ETV Bharat / state

ગુજરાતના સૌથી જૂના મ્યુઝિયમ કચ્છ મ્યુઝીયમ વિશે જાણો છો? ક્ષત્રપ શિલાલેખથી માંડી બીજા અનેક મૂલ્યવાન નજરાણાં અહીં છે - Kutch Museum

author img

By ETV Bharat Gujarati Team

Published : May 18, 2024, 1:07 PM IST

ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ કચ્છનું કચ્છ મ્યુઝિયમ છે.જે 1977માં બનેલું છે. મ્યુઝિયમમાં પ્રદર્શિત પ્રાચીન વસ્તુઓ લોકોમાં આકર્ષણ જમાવે છે. જેમાં પ્રાચીન સમયમાં કચ્છમાં મળેલી વસ્તુઓ આજ સુધી સંગ્રહી રાખવામાં આવી છે. કચ્છ મ્યુઝિયમનો ઈતિહાસ શું છે જાણો આ વિશેષ અહેવાલમાં.

ગુજરાતના સૌથી જૂના મ્યુઝિયમ કચ્છ મ્યુઝીયમ વિશે જાણો છો? ક્ષત્રપ શિલાલેખથી માંડી બીજા અનેક મૂલ્યવાન નજરાણાં અહીં છે
ગુજરાતના સૌથી જૂના મ્યુઝિયમ કચ્છ મ્યુઝીયમ વિશે જાણો છો? ક્ષત્રપ શિલાલેખથી માંડી બીજા અનેક મૂલ્યવાન નજરાણાં અહીં છે (ETV Bharat)

કચ્છ મ્યુઝિયમનો ઈતિહાસ શું છે જાણો (ETV Bharat)

કચ્છ : કચ્છની ધરા અનેક ઇતિહાસ અને પ્રાચીન સંસ્કૃતિની ધરોહર સંગ્રહી બેઠી છે તેમજ અહીંના ઈતિહાસ અને સંસ્કૃતિને લગતી અમૂલ્ય વસ્તુઓ સંગ્રહી રાખનાર કોઈ સ્થળ હોય તો તે જિલ્લા મથક ભુજમાં આવેલું કચ્છ મ્યુઝિયમ છે. આ કચ્છ સંગ્રહાલય પુરાતત્વ અને કળાનું એક અદભુત મિલન છે જેમાં પ્રાચીન સમયમાં કચ્છમાંથી મળી આવેલી બહુમૂલ્ય પુરાતત્વીય વસ્તુઓ આજ સુધી સાવચેતીપૂર્વક સંગ્રહી રાખવામાં આવી છે.

ક્ષત્રપ રાજાઓ સમયના શિલાલેખ
ક્ષત્રપ રાજાઓ સમયના શિલાલેખ (ETV Bharat)

વર્ષ 1877માં બનેલું છે કચ્છ મ્યુઝિયમ : વર્ષ 1877માં બનેલું આ મ્યુઝિયમ ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ તરીકે ઓળખાય છે. કચ્છ મ્યુઝિયમમાં પ્રદર્શિત પ્રાચીન વસ્તુઓ લોકોમાં ખાસ પ્રકારનું આકર્ષણ જમાવે છે. આ મ્યુઝિયમમાં મુલાકાતીઓ માટે પ્રદર્શન માટે મુકાયેલા ક્ષત્રપ વંશના 11 જેટલા શિલાલેખો મુલાકાતીઓમાં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે. દર વર્ષે અંદાજિત 1.5 લાખ પ્રવાસીઓ આ મ્યુઝિયમની મુલાકાત લેતા હોય છે.

શિલાલેખોની સાચવણી
શિલાલેખોની સાચવણી (ETV Bharat)

2024ના મ્યુઝિયમ દિવસની થીમ “એજ્યુકેશન એન્ડ રિસર્ચ : ઈન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મ્યુઝિયમ દ્વારા વર્ષ 2024ના મ્યુઝિયમ દિવસની થીમ “એજ્યુકેશન એન્ડ રિસર્ચ” રાખવામાં આવી છે. 18 મે, 2023ના દિવસે આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. કચ્છ મ્યુઝિયમએ ગુજરાતમાં આવેલું સૌથી જુનુ મ્યુઝિયમ છે. ભુજ શહેરમાં હમીરસર તળાવના કિનારે વર્ષ 1877માં ઈટાલિયન ગૌથિક શૈલીમાં કચ્છ મ્યુઝિયમની ઈમારત બનાવવામાં આવી છે.

કચ્છ મ્યુઝિયમનો ઈતિહાસ : કચ્છ મ્યુઝિયમના ઈતિહાસની વાત કરવામાં આવે તો કચ્છના રાજા મહારાવ ખેંગારજી ત્રીજા દ્વારા આચાર્ય જે.ડી.એસ્પેરેન્સના માર્ગદર્શન હેઠળ સ્કૂલ ઓફ આર્ટના ભાગરૂપે 1 જુલાઈ, 1877ના રોજ તેની સ્થાપના કરવામાં આવી હતી. ત્યાર બાદ ફેબ્રુઆરી 1884માં રાવ ખેંગારજીના લગ્નપ્રસંગે કચ્છની કળા અને હસ્તકલાનું એક વિશાળ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું અને જ્યારે પ્રદર્શન પૂર્ણ થયું ત્યારે આ કલાકૃતિઓને ક્યાં સ્થળે સંગ્રહિત કરવી એ પણ એક પ્રશ્ન ઉભો થયો હતો ત્યારે આ કલાકૃતિઓના સંગ્રહ માટે એક અલગ ઈમારતી જરૂરિયાત ઉભી થતા બોમ્બેના તત્કાલિન ગવર્નર સર જેમ્સ ફર્ગ્યુસન દ્વારા કચ્છ મ્યુઝિયમની હાલની ઈમારતનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.

સંગ્રહિત મૂલ્યવાન વસ્તુઓ
સંગ્રહિત મૂલ્યવાન વસ્તુઓ (ETV Bharat)

કંઈ રીતે પડ્યું કચ્છ મ્યુઝિયમ નામ : કચ્છમાં ખેંગારજી ત્રીજાના શાસન દરમિયાન કચ્છ મ્યુઝિયમનો જન્મ ગુજરાતના અન્ય મ્યુઝિયમના ચળવળના ઈતિહાસમાં એક સીમાચિન્હરૂપ અવસર તરીકે સ્થાપિત થયો હતો. બોમ્બેના તત્કાલીન ગવર્નરના પ્રયાસોને લીધે મહારાજા દ્વારા આ મ્યુઝિયમનું નામ ફર્ગ્યુસન મ્યુઝિયમ રાખવામાં આવ્યું હતું જોકે સમય જતાં મુંબઈમાંથી ગુજરાતને એક સ્વતંત્ર રાજ્ય બનાવવામાં આવ્યું ત્યારે આ મ્યુઝિયમને ફરીથી લોકો માટે ખોલવામાં આવ્યું અને તેનું નામ કચ્છ મ્યુઝિયમ રાખવામાં આવ્યું.

ઐરાવતનું ઘણું મહત્ત્વ
ઐરાવતનું ઘણું મહત્ત્વ (ETV Bharat)

ભૂકંપ બાદ કરાયું નવીનીકરણ : કચ્છ મ્યૂઝિયમને ઈટાલિયન ગૌથિક શૈલીમાં ખાસ પ્રકારના લાલ રંગની રેતીના પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે. વર્ષ 2001 મા કચ્છમાં આવેલા ભૂકંપના લીધે કચ્છમાં અનેક ઈમારતો જમીનદોસ્ત થઈ ગઈ હતી જેમાં કચ્છ મ્યુઝિયમને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું.ત્યાર બાદ ગુજરાત સરકારના પ્રયાસોથી ભૂકંપ બાદ કચ્છ મ્યુઝિયમની ઈમારતનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. ભૂકંપની સ્થિતિ પછી મ્યૂઝિયમના વિકાસને ધ્યાનમાં રાખીને બાજુમાં આવેલી આલ્ફ્રેડ હાઈસ્કૂલની ઈમારતને પણ રાજ્ય સરકાર દ્વારા હસ્તગત કરવામાં આવી છે.

મ્યુઝીયમમાં જોવા મળશે આ ખાસ વસ્તુ : મ્યુઝીયમમાં ઈ.સ. 1795માં ટીપુ સુલતાન દ્વારા રંગપટ્ટણની વિશાળ તોપ હૈદરી કચ્છી લશ્કરના વડા જમાદાર ફતેહ મહમ્મદને ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી તે પણ પ્રદર્શિત કરવામાં આવી છે. ભેટમાં મળેલી આ તોપ કચ્છ મ્યુઝિયમ પરિસરમાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહી છે. તોપ ભેટમાં આપવા પાછળની કહાની એવી છે કે ટીપુ સુલતાનને કચ્છના ઊંચી નસ્લના ઘોડાઓ પસંદ હતા અને તે લેવા માટે તેણે આ તોપ કચ્છી લશ્કરના વડાને ભેટમાં આપી હતી. આ ઉપરાંત અનેક બહુમૂલ્યો વસ્તુઓનો સંગ્રહ કચ્છ મ્યુઝિયમમાં કરવામાં આવ્યો છે.

કચ્છના સિક્કા
કચ્છના સિક્કા (ETV Bharat)

ઈ.સ.પૂર્વે 2500 થી લઈને 21મી સદી સુધીની વિવિધ પ્રાચીન વસ્તુઓ : કચ્છ મ્યુઝિયમ ફક્ત વસ્તુઓના સંગ્રહ કરવા માટે જ નથી પણ આગામી પેઢીમાં સાંસ્કૃતિક વારસાના જતન પ્રત્યે જાગૃતતા આવે તે દિશામાં પણ કામ કરી રહ્યું છે. કચ્છ મ્યુઝિયમ ઈ.સ.પૂર્વે 2500 થી લઈને 21મી સદી સુધીની વિવિધ પ્રાચીન વસ્તુઓ અને કલાના અવશેષોનો ખજાનો સંગ્રહી બેઠું છે. કચ્છ મ્યુઝિયમમાં ક્ષત્રપ રાજવંશના 11 જેટલા શિલાલેખ આવેલા છે જે ભારતના કોઈ પણ મ્યુઝિયમમાં સૌથી વધારે છે. પશ્ચિમી ક્ષત્રપ રાજવંશનું શાસન ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સુધી ફેલાયેલ હતું. જ્યારે કે આ શિલાલેખ મહારાષ્ટ્ર અને ગુજરાતના વિવિધ ભાગોમાંથી મળી આવ્યા હતા.

શૃંગાર દાગીના
શૃંગાર દાગીના (ETV Bharat)

ઐરાવતની પ્રતિકૃતિ અનેક રીતે અનોખી : આ ઉપરાંત કચ્છ મ્યુઝિયમમાં આવેલી એક લાકડાની પ્રતિકૃતિ કચ્છ અને કોચીન વચ્ચે સંબંધ બનાવે છે. કચ્છ મ્યુઝિયમમાં આવેલી ઇન્દ્ર દેવના વાહન ઐરાવત હાથીની લાકડાની પ્રતિકૃતિ હજારો કિલોમીટર દૂર બે જિલ્લા અને ત્રણ ધર્મ સાથે સંકળાયેલ છે. કચ્છ મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવેલ ઐરાવતની પ્રતિકૃતિ અનોખી હોતાં કચ્છ મ્યુઝિયમ દ્વારા 1975માં આ પ્રતિકૃતિ ખરીદીને મ્યુઝિયમમાં મૂકવામાં આવી હતી. 1977માં કચ્છ મ્યુઝિયમના 100 વર્ષ પૂર્ણ થયાના પ્રસંગે ભારત સરકાર દ્વારા આ ઐરાવત હાથીની પ્રતિકૃતિ દર્શાવતી પોસ્ટ ટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી.

અન્ય આકર્ષણો : કચ્છ મ્યુઝીયમમાં 5000 વર્ષ જૂના હડપ્પન સંસ્કૃતિના અવશેષો ધરાવતા ધોળાવીરામાંથી મળી આવેલા અવશેષો પણ સંગ્રહિત કરવામાં આવ્યા છે તો સાથે જ રાજાશાહી સમયના કપડાં, શસ્ત્રો, ચાંદીના વાસણો, જુદાં જુદાં આભૂષણો, સંગીતના સાધનો, ઇતિહાસ ધરાવતી મૂર્તિઓ, ખડકો, કાંસાની પ્રતિમાઓ, ફ્લેમિંગોના ઇંડા, છીપલામાંથી બનેલા આભૂષણો ઉપરાંત કચ્છમાં ટંકશાળ હતી કે જ્યાં કચ્છી રાજયનું ચલણી નાણું છપાતું હતું અને સિક્કા બહાર પડતાં હતાં ત્યારના કચ્છી સિક્કાઓનો સંગ્રહ પણ અહીં કરવામાં આવ્યો છે.આમ અનેક પ્રાચીન બહુમૂલ્ય ધરાવતી ધરોધરને કચ્છ મ્યુઝિયમ સંગ્રહીને બેઠું છે અને દુનિયાભરના પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે.

દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ લે છે મુલાકાત : ગુજરાત સરકારના ગાંધીનગર સ્થિત રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા કચ્છ મ્યૂઝિયમની સારસંભાળની કામગીરી કરવામાં આવે છે. વર્ષ 2001માં આવેલા વિનાશકારી ભૂકંપ બાદ 20 ફેબ્રુઆરી, 2008ના રોજ હાલના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અને તે સમયના રાજ્યના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના પ્રધાન ફકીરભાઈ વાઘેલાની ઉપસ્થિતિમાં કચ્છ મ્યૂઝિયમનો જિર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. આજે પ્રવાસન ક્ષેત્રે વિકાસ પામેલ કચ્છની મુલાકાતે આવતા લાખો પ્રવાસીઓ અચુક આ સ્થળની મુલાકાત લે છે.

  1. જાણો કચ્છમાં આવેલા ક્ષત્રપ રાજવંશના સમયના શિલાલેખો વિશે...
  2. Heritage Walk In Bhuj : આપણું ભવિષ્ય ઘડવા માટે ભૂતકાળ જોવો જરૂરી છે, વર્લ્ડ હેરિટેજ ડે નિમિતે ભુજમાં હેરિટેજ વોક
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.