યુ હતા.

મહામારી વ્યવસ્થાપન માટે નીચે પ્રમાણેના નિર્ધારિત પગલાં લેવા જરૂરી છે

  • સમગ્ર રીતે સરકારી પ્રયાસો:

અગાઉ SARSના રોગચાળા વખતે થયેલા અનુભવમાંથી શીખીને સિંગાપોરે જુદા જુદા તબક્કે સરકારી એજન્સીઓ વચ્ચે સંકલન સહિતનું આયોજન કર્યં હતું. રોગચાળાના સામનાની તૈયારી માટે પૂરતું રોકાણ કરીને રાખ્યું, આરોગ્ય કર્મચારીને તૈયાર કરવા અને આરોગ્યની સુવિધાઓ વધારવી. જુદા જુદા સરકારી વિભાગો વચ્ચે જરૂરી સહકારનો એક નમૂનો હતો કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગ વચ્ચેનો સહકાર. સાથે જ વધારાના દળોનો ઉપયોગ કરીને ભીડને કાબૂમાં રાખવાની અને હાથ ધોવા તથા માસ્ક માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જાહેર આરોગ્ય માટેની ક્લિનિકની તપાસ કરીને પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ તૈયાર કરાઇ. દરેક નાગરિકનો ટેસ્ટ કરવો શક્ય નહોતો એટલે સૌથી વધુ જોખમ હોય તેવા દર્દીઓને અલગ તારવવાના હતા.

આ માટે સિંગાપોરે 1000 તૈયારી સાથેની પ્રાથમિક ક્લિનિક તૈયાર કરી. તેમાં ખાનગી સેક્ટરને પણ આવરી લેવાયું, જેઓ પ્રાથમિક સારવાર માટે તબીબોને વધારાની તાલીમ આપવામાં આવી અને રોગચાળાની તૈયારીઓ કરાવાઈ.

આક્રમક રીતે ક્વોરેન્ટાઇન માટેના પ્રયત્નો કરાયા. ભારતની જેમ સિંગાપોરમાં પણ વિદેશથી આવેલા માઇગ્રન્ટ લેબરર્સમાં મોટા પાયે ચેપ ફેલાયો હતો, કેમ કે તેમને આઇસોલેટ કરી શકાય તેમ નહોતા. સિંગાપોરે તે કામદારોમાં વ્યાપક ટેસ્ટિંગ કરીને અને તેમને ખાસ ઊભા કરેલા સ્થળે અલગ રાખવામાં આવ્યા. તેના કારણ ચેપનો ફેલાવો રોકી શકાયો હતો.

સતત જનતાને માહિતી આપવાના પ્રયાસો કરાયા, જે તાર્કિક, પારદર્શી અને વારંવારના હતા. ખાસ કરીને અનિશ્ચિતતા અને જાણકારી ના હોય તેની જાણકારી અપાતી રહી. સામાજિક આગેવાનો સાથે પણ સંવાદ સાધીને માહિતી અપાતી રહી. સરકારે ભરોસો બેસે તેવી માહિતી નિયમિત આપવાનું રાખ્યું. રાષ્ટ્રીય સ્તરે વૉટ્સઅપ ગ્રુપ બનાવીને માહિતી પહોંચાડાતી રહી. છેલ્લે સૌથી અગત્યનું કામ કરાયું આરોગ્ય કર્મચારીઓને ઉત્સાહમાં રાખીને તેમનો સહયોગ પ્રાપ્ત કરાયો.

રોગચાળા દરમિયાન આરોગ્ય કર્મચારીઓની સાથે કામચલાઉ કામદારો, સ્વંયસેવકો જોડાતા રહ્યા. જુદા જુદા આરોગ્ય ક્ષેત્રો અને નગરપાલિકાના વ્યવસાયીઓને સાથે જોડાતા રહ્યા. સરકારી તથા ખાનગી ક્ષેત્રના આરોગ્ય કર્મચારીઓને જોડીને કોવીડ તથા બિન કોવીડ સારવાર માટેનું કામ ચાલતું રહ્યું.

વિયેટનામે કોરોના વાઇરસ સામે કામગીરી કરી તે સૌથી સફળ મનાઈ છે. મધ્ય એપ્રિલથી જ એવી સ્થિતિ હતી કે દેશમાં જે કોરોના કેસ હતા તે ક્વૉરેન્ટાઇનમાં રહેલા અને વિદેશથી આવેલા લોકો હતા. જોકે હાલના અઠવાડિયાઓમાં સ્થાનિક ચેપ પણ ફેલાતો દેખાયો છે.

  • વિયેટનામનો વ્યૂહ આ પ્રમાણે હતો..

સમગ્ર સમાજને સાથે લેવાનો વ્યૂહ: પ્રારંભથી જ વડા પ્રધાને આર્થિક બાબતોને બદલે આરોગ્યની બાબતને મહત્ત્વ આપ્યું હતું. રોગચાળા નિયંત્રણ માટે નેશનલ સ્ટિઅરિંગ કમિટી બનાવીને એક રાષ્ટ્રીય પ્રતિસાદ યોજના તૈયાર કરી લેવામાં આવી હતી. કોરોના વાઇરસ સામે યુદ્ધ એવી પરિભાષામાં યોજના તૈયાર કરાઈ હતી. લોકોને પણ આ યુદ્ધમાં એક કરવા માટે આવી પરિભાષામાં પ્રચાર કરાયો હતો. સરકારના જુદા જુદા સ્તરે અસરકારક રીતે પગલાં લેવા અને સંવાદ માટે આ જરૂરી હતું. સેના, પોલીસ અને પાયાના વહિવટીતંત્રને સાથે રાખીને ચેપને મર્યાદિત રાખવા માટેનો વ્યૂહ તરત અમલમાં મૂકી દેવાયો. તે માટે ત્રણ પગલાં લેવાયા હતાઃ

ઝડપી કન્ટેઇનમેન્ટ: તબક્કાવાર કડક કન્ટેઇનમેન્ટના પગલાં લેવાયાં હતાં. તેમાં એરપોર્ટ પર તપાસ, અંતર જાળવવાના નિયમો, વિદેશી પ્રવાસીઓ પર પ્રતિબંધ, વિદેશથી આવનારા માટે 14 ક્વૉરેન્ટાઇનનો નિયમ, શાળાઓ બંધ અને જાહેર કાર્યક્રમો પણ બંધ કરી દેવાયા. જાહેરમાં માસ્ક પહેરવાના નિયમનો કડક અમલ કરાયો. WHOની ભલામણ પહેલાં જ આ નિયમ અમલમાં મૂકાયો હતો અને જાહેર સ્થળોએ, ઓફિસોમાં અને રહેણાંક ઇમારતોમાં હાથ સેનેટાઇઝ કરવાની વાત પર ભાર મૂકાયો હતો. રાષ્ટ્રભરમાં બિનજરૂરી સેવાઓ બંધ કરી દેવાઈ હતી અને સમગ્ર દેશમાં અવરજવર પર કડક નિયંત્રણો રખાયા હતા.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પરથી આક્રમક કામગીરી: સમૃદ્ધ દેશોમાં મોંઘી ટેસ્ટિંગ પદ્ધતિ અપનાવાઈ હતી, પરંતુ વિયેટનામે જોખમી અને શંકાસ્પદ કેસોના ટેસ્ટિંગ પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું અને ટેસ્ટિંગ સુવિધા ઝડપથી વધારી. SARSના રોગચાળાના અનુભવને ધ્યાનમાં રાખીને વિયેટનામે શંકાસ્પદ હોટ સ્પોટમાં સાર્વત્રિક ક્વૉરેન્ટાઇનની નીતિ કામે લગાવી. દર શંકાસ્પદ કેસ સામે શંકાસ્પદ 1,000 લોકોના ટેસ્ટ કરાયા હતા, જે દુનિયામાં સૌથી વધારે હતા.

ચેપ લાગ્યાની જાણ થાય તે પછી વ્યક્તિને સરકારી સુવિધાઓમાં મૂકવામાં આવતી હતી. યુનિવર્સિટી હોસ્ટેલ અને સેનાની છાવણીઓનો તે માટે ઉપયોગ કરાયો હતો. ચેપ લાગ્યો હોય તે વ્યક્તિના સંપર્કમાં આવેલા દરેકને પણ આવા સ્થળોએ સ્ટેન્ડ બાય તરીકે રાખવામાં આવ્યા. લક્ષણો ના દેખાતા હોય તેવા લોકોને પણ આવા કેન્દ્રોમાં રાખવામાં આવ્યા. સાથે જ મોટા પાયે કોન્ટેક્ટ ટ્રેસિંગ શરૂ કરાતું હતું. તેમને અલગ કરીને ક્વૉરેન્ટાઇન કરાતા હતા. આસપાસના લોકોને, ઘણી વાર સમગ્ર ગામને કે આખા મહોલ્લાના લોકોમાં ટેસ્ટ કરવામાં આવતા હતા. તે રીતે ચેપ વધતો અટકાવાયો હતો. આ રીતે લગભગ 450,000 લોકોને ક્વૉરેન્ટાઇન કરાયા હતા.

સ્પષ્ટ, સતત, રચનાત્મક જાહેર આરોગ્યની માહિતી: સંબંધિત લોકોને સાથે જોડીને સમુદાયમાં યોગ્ય માહિતી પહોંચાડવાનું કામ બહુ ઉપયોગી નીવડ્યું હતું. પ્રારંભથી જ વાઇરસ વિશેની માહિતી અને નીતિ પારદર્શી રાખવામાં આવી હતી. લક્ષણો, કેવી કાળજી લેવી, ટેસ્ટિંગ કેન્દ્રો ક્યાં છે તેની માહિતી લોકોને મીડિયા, સરકારી વેબસાઇટ્સ, સંસ્થાઓ, હોસ્પિટલો, કચેરીઓ, રહેણાંક ઇમારતોમાં પહોંચાડાતી રહી. મોબાઇલ પર મેસેજ અને વોઇસ મેસેજ મોકલાતા રહ્યા.

આ રીતે સંકલિત રીતે જુદા જુદા વિભાગોએ કરેલા પ્રયાસોને કારણે અને તેના સમાચારોને કારણે લોકોમાં વિશ્વાસ જાગ્યો અને સમાજમાં નિયમો પાળવા માટે પ્રોત્સાહન મળ્યું. દરેક નાગરિકને લાગ્યું કે પોતાની આમ કરવાની ફરજ છે. માસ્ક પહેરવાની વાત હોય કે અઠવાડિયા સુધી ક્વૉરેન્ટાઇન રહેવાની વાત હોય, લોકો સહકાર આપવા તૈયાર હતા.

આપણા વધારે નજીકના નાનકડા પડોશી ટાપુ રાષ્ટ્ર શ્રી લંકામાં પણ ચેપને કાબૂમાં રાખી શકાયો છે. દુનિયાના આ ભાગમાં શ્રી લંકાનું આરોગ્ય તંત્ર પ્રમાણમાં સારું ગણાયે છે અને સમગ્ર દેશમાં હોસ્પિટલો ઊભી થયેલી છે. ખૂબ જ શિક્ષિત આરોગ્ય સ્ટાફ છે અને સ્થાનિક ધોરણે જાહેર આરોગ્ય માટેના ખાસ અધિકારીઓ પણ હોય છે. જોકે મહામારીને કાબૂમાં લેવા માટેની સંસ્થાકીય વ્યવસ્થા નહોતી એટલે રોચગાળો ફેલાયો ત્યારે સેનાએ પોતાની ફરજ બજાવી. ક્વૉરેન્ટાઇ સુવિધાઓની સંભાળ લેવા અને કોન્ટેક્ટ ટ્રેસિંગ માટેની કામગીરી પણ કરી. પોલીસે કરફ્યૂના પાલન માટે અને શંકાસ્પદ નિયમ ભંગ થતો હોય ત્યાં કામગીરી કરી.

વિદેશથી આવતી ફ્લાઇટ્સ પર પ્રતિબધ, જાહેર સ્થળો તથા જાહેર પરિવહનમાં વારંવાર જંતુનાશક પ્રક્રિયા વગેરે પ્રયાસો કરાયા. તેના માટે સેના અને પોલીસે કરેલા પ્રયાસોને કારણે તેમની પ્રશંસા થઈ હતી. ભારતના રાજ્યો શ્રી લંકાના પ્રયાસોમાંથી બે બાબતોનો બોધપાઠ લઈ શકે છે.

તેમાં એક છે, રોગચાળાના ફેલાવા પર નજર રાખવા અસરકારક તપાસની પદ્ધતિ. ભૂતકાળમાં રોગચાળાના અનુભવને ધ્યાનમાં રાખીને શ્રી લંકાએ જાહેર આરોગ્યની બાબતમાં સતત નજર રાખવાની પદ્ધતિ વિકસાવી છે. કોરોના વાઇરસ વખતે તે બહુ કામ આવી હતી. ઓપન સોર્સ DHIS2 પ્લેટફોર્મ પર આધારિત સર્વેલન્સ સિસ્ટમ દેશમાં 2020ની શરૂઆતથી જ કામે લગાવી દેવાઈ હતી. જાન્યુઆરીમાં પ્રથમ કેસ નોંધાયો તે પછી સતત તેના ફેલાવા પર નજર રખાઇ હતી. તેમજ કોવિડ-19ના શંકાસ્પદ ચેપ પર સતત ટ્રેકિંગ કરાયું હતું.

સરકારે જાહેર આરોગ્યની સર્વેલન્સની પદ્ધતિને કામે લગાવી દીધી હતી, જેથી શ્વાસોચ્છવાસને લગતા કોઈ પણ કેસ આવે કે તરત તેની માહિતી મળે. એક વાર કેસની જાણ થાય તે પછી જરૂરી નિદાન માટેના પ્રયાસો કરાયા, જેથી કોવિડ-19નો ચેપ છે કે કેમ તે શંકાનું નિવારણ થાય.

બીજો બોધપાઠ એ કે શ્રી લંકાએ પોતાના પ્રાથમિક આરોગ્ય તંત્ર પર ઘણો આધાર રાખ્યો હતો. જાહેર આરોગ્ય કેન્દ્રોને બંધ કરી દેવાયા હતા, પરંતુ સરકારે તેની જગ્યાએ લોકોને ઘરે જ દવા અને સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરી હતી. એક હોટલાઇન ચાલુ કરવામાં આવી હતી, જેથી બિન-કોવિડ દર્દીઓ આરોગ્ય કર્મચારીઓ પાસેથી માહિતી મેળવી શકે અને સામાન્ય બીમારીની સારવાર મેળવી શકે.

દેશના આરોગ્ય તંત્રને ફૂટબોલની ટીમ સાથે સરખાવી શકાય છે. જેમાં ઘણા બધા ખેલાડીઓ સાથે મળીને રમતા હોય છે અને ગોલ કરીને વિજય મેળવતા હોય છે. એ જ રીતે કોવીડ-19ના સામના માટે સમગ્ર આરોગ્ય તંત્રના સ્ટાફે સાથે મળીને કામ કરવું પડે. જુદા જુદા સ્તરે આરોગ્યની જરૂરિયાતને પૂરા કરવા માટે પ્રયાસો કરવા પડે. ટીમ વચ્ચે જેટલા સહયોગથી અને સંકલનથી કામ થાય તેટલું વધારે સારું કામ થાય. આ રીતે સુનિશ્ચિત પ્રયાસો દ્વારા આરોગ્ય તંત્ર પર દબાણ આવતું અટકાવાયું હતું. દેશમાં રોગચાળો હવે આગળના તબક્કે જઈ રહ્યો છે ત્યારે ભારતીય રાજ્યો તેમાંથી શીખી શકે છે.

- ડૉ. પ્રિયા બાલાસુબ્રમણિયમ, વિજ્ઞાની, પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઑફ ઇન્ડિયા. લેખમાં વ્યક્ત થયેલા વિચારો લેખકના અંગત છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.