ETV Bharat / state

Holi 2024 : હોળીની જ્વાળાનું વિજ્ઞાન ! પરંપરાગત આગાહી પદ્ધતિથી નક્કી કરો આગામી વર્ષ કેવું રહેશે

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 19, 2024, 11:54 AM IST

પરંપરાગત આગાહી પદ્ધતિનું વિજ્ઞાન
પરંપરાગત આગાહી પદ્ધતિનું વિજ્ઞાન

હવામાન વિભાગની આધુનિક પદ્ધતિથી અલગ એમ વર્ષો પહેલા પરંપરાગત રીતે કુદરતી સંકેતોના આધારે આગાહી કરવામાં આવતી હતી. જેમાં મુખ્યત્વે વરસાદ, વાવાઝોડા અને કૃષિ પાક કેવા રહેશે તેની સચોટ આગાહી હોળીની જ્વાળા કઈ દિશામાં જાય તેના આધારે થતી હતી. જાણો આ પરંપરાગત પદ્ધતિ...

હોળીની જ્વાળા પરથી નક્કી કરો આગામી વર્ષ કેવું રહેશે

જૂનાગઢ : 25 માર્ચ, રવિવારના દિવસે હોલિકા દહનનો તહેવાર આવી રહ્યો છે. જ્યારે હવામાન વિભાગ કાર્યરત નહોતું ત્યારે દેશી પદ્ધતિથી કેટલાક આગાહીકાર ચોમાસાનો વરસાદ અને આવનાર વર્ષ કેવું રહેશે તેને લઈને વર્તારો રજૂ કરતા હતા. પ્રાચીન સમયમાં હોળીની ઝાળ અથવા જ્વાળા પરથી પણ આવનાર વર્ષ અને વરસાદ કેવો રહેશે તેની આગાહી થતી હતી. આજે પણ તે જ રીતે દેશી આગાહીકારો વર્ષ અને વરસાદનો વરતારો વ્યક્ત કરે છે.

દેશી આગાહી પદ્ધતિ : જ્યારે હવામાન વિભાગ કાર્યરત નહોતું તેવા સમયે વિવિધ પ્રાંત અને વિસ્તારોમાં કુદરતી સંકેતોને આધારે વરસાદ, વાવાઝોડું, કૃષિ પાકો અને સમગ્ર વર્ષને લઈને વરતારો રજૂ કરવામાં આવતો હતો. હવે હવામાન વિભાગ સંપૂર્ણ પણે કાર્યરત છે. પરંતુ આજે પણ સૌરાષ્ટ્રમાં કુદરતી સંકેતના આધારે વરસાદ, વાવાઝોડું, કૃષિપાક અને આવનારું સમગ્ર વર્ષ કેવું રહેશે તેનો વરતારો વ્યક્ત કરવામાં આવે છે. આ પરંપરા આજે પણ સૌરાષ્ટ્રમાં જોવા મળે છે.

હોળીની જ્વાળા પરથી વરસાદનો વર્તારો : હોળીની ઝાળ, શરદ પૂનમના દિવસે છાયા પ્રયોગ અને આકાશ દર્શન આ ચાર પ્રકારે મુખ્યત્વે વર્ષ અને વરસાદની સાથે કૃષિ પાકોનો વરતારો રજૂ કરવામાં આવે છે. હોળી પ્રગટાવ્યાના 90 મિનિટ સુધી હોળીની ઝાળ પરથી વરસાદનો વરતારો વ્યક્ત કરવામાં આવે છે. દેશી પરંપરા અનુસાર હોળી પ્રગટ્યા બાદ 90 મિનિટ સુધી હોળીની ઝાળ ઈશાન, ઉત્તર, વાયવ્ય, પશ્ચિમ, નૈઋત્ય, દક્ષિણ, અગ્નિ અને પૂર્વ દિશા તરફ જાય તો વર્ષ કેવું રહેશે તેને લઈને વર્તારો વ્યક્ત કરવામાં આવે છે.

હોળીની જ્વાળા પરથી આગાહી
હોળીની જ્વાળા પરથી આગાહી

હોળીની જ્વાળાનું વિજ્ઞાન : પશ્ચિમ દિશા તરફ જતી હોળીની જ્વાળા ઉત્તમ ફળદાયી માનવામાં આવે છે. ઉત્તર દિશા સારા વરસાદના સંકેત આપે છે. વાયવ્ય દિશામાં ગયેલી જ્વાળા તોફાની વરસાદના સંકેત તરીકે જોવામાં આવે છે. ઈશાન દિશામાં હોળીની ઝાળ ગરમીનું પ્રમાણ વધુ અને ઉનાળો મોડો આવે તેનું સંકેત આપે છે. પૂર્વ દિશા તરફ ગયેલી હોળીની ઝાળ ખંડીય વૃષ્ટિ સાથે વરસાદ થાય તથા અગ્નિ દિશા તરફ ગયેલી હોળીની જાળ દુષ્કાળની આગાહીનો નિર્દેશ કરે છે. દક્ષિણ દિશા તરફ જતી જ્વાળા જીવજંતુનો ઉપદ્રવ અને ઓછા વરસાદનું સૂચન કરે છે. તેમજ નૈઋત્ય દિશામાં ગયેલી હોળીની ઝા શિયાળામાં ઠંડીનું પ્રમાણ વધારે થશે અને ઉનાળો એકદમ સામાન્ય રહેશે એવો વર્તારો આપે છે.

શરદ પૂનમનો વરતારો : હોળી બાદ શરદ પૂનમના વર્તારાને પણ ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. શરદ પૂનમના દિવસે સપ્રમાણ સાકર અને પૌવાને ખુલ્લા આકાશ નીચે એક વાસણમાં રાખવામાં આવે છે. આ દરમિયાન હવામાં આવેલા ભેજને કારણે પણ વરસાદનો વર્તારો કરવામાં આવે છે. પૌવામાં જેટલા ભેજનું પ્રમાણ વધારે તેમ વર્ષ ખૂબ સારું જાય તેવું માનવામાં આવે છે.

લાકડીના પડછાયો કરશે આગાહી : આ સિવાય અક્ષય તૃતીયાના દિવસે મધ્ય બપોરે લાકડી સીધી રાખીને પણ વર્તારો થાય છે. લાકડીનો પડછાયો ત્રણથી છ ઇંચ ઉત્તરમાં જાય તો વર્ષ સૌથી સારું અને પડછાયો ત્રણ ઈંચથી ઓછો થાય તો વર્ષ મધ્યમ રહે છે. ઉપરાંત લાકડીનો પડછાયો દક્ષિણ દિશામાં જાય તો દુષ્કાળ પડે તે પ્રકારનો વરતારો દેશી આગાહીકાર વ્યક્ત કરતા હોય છે.

  1. Holi 2024: સુરત પાંજરાપોળ દ્વારા ગાયના છાણમાંથી 70 હજાર કિલો જેટલી હોલી સ્ટિક(ગૌ કાષ્ટ) તૈયાર કરાઈ
  2. અહીંના લોકો દેવ દિવાળીથી લઈને હોળી સુધી મનાવે છે તહેવાર, આદીવાસી સમાજની અનોખી પરંપરા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.