ETV Bharat / state

વલસાડના કપરાડા વિસ્તારમાં કમોસમી વરસાદ સાથે તેજ પવન ફૂંકાયો, આશ્રમશાળાનો શેડ ઉડ્યો - Valsad Unseasonal Rain

author img

By ETV Bharat Gujarati Team

Published : May 13, 2024, 4:09 PM IST

હવામાન વિભાગે કરેલી આગાહી સાચી પડી છે. કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તાર અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલા સુથારપાડા અને તેની આસપાસના વિવિધ ગામોમાં આજે વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યારબાદ કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો.

વલસાડ માં કમોસમી વરસાદ સાથે તેજ પવન ફૂંકાયો
વલસાડ માં કમોસમી વરસાદ સાથે તેજ પવન ફૂંકાયો (ETV Bharat Desk)

કપરાડા વિસ્તારમાં કમોસમી વરસાદ, આશ્રમશાળાનો શેડ ઉડ્યો (ETV Bharat Desk)

વલસાડ : હવામાન વિભાગે તારીખ 12 થી 16 વચ્ચે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી હતી, જે સાચી ઠરી રહી છે. આજે વહેલી સવારે વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યારબાદ મહારાષ્ટ્ર બોર્ડર અને ગુજરાતમાં આવેલા સુથારપાડા નજીકના અનેક ગામોમાં વરસાદ તૂટી પડ્યો હતો. સતત એક કલાક સુધી પડ્યા વરસાદી ઝાપટાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, બીજી તરફ ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.

માવઠાનો માર પડશે ? દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વલસાડના આસપાસના વિસ્તારમાં આંબાવાડી ધરાવતા ખેડૂતોને કમોસમી વરસાદ થવાને કારણે નુકસાન થવાની ભીતિ છે. જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. ખેડૂતોના અનુસાર હાલમાં કેરીનું ઉત્પાદન માત્ર 40% જેટલું છે, એવામાં કમોસમી વરસાદે માઝા મૂકી છે. જેના કારણે ખેડૂતોની સાથે સાથે વેપારીઓમાં પણ ચિંતાનો માહોલ રહ્યો છે. કારણ કે એક તો ઓછી કેરી અને ઉપરથી વરસાદનું ગ્રહણ નડતા કેરીના ભાવ વધુ તળિયે જઈ શકે એવી શક્યતા છે. સાથે જ ખેડૂતોને વળતર મળશે કે કેમ તે અંગે પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

આશ્રમ શાળાનો શેડ ઉડ્યો : કપરાડા તાલુકાના ગિરનારા ગામે આવેલી વેદાંત આશ્રમ શાળાનો પતરાનો શેડ ચક્રવાતી પવનના કારણે ઉડી ગયો હતો. તેજ પવનના કારણે આસપાસના વિસ્તારમાં આવેલા અનેક વૃક્ષો પણ જમીનદોસ્ત થઈ ગયા છે. શાળાનો પતરાનો આખેઆખો શેડ સીલીંગ ફેન સહિત ઉડીને નીચે પટકાયો છે. જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. પરંતુ આ ઘટનાને પગલે આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા.

કમોસમી વરસાદની આગાહી : હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ હજુ પણ બે દિવસ વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહીના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. હાલમાં જે રીતે વરસાદ થઈ રહ્યો છે તેને જોતા કેરીના પાક સહિત શાકભાજીના પાકને પણ નુકસાન થવાની ભીતિ છે. વલસાડ જિલ્લામાં મહારાષ્ટ્ર બોર્ડર પાસે આવેલા અનેક ગામોમાં વરસાદી માહોલ છે, જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, બીજી તરફ પાકને પણ નુકસાન થવાની ભીતિ છે.

  1. કમોસમી વરસાદની આગાહીથી કેરી પકવતા દક્ષિણ ગુજરાતના ખેડૂતો ચિંતાતૂર, 85000 હેક્ટરમાં ફેલાયેલા કેરીના બગીચાને થશે અસર
  2. છોટાઉદેપુર અને દાહોદના વાતાવરણમાં અચાનક પલટો, ભરઉનાળે કેટલાંક સ્થળે કરા પડ્યા - Rain In Dahod During Summer
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.