ETV Bharat / state

ઉનાળાની શરૂઆત સાથે પાટનગરમાં પાણીની પોકાર - Water crisis in Gandhinagar

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 9, 2024, 7:51 PM IST

Updated : Apr 9, 2024, 10:11 PM IST

એક બાજુ સરકાર 24 કલાક પાણીની આપવાની વાતો કરે છે ત્યારે બીજી બાજુ ગાંધીનગરના અનેક ઘરોમાં પૂરતું પીવાનું પાણી પણ મળતું નથી. કેટલીક જગ્યાએ તો પાણીના ટેન્કરો મંગાવવા પડી રહ્યા છે. જાણો શું છે સમગ્ર વિગત..

water crisis in gandhinagar
water crisis in gandhinagar

ગાંધીનગર: શહેરમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. માર્ચ મહિનાથી ગરમીની શરૂઆત થઈ ગઈ છે. તાપમાનનો પારો ૪૦ ડિગ્રીએ પહોંચ્યો છે. ત્યારે રાજ્યની રાજધાનીમાં પાણીની પોકાર શરૂ થઈ છે. ગાંધીનગરમાં અનેક સેકટરમાં પાણીની પળોજણ શરૂ થઈ છે. સેક્ટર 1, 2, 3, 4 અને 5 માં પાણીના પોકારના પગલે તંત્રની ઉંઘ ઉડી ગઈ છે. ગાંધીનગરના અનેક સેક્ટરોમાં પાણીનું પ્રેશર ઓછું આવે છે.

શહેરમાં પાણીનો કુલ વપરાશ 60 એમએલડી: ગાંધીનગરમાં પાણીનો કુલ 60 એમએલડીનો વપરાશ છે. 30 એમએલડી સેક્ટર 1 થી 14 ને સરિતામાંથી સપ્લાય કરવામાં આવે છે. બીજું 30 એમએલડી સેક્ટર 15 થી 30 ને ચરેડી વોટર પ્લાન્ટમાંથી સપ્લાય કરવામાં આવે છે. પાણીની લાઈનમાં શરૂઆતમાં બોરિંગનું અને બાદમાં નર્મદાનું પાણી આવે છે.

પાણી સપ્લાય કરતી લાઈન 30 થી 40 વર્ષ જૂની: પાટનગર યોજના વિભાગના ડેપ્યુટી ઇજનેર હર્ષદભાઈ દવેએ જણાવ્યું કે ગાંધીનગરમાં સવારે છ થી આઠ સુધી પાણી આપવામાં આવે છે. નર્મદાનું પાણી સપ્લાય થાય છે. ગાંધીનગરના સેક્ટરોમાં પાણી સપ્લાય કરતી લાઈન અંદાજીત 30 થી 40 વર્ષ જૂની છે. શહેરમાં જમીનનો ઢાળ પણ આડો-અવળો હોવાથી નીચાણવાળા વિસ્તારમાં પાણીની લાઈન ખાલી થઈ જાય છે. પાટનગરમાં કેટલાક સેક્ટરમાં પાણીની લાઈનો ખાલી થઈ જાય છે. તેથી આ પાણીની ખાલી લાઈનો બોરિંગના પાણીથી ભરવી પડે છે. આ લાઈનો જો ખાલી રહી જાય તો નર્મદાના પાણીનું પ્રેશર ઓછું આવે છે. તેથી રાત્રે એક બે વાગ્યે બોરિંગ શરૂ કરવામાં આવે છે. સવારે અંદાજિત 8:30 વાગે બોરિંગ બંધ કરવામાં આવે છે. બોરિંગના પાણીની સાથે નર્મદાનું પાણી પણ લાઈનમાં છોડવામાં આવે છે. જો બોરિંગના પાણીથી લાઈન ભરવામાં ન આવે તો કેટલાક સેક્ટરમાં પ્રેશર ઓછું થઈ જાય છે અને પાણી પહોંચતું નથી.

કેટલાક સેક્ટરમાં બોર ફેલ: ગાંધીનગરમાં કેટલાક સેક્ટરમાં બોર ફેલ થઈ ગયા હોવાથી પાણીનું પ્રેશર ઓછું આવી રહ્યું છે. નવા બોરની માંગણી કરવામાં આવી હતી. હાલમાં ત્રણ નવા બોર બની રહ્યા છે. આ બોરિંગ તૈયાર થઈ ગયા બાદ ફરીથી રાબેતા મુજબ પાણીનું પ્રેશર મળશે.

250 કરોડના ખર્ચે પાણીની લાઈનો બદલવામાં આવી: ગાંધીનગર શહેર વસાહત મહાસંઘના પ્રમુખ કેસરીસિંહ બિહોલાએ જણાવ્યું કે ગાંધીનગરમાં છેલ્લા ઘણા દિવસોથી પાણીનો ફોર્સ ઓછો આવે છે. સેક્ટરોમાં પૂરતો પાણી મળતું નથી. પાટનગર યોજના ભવન દ્વારા 250 કરોડના ખર્ચે પાણીની લાઈનો બદલવામાં આવી છે. સરકાર પાસે પાણીનો પૂરતો જથ્થો છે. પરંતુ વિતરણ વ્યવસ્થાની ખામીને કારણે નાગરિકોને પૂરતું પાણી નથી મળી રહ્યું. એક બાજુ સરકાર 24 કલાક પાણીની આપવાની વાત કરે છે. જ્યારે બીજી બાજુ અનેક ઘરોમાં પૂરતું પીવાનું પાણી પણ મળતું નથી. ગાંધીનગરમાં કેટલીક જગ્યાએ પાણીના ટેન્કરો મંગાવવા પડે છે. સેક્ટર પાંચમાં પાણીની ટાંકી હોવા છતાં પાણીનું પ્રેશર મળતું નથી.

અનેક રજૂઆતો છતા કોઈ ઉકેલ મળ્યો નથી: ગાંધીનગર શહેર વસાહત મહાસંઘના હોદ્દેદાર ધીરુભાઈ ચારણે જણાવ્યું કે સેક્ટર 3 માં પીવાના પાણી માટેનો પંપ નવો નાખ્યો છે. પંપનો ખાડો ખોદ્યાને આજે દોઢ મહિનો થઈ ગયો છે છતાં હજી રીપેરીંગ થયું નથી. એક વ્યક્તિનો અકસ્માતમાં હાથ અને પગ તૂટી ગયો છે. પંપમાં ગટરની લાઈન ભળી ગઈ હોવાની સંભાવના છે તેથી, સવારે શરૂઆતમાં ડોહળુ પાણી આવે છે. પાણીનું પ્રેશર ઓછું હોવાની અમે અનેક રજૂઆત કરી પરંતુ, હજી સુધી કોઈ ઉકેલ મળ્યો નથી.

ગામડાઓમાં પણ પાણીની સમસ્યા: ગાંધીનગર મહાનગરપાલિકામાં સમાવિષ્ટ 18 ગામના કન્વીનર અને વાવોલ ગામના વતની ઘનશ્યામસિંહે જણાવ્યું કે ગાંધીનગર શહેરની વાત તો દૂર રહી પરંતુ ગાંધીનગર મહાનગરપાલિકામાં સમાવિષ્ટ 18 ગામડાઓમાં પાણીની હાલત ખૂબ જ ખરાબ છે. ગામડાઓમાં કેટલીક જગ્યાએ પાણી આવે છે. કેટલીક જગ્યાએ નથી આવતું. ગામતળમાં કેટલીક જગ્યાએ પાણીની અનેકવાર ફરિયાદો કરી છે છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. તંત્ર દ્વારા ઓનલાઇન ફરિયાદ કરવાનું જણાવવામાં આવે છે પણ દરેક ગામડાના લોકો ઓનલાઈન ફરિયાદ કરી શકતા નથી.

  1. સુરતના વિવિધ 52 સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, વી.આર. મોલ સત્વરે ખાલી કરાવતા અફરાતફરી સર્જાઈ - Surat Vesu
  2. કાગવડ ખોડલધામ મંદિરે નવ દિવસ ધામધૂમથી ઉજવાશે ચૈત્રી નવરાત્રિ, જાણો કયા છે કાર્યક્રમો - CHAITRI NAVRATRI
Last Updated : Apr 9, 2024, 10:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.