ETV Bharat / state

રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં 28 લોકોના મોત, CMએ લીધી દુર્ઘટના સ્થળની મુલકાત, જાણો અત્યાર સુધીમાં શુ થયું - Rajkot TRP Game Zone fire incident

author img

By ETV Bharat Gujarati Team

Published : May 26, 2024, 7:12 AM IST

Updated : May 26, 2024, 1:34 PM IST

રાજકોટમાં નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનામાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક વધીને 28 થઈ ગયો છે. આ ઘટનાએ ન માત્ર ગુજરાત પરંતુ દેશ આખાને હચમચાવી નાખ્યો છે. રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. ત્યારે જાણીએ કે અત્યાર સુધીમાં શું થયું આ ઘટનામાં...Rajkot TRP Game Zone fire incident

રાજકોટ TRP ગેમ ઝોનમાં આગની ઘટના
રાજકોટ TRP ગેમ ઝોનમાં આગની ઘટના (Etv Bharat Gujarat)

TRP ગેમ ઝોનમાં આગની ઘટના અંગે શું કહ્યું પીડિતના પરિવારજન અને પ્રત્યક્ષદર્શીએ (Etv Bharat Gujarat)

રાજકોટ: રાજકોટમાં નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ગઈકાલે સાંજે ભીષણ આગની ઘટના ઘટી હતી. આ દુર્ઘટનામાં 28 જેટલાં લોકોએ જીવ ગુમાવ્યો છે. આ ઘટનાએ ન માત્ર ગુજરાત પરંતુ દેશ આખાને હચમચાવી નાખ્યો છે. શનિવારે બનેલી આ ઘટના અનેક પરિવારો માટે ખુબ પીડાદાયક બની રહી છે. રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનો માટે સહાયની જાહેરાત કરી છે, બીજી તરફ રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. તો બીજી તરફ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ રાજકોટની મુલાકાતે પહોંચ્યા છે અને દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ રાજકોટ પહોંચ્યા, ઘટના સ્થળની મુલાકાત લીધી (Etv Bharat Gujarat)
રાજકોટ TRP ગેમ ઝોનમાં આગની ઘટના બાદના દ્રશ્યો (Etv Bharat Gujarat)

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું: ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, "રાજકોટમાં એક ખૂબ જ દુ:ખદ ઘટના બની છે, આ ઘટનામાં ઘણા પરિવારોએ તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે અને ઘણા બાળકોના પણ મોત થયા છે. SITને સવારે 3 વાગ્યા સુધી તપાસ શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે. .. રમતગમત ક્ષેત્રના બાંધકામની જવાબદારી જેમના હસ્તક છે તે તમામ વિભાગના અધિકારીઓને આજે સવારે 3 વાગ્યા સુધીમાં કલેક્ટર કચેરીમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી છે અને ટૂંક સમયમાં ન્યાય અપાવવા કાર્યવાહી કરવામાં આવશે''

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની મીડિયા સાથે વાતચીત (Etv Bharat Gujarat)

ગેમ ઝોનના માલીક સહીત જવાબદાર લોકો ઝડપાયા: ગૃહપ્રધાન TRP ગેમિંગ ઝોન, દરબાર ચૌક, નાના મૌવા ખાતે આવેલા ઘટનાસ્થળની મુલાકાત લઈ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલ, નાયબ મ્યુનસિપલ કમિશ્નર સ્વપ્નિલ ખરે, ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેર સહિતના વરિષ્ઠ અધિકારીઓ પાસેથી દુર્ઘટના અંગેના કારણો, તંત્ર દ્વારા કરવામાં આવેલી બચાવ કામગીરી વગેરેની માહિતી મેળવી હતી. ત્યાર બાદ તેમણે એક પત્રકાર પરિષદ યોજી હતી. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આગનું સ્વરૂપ અત્યંત વિકરાળ હતું, અને થોડી મિનિટોમાં જ આગ ચોતરફ પ્રસરી ગઈ હતી. ઘટના બની તેની થોડી મિનિટોમાં જ ફાયર ફાઈટરની ટીમ દ્વારા આગ ઓલવવાની કામગીરી શરુ કરી દેવામાં આવી હતી. તેમજ બચાવ કાર્ય શરુ કરી દેવામાં આવ્યું હતું.

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લીધી ઘટના સ્થળની મુલાકાત
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લીધી ઘટના સ્થળની મુલાકાત (Etv Bharat Gujarat)

દુર્ઘટના માટે જવાબદાર એવા તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવો વિશ્વાસ અપાવ્યો હતો. હર્ષ સંઘવી રાજકોટ ખાતે જ રોકાઈ ઉચ્ચ અધિકારીઓએ સાથે રહી કામગીરી પર વોચ રાખી રહ્યા છે. ગૃહરાજ્ય પ્રધાને ઊંડા ખેદની લાગણી વ્યક્ત કરતા ગૃહ રાજ્યપ્રધાન જણાવ્યું હતું કે, સરકારની સંવેદના આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો સાથે છે. પોલીસ વિભાગ દ્વારા ત્વરિત કામગીરી કરી ઘટનાના થોડા સમયમાં જ ગેમ ઝોનના માલીક સહીત જવાબદાર લોકોને ઝડપી લેવામાં આવ્યાં છે, તેમજ સંલગ્ન અન્ય જવાબદાર લોકોને પણ વહેલી તકે પકડી લેવામાં આવશે.

દુર્ઘટનાની તપાસ માટે SITની રચના
દુર્ઘટનાની તપાસ માટે SITની રચના ((ગુજરાત સરકાર))

TRP ગેમ ઝોન અગ્નિકાંડની તપાસ માટે SITની રચના: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરી તપાસ અર્થે તાત્કાલિક "SIT"નું ગઠન કરી વહેલામાં વહેલી તકે જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ પગલાં લેવા માટે જણાવ્યું હોવાનું હર્ષ સંઘવીએ પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું. રાજકોટ અગ્નિકાંડમાં મૃતક પરિવારોને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત આ દુર્ઘટના મામલે સુભાષ ત્રિવેદીની આગેવાનીમાં સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરીને સમગ્ર ઘટનાની તપાસ સોંપવામાં આવી છે.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ દુર્ઘટના અંગે વડાપ્રધાન મોદીને અવગત કરાવ્યા છે. સીએમે રાજકોટમાં સર્જાયેલી આગની ઘટના સંદર્ભમાં પીએમ મોદી સાથે ટેલીફોનીક વાતચીત કરીને ઘટનાની વિગતો જણાવી હતી અને આ અંગે દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી. તેઓએ આ દુઘર્ટનાની સંપૂર્ણ તપાસ કરીને કસૂરવાર લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરવા માટે પણ દિશાનિર્દેશ આપ્યા હોવાનું મુખ્યપ્રધાને ટ્વિટ દ્વારા જણાવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યુ અને મૃતકોના પરિવારજનો પ્રત્યે ઉંડી સંવેદના વ્યક્ત કરી હતી.

રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મૂએ પણ રાજકોટ અગ્નિકાંડની દુર્ઘટના પર ઉંડો શોક વ્યક્ત કર્યો.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કરીને રાજ્ય સરકાર પાસે આ દુર્ઘટનાની વહેલી તપાસ થાય અને જવાબદારો વિરૂદ્ધ કાર્યવાહી થાય તેવી માંગ કરી છે.

ગેમિંગ ઝોન સંચાલકો પાસે ફાયરની NOCન હતી: વિધાનસભા કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા અમિત ચાવડાએ આ દુર્ઘટનામાં મોતને ભેટેલા બાળકો અને અન્ય લોકોના દિવંગત આત્માઓને શાંતિ માટેની પ્રાર્થના કરતા પીડિત પરિવારો પર સંવેદના વ્યક્ત કરી હતી. ચાવડાએ કહ્યું કે, સુરતનો તક્ષશિલા કાંડ હોય, વડોદરાનો હોડી કાંડ, હોય મોરબીનો મચ્છુ પુલ દુર્ઘટના હોય, રાજકોટની ગેમિંગ ઝોન આજની ઘટના હોય વારંવાર આવી ઘટનાઓ બને છે. માસુમ લોકોના જીવ જાય છે. ત્યાર પછી સરકાર તપાસના આદેશ આપે છે. રાજકોટમાં પણ બહાર આવ્યું કે ગેમિંગ ઝોન સંચાલકો પાસે ફાયરની એનઓસી ન હતી. મહાનગરપાલિકા દ્વારા વખત તેનો મોનિટરિંગ ન થતું હોય, ચકાસણી ન થતી હોય, ભ્રષ્ટાચારને કારણે થોડા લોકોને લાભ કરાવવાની નીતિને કારણે આવા બનાવો ગુજરાતમાં વારંવાર બને છે. અનેક માણસ જીવ ગયા છે.

અમિત ચાવડાએ અગ્નિકાંડ મામલે નિષ્પક્ષ તપાસની કરી માંગ (Etv Bharat Gujarat)

દુઃખ સાથે સરકારને કહેવું છે કે આવી ફરીથી દુર્ઘટના ન બને તે માટે તાત્કાલિક તપાસ થવી જોઈએ. જે પણ જવાબદારો પર તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. આખા ગુજરાતમાં જ્યાં પણ આવા વધારે માત્રામાં લોકો આવતા હોય મેળાવડા થતા હોય ગેમિંગ ઝોન હોય તેવી તમામ જગ્યાએ સુરક્ષાના નિયમોનું કડક પડે પાલન કરવા માટે સરકારે ત્વરિત કાર્યવાહી કરવી જોઈએ. અનેક લોકો હોસ્પિટલમાં સારવાર પર લઈ રહ્યા છે. તે લોકોને સારી સારવાર મારે અને ઝડપથી સાજા થાય તેવી ભગવાનને પ્રાર્થના કરું છું.

પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની પ્રતિક્રિયા: રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડને લઈને રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ઉંડા દુ:ખની લાગણી વ્યક્ત કરી છે. વિજય રૂપાણીએ તેમના સોશિયલ મીડિયા એક્સ પર જણાવ્યું હતું કે, ''હાલ હું પંજાબ છું, રાજકોટથી સમાચાર મળ્યા છે કે કાલાવાડ રોડ ગેમઝોનમાં આગ લાગવાને કારણે દુઃખદ દુર્ઘટના સર્જાઇ છે. નાના બાળકો અને અમુક વાલી અને કર્મચારીઓના દુઃખદ અવસાનના સમાચાર મળેલ છે.'ખૂબ દુઃખ થયુ છે ઇશ્વર સૌને દુ:ખ સહન કરવાની શક્તિ આપે .આગમાં ભોગ બનેલ તમામ પ્રત્યે દુઃખની લાગણી અને સંવેદના વ્યક્ત કરુ છું''.

Last Updated : May 26, 2024, 1:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.