ગરબા પાર્ટનર શોધવા જતા ક્યાંય ખાતું ખાલી ન થઈ જાય ! 'ભાડે ગરબા પાર્ટનર'ને લઈને શું કહ્યું સાયબર ક્રાઈમે જાણો...
ગરબા રમવા માટે પાર્ટનર આપવાના બહાને સાયબર ઠગો લોકો પાસેથી ઓનલાઈન પેમેન્ટ કરાવી શકે છે અથવા વધુ માહિતીના નામે શંકાસ્પદ લિંક મોકલી શકે છે.

Published : September 22, 2026 at 7:50 AM IST
અમદાવાદ: નવરાત્રીનો તહેવાર નજીક આવતા ગરબા ગ્રાઉન્ડમાં પાર્ટનર સાથે ગરબા રમવાની ઈચ્છા રાખતા લોકો માટે સોશિયલ મીડિયા પર ‘Rent a Garba Partner’ના નામે રીલ્સ અને પોસ્ટ્સ વાયરલ થઈ રહી છે. ‘મેલ-ફિમેલ પાર્ટનર રેન્ટ પર મળશે’ જેવી લોભામણી ઓફરો વચ્ચે હવે સાયબર ક્રાઈમ બ્રાન્ચે લોકોને સાવધાન રહેવાની અપીલ કરી છે.
છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર આવી પોસ્ટ્સ અને રીલ્સ જોવા મળી રહી છે. ગરબા રમવા માટે પાર્ટનર આપવાના બહાને સાયબર ઠગો લોકો પાસેથી ઓનલાઈન પેમેન્ટ કરાવી શકે છે અથવા વધુ માહિતીના નામે શંકાસ્પદ લિંક મોકલી શકે છે. આવી લિંક ફિશિંગ લિંક હોય તો વ્યક્તિની અંગત માહિતી અથવા બેંકિંગ વિગતો જોખમમાં મુકાઈ શકે છે.
અમદાવાદ સાયબર ક્રાઈમની સોશિયલ મીડિયા મોનિટરિંગ ટીમ હાલ ‘Rent a Garba Partner’ ટ્રેન્ડ પર નજર રાખી રહી છે. ખાસ કરીને અમદાવાદ, સુરત અને મુંબઈના યુઝર્સ દ્વારા આવી પોસ્ટ્સ શેર થતી હોવાનું પોલીસના ધ્યાનમાં આવ્યું છે. હાલ આ અંગે કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ ન હોવાનું અધિકારીઓનું કહેવું છે, પરંતુ તહેવારો દરમિયાન વાઈરલ ટ્રેન્ડનો ઉપયોગ કરીને સાયબર ફ્રોડ કરવાનો પ્રયાસ થઈ શકે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને મોનિટરિંગ શરૂ કરવામાં આવ્યું છે.
અમદાવાદ સાયબર ક્રાઈમ DCP લવિના સિન્હાએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં હાલમાં ગરબા રમવા માટે ‘રેન્ટ અ પાર્ટનર’ મેળવવાની પોસ્ટ અને રીલ્સ ફરી રહી છે. પોલીસ આ સમગ્ર બાબતની તપાસ કરી રહી છે કે આવી પોસ્ટ્સ પાછળનો હેતુ શું છે અને તેની પાછળ કોઈ ફ્રોડ અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિ તો નથી ને.
DCP લવિના સિન્હા એ વધુમાં લોકોને ચેતવણી આપતા જણાવ્યું કે, ઘણી વખત પેમેન્ટ અથવા વધુ માહિતી આપવા માટે લિંક કે મેસેજ મોકલવામાં આવે છે. જો તેમાં ફિશિંગ અથવા ફ્રોડ લિંક હોય તો WhatsApp હેક થવા ઉપરાંત બેંક ખાતામાંથી રૂપિયા ઉપડી જવાનો ભય રહે છે. આવી કોઈ શંકાસ્પદ લિંક કે પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી.
સાયબર ક્રાઈમ દ્વારા લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે સોશિયલ મીડિયા પર કોઈ અજાણી પ્રોફાઈલ પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરવો. ‘ગરબા પાર્ટનર’ મેળવવાના નામે કોઈ અજાણી વ્યક્તિને ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર ન કરવા અને પોતાની અંગત માહિતી કે ફોટા પણ શેર ન કરવા.
જો કોઈ વ્યક્તિ સાથે ઓનલાઈન છેતરપિંડી થાય તો તાત્કાલિક 1930 સાયબર હેલ્પલાઈન પર સંપર્ક કરવા અથવા નજીકના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં જાણ કરવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો
શું ખરેખર ગરબા રમવા માટે ભાડેથી પાર્ટનર મળશે ? સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ, યુવકે કરી સ્પષ્ટતા

