ETV Bharat / bharat

ગુજરાતમાં પણ ખેલા હોબે? AAP, AIMIM બાદ શું તૃણમૂલ કોંગ્રેસ ગુજરાતમાં આવી રહ્યું છે?

author img

By

Published : Jul 18, 2021, 7:26 PM IST

આગામી વર્ષે ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી, ઓવૈસીની પાર્ટી AIMIM એ ગુજરાતના રાજકારણમાં પગપેસારો કર્યો છે. એવામાં વિધાનસભાની ચૂંટણી અગાઉ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) પણ ગુજરાતના રાજકારણમાં આવે તેવી શક્યતાઓ છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આગામી 21 જુલાઈના રોજ તૃણમૂલ કોંગ્રેસના શહીદ દિવસની ઉજવણીના જીવંત પ્રસારણ માટે ગુજરાતના વિવિધ શહેરોમાં સ્ક્રીન લગાવવામાં આવ્યા છે. જેમાં મમતા બેનર્જી ખુદ સંબોધન કરશે

ગુજરાતમાં પણ ખેલા હોબે? AAP, AIMIM બાદ શું તૃણમૂલ કોંગ્રેસ ગુજરાતમાં આવી રહ્યું છે?
ગુજરાતમાં પણ ખેલા હોબે? AAP, AIMIM બાદ શું તૃણમૂલ કોંગ્રેસ ગુજરાતમાં આવી રહ્યું છે?

  • છેલ્લા એક વર્ષમાં ભાજપ-કોંગ્રેસ સિવાય અન્ય 2 પક્ષો આવ્યા ગુજરાતમાં
  • તૃણમૂલ કોંગ્રેસ ગુજરાતમાં પોતાનો વ્યાપ વધારવા સક્રિય થાય તેવી શક્યતા
  • શું પશ્ચિમ બંગાળ બાદ ગુજરાતમાં પણ ખેલા હોબે ?

ન્યૂઝ ડેસ્ક : ગુજરાતના રાજકારણ માટે અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં રસાકસીનો ખેલ સર્જાય તેવા એંધાણ આવી રહ્યા છે. પાછલા ઘણા વર્ષો સુધી ગુજરાતમાં માત્ર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણી જંગ જામતો હતો. જ્યારે, તાજેતરમાં જ આમ આદમી પાર્ટી, ઓવૈસીની પાર્ટી AIMIM એ ગુજરાતના રાજકારણમાં પગપેસારો કર્યો છે. આ બે નવી પાર્ટીઓના પગપેસારાથી ભાજપ ચિંતિત તો થયું જ હતું, પરંતુ એવામાં પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ પણ ગુજરાતના રાજકારણમાં પ્રવેશવાની તક શોધી રહી હોય તેવા અણસાર આવી રહ્યા છે. આગામી 21 જુલાઈના રોજ TMC શહીદ દિવસની ઉજવણી કરનાર છે. જેનું જીવંત પ્રસારણ ગુજરાતના વિવિધ શહેરોમાં થાય તે માટે વિવિધ શહેરોમાં મોટા સ્ક્રીન લગાવવાની તૈયારીઓ કરવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

ઓવૈસીની પાર્ટીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીથી ગુજરાતમાં ઝંપલાવ્યુ

ફેબ્રુઆરી 2021માં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં ભાજપ, કોંગ્રેસ, AAP સહિત ઓવૈસીની પાર્ટી AIMIMના ઉમેદવારો ઉભા રહ્યા હતા. આ ચૂંટણીમાં ઓવૈસીની પાર્ટીએ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં 10થી પણ ઓછી બેઠકો મેળવી હતી. જોકે, પ્રથમ ચૂંટણીમાં જ આ પ્રકારે બેઠકો જીતીને પોતાના મતદારો એકઠા કરી લીધા હતા.

આમ આદમી પાર્ટીએ સુરતથી કરી ધમાકેદાર એન્ટ્રી

આમ આદમી પાર્ટીએ પણ ફેબ્રુઆરી મહિનામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સુરત મહાનગર પાલિકાની તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. જે પૈકી 27 જેટલા ઉમેદવારો જીતી ગયા હતા. આ સાથે સુરતમાં AAPએ સત્તાવાર રીતે વિપક્ષનો કાર્યભાર સંભાળ્યો છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પણ સુરત મુલાકાત દરમિયાન વિધાનસભાની ચૂંટણીમાં તમામ 182 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત કરી હતી. જ્યારબાદ ભાજપ-કોંગ્રેસથી નારાજ કાર્યકર્તાઓ સહિત જાણીતા ચહેરાઓ AAPમાં જોડાઈ રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.