ETV Bharat / state

Airstrip Expansion Project : સરકારના નિર્ણય સામે કચ્છ સરપંચ સંગઠન મેદાને આવ્યું, ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 9, 2024, 3:59 PM IST

કચ્છમાં માંડવી તાલુકાના કાઠડા ગામની 235 એકર ગૌચર જમીન એરસ્ટ્રીપ વિસ્તરણ પ્રોજેક્ટ માટે ફાળવવામાં આવી છે. જેના વિરોધમાં કચ્છ જિલ્લા સરપંચ સંગઠને બાંયો ચડાવી છે. જાણો શું સમગ્ર મામલો અને શું છે સરપંચ સંગઠનની માંગ...

એરસ્ટ્રીપ વિસ્તરણ પ્રોજેક્ટ માટે જમીન ફાળવણીનો વિરોધ
એરસ્ટ્રીપ વિસ્તરણ પ્રોજેક્ટ માટે જમીન ફાળવણીનો વિરોધ

સરકારના નિર્ણય સામે કચ્છ સરપંચ સંગઠન મેદાને આવ્યું

કચ્છ : માંડવી તાલુકાના કાઠડા ગામની 235 એકર ગૌચર જમીન એર સ્ટ્રીપ માટે ફાળવવામાં આવી છે, તેના બદલામાં સરકાર દ્વારા બીજા ગામમાં જમીન ફાળવવામાં આવી છે. જેના વિરોધમાં આજે કલેકટર કચેરીએ કચ્છ જિલ્લા સરપંચ સંગઠન દ્વારા રજુઆત કરવામાં આવી હતી. આ સંગઠનની માંગ છે કે કાઠડા ગામની ગૌચર જમીન એર સ્ટ્રીપ વિસ્તરણ માટે ફાળવણીનો હુકમ રદ કરવામાં આવે.

કચ્છનો પશુપાલન વ્યવસાય : કચ્છ જિલ્લાના ગ્રામીણ સમુદાયની મુખ્ય આજીવિકા પશુપાલન અને ખેતી પર આધારિત છે. કચ્છમાં માનવ વસ્તીની સરખામણીએ પશુધન મોટા પ્રમાણમાં છે. આ પરંપરાગત વ્યવસાયને જાળવી તેનું જતન કરવાનું ગ્રામ પંચાયતની ફરજમાં આવે છે. કચ્છ જિલ્લામાં પશુધન ઘાસચારા માટે પડતર જમીન અને ગૌચર જમીન પર નિર્ભર છે.

ગૌચર જમીનનું સંરક્ષણ : આ પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા લાખો લોકો પોતાની આજીવિકા મેળવી રહ્યા છે. એટલે એમ કહી શકાય કે ગામની ગૌચર જમીનનું સંરક્ષણ અને વિકાસ કરવો એ રાજ્ય સરકાર તેમજ ગ્રામ પંચાયતોની ફરજમાં આવે છે. આ ઉપરાંત સરકારની તમામ નીતિ અને યોજનાનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે ગ્રામ પંચાયત સતત ઉત્સાહિત અને પ્રગતિશીલ છે.

ગૌચર જમીનનું વ્યવસ્થાપન : રાજ્ય સરકારના જમીન મહેસુલ વિભાગ દ્વારા તારીખ 9 માર્ચ 2016 માં ગૌચર જમીનના વ્યવસ્થાપન કરવાની નીતિ અંગેનો ઠરાવ કરવામાં આવ્યો હતો. આ ઠરાવ નીતિ મુજબ ગામની ગૌચર જમીન અને સરકારી જમીન રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર હસ્તકના આયામો માટે ફાળવવામાં આવશે. ગ્રામ પંચાયત એ પાયાની બંધારણીય સરકાર છે. પંચાયતોને કાયદા અનુસાર મળેલી જવાબદારી મુજબ આવી નીતિ વિકાસને બાધારૂપ છે. જેથી કચ્છના સરપંચો આ નીતિનો સંપૂર્ણ વિરોધ કરી રહ્યા છે.

સરકારની નીતિનો વિરોધ : સરપંચોએ જણાવ્યું હતું કે તેઓ વિકાસના વિરોધી નથી પણ સ્થાનિય સ્થિતિને ધ્યાનમાં રાખતા ગૌચર જમીનની ફાળવણી માનવતા અને કાયદાની તદ્દન વિરુદ્ધ છે. સરકારની નીતિ આ પ્રમાણે રહી તો ગામોમાં ગૌચર જમીન રહેશે નહીં અને પરંપરાગત વ્યવસાય નાશ પામશે. રાજ્ય સરકાર દ્વારા ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્યતા આપવા માટે સતત પ્રયત્નો ચાલુ છે.

લોકસભા ચૂંટણી બહિષ્કારની ચીમકી : સરપંચોએ વધુમાં જણાવ્યું કે, બીજી તરફ રાજ્ય સરકાર જ પશુધન અને તેના પર નિર્વાહ કરતા કુટુંબોને ખતમ કરવા માટે આવી નીતિ અમલમાં લાવે છે, જેનાથી તમામને વાંધો છે. જો નીતિ દૂર કરવામાં નહીં આવે તો આગામી લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે. ઉપરાંત આજના આધુનિક યુગમાં ગૌચર અને ગાયો માટે શહીદી વહોરવા ગામ લોકો સાથે તૈયાર રહીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી.

એરસ્ટ્રીપ વિસ્તરણ પ્રોજેક્ટ : કાઠડા ગામના સરપંચ ભારૂ ગઢવીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં માંડવી તાલુકાના કાઠડા ગામમાં એરસ્ટ્રીપ વિસ્તરણ પ્રોજેક્ટ માટે સર્વે નંબર 357/2 વાડી જમીન માંગવામાં આવી છે. તેના બદલામાં નાના લાયજા સર્વે નંબર 200,93,94 ની જમીન કાઠડા ગૌચર તરીકે ફાળવવા માટે દર્શાવવામાં આવી છે. આ જમીન કાઠડા ગામથી લગભગ 6 કિલોમીટર દૂર છે એટલે આશ્ચર્ય છે કે, પશુઘન 10 કિલોમીટર ચાલીને કેવી રીતે ચરવા જઈ શકશે ? સરકારની આ નીતિ તેમજ કાઠડા ગામની ગૌચર જમીન ફાળવવા માટે શું ગણતરી છે ? સરકારે ખરેખર આ માટે વિચારવું જરૂરી છે. જો સરકારની આવી જ નીતિ રહી તો ગૌચર માત્ર રેકર્ડ પર રહેશે ચરિયાણ માટે બચશે નહીં.

કાઠડા ગામનો 3.60 કરોડનો બિઝનેસ : કાઠડા ગામમાં 20 મી પશુધન ગણતરી મુજબ 1721 જેટલી ગાય, 824 જેટલી ભેંસો, 24 જેટલા ઘેટાં, 329 જેટલા બકરા, 7 ઘોડા અને 6 ઊંટ મળીને કુલ 2910 જેટલા પશુઓ સરકારી રેકર્ડ મુજબ નોંધાયેલ છે. ગામમાં રજીસ્ટર્ડ ડેરીઓ પણ આવેલી છે. આ તમામ રજીસ્ટર્ડ ડેરીઓમાં લાખો લીટર દૂધ એકઠું થાય છે અને નાણાકીય રીતે જોતા ડેરી મારફતે ગામોમાં વર્ષમાં કુલ રૂપિયા 3.60 કરોડ પશુપાલકોને ચૂકવવામાં આવે છે. એટલે એમ કહી શકાય કે આ ગૌચરના કારણે પશુપાલકોનો વ્યવસાય મજબૂત બન્યો છે તથા લોકોના સામાજિક અને આર્થિક જીવનમાં નોંધપાત્ર સુધારો થયો છે.

સરકારી નિર્ણયના ગેરફાયદા : ગામની હાલની ગૌચર જમીન સર્વે નંબર 357/2 માં પરંપરાગત તળાવ, વૃક્ષો, પરંપરાગત વનસ્પતિ, જંગલી પશુ અને પક્ષીઓ ઉપરાંત પશુઓ માટે વ્યાપક પ્રમાણમાં ઘાસચારો થાય છે. જેથી બાયોલોજીમાં ડાયવર્સિટી એક્ટ 2002 મુજબ જૈવ વિવિધતાનું જતન કરવું એ કાયદાકીય રીતે ગ્રામ પંચાયતની જવાબદારીમાં આવે છે. જો આ જમીન એરસ્ટ્રીપ વિસ્તરણ પ્રોજેક્ટ માટે આપવામાં આવે તો મીનીસ્ટ્રી ઓફ લો એન્ડ જસ્ટીસના આ કાયદાનું સંપૂર્ણપણે હનન થશે. કાઠડાની આ ગૌચર જમીનનો છેલ્લા 10 વર્ષમાં લોક ભાગીદારીથી વિવિધ રીતે વિકાસ કરવામાં આવ્યો છે.

સરપંચ સંગઠનની માંગ : કચ્છ જિલ્લા સરપંચ સંગઠન પ્રમુખ શક્તિસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા જે નવી જમીન નાના લાયજામાં આપવાની છે, તે જમીન ખારાશ વાળી છે. જ્યાં ઘાસ ઊગી શકે તેમ નથી. હાલમાં કાઠડા ગામના પશુઓની સંખ્યા મુજબ સરકારના ગૌચર જમીનના ધારાધોરણ મુજબ ગૌચર જમીન પૂરતી નથી. જેથી હયાત ગૌચર જમીનની ફાળવણી અને સરકારનો એરસ્ટ્રીપ વિસ્તરણ પ્રોજેક્ટ ગામની દશા અને દિશા બદલશે. કચ્છ જિલ્લા સરોનવહ સંગઠન સાથે કચ્છની 634 ગ્રામ પંચાયત, તાલુકા સરપંચ, ગ્રામ પંચાયત સંગઠન અને જિલ્લા સરપંચ સંગઠન જોડાયેલ છે. દરેકની એક જ માંગ છે કે, આ નીતિ રદ કરવામાં આવે.

કચ્છ જિલ્લા સરપંચ સંગઠનની માંગણી :

  • જે હેતુ માટે ગૌચર જમીન નીમ થયેલ છે તે હેતુ સિવાય ગૌચર જમીન અન્ય કોઈપણ હેતુ માટે આપવી નહીં. જેથી સરકાર દ્વારા ગૌચર જમીન અન્ય હેતુ માટે ફાળવણી કરવાની નીતિ અને ઠરાવ રદ કરવામાં આવે.
  • સરકારના ધારાધોરણ મુજબ પશુઓની સંખ્યા અનુસાર ગૌચર નીમ કરવી તેમજ જો નીમ થયેલ ગૌચર જમીન છે તેની માપણી અને ડિમાર્કેશન કરીને તે ગૌચર જમીન ગ્રામ પંચાયતને સોંપવામાં આવે.
  • ગૌચર જમીનના વિકાસ માટે સરકાર દ્વારા PPP મોડેલથી વ્યાપક પ્રમાણમાં યોજના અને પ્રોજેક્ટ બનાવવા અને ગ્રામ પંચાયત દ્વારા તેનું અમલીકરણ કરવું.
  • કાઠડા ગામની ગૌચર જમીન એર સ્ટ્રીપ વિસ્તરણ માટે ફાળવણીનો હુકમ રદ કરવામાં આવે.
  1. Mandvi 444 Foundation Day : કચ્છના ઐતિહાસિક શહેર માંડવીનો 444 સ્થાપના દિવસ, જુઓ માંડવીની જાણીઅજાણી વાતો
  2. Kutch News : કચ્છ યુનિવર્સિટીને ગ્રાન્ટ ફાળવણી, રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાનની 20 કરોડ અને ગુજરાત સરકારની 1 કરોડની ગ્રાન્ટ મળી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.