ETV Bharat / state

ક્ષત્રિય મહિલાઓએ પીએમ મોદીને લખ્યો પત્ર, મહીસાગરમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન - PARSHOTTAM RUPALA CONTROVERSY

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 8, 2024, 10:36 AM IST

Updated : Apr 8, 2024, 1:29 PM IST

ક્ષત્રિય મહિલાઓએ પીએમ મોદીને લખ્યો પત્ર
ક્ષત્રિય મહિલાઓએ પીએમ મોદીને લખ્યો પત્ર

મહીસાગર જિલ્લામાં સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા મિશન રૂપાલા અંતર્ગત મહાસંમેલન યોજાયું છે. લુણાવાડા ખાતે આવેલી રાજપૂત સમાજ વાડીમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ, યુવાનો અને બહેનો આ સંમેલનમાં ઉમટ્યા હતા. ક્ષત્રિયાણીઓ દ્વારા રૂપાલાને હટાવવા માંગ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટ કાર્ડ લખવામાં આવ્યા છે.

મહીસાગરમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન

મહીસાગર : ગુજરાતમાં હાલ પરશોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિયોનો ગુસ્સો શાંત થવાનું નામ નથી લેતો. રૂપાલાની વાંધાજનક ટિપ્પણીના પગલે રાજ્યભરમાં વિરોધ વકર્યો છે. રવિવારના રોજ મહીસાગર જિલ્લામાં સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા મિશન રૂપાલા અંતર્ગત મહા સંમેલન યોજાયુ હતું. ક્ષત્રિયાણીઓ દ્વારા 600 પોસ્ટ કાર્ડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખવામાં આવ્યા છે અને એક જ માંગ રૂપાલાને હટાવવા કરી છે.

રાજપૂત સમાજ વાડીમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન
રાજપૂત સમાજ વાડીમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન

પીએમ મોદી જોગ ક્ષત્રિયાણીઓનો પત્ર :

"માનનીય ભારતના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર અને તેમની લાડકી બહેનોના ભાઈ નરેન્દ્રભાઈ આપ જ્યારે ગુજરાતથી દિલ્હી જઈ રહ્યા હતા ત્યારે આપે અમને વચન આપેલું હતું કે, જ્યારે જ્યારે મારી બહેનોને મારી જરૂર પડશે, ત્યારે ત્યારે મને ફક્ત એક પોસ્ટકાર્ડ લખશે તો પણ હું આવીને ઉભો રહીશ. અમારા લાડકવાયા ભાઈની આજે અમારી ઈજ્જત ઉપર આવી પડી છે ત્યારે આપની જરૂરિયાત છે. અમને આપની પાર્ટીના ઉમેદવાર દ્વારા વાણી વિલાસ કરીને ખરાબ ચીતરવામાં આવી છે, તો એક ભાઈ તરીકે આજે આપ જવાબદારી ઉપાડીને અમને યોગ્ય ન્યાય અપાવવા વિનંતી. બસ એ જ..."

લી. આપની લાડકવાયી બહેનો

ક્ષત્રિય સંમેલન : મહીસાગર રાજપૂત મહિલા સંગઠનના પ્રમુખ નિરુબા સોલંકીએ જણાવ્યું કે, મહીસાગર જિલ્લાનું ક્ષત્રિય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું અને મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા. અમારી એક જ માંગ છે. રૂપાલા સાહેબે જે કઈ નિવેદન આપ્યું છે, અભદ્ર ટિપ્પણી કરી છે. એના માટે એમની ટિકિટ રદ કરવી. એ જ અમારું સૂત્ર છે, એ જ અમારો નારો છે.

ચૂંટણી બહિષ્કારની ચીમકી : જો રૂપાલા સાહેબની ટિકિટ રદ ન થાય તો પછી અમારી આગળની રણનીતિ એ જ રહેશે કે, મહીસાગર જિલ્લામાં ગામડે ગામડે કોઈપણ ભાજપના કાર્યકર્તાઓ કે નેતા વોટ માટે નહીં આવી શકે. ગામડે ગામડે બેનર લગાવવામાં આવશે અને કોઈપણ ભાજપના કાર્યકર્તાઓને એન્ટ્રી આપવામાં નહીં આવે. એ જ અમારી આગળની રણનીતિ રહી છે.

ક્ષત્રિય સમાજની માંગ : નિરુબા સોલંકીએ કહ્યું કે, હું તો કહું છું કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ તો ગુજરાતના છે. હજુ કદાચ કોઈ બહારના જિલ્લાના હોય કે બહારના રાજ્યના હોય તો અમે આટલી બધી માંગણી ન કરી શકીએ. તમે તો ભાઈ છો. અમારે કોઈ પાર્ટી સાથે કોઈ જ વિરોધ નથી, ફક્ત અને ફક્ત રૂપાલા સાથે વિરોધ છે. અમે 562 રજવાડા તમને સોંપી દીધા, તો તમે એક ટિકિટ રદ નથી કરી શકતા?

વાણી વિલાસ ન કરો : આજે બહેનો જોહર કરવા અને ભાઈઓ કેસરિયા કરવા માટે ઉતર્યા છે, તો શરમ આવવી જોઈએ, એક ટિકિટ માટે આટલી ક્ષત્રિયાણી અને રાજપુત બહાર આવ્યા છે, ખાધા પીધા વગર રોડ પર ફરે છે અને બહેનની રક્ષા કરવા માટે ભાઈઓને જેલમાં જવું પડે છે. અમારા ક્ષત્રિયોનો ધન્યવાદ માનજો કે કોઈ ક્ષત્રિયો એ ગવર્મેન્ટનું કે કોઈ જગ્યાએ નુકસાન નથી કર્યું. એટલા તો અમે શાંત છીએ.

  1. સુરતમાં કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા વિરૂદ્ધ કાર્યવાહીની માંગ, ક્ષત્રિય સમાજે આપ્યું આવેદન
  2. ગાંધીનગર કમલમનો ઘેરાવો કરવા રાજ શેખાવતની હાકલ, કહ્યું - જેને જે ભાષામાં જોઈએ એ ભાષામાં જવાબ આપીશું
Last Updated :Apr 8, 2024, 1:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.