ETV Bharat / bharat

ચીન દ્વિપક્ષી કરારો તોડી રહ્યું છે, વાસ્તવિક અંકુશ રેખાની સમજૂતિ તોડી રહ્યું છેઃ ભારત

author img

By

Published : Sep 5, 2020, 1:09 PM IST

China violating bilateral pacts
વાસ્તવિક અંકુશ રેખા

ચીનની પિપલ્સ લિબરેશન આર્મી (PLA)એ પેન્ગોંગ સરોવરના દક્ષિણ કિનારે ઘૂસણખોરી કરવાની કોશિશ કરી ત્યારે ભારતીય સેનાને જડબાતોડ જવાબ આપ્યો હતો. તેની સામે ચીન નિવેદન કરી રહ્યું છે કે ભારતે આક્રમકતા દાખવી છે. આ દરમિયાન મંગળવારે ભારતના વિદેશ મંત્રાલયે ફરીથી જણાવ્યું કે ચીનની કાર્યવાહી દ્વિપક્ષી કરારોની વિરુદ્ધમાં છે અને વાસ્તવિક અંકુશ રેખા પર શાંતિ જાળવવાની સમજૂતિઓનો ભંગ કરી રહ્યું છે.

નવી દિલ્હી: ચીનની પિપલ્સ લિબરેશન આર્મી (PLA)એ પેન્ગોંગ સરોવરના દક્ષિણ કિનારે ઘૂસણખોરી કરવાની કોશિશ કરી ત્યારે ભારતીય સેનાને જડબાતોડ જવાબ આપ્યો હતો. તેની સામે ચીન નિવેદન કરી રહ્યું છે કે ભારતે આક્રમકતા દાખવી છે. આ દરમિયાન મંગળવારે ભારતના વિદેશ મંત્રાલયે ફરીથી જણાવ્યું કે ચીનની કાર્યવાહી દ્વિપક્ષી કરારોની વિરુદ્ધમાં છે અને વાસ્તવિક અંકુશ રેખા પર શાંતિ જાળવવાની સમજૂતિઓનો ભંગ કરી રહ્યું છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું કે ચીન “ઉશ્કેરણીજનક લશ્કરી પ્રવૃત્તિઓ” કરી રહ્યું છે. ઑગસ્ટ 29-20ની વચ્ચેની રાત્રીએ ચીને “પેન્ગોંગ સરોવરના દક્ષિણ કાંઠે યથાસ્થિતિને બદલવાની કોશિશ કરી હતી”. “ભારતીય સેનાએ ગઈ કાલે જણાવ્યું હતું તે પ્રમાણે ભારતીય પક્ષે આ ઉશ્કેરણીજનક પગલાંનો સામનો કર્યો હતો અને આપણા હિતોની રક્ષા માટે સુરક્ષાના યોગ્ય પગલાં લીધા હતા,” એમ શ્રીવાસ્તવે જણાવ્યું હતું. “વધુમાં, ગઈ કાલે 31 ઑગસ્ટે, એક તરફ ગ્રાઉન્ડ કમાન્ડર્સ તરફ સ્થિતિને થાળે પાડવા માટે પ્રયાસો થઈ રહ્યા હતા ત્યારે ચીની ટુકડીઓએ ફરીથી ઉશ્કેરણીજનક કામગીરી કરી હતી. સુરક્ષાના ઉચિત ઉપાયો સમયસર કરવાના કારણે ભારતીય પક્ષ એકતરફી રીતે સ્થિતિ બદલવાના આ પ્રયાસોને અટકાવી શક્યું હતું.”

નવી દિલ્હીમાં ચીનની એમ્બેસીના પ્રવક્તા જિ રૉન્ગે આક્ષેપો કર્યા તે પછી પ્રતિસાદમાં વિદેશ મંત્રાલયનું આ નિવેદન આવ્યું હતું. તેમણે આક્ષેપ કર્યો હતો કે “અગાઉની વાટાઘાટોમાં સર્વસંમતિ સધાઈ હતી તેનો ભારતીય દળોએ ભંગ કર્યો હતો અને પેન્ગોંગ સરોવરના દક્ષિણ કિનારે તથા રેગિન ઘાટ નજીક ગેરકાયદે રીતે ઘૂસણખોરી કરી હતી”. “ભારતની કાર્યવાહીથી ચીનના ભૌગોલિક સાર્વભૌમનો ભંગ થયો છે અને સંબંધિત કરારોનો ગંભીર રીતે ભંગ થયો છે અને સરહદી વિસ્તારમાં શાંતિને નુકસાન થયું છે. બંને પક્ષો તરફથી સ્થળ પરની સ્થિતિને શાંત કરવા માટે પ્રયાસો થઈ રહ્યા છે તેનાથી વિપરિત કામગીરી ભારતે કરી છે અને ચીન તેનો મક્કમતાથી વિરોધ કરે છે,” એમ ચીની પ્રવક્તાએ જણાવ્યું હતું.

સોમવારે ભારતીય સેનાએ નિવેદન જાહેર કરીને માહિતી આપી હતી કે અગાઉ થયેલી સમજૂતિઓનો ભંગ કરીને PLAના દળોએ યથાસ્થિતિને બદલવા માટે ઉશ્કેરણીજનક લશ્કરી કાર્યવાહી કરી હતી. “પેન્ગોંગ સોના દક્ષિણ કાંઠે PLAની હલચલને ભારતીય દળોએ રોકી હતી અને આપણી સ્થિતિને મજબૂત કરી હતા તથા ચીનના સ્થળ પર સ્થિતિ બદલવાના પ્રયાસોને વિફળ બનાવ્યા હતા,” એમ સેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું.

45 વર્ષમાં પ્રથમવાર ગલવાન ખીણમાં હિંસક અથડામણો થઈ તે પછી લદ્દાખ વિસ્તારમાં ફરી એકવાર બંને દેશો વચ્ચે તંગદિલી વધી છે. ચીનના વિદેશ મંત્રાલાયના પ્રવક્તાએ પણ બિજિંગમાં મંગળવારે નિયમિત પત્રકાર પરિષદમાં આક્ષેપો કર્યા હતા કે ભારતે LAC પર ગેરકાયદે ઘૂસણખોરી કરી છે. “ભારત ઉશ્કેરણી બંધ કરે અને તાત્કાલિક પોતાના દળોને પાછા હટાવી લેવી તેવી માગણી ચીન કરે છે,” એમ પ્રવક્તાએ કહ્યું હતું. એ જ રીતે મંગળવારે ગ્લૉબલ ટાઇમ્સમાં તંત્રીલેખ પ્રગટ થયો હતો કે “ભારતના તકવાદી પગલાંનો સામનો ચીને મક્કમતાથી કરવો રહ્યો”. લેખમાં પણ ભારત પર શાંતિનો ભંગ કરવાના અને ચીનની સરહદોનો ભંગ કરાયાના આક્ષેપો કરાયા હતા.

ભારતના વિદેશ મંત્રાલયના નિવેદનમાં એમ પણ જણાવાયું હતું કે ભારતના વિદેશ પ્રધાન જયશંકર તેમ જ ચીનના વિદેશ પ્રધાન વેંગ યી તથા બંને દેશોના વિશેષ પ્રતિનિધિઓ એ બાબતોમાં સહમત થયા છે કે સ્થિતિને વધારે જવાબદારી સાથે સંભાળવાની જરૂર છે. કોઈ પણ પક્ષે ઉશ્કેરણીજનક પગલાં ના લેવા જોઈએ કે સ્થિતિ વકરાવી ના જોઈએ, જેથી દ્વિપક્ષી સમજૂતિઓ પ્રમાણે શાંતિ જળવાઈ રહે. નિવેદનમાં વધુમાં જણાવાયું હતું કે “આ વર્ષની શરૂઆતથી જ LAC પર ચીનની કાર્યવાહી અને વર્તન દ્વિપક્ષી કરારો અને ધારાધોરણોની વિરુદ્ધના રહ્યા છે. બંને દેશોના વિદેશ પ્રધાનો તથા વિશેષ પ્રતિનિધિઓ વચ્ચે થયેલી સમજૂતિનો ભંગ કરનારા આ પગલાં છે.”

-અરૂણિમ ભૂયાન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.